ઘરનું ફર્નિચર – જે ઘર કે પરિવાર તમને બહારથી સુખી અને ખુશ દેખાતું હોય પણ અંદરથી પણ એવું જ હોય જરૂરી નથી…

ઘરનું ફર્નિચર, એક કટાક્ષ કથા…

આશરે પંદરેક વર્ષ થયાં હશે પ્રેમ અને નિશાના લગ્નને. પ્રેમ અને નિશા, કોલેજમાં સાથે ભણતાં. ક્યારે બંને વચ્ચે આખી જિંદગી સાથે જીવવાની ઇચ્છાઓએ “ઘર” કર્યું, એ બંનેને હજી સમજાતું નથી. એકબીજામાં શું વિશ્વસનીય લાગ્યું એનો જવાબ છે બંને પાસે. બંનેને પૂછો તો એક જ જવાબ મળશે, “સચોટ ઈરાદાઓ”.

સ્વાભાવિક રીતે, આજના સમય સાથે તાલમેલ રાખતા કુટુંબમાં ઉછેર થયો હોવાથી લગ્ન થવામાં કોઈ અડચણ ઊભી ન થઈ. સંસ્કારી કુટુંબમાં ગણતરી થતી હોવાથી સમાજમાં પણ સ્થાન ખરું. ધામધૂમથી લગ્નની ઉજવણી કરવામાં આવી અને મહેમાનો વર્ષો સુધી યાદ કરે તેવી યાદગાર ક્ષણો આપવામાં આવી.
બંને પક્ષે હરખના તેડાં હતાં. માતાપિતા અને કુટુંબીજનો, એક પરિકથા સમાન લગ્નની ઉજવણીનો ભાગ બનતા ફૂલ્યા સમાતા નહોતા. નવી વહુ નિશાને સાસરામાં ખુબ વ્હાલથી વધાવવામાં આવી. એને એક ક્ષણ માટે પણ પીયરની યાદ ન આવે તેવા તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા. અને ઘણે અંશે સાસરા પક્ષ એને સાબિત પણ કરી શક્યો.
વર્ષો પછી પણ તે લગ્નની યાદો તાજી હતી. સાસુ અને વહુ વચ્ચે કોઈ વાતે ભેદભાવ નહોતો. ભણેલી ગણેલી વહુના નોકરી કરવાના નિર્ણયને પણ વધાવી લેવામાં આવ્યો હતો. પ્રેમ અને નિશાના બાળકોને પણ ઘરનાં વડીલોનો પ્રેમ અવિરત મળતો હતો.

વખત જતો ગયો. વાસ્તવિકતાએ બંનેનાં જીવનમાં ડગલાં ભરવાના શરૂ કર્યા. એક દાયકા પછી જાણે કે બંનેનાં મક્કમ ઈરાદાઓ જાણે ડગમગવા લાગ્યા. કુટુંબની જવાબદારી જાણે પોતાના સ્વપ્ન પૂરાં કરવામાં અડચણ નાખતી હોય, તેવી લાગણીએ જોર પકડયું. એ સ્વપ્ન હતું, “પોતાનું ઘર”. વર્ષો સુધી સાસુ અને સસરાના ઘર તરીકે જાણીતા થયેલાં ઘરમાં રહીને આદર્શ વહુ “નિશા” ના સ્વપ્નાંઓ પૂરાં થવાની શક્યતાઓ જાણે નહિવત હતી. પ્રેમને કદાચ વાંધો નહોતો, પણ નિશાની જીદ સામે નમતું જોખવું ફરજિયાત હતું. રોજ એક જ દલીલ, આપણું ઘર કેમ નથી? સમ્માનની વાત નહોતી, સ્વમાનની હતી. આટલો પગાર, જ્ઞાન, ઓળખાણ, વિગેરે વિગેરે વચ્ચે જો કોઈ આવતું હતું તો એ હતું ઘરનું એડ્રેસ.

“સ્વપ્નનું ઘર” બનાવવા માટે પ્રેમ અને નિશાએ તનતોડ મહેનત કરી. માતાપિતાના સહકાર સાથે એક આદર્શ ઘરની ખરીદી કરવામાં આવી. એકબીજાના સમ્માન સામે સ્વમાનની જીત થઈ. એક બોજા નીચે જીવતી નિશાને પોતાનું ઘર મળતા ખુશી સમાતી નહોતી. ઘરમાં પગ મૂકતાં સાથે જ પ્રેમ અને નિશાએ “આપણા ઘર” માંથી “અમારું ઘર” ની સફર એક ઝટકામાં પૂર્ણ કરી લીધી.

માતાપિતાને પોતાની સાથે જીવવા દેવાની અરજી કર્યા વગરની પરમિશન તો આપી, પણ એમને આત્મસમ્માન બારણાની બહાર મુકવા માટે જાણે નિશાની આંખનો ઇશારો જ કાફી હતો. પહેલો દિવસ તો શાંતિથી પસાર થઈ ગયો. પણ ઘરનાં વડીલોના મનમાં એક અસમંજસ હજી પણ હતી કે હવે શું? દિકરા અને વહુના દરેક નિર્ણયને આંખમાથા પર રાખનાર વડીલોને જ્યારે બહાર જવાનું મન થાય ત્યારે પૂછીને જવાનું કહેવામાં આવ્યું ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ.
ઘરનાં કામોની વહેંચણી બધાં વચ્ચે થઈ પણ એમાં ઉંમરનું પગથિયું બાકાત રાખવામાં આવ્યું. વડીલોને માત્ર આદેશનું પાલન કરવાનું હતું. ઘરને ખુબ રાચરચીલા એટલે કે ફર્નિચરથી સજાવવામાં આવ્યું. પ્રેમ અને નિશાને મન કદાચ ઘરનાં વડીલો એક સજાવટથી વિશેષ નહોતાં. બહારથી આવનાર દરેક વ્યક્તિને એમ જ લાગે કે સંયુક્ત કુટુંબનું શ્રેષ્ઠ ઉદાહરણ, આ કુટુંબ પૂરું પાડે છે. પણ અંદરથી આ ઘર, “ઘર” નહોતું.

પ્રેમનાં માતાપિતા ભણેલા અને ગણેલા બંને. એટલે અપમાન કરતાં સ્વમાનથી જીવાતું જીવન પસંદ કર્યું અને તેઓ પોતાના સ્વપ્નનાં ઘરમાં પાછા ફર્યા. તેમણે પોતાનું જીવન પોતાનાં માતાપિતા સાથે ગાળ્યું પણ ભવિષ્ય કાંઈક અલગ જ હતું. જેને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.
જો તમારી આજુબાજુ પ્રેમ અને નિશા સાથે મેળ ખાતાં પાત્રો હોય તો એમને નિસરણી આપશો નહીં. સામાન્ય રીતે, આપણી સમજ પ્રમાણે, ઘર એટલે પરિવારજનો અને સમાજવ્યવસ્થા વચ્ચેનું ગઠબંધન. સામાજિક રીતિ રિવાજો સાથે સીંચેલું એક સ્વપ્ન, જેને સાકાર કરવા પાછળ ઘણાં વડીલોએ પોતાના સ્વપ્નાંઓની કુરબાની આપી હોય છે. એ કુરબાનીઓના ફળ એમની પેઢીઓ ભોગવતી હોય છે. સારા કે ખરાબ, એ તો આવનારો સમય નક્કી કરે છે પણ જો ઘરના પાયામાં વફાદારી અને સમાજદારીનું રોપણ હોય તો આવનારી પેઢીઓ ચોક્કસ પણે તરી જાય છે.

“ઘર” એટલે શું? આપણે સૌ સહજતાથી જવાબ આપશું કે ઘર એટલે એક છત, જ્યાં ફેમિલી મેમ્બર્સ સાથે રહેતા હોય. તો હું કહીશ કે “સાથે રહેવું” અને “સાથે જીવવું” એમાં ઘણો ફેર છે. સાથે તો ઘરનું ફર્નિચર પણ રહે છે, જીવે તો વડીલો અને લોહીનાં સંબંધ છે.

સમજાય એમને નતમસ્તક નમન!!

અસ્તુ!!

લેખક : પ્રાપ્તિ બુચ

દરરોજ પ્રેમ અને નિશા ના જીવનની અલગ અલગ વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી