મા ની સાડી – માતા અને દિકરી અમીર હોય કે ગરીબ, પાસે હોય કે દુર સંબંધો હંમેશા મજબૂત જ રહે છે…

“માં” ની સાડી

ગર્ભવતી મહિલા તેનાં પેટમાં રહેલા બાળકનું સંસ્કાર સિંચન બાળકના હોવાનો અહેસાસ થાય, ત્યારથી કરવા લાગે. આ તો હવે ગર્ભસંસ્કાર વિશે જાગૃતિ વધી અને બાળકનો ઉછેર ગર્ભ રહેતાં જ થવા પામ્યો. પહેલાંના સમયમાં તો માતા પાસે કોઈ જાતની ગર્ભસંસ્કારની કેસેટ કે ઓડિઓ ડિસ્ક નહોતી. કોઈ પણ પ્રકારના ક્લાસીસ નહોતા અને એવી સમજ અને સમય પણ નહોતો કે પોતાને માટે અને બાળક માટે સમય કાઢી શકે.
ત્યારે “માં” પાસે એકમાત્ર સ્વપ્ન હતું, પોતાના બાળકને આ દુનિયામાં લાવવું અને તેને પ્રેમથી ઉછેરવું. ઘરનાં કામમાં વ્યસ્ત એવી “મમ્મી” ક્યારે પોતાનું કામ પતાવીને બાળકને ખોળામાં લઈને વ્હાલ કરી શકે, તેની રાહ જોતી હોય. ઘરમાં રહેતા સભ્યો પ્રત્યેની ફરજ અને સામાજિક જવાબદારીઓ નિભાવતા નિભાવતા, પોતાનાં બાળકને કદાચ ઓછો સમય આપી શકી હશે, એટલે વખત જતાં, એ જ બાળકો પાસે અફસોસ કરતી મમ્મી માટે આજે લખવાની લાગણી થઈ.
એ પણ એક વખત હતો, જ્યારે એક સ્ત્રી પરણીને સાસરે આવે અને “માત્ર” ઘરની જવાબદારી ઉપાડે. એ સમયમાં ભણતર ઓછું ભલે હોય, પણ ગણતર ઉપર વધારે ભાર મુકવામાં આવતો. પરણીને સાસરે જતી સ્ત્રીમાં દરેક પ્રકારના ગુણોની આશા રાખવામાં આવતી. એવામાં આપણી મમ્મીઓ ક્યારે મોટી થઈ ગઈ હશે, તે જાણવું મુશ્કેલ છે.
ક્યારેક કોઈ કન્સ્ટ્રકશન સાઈટની મુલાકાત લેશો તો જોશો કે નાનાં નાનાં બાળકો રમીને, થાકીને, સુવા આવે ત્યારે એ જ “માં ” તડકામાં તેમને પોતાની સાડીનો છેડો ઓઢાડી સુવાડે. પોતે ખાધું, ન ખાધું, પણ બાળકને અચૂક ખવડાવે. ત્યારે એ જ સ્ત્રીનું “માં” તરીકેનું સ્વરુપ વંદનીય લાગે. “સાડી” ના એ છેડાનું મૂલ્ય આંકવું મુશ્કેલ નહીં પણ અશક્ય છે.
કાચા ઘરમાં રહેતી સ્ત્રી, પાકા ઘરમાં જઈને ઘરકામ કરીને રળતી હોય ત્યારે તેને મોઢે આપણે તેનાં બાળકની ચિંતા જ સાંભળશું. અને જો સાથે લઈને આવે તો બાળક તરફ તેનું વલણ જોજો. તેનાં બાળકને મૂકીને તે ખાવા પીવાનું પસંદ નહીં કરે. પોતાનાં નાનકડા બાળકોને ઘેર મૂકીને બીજાનાં બાળકો સાચવવા જતી “માં” ને પણ સતત તેનાં બાળકો યાદ આવતાં જ હશે. સાડીનો પાલવ પકડીને ખેંચતું બાળક યાદ આવતાં જ એ માં ની આંખો ભીની જોઈ શકાય.
થોડા મોટા થયા પછી, વેકેશનમાં રોજ બપોરે હું પણ મારી મમ્મીની “સાડી” પહેરીને ફરતી. પણ હવે એ વેકેશન ક્યાંથી લાવવું? બપોરના સમયે, થાકેલી મમ્મીની બાજુમાં સૂઈને “હવે હું શું કરું?” વાળો પ્રશ્ન તો ક્યાં ખોવાઈ ગયો. મમ્મીની જૂની સાડીમાંથી ડ્રેસ કરાવવાનો પણ એક જમાનો હતો. જાણે એ કપડાંમાંથી એ જ લાગણી મળતી. આજે પણ જ્યારે વેકેશનમાં મમ્મી પાસે જઈએ એટલે પ્રથમ નજર તો તેનાં સાડીઓથી ભરેલા કબાટ પર જાય અને આંખોમાં ચમક આવી જાય જ્યારે મમ્મી કહે” લઈ જા બેટા, કઈ સાડી જોઈએ? ”

મમ્મીની સાડીનો પાલવ જે હુંફ આપે તે બીજે ક્યાંયથી મળે નહીં અને એ સત્ય છે. સમય અને સંજોગો પ્રમાણે વિચારોમાં ભલે આપણે આગળ નીકળીએ, પણ પ્રેમ અને લાગણીની જ્યારે જ્યારે વાત કરીએ, ત્યારે મમ્મીની એ સાડી અચૂક યાદ કરીએ.
પોતાને માટે નવી સાડી ન ખરીદી શકતી ” માં “, જ્યારે બાળક માટે નવા કપડાં લે, ત્યારે તે “માં” ને ભલે ત્યાગની લાગણી નથી થતી, પણ એ બલિદાનનું ફળ તેને મળે ત્યારે તેને માટે એ જુની સાડી પણ નવીનતાની નિશાની બને છે. કમાતું બાળક તેમની માતા માટે ક્યારેક એક સાડી લઈ જાય તો વર્ષો સુધી તેને સાચવવાની શરત આપોઆપ કરી લેવામાં આવે છે.

જેમ દીકરા માટે પિતાના બૂટ પહેરવા મહત્વના છે, તેમ દીકરી માટે “માં” ની સાડી. મારી જેમ ઘણી દીકરીઓ આજે તેમની મમ્મીની સાડી યાદ કરશે. પહેલી વખત એ સાડી પહેરવાનો અભરખો અલગ જ હોય. અને એ જ દીકરી જ્યારે “માં” બને ત્યારે તેને પોતાની માતા માટે વધુ લાગણીની ભાવના થાય છે.
બસ, એ સાડીના છેડાને, આપણા તરફથી જીવનભર ન છોડવાની ફરજ બજાવીએ તેમાં જ આપણા ગુણોની કિંમત છે.
અસ્તુ!!

લેખક : પ્રાપ્તિ બુચ

આપને તમારી મમ્મીની યાદ આવી હોય તો કોમેન્ટમાં લવ યુ મમ્મી લખો, દરરોજ આવી અનેક રસપ્રદ વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી