હમ રહે યા ના રહે.. યાદ આયેંગે યે પલ… – દરેકના નામની તખતી ન હોઈ શકે, પણ દરજજો ચોક્કસ હોઈ શકે…

હમ રહે યા ના રહે.. યાદ આયેંગે યે પલ…

બહુ જૂની વાત છે કે, “જેનું અસ્તિત્વ છે, તેનો અંત પણ છે.” મનુષ્યો, પ્રાણીઓ, ઝાડ, પાન, નદી, પર્વત, અને એવી અસંખ્ય કુદરતની ઉપલબ્ધીઓ. માનવસર્જિત રચનાઓ પણ કુદરતને આધીન તો છે જ.
જીવન જીવવા માટે હંમેશા વિશેષ ઉપલબ્ધીઓ મેળવવી જરૂરી નથી એટલે કે જીવન જીવવા માટે કોઈ ડીગ્રીની જરૂર નથી. પણ જીવન એવું જીવીએ કે દરેક પળ યાદગાર બની જાય. મનુષ્ય અવતાર માટે આ એક અલગ અનુભવ છે કારણ કે આપણી પાસે લાગણીઓ પ્રદર્શિત કરવા માટે શાબ્દિક વાચા છે. સ્પર્શ સાથે શબ્દોનું સંકલન, માનવજાત માટે આશીર્વાદ સમાન છે.
જન્મ હોય કે મૃત્યુ, દરેક સંજોગને શાબ્દિક લાગણીઓથી વર્ણવી શકાય છે. તો પછી આપણે, કેવું જીવન જીવવું તેનો આધાર આપણી ઉપર જ રાખીએ તો?

જીવન જીવવાના પણ પ્રકાર છે. આજકાલ સાદગી ભર્યું જીવન જીવતા લોકોની ભારે અછત વર્તાય છે. થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા. ફરવા જાઓ તો સ્ટેટસ અપડેટ, મૂવી જુઓ તો સ્ટેટસ અપડેટ (આમાં તો અમે પણ બાકાત નથી), લગ્નમાં જાઓ તો સ્ટેટસ અપડેટ, રિઝલ્ટ આવે તો સ્ટેટસ અપડેટ, અરે, નવો મોબાઇલ લઈએ તો પણ સ્ટેટસ અપડેટ….
બીજાને બતાવવા કરતાં, પોતાને સંતોષ થાય તેવું જીવન આપણામાંથી કેટલા જીવે છે? એક રેસ જેવું લાગે છે. મારા કરતાં તેની પાસે વધારે સારી વસ્તુ? તરત જ ખરીદી અને સોશિયલ મીડિયા પર પ્રચાર. આજકાલ સુવાક્યો, પ્રશંસા, ઉપલબ્ધીઓ નું સ્થાન કટાક્ષ, બિભત્સ વાક્યો, ઉતારી પાડવાની વૃત્તિ, અપમાનિત કરતાં વાક્ય પ્રયોગ એ લીધું છે.

આ લેખ વાંચતા કદાચ તમારા મનમાં એવો વિચાર આવ્યો હશે કદાચ કે આ શું લખ્યું છે? કેટલું તથ્ય છે વાક્યોમાં? પણ દોસ્ત, જીવન જીવવાની શૈલી માટે કોઈનો દાખલા લેવા કરતાં, દાખલો બનવાના પ્રયત્નો કરી જોજો. સંતોષ ન થાય તો કહેજો. કોઈના વિશે ઉતારી પાડવા લાયક બે વાક્યો બોલતા પહેલાં એક જ વખત વિચારજો, શું મેં આ ક્યારેય નથી કર્યું? તમને તરત જ જવાબ મળશે, તમારા અંતરાત્માનો. કહેવાય છે કે “સેલ્ફ – કોન્સિયસ” થી મોટો કોઈ જજ નથી. ખરાબ, સારા, કોઈ પણ પ્રકારના કાર્યો કરતા પહેલાં આપણે આપણી જાતને એક વાર પણ પુછી લઈએ કે, શું હું સારું, સાચું કામ કરવા જઈ રહ્યો કે રહી છું? તમારા જીવનનો આ એક મોટો વળાંક સાબિત થશે.

આપણને જન્મથી જ કેટલી જવાબદારીઓ? હસવાની, રોવાની, બેસવાની, ચાલવાની, દોડવાની, રમવાની, ભણવાની, સારા માર્કસ લાવવાની, ડીગ્રી મેળવવાની, નોકરી લેવાની કે બિઝનેસ કરવાની, પરણવાની, બાળકો મોટા કરવાની, તેમને ભણાવવાની, તેમના લગ્ન કરવાની, તેમના બાળકો ઉછેરવાની, અને સૌથી અગત્યની જવાબદારી, “પોતાનું અને પોતાના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત” કરવાની.
આમને આમ, આપણે જીવનના અંત સુધી પહોંચી જઈએ છીએ. જ્યારે હું મારા આસપાસના વડીલોને જોઉં અને પૂછું કે હવે શું ઇચ્છો છો જીવન પાસેથી? ત્યારે સામાન્ય રીતે એક કૉમન જવાબ મળે, “અમે તો જીવી લીધું. હવે શાંતિથી ઉપર જઈએ તો પણ ચિંતા નથી. ” શાંતિથી ઉપર જવાય જ, જો આપણે આપણી ફરજો પુરી કરવાની સાથે બદલાતા વાતાવરણ સાથે તાલમેલ રાખીએ. મૃત્યુ પછી ફોટોફ્રેમમાં રહેવા કરતાં, કુટુંબીજનોના મનમાં રહીએ તે વધારે મહત્વનું છે. યાદગીરી ફોટો સામે જોવાથી નહીં, આપણે કરેલા કર્મોથી રહે તે અગત્યનું છે. યાદ તો બધા જ કરે, પણ કોઈને દાખલો આપતાં સારી રીતે યાદ આવીએ, તેનાથી મોટું અચીવમેંટ બીજું કોઈ નથી. દરેકના નામની તખતી ન હોઈ શકે, પણ દરજજો ચોક્કસ હોઈ શકે.

આપણાં, આપણને યાદ કરે જ. પણ તેમને સારી યાદોનું સંગ્રહાલય આપવું, એ પ્રાથમિકતા સાથે જીવન જીવવાની મજા છે. ક્યારેક ઓછું બોલતા માણસો પણ તેમના ગયા પછી આપણને તેમની હયાતીનું ભાન કરાવતા જાય છે જ્યારે કોઈ બહારની વ્યક્તિ તેમના વિશે આપણને માહિતી આપી જાય. દુનિયાનો શિરસ્તો છે કે “કોઈને નડવું નહીં”. હું તો કહીશ, “કોઈને કનડવું પણ નહીં”.

કોઈ નજીકની વ્યક્તિનું ન હોવું, આઘાત ચોક્કસ આપે છે, પણ ઘણી વખત તેઓની ગેરહાજરી ઘણું શીખવી જાય છે. જો તમારા ઘરમાં “સોશિયલ ઇસ્યુ” નું અસ્તિત્વ ન હોય તો માતાપિતા, દાદા – દાદી, નાના – નાની, અને કુટુંબીજનોને પ્રેમની ક્ષણો આપવામાં આચકાશો નહીં, બાકી, આ ફેમસ પંક્તિઓ જેવું થશે… “બાતેં ભૂલ જાતી હૈ.. યાદેં યાદ આતી હૈ…”

અસ્તુ!!

લેખક : પ્રાપ્તિ બુચ

શેર જરૂર કરજો આ માહિતી અને જીવનમાં પણ ઉતારજો, દરરોજ આવી અનેક અવનવી અલગ અલગ વિષયની માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી