પ્રેમ અને નિશા – લગ્ન નામે એક રમત… આ વાર્તા ઘણાના જીવનની સત્યઘટના છે.

પ્રેમ અને નિશા – લગ્ન નામે એક રમત…

કોઈ તમને પૂછે કે તમે પતિ-પત્નીના સંબંધો વિશે શું કહેશો? સ્વાભાવિક રીતે જવાબ આવે કે પતિ અને પત્ની બંને એકબીજાના અવિભાજ્ય અંગ છે. આ સંબંધમાં બંધાયા પહેલાં એકબીજાને જો સારી રીતે ઓળખીએ નહીં તો આખી જીંદગી સાથે જીવી ન શકાય. અને જેઓ પરાણે જીવે છે તેઓને એકબીજાને કદાચ બીજા જન્મમાં ક્યારેય નહીં મળવાનાં વચન આપે તો નવાઈ નહીં લાગે.

એટલે આજે એક એવાં “પ્રેમ અને નિશા” ની વાત છે, જે મળ્યાં, લગ્ન થયાં પણ સાથે ન રહી શક્યા. તો આવો જાણીએ, શું થયું? જ્યારે પ્રેમએ નિશાને કહ્યું કે “ચાલ, ડાઇવોર્સ લઈ લઈએ”. ફોરેન કંટ્રી, અમેરિકામાં નોકરી અર્થે રહેતો પ્રેમ એક ઉચ્ચ ડીગ્રી ધરાવતો હતો. માતાપિતા વર્ષોથી ભારતમાં રહેતા એટલે પ્રેમનો જન્મ પણ અહીંયા જ થયો હતો. લાડકોડથી ઉછરેલા પ્રેમનાં ઘડતરમાં માતાપિતાએ કોઈ કસર બાકી રાખી નહોતી. એંજીનિયરીંગ કરીને આગળ ભણવા માટે પ્રેમ અમેરિકા ગયો.

ત્રણ વર્ષ સુધી પોતાની રીતે ત્યાં રહેવાનું હતું. ભણવાની સાથે સાથે નોકરી પણ કરી શકાય તેમ હતું. માતાપિતાને પોતાના ઉછેર પર અત્યંત અભિમાન હતું એટલે વિના વિચાર કરે, પ્રેમનાં ઉચ્ચ શિક્ષણ માટેનાં નિર્ણયને તરત જ વધાવી લેવામાં આવ્યો. પૈસે ટકે પણ સુખી એવાં પ્રેમના કુટુંબને બીજો કોઈ વિચાર કરવાનો હતો નહીં. એટલે ફોરેન જવું એ એક ચર્ચાનો મુદ્દો બન્યો જ નહીં.

બેચલર ડીગ્રી મળતાની સાથે જ પ્રેમએ અમેરિકા જવા માટેની એક્ઝામ્સ આપી અને તેમાં સારામાં સારી રીતે પાસ થયો. તરત જ અમેરિકાનાં વિઝા મળતાં તે ત્યાં જવા માટે રવાના થયો. અહીંયા માતાપિતા ગર્વથી બધાને કહેતાં કે, “અમારો પ્રેમ ભણીને આવશે અથવા ત્યાં જ સેટલ થશે. અમને કોઈ વાંધો નથી. અમારે એનાં પૈસાની જરૂર નથી. ભણી લેશે એટલે એક સારી અને સંસ્કારી છોકરી જોઈ, તેનાં લગ્ન કરાવશું” વિગેરે વિગેરે.
સમય વીતતો ગયો. ત્રણ વર્ષ ક્યાં પસાર થઈ ગયા, ખબર ન પડી. એવામાં એક દિવસ, પ્રેમનાં “પાસ” થવાનાં સમાચાર માતાપિતાને મળ્યાં. આનંદથી માતાપિતાએ આખા કુટુંબના સભ્યોને આ ન્યૂઝ આપ્યાં. પાસ થતાં જ નોકરી તૈયાર હતી. માતાપિતા, બંને અમેરિકા ગયાં અને દીકરાની સાથે સમય ગાળ્યો.

એક દિવસ, પિતાએ અમેરિકામાં જ, પ્રેમને જણાવ્યું કે “હવે તારી ઉંમર લગ્ન કરવા જેવડી છે. માટે અમે તારે માટે ભારતમાં છોકરી શોધશું. માતાપિતાનાં આશ્ચર્ય સાથે પ્રેમએ થોડો સમય માંગ્યો. પિતાને દાળમાં કાંઈક કાળું હોવાની શકયતા દેખાઈ. વિચારોના મક્કમ એવાં પિતાએ પ્રેમને પૂછ્યું કે વાત શું છે? પ્રેમએ જણાવ્યું કે તેને પોતાની સાથે ભણતી અમેરિકામાં જ ઉછેરેલી, અમેરિકન છોકરી “જુલી” સાથે લગ્ન કરવા છે. માતાપિતાએ આ વાતનો વિરોધ ન કરતાં, થોડો સમય માંગ્યો અને ભારત પરત ફર્યા.

કોઈ ઘટના બની જ ન હોય તેમ માતાપિતાએ ઘણા દિવસ સુધી આ અંગે ચર્ચા કરી નહીં. થોડા સમય પછી, પોતાનાં જ શહેરમાં રહેતાં એક સજ્જનએ તેમની ભત્રીજી માટે પ્રેમનાં માતાપિતા સાથે વાત કરી. તેમણે કહ્યું કે “તેમની ભત્રીજી “નિશા” એક ઉચ્ચ ડીગ્રી ધરાવે છે. નોકરી કરવાની ઇચ્છા એની છે પણ જો પ્રેમને મંજૂર નહીં હોય તો તેને ઘર સાચવવામાં પણ વાંધો નથી. એ એક ઉમદા ડાંસર પણ છે એટલે એમાં કાંઈક આગળ કરવાની તક જો મળે તો તે કરશે.” માતાપિતાને નિશા ખુબ જ સુંદર, સંસ્કારી અને સંયમી લાગી. તેમનાં ઘરની શોભા વધારે એવી લાગી. પણ મુળ જવાબ તો પ્રેમએ આપવાનો હતો. એટલે હવે પ્રેમ સાથે વાત કર્યા વગર જવાબ અપાવો શક્ય નહી હોવાથી, તેમણે નિશાનાં કાકાને થોડી રાહ જોવી પડશે એમ કહ્યું.

બીજી બાજુ, પ્રેમને સતત ફોન પર તેના પિતા નિશા સાથે લગ્ન કરવા માટે મજબુર કરતા હતા. ભણેલી ગણેલી અને દેખાવમાં સુંદર એવી નિશાને જાણે પોતાનો ખરો “પ્રેમ” મળી ગ્યો હતો. તેણે તો તરત જ “હા” પાડી દીધી હતી. એને અમેરિકાનું કલ્ચર અપનાવવામાં વાંધો નહોતો.

આ બાજુ, “જુલી” ને લગ્નનું વચન આપી ચૂકેલો પ્રેમ અસમંજસમાં પડ્યો. એક તરફ ગુણ સુંદરી “નિશા” અને બીજી તરફ અમેરીકન બ્યુટિ “જુલી”. રાતોની રાતો માતાપિતા સાથે વાત કર્યા પછી અંતે પ્રેમ ભારત આવ્યો અને નિશા સાથે લગ્ન કરવાની હા પાડી દીધી. માતાપિતા તો ખુશીથી સમાતા નહોતા. ઘરમાં તેમની પસંદગીની “વહુ” આવવાના વિચારે તેમની ખુશીમાં ચાર ચાંદ લગાવી દીધા. લગ્ન પણ એક જ મહિનામાં લઈ લેવામાં આવ્યા. પ્રેમ અમેરિકા પાછો ફર્યો અને થોડા દિવસની રજાઓ લઈ લગ્ન અને હનીમૂન માટે ભારત પાછા આવવાની તૈયારીમાં પડ્યો.
લગ્નની તૈયારીઓ ભારતમાં પણ શરૂ થઈ. હોંશે હોંશે લગ્ન માટે બુકિંગ કરાવવામાં આવ્યા. પાર્ટી પ્લોટથી લઈને હનીમૂન માટેની બધી જ વાતો પર ભાર આપવામાં આવ્યો. પ્રેમનાં માતાપિતાએ રૂપિયા ખર્ચવામાં જરા પણ પાછું વાળીને જોયું નહી. એ જ રીતે એકની એક દીકરી નિશાનાં માતાપિતા પણ સદ્ધર એટલે તેમણે પણ રૂપિયા ખર્ચવામાં પાછું વાળી જોયું નહીં. શહેરના એક સૌથી મોંધા પાર્ટી પ્લોટમાં લગ્ન કરવાની વ્યવસ્થા થઈ. ડાંસ પાર્ટી પણ કરવામાં આવી. નિશાએ બધાં વચ્ચે એક સુંદર ડાંસ રજૂ કર્યો. નિશા એટલી બધી રૂપાળી લાગી રહી હતી કે બધાનું ધ્યાન માત્ર અને માત્ર તેની પર જ હતું.

ત્યાં અમેરિકાથી આવેલાં મહેમાનોમાં માતાપિતાનાં આશ્ચર્ય વચ્ચે જુલી પણ હાજર હતી. તેણે પણ પ્રેમ સાથે સમય પસાર કર્યો.

હવે આવ્યો લગ્નનો દિવસ. ધામધૂમથી લગ્નની ઉજવણી કરવામાં આવી. એવાં લગ્ન કે એમાં આવેલા મહેમાનો લગ્ન ખર્ચનો આંકડો માપી શકે એમ જ નહોતા. ભેટ સોગાદોની આપ-લે થઈ. અંતે લગ્ન સંપૂર્ણ થયાં.

દીકરીને સાસરે વળાવી, તેનાં માતાપિતાએ એક હાશકારો અનુભવ્યો. આ તરફ, નિશાને ખુબ લાગણી સાથે પ્રેમના માતાપિતાએ આવકારી. લગ્ન પછી રજાઓ બહુ નહોતી એટલે બીજે જ દિવસે બંને હનીમૂન પર જવા ઊપડી ગયાં. ડેસ્ટીનેશન અત્યંત રોમાન્ટિક હતું. “માલદિવ્સ”. ભલભલાને કુદરત સાથે પ્રેમ થઈ જાય એવી રોમાન્ટિક જગ્યા. નિશાને મન તે એક સ્વર્ગમાં હતી. ક્યારેય વિચાર્યું નહોતું કે સ્વપ્નમાં જોયેલી ઘટનાઓ સાચી પડશે.
પણ….. હનીમૂન પર ગયેલાં આ કપલ વચ્ચે લાગણીઓની આપ-લે તો દૂર, વાતચીત પણ થતી નહીં. પ્રેમ રૂમમાં સૂઈ રહેતો. નિશા સાથે બહાર દરિયા પાસે પણ બેસતો નહીં. એને સ્પર્શવાની વાત તો દૂર, એની સામે નજર પણ માંડતો નહોતો. બે દિવસ પસાર થયાં. નિશાને ખ્યાલ આવી ગયો કે તે એક સ્વપ્નમાંથી હકીકતની દુનિયામાં આવી રહી છે. પ્રેમને પૂછતાં, પ્રેમ બોલી ઉઠ્યો કે “તું મારી પસંદગી નથી. મારા માતાપિતાએ તને તેમનાં ઘર માટે પસંદ કરી છે. મેં તને પસંદ કરી નથી.”

નિશા માથે આભ તૂટી પડયું. આંખ સામે લગ્ન પહેલાંની નિશા ઊભી થઈ. જાણે એ પૂછતી હતી કે “એવું શું નથી તારામાં કે પ્રેમ તને અવગણે છે?”, “પ્રોબ્લેમ તારામાં છે કે પ્રેમની નજરમાં? ” અને આવાં અસંખ્ય પ્રશ્નો.
માલદિવ્સ જેવી અલૌકિક જગ્યાએ આવીને આ આઘાતજનક સમાચાર મળતાં જ નિશાના પગ નીચેથી જમીન સરકી ગઈ. પોતાનાં માતાપિતાને કેવું લાગશે એ વિચારથી તે બે રાત સુઈ ન શકી. ઘણું પૂછ્યું પ્રેમને, પણ પ્રેમ હકીકત જણાવવા તૈયાર ન થયો. આમ હનીમૂન પર ગયેલું આ નવપરણિત યુગલ જરા પણ વાતચીત કર્યા વગર ઘેર પાછું ફર્યું.
નિશાના મોઢા પર નિસ્તેજ હાવભાવ જોઈને પ્રેમનાં માતાપિતા સમજી ગયાં કે નિશાને પ્રેમનાં પ્રકરણ વિશે કાંઈક ખબર પડી લાગે છે. પૂછતાં નિશાએ માત્ર એક વાક્યમાં જવાબ આપ્યો, “મારી શું ભૂલ થઈ?” અને નિશા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
પ્રેમએ નિશાના જીવનમાં ક્યારેય પાછા ન ફરવાના વચન સાથે અમેરિકા જવા વિદાય લીધી. હજી નિશા પ્રેમના આ વર્તનને સમજી શકી ન હતી. તેણે તેના માતાપિતાને આ વાત જણાવી દીધી પણ મક્કમ મનની નિશાએ આ સંબંધને થોડો સમય આપવાનું નક્કી કર્યું. જાણે વિધાતાએ કાંઈક અલગ જ લેખ લખ્યો હતો એમ એક મહીના પછી પ્રેમએ નિશાને એક એન્વેલપ મોકલ્યું. એમાં એક પત્ર હતો. એ પત્રમાં પ્રેમએ લખ્યું હતું કે “નિશા, મને માફ કરી દેજે. મારા માતાપિતાને લીધે મારે તારી સાથે લગ્ન કરવા માટે હા પાડવી પડી. અહીંયા અમેરિકામાં મારે જુલી નામની એક ગર્લફ્રેંડ છે, જેની સાથે મારે લગ્ન કરવા હતાં. પણ મારા વિચારો પર મારા માતાપિતાએ સંમતિ આપી ન હતી. તેથી જુલી સાથે લગ્ન કરવા તૈયાર હોવા છતાં હું કરી શક્યો નહીં. એવામાં તને મારા માતાપિતાએ પસંદ કરી અને મારા મનનાં વિરોધ છતાં મારે મન મારીને તારી સાથે લગ્ન કરવા પડયા. પણ કદાચ જુલી સાથે માનસિક અને શારીરિક રીતે સંકળાયેલો હોવાથી મારે માટે તને સ્પર્શવાનું શક્ય નહોતું. મને માફ કરી શકે તો ઠીક, બાકી તારી ઈચ્છા. એટલે ચાલ, ડાઇવોર્સ લઈ લઈએ. ડાઇવોર્સ પેપર્સ મોકલું છું. સાઇન કરીને મોકલી દેજે. અને હા, તારી એક સાઇન મને જુલી સાથે લગ્ન કરવા માટે મદદરુપ થશે. શક્ય હોય તો આજે જ તારા માતાપિતા પાસે જતી રહેજે. પ્રેમ. ”
નિશા એક સશક્ત સ્ત્રી હતી. તેને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. આખી જીંદગી એક એવી વ્યક્તિ સાથે પસાર કરવી કે જેના જીવનમાં પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી, તેનાં કરતાં, સ્વમાનથી જીવન જીવવાનું નિશાએ પસંદ કર્યું. તેના માતાપિતાને આઘાત લાગ્યો પણ નિશાની હિંમત જોઈ તેમણે દીકરીના નિર્ણયને સાથ આપ્યો.

પ્રેમનાં માતાપિતાએ ક્ષોભ સાથે નિશાની માફી માંગી. નિશાએ તેમને માફ પણ કર્યા. શું કરે? બસ એક વિનંતી કરી કે જુલીને અપનાવી લે. નહીં તો ઘણી નિશાઓની જીંદગી બરબાદ થશે.

આજે, પ્રેમ તો જુલી સાથે ખુશ છે, નિશાએ પણ બીજાં લગ્ન કરી લીધા છે. પણ નિશા માટે પ્રથમ લગ્નનો અનુભવ કડવો રહ્યો. જે અનુભવની જરૂર નહોતી તે ન થયો હોત તો પણ ચાલ્યું હોત.

આ વાર્તા ઘણાના જીવનની સત્યઘટના છે. ઘણાં માતાપિતા આજે પણ પોતાના બાળકોને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાની સંમતિ આપી શકતાં નથી. એવામાં જો આવા સંજોગો ઉભા થાય તો ઘણાનું જીવન બગડે છે. આશા રાખીએ કે આ સંજોગનો ભોગ આપણી આસપાસ રહેતા કોઈ પણ નિશા કે પ્રેમ ન બને. અને નિશા તો નહીં જ.

અસ્તુ!!

લેખક : પ્રાપ્તિ બુચ

બસ આવી જ રીતે જોડાયેલા રહો અમારા પેજ સાથે અને વાંચતા રહો પ્રેમ અને નિશાની અવનવી વાર્તાઓ…

ટીપ્પણી