પેરેન્ટિંગ – એક કસોટી – આપણે પેરેંટ્સ તો બનીએ છીએ પણ બાળકોને યોગ્ય તાલીમ આપવા માટે શું કરીએ છીએ?

“પેરેન્ટિંગ – એક કસોટી”…

ઘણાં સમયથી આપણે બધા એક એવા સમાજમાં જીવી રહ્યા છીએ જેમાં ચોરી, લૂંટ, હત્યા, બળાત્કાર, વિગેરે જેવા તત્વોએ માથું ઉંચક્યું છે. આપણી આસપાસ રહેતા અને આપણી સાથે કામ કરતા લોકોને જો ધ્યાનથી સમજીએ તો આપણને તેમનામાં કોઈ ને કોઈ દૂષણ જોવા મળે છે. આપણા પોતાનામાં પણ કયા કયા અવગુણો રહેલા છે તેની વિસ્તૃત જાણકારી હોય છે. તો પછી, આપણી જાતને કે આપણા બાળકોને આપણે આ પ્રકારનાં અત્યાચાર સામે રક્ષણ કેમ નથી આપી શકતા?
સમાજનો એક બહોળો વર્ગ કે જે રૂપિયા અને પ્રતિષ્ઠા પર રાજ કરે છે, તેમને માટે તો કોઈની લાગણી દુભાવવી, અપમાન કરવું, રૂપિયાને જોરે લોકોને પોતાના ગુલામ બનાવવા એ બધું સામાન્ય થઈ ગયું છે. પોતાના બાળકોને રૂપિયાનું મૂલ્ય ન સમજાવી શકનાર પેરેંટ્સ, જ્યારે તેમના બાળકો કોઈ અપરાધમાં શામેલ થાય છે ત્યારે દુનિયા ખરીદવા નીકળી પડે છે.

આવા સંજોગોમાં અને આવા લોકોથી આપણા કુટુંબને અને ખાસ કરીને બાળકોને કઈ રીતે રક્ષણ અને શિક્ષણ આપી શકાય તે દરેક પેરેંટ્સ એ વિચારવાની જરૂર છે. પેરેન્ટિંગ ઘણું મુશ્કેલ છે. આપણે પેરેંટ્સ તો બનીએ છીએ પણ બાળકોને યોગ્ય તાલીમ આપવા માટે શું કરીએ છીએ? મારી દ્રષ્ટિએ, કેટલીક અગત્યની બાબતો અહીં સ્વીકારવાની અને અમલમાં મૂકવાની જરૂર છે. જેમ કે,
*. બાળકોને યોગ્ય ઉછેર આપવો :

સંયુક્ત કુટુંબ હોય કે ન હોય, પેરેંટ્સ બનીએ એટલે સૌથી પ્રથમ મહત્વની બાબત બાળકોનો ઉછેર છે. નોકરી કરતા હોય, ન કરતા હોય, કે પછી ફેમિલી બિઝનેસ હોય આપણી બાળકો પ્રત્યેની ફરજો ક્યારેય બદલાતી નથી. ગમે તેટલા ઊંચા શિખરો સર કરીએ, પણ બાળકોને શિક્ષણ ન આપી શકીએ તો તેવી પ્રસિધ્ધિનું કોઈ મહત્વ રહેતું નથી. આપણી ઓળખ આપણા રૂપિયા, કપડાં, ઘર કે ગાડી નહીં, આપણા બાળકોનાં ઉછેર અને તેમના સંસ્કારોથી છે. શું છે આ “યોગ્ય ઉછેર”? નાનપણથી બાળકોને કુટુંબનું મહત્વ આપવું, ભાષાનો ઉપયોગ અને માન – સન્માન આપતા શીખવવું, વર્તન અને વાણીનો યોગ્ય ઉપયોગ ક્યાં અને કેમ કરાય તે શીખવવું, બહારના લોકો સાથે વાતચીત કરવાની રીત શીખવવી, કોઈ અયોગ્ય કામ કરે તો ત્યારે જ તેને રોકવું અને ટોકવું, ગેરવર્તનના ગેરફાયદા વિશે જણાવવું વિગેરે.
*. બાળકોને સંયમ શીખવાડવો :

“ધીરજનાં ફળ મીઠાં” એ નિયમનું બાળકોમાં જો યોગ્ય રીતે સિંચન કરવામાં આવે તો રમકડાં ઘર એટલે કે ટોય સ્ટોર, મૉલ, રેસ્ટોરન્ટ, થિએટર, આઉટ સ્ટેશન, વિગેરેમાં ઘણીવાર જે ધમપછાડા જોવા મળે છે, તેને ઘટાડી શકાય છે. નાના બાળકોને સારું શિક્ષણ આપો પણ સાથે સાથે સાચું શિક્ષણ પણ આપો. ઉતાવળથી ભરેલા પગલાં ઘણીવાર ગેરમાર્ગે દોરી જાય છે, તેનું તેમને જ્ઞાન આપો.

*. વાત વાતમાં વઢો નહીં :

બાળકોમાં પણ આત્મસન્માન રહેલું હોય છે. તેમને વારેવારે વઢવાથી તેઓ પેરેંટ્સથી દૂર તો થાય જ છે પણ જો તેમનું બધાની હાજરીમાં અપમાન જો કરવામાં આવે તો તેઓ પેરેંટ્સને ધિક્કારે છે. પોતાનું મહત્વ સાબિત કરવા માટે તેઓ કોઈ પણ પ્રકારનું ખરાબ વર્તન કરતા અચકાતા નથી. ખાસ કરીને, આપણે ત્યાં મહેમાન આવે ત્યારે જો આપણે બાળકોને અવગણીએ તો તેઓ ખૂબ તોફાન કરે છે, વસ્તુઓ ફેંકે છે, ઘરમાં રોજ જે વસ્તુઓ ન કરવા કહેવાતું હોય તે જ વસ્તુઓ કરે છે. અને આ બધું, ફક્ત અને ફક્ત આપણું ધ્યાન દોરવા માટે. માટે જ બાળકોને સમય સમય પર અને તેમની ઉંમર મુજબ જો થોડું મહત્વ આપીએ, અને તેમને ઈગનોર ન કરીએ તો આવા વર્તનથી છુટકારો મેળવી શકાય છે.

*. “ના” પાડતાં શીખો :

તમે જોજો, ઘણાં બધાં પેરેંટ્સ, તેમનાં બાળકોને કોઈ પણ રીતે “ના” કહી શકતા નથી. વસ્તુ જોઈએ તો “હા”, ટીવી જોવું હોય તો “હા”, બહાર જવું છે તો “હા”, રેસ્ટોરન્ટમાં જવું છે તો “હા”, ઘણી વાર તો બીજાની વસ્તુ જોઇને પણ બાળક એ લેવાની જીદ કરે તો તાત્કાલીક એ વસ્તુ બીજા દિવસે આવી જાય. આ એક અત્યંત ખોટી રીત છે. બાળકોને વસ્તુઓ લઈ આપવી, બહાર લઈ જવા, વિગેરે ચોક્કસ જરૂરી છે પણ પેરેંટ્સ તરીકે આપણને બાળકોને “ના” કહેવાની ચોક્કસપણે છુટ છે. બાળકો બધાને વ્હાલા હોય પણ તેમને સમય, સંજોગો, રૂપિયા વિગેરેની કિંમત પેરેંટ્સ જ આપી શકે છે. મોટા ભાગના બાળકોમાં આ શિક્ષણનો અભાવ જોવા મળે છે. જે બાળક “ના” માં સમજે તે વખત જતાં એક સંયમી અને જવાબદાર નાગરીક બને છે.

*. એક સમજદાર અને જવાબદાર નાગરીક બનાવો :

આજનું બાળક, ભવિષ્યનો ઉમદા નાગરીક છે. સાચી રીતે થયેલ ઉછેરનું પરિણામ એક સર્વ શ્રેષ્ઠ નાગરીક તરીકે બહાર આવે છે. નાનપણમાં રોપેલા સંસ્કાર જ્યારે પુખ્ત વયમાં પહોંચેલા આપણા બાળકોમાં દેખાય ત્યારે પેરેંટ્સ ગર્વથી પોતાનાં ઉછેર પર અભિમાન કરી શકે છે. કોઈ જન્મજાત ચોર, લૂંટ કરનાર કે પછી બળાત્કારી નથી હોતું. ઉછેર આમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. માટે જ એક ઉમદા મનુષ્ય બનવા અને બનાવવા માટેના તમામ પ્રયાસો કરવા તે આપણી નૈતિક જવાબદારી છે.

આપણને વારસામાં મળેલાં સંસ્કાર અને સંસ્કૃતિ જો આપણે આપણા બાળકોને નહીં આપીએ તો એ દિવસ દૂર નથી જ્યારે રોજ કોઈ કુમળું ફુલ ચિપાશે, કોઈની આબરૂ રોજ લૂંટાશે, ચોરી – લૂંટફાટ વધશે, કોઈની દીકરી સાસરે જઈને કરમાશે, અને છતાં, એવાં કર્મો કરનાર ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરતા રહેશે. આપણા ઉછેરનું પરિણામ બીજું કોઈ શા માટે ભોગવે? તે પ્રશ્નનો જવાબ આપણે એક સંવેદનશીલ અને સભાન નાગરીક તરીકે વિચારી, આપણું ભવિષ્ય સુંદર રીતે ઘડીએ. તે જ ભવિષ્ય જવાબ આપશે અને આપણે બોલવાની જરૂર જ નહી પડે.
અસ્તુ!!

લેખક : પ્રાપ્તિ બુચ

આપના વિચારો કોમેન્ટમાં જણાવો, દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી