આજે આપણા પ્રમુખ સ્વામી મહારાજનો જન્મદિવસ છે ત્યારે વાંચો આ સુંદર વાત…

હૈયાના હેત ના ભૂલાય, સ્વામી તારા હૈયાના હેત ના ભૂલાય…
હું ગામડામાં રહેનારો સામાન્ય પરિવારનો માણસ આમ છતા બાપાએ અનહદ પ્રેમ આપ્યો. મારી પાત્રતા નહોતી અને છતાય મને પોતાનો કરીને રાખ્યો. મને જ્યારે કોઇ નહોતું ઓળખતું ત્યારે સ્વામીબાપાએ ઓળખાણ રાખી હતી.

પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજને ગોંડલ અત્યંત પ્રિય એટલે સૌથી વધુ સમય એ ગોંડલમાં વિતાવે. દર વર્ષે શરદપૂનમ પહેલા ગોંડલમાં પધારે અને લાભપાંચમ સુધી અને ક્યારેક તો એથી પણ વધારે લાંબું રોકાણ ગોંડલમાં કરે. સ્વામીબાપા જેટલા દિવસ ગોંડલમાં રોકાય એટલા દિવસ સભામાં કાર્યક્રમના સંચાલનની સેવા મને મળે. પૂ.બાપાની સાથે સાવ નીકટ રહેવાનો અવસર મળતો. હું જ્યારે રાજકોટ રહેવા માટે આવી ગયો પછીના વર્ષે સ્વામીબાપા ગોંડલમાં પધારયા અને હું 5માં દિવસે એમના દર્શન કરવા ગયો. રૂમમાં ગયો એટલે મારો હાથ પકડીને કહે “દેખાતો કેમ નથી ? હું આવ્યો એને પાંચ દિવસ થઇ ગયા પણ તારો અવાજ સાંભળવા નથી મળ્યો”. મેં કહ્યુ “બાપા, હવે રાજકોટ રહેવા જતો રહ્યો છું.” મને કહે “રાજકોટ નજીક જ છે તારે આવી જ જવું” આટલુ કહીને મા દિકરાના માથે હાથ ફેરવે એમ માથા પર હાથ ફેરવેલો.

ગોંડલમાં દિલ્હી અક્ષરધામ માટેની આઇમેક્સ ફીલ્મનું શુટીંગ ચાલતું હતું. દિવાળીનો તહેવાર હતો. હજારોની સંખ્યામાં દેશ-પરદેશથી લોકો આવેલા. અક્ષરદેરીમાં દર્શન કરવા જતી વખતે એમણે મને જોયો એટલે પાસે બોલાવ્યો અને કહ્યુ, ” આ શુટીંગ ચાલે છે એમાં તું ક્યાંય આવ્યો કે નહી ?” મેં કહ્યુ, “હા, બાપા આવી ગયો છું.” મને કહે “તો વાંધો નહી તું રહી ન જવો જોઇએ” હજારો માણસોની વચ્ચે પણ મારા જેવા સામાન્ય માણસની કેવી ખેવના.એકવખત ગોંડલમાં જ સ્વામીબાપાએ એના અંગત રુમમાં મને કહેલુ “તું સરકારમાં છો પણ નીતિનો મારગ મુકતો નહી. ભગવાન તને ખુબ આપશે. અમારા પર વિશ્વાસ રાખજે. તારુ ઘર ચલાવવા માટે પગાર ઓછો પડે તો અમને વાત કરજે અમે સંસ્થામાંથી તને મદદ કરશું પણ કોઇ ગરીબ માણસો પાસેથી ક્યારેય પૈસા ના લેતો. અનીતિનો પૈસો ઘરમાં ના આવે એનું ધ્યાન રાખવું.” મારા વ્યવહારની પણ એમને કેવી ચીંતા હતી.

મારા દિકરાનો જન્મ થયો ત્યારે બાપા કલકતામાં હતા. એણે ત્યાંથી ફોન પર મને દિકરાનું નામ આપેલુ ‘કમલ’. કમલને જ્યારે શાળાએ બેસાડવાનો હતો ત્યારે હું એને લઇને બાપાના દર્શન માટે સારંગપુર ગયેલો. બાપાની તબીયતને ધ્યાનમાં રાખીને બહુ ઓછા લોકોને વ્યક્તિગત મુલાકાત આપતા. તે દિવસે લગભગ 20 વ્યક્તિઓ હતી. મારા સિવાય બધા મોટા-મોટા માણસો હતા. બધા પાસે 10-15 સેકન્ડ ઉભા રહીને મારી પાસે આવ્યા અને લગભગ 4 મીનીટ સુધી વાતો કરી. કમલની સ્કૂલ બાબતમાં ઉંડાણ પૂર્વક પુછ્યુ, “કઇ શાળામાં બેસાડવાનો છે ? શાળા કેવી છે ? શિક્ષકો કેવા છે ? ફી પોસાય એવી છે ને ? કમલ શાળાએ કેવી રીતે જશે ? વાહનની વ્યવસ્થા છે ?” આવી નાની-નાની વાતોની પુછપરછ કરી. એમને બધી રીતે સંતોષ થયો પછી કમલને સારા અભ્યાસ માટેના આશીર્વાદ આપ્યા. એક પિતા એના દિકરાની ચિંતા કરે એમ સ્વામીબાપાએ મારી ચિંતા કરી છે.

બાપા જમવા બેસે ત્યારે અનેક વખત એમની સમક્ષ પ્રવચન અને એકપાત્રીય અભિનય કરવાનો અલભ્ય લાભ મળ્યો છે. આજે હું જે કંઇપણ છું એ કેવળ અને કેવળ એમની કૃપા છે. એમણે મને પ્લેટફોર્મ અને પ્રોત્સાહન આપ્યુ છે જેના પરીણામે આજે હું અહીંયા સુધી પહોંચી શક્યો છું. બાપા આપનું ઋણ કોઇ કાળે ચુકવી શકાય તેમ નથી. મારા લખાયેલા અગાઉના તમામ 5 પુસ્તકોનું વિમોચન બાપાની તબીયત સારી ન હોવા છતા એમના વરદ હસ્તે કરીને એણે મારા પર અપાર હેત વરસાવ્યુ છે.

બાપાને એમના 97માં પ્રાગટ્યદિને કોટિ કોટિ વંદન.
જય સ્વામીનારાયણ.

લેખન : શૈલેશભાઈ સગપરીયા 

બાપાના જન્મદિવસે શેર કરો તેમની આ પોસ્ટ તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.