ડાઇવોર્સ, એક અનિચ્છનીય બનાવ. – ખરેખર આ એક એવો શબ્દ છે જે કોઈપણ સામાન્ય વ્યક્તિની રાતોની ઊંઘ હરામ કરી દે છે…

ડાઇવોર્સ, એક અનિચ્છનીય બનાવ.

યુવાનીમાં થનગનતા પગલાં, જ્યારે એક તાલ ચૂકે ત્યારે ક્યાં તો ઠોકર વાગે છે, અથવા તો, પડી જવાય છે. તો આ પગલાંઓનો થનગનાટ કઈ લયમાં કરવો કે જેથી કરીને કોઈ પણ ક્ષણે જો તાલ ચૂકી જવાય તો દિશા પણ ન બદલાય અને પગલાંની ઝડપ પણ ન બદલાય… સમજાયું? કદાચ, આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ ચુકેલા તમામ માટે આ એક આજીવન સાથે રહેતી શીખ છે અને બાકીના બધા માટે, એક સુવાક્ય.આપણી આસપાસ રહેલા યુવાનોને જોતાં એમ લાગે કે એમનો કોઈ પણ “સંઘ”, કાશી પહોંચે ત્યારે ખરો. વાસ્તવિકતાથી જોજનો દૂર, એવાં આ યુવાનોની પરિકલ્પનાઓનો કોઈ અંત નથી. એમની દિનચર્યા પણ એવી. “મમ્મી, ચા આપ!, મમ્મી, ટીફીન લાવ! , મમ્મી, સાંજે મોડું થાશે! , મમ્મી, રાત્રે જમવામાં શું બનાવવાની છો?” વિગેરે વિગેરે….
આ બધું સાંભળીને એમ થાય કે, આ પ્રજા જ્યારે સાસરે જાશે કે કોઈનું પીયર છોડાવશે, ત્યારે શું થાશે? દીકરો કે દીકરી, જાતિની વાત બાજુ પર મૂકી મને આજે એવા અગત્યના મુદ્દા પર વિચાર આવ્યો, જેની સીધી અસર ભવિષ્ય પર પડે છે. એક વાર તમે તમારી જાતને પૂછો કે તમે તમારા સંતાનોનો ઉછેર કેવી રીતે કર્યો છે? જો સકારાત્મક જવાબ હોય તો તો ચિંતા નથી. પણ જો નકારાત્મક કે પછી શંકાસ્પદ જવાબ છે, તો જોજો, ક્યાંક કોકનું ભવિષ્ય તમે જોખમમાં તો નથી મુકવાના ને?બાળકો મોટા થાય અને જવાબદારી સંભાળી શકે ત્યારે કોઈ પણ માતાપિતાની પ્રથમ ઈચ્છા તેમના બાળકોનાં લગ્નની હોય છે. અહીં આપણે લગ્નના પ્રકાર વિશે વાત નહીં કરીએ પણ પાત્ર પસંદગીની વાત કરશું.યોગ્યતાના કયા ધોરણો આપણે આગળ રાખીએ છીએ કે જેથી કરીને, ભવિષ્ય સુરક્ષિત થાય!! પહેલાંના સમયમાં ઘણા કુટુંબોમાં દીકરો હોય તો તેના માતાપિતા એક આદર્શ સ્ત્રી કે જે શિક્ષિત પણ હોય અને સમજદાર પણ, તેવી વહુની આશા રાખતાં. બીજી તરફ, દીકરી હોય તો શિક્ષિત, વ્યવસ્થિત કમાતો ધમાતો વર હોવો જોઈએ, તેવી ગણતરી કરતાં. પાત્રની પસંદગીના પાયામાં આવા વિચારોનું સિંચન યોગ્ય છે.

પણ હવેના જમાનામાં, બે પરિસ્થિતિઓ બહુ જોવા મળે છે. ક્યાં તો સાથે ભણતાં કે નોકરી કરતાં પસંદ કરેલ જીવનસાથી કે પછી માતાપિતા થકી પરાણે વળગાડી દીધેલા જીવનસાથી. આવી સ્થિતિમાં, વિપરીત સંજોગોનો સામનો કરવો એક પડકાર છે. હંમેશા શક્ય નથી કે એક કપલ એક રાજકુમાર અને રાજકુમારીની જેમ આખી જીંદગી વિતાવે. પડકારોનો સામનો તો દરેક કપલને એક યા બીજી રીતે કરવો જ પડે છે. કૌટુંબિક, સામાજીક, વ્યાયસાયિક, આર્થિક વિગેરે વિગેરે.બસ, એકાદો કોઈ પડકાર ખરેખર આંખ સામે આવે ત્યારે તમને સમજાય છે કે આપણી સાથે રહેલ પાત્ર કેટલી હદે યોગ્યતા ધરાવે છે! જો સહનશક્તિ ન હોય તો એક જ નિર્ણય મગજમાં ઘર કરી જાય છે, “ડાઇવોર્સ”. પોતાનાં બાળકોના ભવિષ્યનો વિચાર કર્યા વગર જ ઘરનાં બીજા મેમ્બર્સ પ્રત્યે અણગમો હોવાથી, સ્વભાવમાં પરિવર્તન આવવાથી, પોતાની ઇચ્છા મુજબ જીવન ન જીવવા મળવું, લગ્ન પછી પોતાનાં પાત્ર માટે અણગમો થવો, ભૂતકાળમાં પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન ન થઈ શકતા પોતાના સાથીની તે વ્યક્તિ સાથેની સતત સરખામણી જેવી સામાન્ય બાબતો ડાઇવોર્સનાં પાયા છે.
અત્યારે તો ડાઇવોર્સ જાણે કે એક સામાન્ય ઘટના છે. ઘડી ભરમાં લેવામાં આવતો નિર્ણય, વર્ષોનાં સાથ પર હાવી થઈ જાય છે. અણસમજ અને અણઆવડત હોવાનો સ્વીકાર ન કરી શકતા યુવાનોમાં ડાઇવોર્સ થવા સ્વાભાવિક છે. કુટુંબના વડીલો પણ ઘણી વાર મુખ્ય ભાગ ભજવે છે. દીકરો કે દીકરી પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરે એટલે ચંચુપાત કરવા માટે ઘરનાં તથા આજુબાજુના તમામ સભ્યોને રસ પડે છે. સમાજને નામે ચાલતી આ સંસ્થા એક ઘર ભાંગવા માટે હંમેશા તૈયાર રહે છે.
આ પરિસ્થિતિમાં શું કરી શકાય? ડાઇવોર્સ ક્યાં તો નબળું માનસ ધરાવતી વ્યક્તિઓ લે છે અથવા તો ખરા અર્થમાં પોતાના વર્ષો આપ્યાં પછી પણ પોતાના પાત્રમાં સુધારો ન લાવી શકતી સશક્ત વ્યક્તિઓ. તમે આ બંનેમાંથી કયું માનસ ધરાવો છો તે તો સમય જ નક્કી કરે છે. પણ જે લોકો લગ્ન જીવનને એક પડકારની જેમ જીવે છે, જેમને માટે બાળકો પણ જીવનમાં અસ્તિત્વ ધરાવે છે, તેવા લોકો માટે આ નિર્ણય લેવો ઘણો કપરો છે.

એક ઝટકામાં કોઈની સાથે વિતાવેલી ક્ષણો ભુલવાનો વિચાર પણ કરી જોજો. જીવનસાથી વગર એકલા રહેવામાં જરાય મજા નથી. સમાજનું અસ્તિત્વ હું સ્વીકારતી નથી. કોઈ સમાજ છે જ નહી જે તમને તમારા કોઈ પણ નિર્ણય માટે બિરદાવે. પછી એ સારો, સાચો, ખરાબ કે ખોટો હોય. આપણું જીવન આપણું જ છે. તો નિયમો પણ આપણા જ હોવા જોઈએ. ઘરને ઘર બનાવવા માટે માણસો નહીં, પરિવાર જોઈએ. જો આ ભાવના આજના યુવાનોને શીખવવામાં આવે તો જીવન ઘન્ય થઈ જાય.

પોતાનાં સંતાનોના ઉછેર, ભણતર અને હવે તો લગ્ન પાછળ લાખો કરોડો રૂપિયા ઉડાડતાં માતાપિતાને બાળકોના જીવનમાં પોતાનું અસ્તિત્વ ત્યારે જ ખબર પડે છે જ્યારે બાળકો પોતાનું જીવન સારી રીતે જીવે છે. બાકી ડાઇવોર્સ લેનારા બાળકોનાં માતાપિતા માટે પણ આ એક આઘાત સમાન છે. અને બાળકોનો ઉછેર માતાપિતાથી વિશેષ કોને ખબર હોય? એ પણ એક સત્ય છે. લાડ લડાવો પણ એવાં નહીં જે ભવિષ્યમાં એ બાળક અને તેની સાથે જોડાયેલા તમામને ભારે પડે.

જેમ જીવન જીવવાની કળા છે, તેમ ઉછેરની પણ એક કળા છે. લાખો – કરોડોનાં અંતે તો ધુમાડા જ થશે. અને યુવાની પછીની એકલતા જોવી એ માતાપિતા માટે કસોટી છે. અને એકલા જીવન જીવવું એ પણ સ્ત્રી કે પુરુષ માટે પડકારરૂપ છે. બીજા લગ્ન, એ વિકલ્પ છે પણ યોગ્યતા નથી.

સમજદારી પૂર્વકનું જીવન અનેક અવરોધોને પાર પાડે છે. સ્વસ્થ રહેશો , ખુશ રહેશો તો જીતી જશો. બાકી હાથનાં કર્યાં હૈયે વાગે તો નવાઈ નહીં લાગે.

અસ્તુ!!

લેખન : પ્રાપ્તિ બુચ

દરરોજ આવી અનેક સમજવા જેવી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી