મા અને દીકરી – એક માતાએ હમેશા તેની દિકરીની મિત્ર બનીને રહેવું જોઈએ, વાંચો અને સમજો…

માનું કપરું સ્વરૂપ…

હંમેશા “મા” શબ્દ સાંભળતા જ આપણી સમક્ષ એક પ્રેમાળ, નિસ્વાર્થ, સમજુ, નીડર, એકાગ્રતાથી ભરપૂર એવી નારી આવી જાય, જે બાળકની આદર્શ ગણાય. પણ આજે એક એવી “મા” ની વાત કરવા જઈ રહી છું, જેને તેની જ દીકરીએ ત્યજી દીધી છે. મા – દીકરીના સંબંધનું એક એવું પાસું, જે બહુ ઓછા માનવા તૈયાર થાય. ઘણાં મારા વિચારો પર મહોર મારશે અને ઘણા નકારશે, પણ આ સત્યઘટનાથી પ્રેરિત વાર્તા છે.
આજથી લગભગ 40 – 45 વર્ષ પહેલાં, એક યુગલ, પ્રેમ અને નિશાએ “સમાજ” વિરુદ્ધ જઈ પ્રેમ લગ્ન કર્યા. પ્રેમ 23 વર્ષીય અને નિશા 21 ની. એમાં પણ, નિશાના ઘરમાં બધાને ખબર પણ પ્રેમના ઘરમાં કોઈને ગંધ સુધ્ધાં ન આવી. આર્ય સમાજ વિધિથી આ લગ્ન સંપૂર્ણ થયાં. નિશાના એ જમાનામાં ફોરવર્ડ માતાપિતાએ પ્રેમને બધી રીતે તપાસી, લગ્ન માટે હામી ભરી હતી. એમણે પ્રેમ પર વિશ્વાસ મૂક્યો હતો કે આ છોકરો જ તેમની નિશાને સાચવશે. હવે, વિચારો, કેવી ઘટના બની હશે આ?
લગ્ન બાદ તરત જ નિશા પ્રેગ્નેન્ટ થઈ. અણસમજ નિશાની માતાએ નિશાને કહ્યું કે “જો તારે પ્રેમના જીવનમાં ટકી રહેવું હોય તો તું આ બાળકને જન્મ આપજે જ. એટલે પ્રેમ જવાબદારીમાં બંધાય અને ક્યાંય ભાગી શકે નહીં. બસ, માની એ વાત નિશાના મગજમાં ઘર કરી ગઈ.

પ્રેમ, બરાબર પાંચ મહીના પછી નિશાને તેને સાસરે લઈ ગયો. સાસરમાં આઘાત લાગ્યો. બધાને જાણે કાપો તો લોહી ન નીકળે, તેવી હાલત થઈ. પ્રેમની મા, નિશાને સ્વીકારી શકી નહીં પણ નિશાને ઘરમાં આવકાર જરૂર મળ્યો. અને શરૂ થયું, સામાન્ય જીવનચક્ર.
નિશાને સાતમે મહિને પિયર મોકલી દેવામાં આવી, ખોળો ભર્યા વગર. નિશા માટે આ પહેલો આઘાત હતો. નવ મહિના પછી, નિશાને દીકરી અવતરી. ખૂબ જ સુંદર એવી નાની પરી જેવી એ દીકરીને લઈને નિશા પાંચમે મહિને સાસરે પાછી ફરી. નિશાને ઘરમાં તો સ્થાન મળ્યું પણ તે ઘરનાં સભ્યોના હૃદયમાં સ્થાન ન પામી શકી.

લગ્નના અમુક જ વર્ષમાં રોજ રોજના ઝઘડા, કંકાસ, માથાકૂટએ પ્રેમ અને નિશાના જીવનમાં આગળ પડતું સ્થાન લીધું હતું. એવામાં, આખો દિવસ કામ કરીને થાકેલી નિશા, પોતાનો બધો ગુસ્સો નાનકડી પરી મિલી પર કાઢવા માંડી. મિલી ત્યારે માંડ 2 – 3 વર્ષની હશે. એક દિવસ, ઘરમાં ખૂબ ઝઘડો થયો. નાની મિલી પણ બીમાર હતી. તે ખૂબ રોતી હતી. એવામાં નિશાએ તેને એક નાનકડી ઝાપટ મારી. પ્રેમએ તે જોયું અને તેણે…..તેણે પણ મિલીને બે ત્રણ તમાચા મારી દીધા. નિશાએ કહ્યું.. “આ શું કરો છો?” પ્રેમ કહે, “જો તું મારીશ તો હું બીજા ચાર તમાચા મારીશ”.
આમ, બીજા ચાર – પાંચ વર્ષ નીકળી ગયાં. પ્રેમ અને નિશાને ત્યાં પુત્રનો જન્મ થયો. નાના ભાઈને જોઈને મિલીને ખૂબ ઈર્ષ્યા થતી. મમ્મી નિશા તેના ભાઈને જાણે વધુ પ્રેમ આપતી હોય તેવું તેને સતત લાગતું. નિશા પણ દીકરાનાં જન્મથી જાણે વધારે ખુશ હતી. મિલીને તે ભાઈને રમાડવા તો દેતી પણ મિલી પણ તેમની જ દીકરી છે, તે તેના મગજમાંથી જાણે નીકળી ગયું હતું.

