થોડીક સલાહ સાસુને પણ… – દરેક સ્ત્રી માટે સોનેરી સલાહ…

થોડીક સલાહ સાસુને પણ…

21 મી સદી, પુરુષ સમોવડી સ્ત્રી, બેટી બચાવો અભિયાન, દીકરી ભણાવો આંદોલન, સ્ત્રી લક્ષી કાયદાઓનો સમાવેશ, સ્પોર્ટ્સમાં દીકરીઓનો તરખાટ, સરકારમાં સ્ત્રીઓ ઉચ્ચ હોદ્દાઓ ઉપર.. વિગેરે વિગેરે.. વાંચવામાં કેવું સારું લાગે છે નહીં? જેઓ આ ભોગવી રહ્યા છે તેમને માટે જીવન સ્વપ્ન સમાન છે.

મહદઅંશે કોઈ દુઃખ હશે આ સિદ્ધિઓ સર કરનારને, એવું લાગે. પણ આ બધી જ દીકરીઓ પરણીને સાસરે જાય ત્યારે ભણતર, હોદ્દા, ઉપલબ્ધીઓ, હોશિયારી બધું બાજુ પર મૂકી દેવું પડે છે. કારણ કે, ઘણી બધી જગ્યાઓએ “સાસરું” એટલે તમારા વ્યક્તિત્વને વિકસિત કરવા માટે સાથ આપતું કુટુંબ નહીં, પણ ફક્ત સમાજ વ્યવસ્થા આગળ વધારવા માટેની સંસ્થા કહીએ તો અતિશયોક્તિ નથી. પરણીને સાસરે આવેલી વહુ માટે જાણે એક જ ધ્યેય હોય છે, સાસરાની સેવા અને લગભગ પોણી જિંદગી પુરી થયા બાદ મળતા મેવા.

હવે આમાં દીકરીઓને આગળ વધવું હોય, તો કેમ વધે? આશાઓ અને અપેક્ષાઓ પૂરી કરવામાં પોતાની બુદ્ધિમત્તાને બાજુ પર મૂકી, પોતાનું જીવન વ્યતીત કરતી ઘણી સ્ત્રીઓ આપણી આસપાસ જોવા મળે છે. મેં પણ ઘણી વખત સ્ત્રીઓ પાસેથી સાંભળ્યું છે કે, હવે પોતાને માટે શું કરવાનું? અડધી જિંદગી પુરી થઈ ગઈ છે. સંયુક્ત કુટુંબપ્રથા આપણને ઘણું શીખવાડે છે. એકલ દોકલ રહેતી પ્રજા માટે થોડી ઘણી સરળતા રહે છે. જવાબદારી પોતાના પૂરતી હોય એટલે નિભાવવામાં બોજો ન લાગે. બાકી સંયુક્ત પરિવારોમાં ઘણી સિદ્ધિઓ દબાઈ ગઈ છે.

આજકાલ આપણે દીકરીઓને શીખવાડીને જ સાસરે મોકલીએ છીએ કે “બેટા, ચિંતા ન કરતી. અમે બેઠા છીએ.” આ સદીમાં તો છૂટાછેડાના બનાવો પણ વધ્યાં છે. ક્યારેક એમ લાગે છે કે સહનશક્તિમાં પણ ઘટાડો નોંધાયો છે. પણ જો કોઈ કુટુંબમાં સાસુ – વહુ સંપીને રહી શકતા હોય તો સંબંધમાં ક્યારેય તિરાડ પડતી નથી.

માટે, દીકરીને અપાતી સોનેરી સલાહ સાથે સાથે “સાસુ” માટે પણ કેટલીક સલાહો છે, જે ખરેખર અપનાવવામાં આવે તો કુટુંબ તૂટે નહીં અને તેનો ઉધ્ધાર થઈ જાય. આ સલાહોનો ઉપયોગ , અનુભવ અને ચર્ચાઓથી નક્કી કરી શકાય.

સાસુ – વહુ શબ્દને ટાળો :
સૌથી પહેલાં તો પરણીને આવેલી “વહુ” ને બદલે “દીકરી” શબ્દ અપનાવવામાં આવે તો અડધા પ્રોબ્લેમ્સ ઊભા જ ન થાય. કારણ કે “વહુ” દિલથી દીકરી બને તેવાં દાખલા ઓછા છે. દીકરી શબ્દ બોલતાં જ એક વિશેષ સંબંધ બંધાય છે.

બીજા સાથે સરખામણી ટાળો :
નવી પરણીને આવેલ કન્યાને કોઈ પણ પારકી કન્યા સાથે સરખાવી તેનું અજાણતા અપમાન ન કરો. કોઈના દીકરાની વહુ, તેનાં ઘરમાં કઈ પધ્ધતિથી કામ કરે છે, ઘર કેવું રાખે છે, વિગેરેની ચર્ચામાં સાસુઓ ભાગ લેવાનું બંધ કરે તો પણ ઘણાં પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જાય. કપડાં, બોલચાલ, ચરિત્ર, આવડત, દેખાવ, વિગેરેની સરખામણી કરવા કરતાં, તેનામાં રહેલાં ગુણ જુઓ. તમારા ઘરને એ પારકી દીકરી અપનાવી શકે, તેવું વાતાવરણ ઊભું કરવાની ફરજ વડીલોની છે.

તમારી ખુદની સાથે સરખાવવાનું બંધ કરો :
જો તમે એન્ડ્રોઇડ ફોન વાપરો છો, ક્યારેક ક્યારેક હોટેલમાં જમો છો, ફિલ્મ જોવા જઈ શકો છો, નવાં કપડાં ખરીદી શકો છો, બહાર પણ જાઓ છો, તો તમે પણ ઘણાં અંશે નોર્મલ લાઇફ જીવો છો અને તમારા કરતાં તમારી વહુ ઘણી નાની છે, એટલે એ બે – પાંચ વસ્તુ વધારે કરતી હશે, તો તેની સાથે સરખામણી ન કરો. તમારી વહુની જે ઉંમર છે, ત્યારે તમે જે કાંઈ પણ જીવન જીવતા હતા, તેની જવાબદાર તમારી વહુ નથી. માટે તે સમય સાથે આજના સમયને સરખાવવું બુદ્ધિશાળી હોવાની નિશાની નથી. અત્યારે દીકરીઓ લગભગ સાસરે જાય, પછી તેમનાં હસબંડ સાથે સારી જિંદગી જ જીવતી હોય છે, પણ તે જોઈને વડીલોએ ખુશ થવું જરૂરી છે. તમારી યંગ એજમાં તમે જે જીવ્યા તે માટે તમારી આસપાસનું વાતાવરણ જવાબદાર છે. તેમાં દીકરાની વહુએ કાંઈ ફાળો આપ્યો હોતો નથી, એ સત્ય સ્વીકારી લેવું જોઈએ. હા, મેં ઘણી એવી સ્ત્રીઓ જોઈ છે, જે સાચા અર્થમાં વહુને “દીકરી” નો દરજ્જો આપી શકી છે. એટલે અપવાદરૂપી સન્નારીઓને મારા વંદન છે જ.

તમારું સ્વમાન જાળવો :
એવું પણ નથી કે “સાસુ” બનો એટલે તમે જ “વાંક” માં છો. તમારું સમ્માન અને સ્વમાન, તમારા જ હાથમાં છે. અધૂરું જ્ઞાન ધરાવતી કન્યાઓ સાસરે જઈને કુટુંબનું નામ રોશન કરી શકતી નથી. અહંકાર અને અપમાનનો સાથ આપનાર દીકરીઓ, સંયુક્ત કુટુંબને ત્યજી દે છે. માટે નવી વ્યક્તિ ઘરમાં આવે ત્યારે તમારું સ્વમાન જળવાય તેનું ધ્યાન રાખો. વ્યર્થ ચર્ચાઓમાં મૌન, સૌથી પ્રભાવશાળી શસ્ત્ર છે. અને અવગણના ન કરી શકાય, તેવા સંજોગોમાં, ચર્ચાને બદલે અભિપ્રાય આપવો યોગ્ય છે.

દીકરામાં આવેલા બદલાવને સ્વીકારો :
જેમ તમે વહુ બનીને આવ્યાં ત્યારે તમારી અપેક્ષાઓ, મહત્વકાંક્ષાઓ પુરી કરવામાં તમને કુટુંબના સહકારની જરૂર હતી, તેમ જ નવી આવનાર દીકરીને પણ સહકારની જરૂર પડે છે. અત્યારના સમયમાં, દીકરીઓ પણ ભણેલી ગણેલી હોય છે, હોશિયાર હોય છે, બુદ્ધિશાળી હોય છે એટલે નવા કુટુંબ પાસે તેને ઘણી અપેક્ષાઓ હોય છે, તેવા સંજોગોમાં દીકરાને પણ પોતાના કુટુંબના સાથની જરૂર પડે છે. પરણેલો દીકરો હંમેશા બધાનો વિચાર કરીને પગલાં ભરે, તેવી સાનુકૂળતા ધરાવતાં કુટુંબો, ઘણી જંગ જીતી જાય છે. એક સંયુક્ત કુટુંબમાં રહેવું, તે દીકરાઓ માટે પણ પડકારરૂપ છે. તેને સૂડી વચ્ચે સોપારી ન બનાવતાં, તેને જરૂરી સહકાર આપી, તેને ઘણાં ટેન્શનમાંથી મુક્ત કરવાની ફરજ તેનાં પેરેંટ્સની પણ છે. ખાસ કરીને, માં ની. મન મોટું રાખીને જો વહુને આવકાર આપવામાં આવે તો દીકરાના જીવનમાં પણ માતાપિતાનું સ્થાન જળવાઈ રહે છે. લગ્ન બાદ દીકરામાં આવેલા બદલાવનો સહર્ષ સ્વીકાર કરવામાં આવે તો સાસુ

– વહુના સંબંધો હંમેશા આદર્શ બની જાય છે.

રૂપિયાથી સ્વમાન નથી ખરીદી શકાતું. માટે દીકરા અને વહુ પાસેથી અપેક્ષાઓ રાખ્યા વગર, તેમની પાસેથી મળતો પ્રેમ અપનાવવામાં જે મજા છે, તે બીજે ક્યાંય નથી. તમારી આજ, તમારા સંતાનોની કાલ છે. માટે તમારી મિલ્કતોની કિંમત, બાળકો પાસેથી લેવામાં આવનારી સેવાઓ સાથે ન કરો. અને બોલવામાં તો બિલકુલ એવા શબ્દપ્રયોગ ન કરો. બાળકોનો ઉછેર પણ એ જ રીતે કરો. કાંઈક મળવાની લાલચે સેવા કરતાં સંતાનો, વખત જતાં પોતાનાં બાળકોને પણ આ જ રીતે હેરાન કરે છે. માટે બને એટલો સારો સમય બાળકો સાથે પસાર કરો.

આ તો હતી અનુભવમાંથી લખેલી સલાહ. પણ દરેકના અનુભવ અલગ જ સ્ટોરી કરે છે. બહારથી ખુશ દેખાતું કુટુંબ પણ ઘણી વાર બોદી દિવાલો ધરાવે છે. સંબંધોની મજબૂતી માન – સન્માનથી આંકવામાં જે મજા છે, તે રૂપિયા – પૈસાથી નથી. “સાસુ – વહુ” ના સંબંધોની નવી પરિભાષા લખવામાં ક્યારેક જતું કરવાની ભાવના વડીલોએ અપનાવી જ છે, છતાં, કહેવાય છે કે, ભૂતકાળમાં જીવતો મનુષ્ય ભવિષ્યને ઘડી શકતો નથી, તે જ રીતે, પોતે સહન કરેલાં કિસ્સાઓ ભૂલીને, સંબંધોની નવી રચનાઓ અપનાવતી સ્ત્રીઓ, હંમેશા સુખ સાથે દોસ્તી કરે છે. ભૂલતા નહીં કે એ દોસ્તી ટકાવી રાખવામાં તમને પોતાને પણ ફાયદા તો છે જ.
અસ્તુ!!

લેખક : પ્રાપ્તિ બુચ

દરરોજ આવી અનેક સમજવા જેવી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર, શેર કરો દરેક મિત્રો સાથે જેથી બીજાને મદદ મળી રહે…

ટીપ્પણી