એક દિવસ તો હદ થઈ ગઈ. મિલીથી નાના ભાઈને વાગી ગયું. એટલું બધું પણ નહોતું વાગ્યું છતાં પ્રેમ અને નિશાએ મળી મિલીને ઢોર માર માર્યો. તેના શરીર પર પડેલા ચકામાં તેના હૃદયમાં પણ ઉભરાયા. મિલી રોતી રોતી સૂઈ ગઈ.
હવે મિલી મોટી થઈ હતી. તેનું મિત્ર વર્તુળ વધ્યું હતું. મિલી એટલી દેખાવડી હતી કે તેને જોતાં કોઈને પણ તે ગમી જાય. નિશાને મિલી જલ્દી પરણવા લાયક થાય તો પરણાવી દઇએ તેવી ઇચ્છા હતી. તેને માટે તેની જ રૂપાળી દીકરી સાપનો ભારો હતી. પોતાનો ભૂતકાળ તાજો ન થાય એટલે મિલીને તે છોકરાઓ સાથે બોલવાની બહુ છુટ ન આપતી. એટલે મિલી પણ આટલો માર ખાધા પછી જૂઠું બોલતા શીખી ગઈ હતી. ફ્રેન્ડસને મળવાને બહાને તે તેના બોયફ્રેંડને મળતી. તેની મમ્મીથી છુપાવીને પિક્ચર જોવા જતી. બહેનપણીને ઘેર જાઉં છું એમ કહી, તેનાં બીજા મિત્રો સાથે બહાર ફરતી થઈ ગઈ હતી.

એક દિવસ, મિલી માટે લંડનથી વાત આવી. એંજીનિયર છોકરો, ખૂબ કમાતો, પોતાનું ત્યાં ઘર, પૈસે સુખી એવા એ છોકરાને નિશા ગુમાવવા ન માંગતી હતી. આ બાજુ મિલીએ તેનાં જ એક મિત્ર સાથે લગ્ન કરવા માટે જીદ પકડી હતી. નિશા એ છોકરાને તેને ઘેર જઈ ઠપકો આપી આવી અને મિલીથી દૂર રહેવાની ધમકી આપી આવી. મિલીને ખબર પડતાં જ તેણે માનો વિરોધ કર્યો પણ તેને સમજાવવાને બદલે નિશાએ ખૂબ મારી.
લંડનવાળો છોકરો, દેખાવમાં ખૂબ હેન્ડસમ. નિશા અને પ્રેમ, બંનેએ મિલીને ખૂબ સમજાવી. ડરી ગયેલી મિલીએ લગ્ન માટે “હા” પાડી દીધી હતી. બંને મળ્યાં. લગ્ન નક્કી થયા. અને ધામધૂમથી દીકરીને સાસરે મોકલી.

દીકરી મિલી સાસરે તો ગઈ પણ સાસરામાં સમાઈ ન શકી. તેનો હસબંડ તેનો મિત્ર તો બન્યો પણ પતિ ન બની શક્યો અને મિલીએ લગ્ન પછી, મમ્મી સાથે ન બોલવાનો નિર્ણય કર્યો. મિલીને લંડનના એ રાજકુમાર કરતાં પોતાના શહેરમાં વસતો તેનો સાથી યાદ આવતો. બે બે બાળકોની મમ્મી બન્યા બાદ પણ, મિલી તેની મમ્મી નિશાને માફ ન કરી શકી.
મિલીની એક જ ફરિયાદ છે, “મારી મમ્મી મારી દોસ્ત ન બની શકી. તેણે તેને સમજાવવાને બદલે, મારવાનો રસ્તો હાથમાં લીધો. ભાઈનો વાંક ન હોવા છતાં, ભાઈથી દૂર કરી. પપ્પાએ પણ તેને મદદ ન કરી. જો માતાપિતા તેને સમજી શક્યા હોત.. કદાચ એક વખત માથે હાથ ફેરવી મમ્મી-પપ્પાએ પૂછ્યું હોત કે તે શું ઇચ્છે છે? “… અને ઘણું બધું….
એક વાત સ્પષ્ટ છે કે આપણે આપણા બાળકોને સ્વતંત્રતા ન આપીએ તો તેઓ પોતાની મેળે સ્વતંત્ર બને છે. મારવા કરતાં પ્રેમથી સમજાવટ કરીએ તો કદાચ બાળક મિત્ર બની રહે. બાકી શત્રુ બનતા વાર નથી લાગતી. ફૂલ જેવાં બાળકો પર હાથ ઉપાડતા પહેલાં સો વાર વિચાર કરજો. તેઓ સામે હાથ તો નહીં ઉપાડે પણ હાથ લંબાવશો તો હાથ આપશે નહીં.

અસ્તુ!!!

લેખક : પ્રાપ્તિ બુચ

આપના આ વિશેના અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો, દરરોજ અવનવી માહિતી અને વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી