ગુજરાતમાં આ નેતાઓ છે કે પછી…. પ્રજા માસ્ક વગર ફરે તો ગુનો અને નેતા મનફાવે એટલી ભીડ પણ ભેગી કરી શકે, શું સરકાર દાઢીએ હાથ દઈને જોઈ રહી છે?

જો આજની જ વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 1540 નવા કેસો નોંધાયા છે. અને 13 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને 1427 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. ગત રોજ રાજ્યમાં કોરોનાનાં 1512 કેસો નોંધાયા હતા અને 14 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. આમ રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2 લાખ 14 હજાર 309 પર પહોંચ્યો છે. ગુજરાતમાં આવી પરિસ્થિતિ છે કે કોરોના બેફામ બની ગયો છે. એકતરફ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ તેમજ સરકાર અનેક પ્રકારના કડક તેમજ દંડનીય પગલાં ભરી રહી છે કે જો કોરોનામાંથી મુક્તિ મળે તો આ પ્રજા કઈક ફરીથી કામ કરે છે ખિસ્સામાં બે દોકળા આવે. પરંતુ એવા સમયમાં કોરોનાના ખોફ વચ્ચે બેખોફ બનેલા રાજ્યના નેતાઓ જ હાલમાં ગુજરાતના સૌથી મોટા સુપરસ્પ્રેડર્સ તરીકે સામે આવી રહ્યા છે.

દુખની વાત તો એ છે કે પોલીસ-તંત્ર દ્વારા સામાન્ય વ્યક્તિ જો 5 મિનિટ માટે પણ કોવિડ ગાઈડલાઈન્સનો ભંગ કરતી પકડાય તો મોટો દંડ વસૂલવામાં આવે છે, ત્યારે આપણા નેતાઓ પાર્ટીઓ તેમજ જાહેર કાર્યક્રમોમાં ડિસ્ટન્સિંગના લીરા ઉડાવી રહ્યા છે. લોકોને નિયમનું પાલન કરવાનું કહેનારા નેતાઓ જો પોતાની મજા માટે નિયમોના ધજાગરા ઉડાવતા હોય ત્યારે સરકાર કેમ ચુપ્પી સાંધીને બેઠી છે? આટલું સખ્ત લોકડાઉન-કર્ફ્યુ વચ્ચે નેતાઓની સોશિયલ મીડિયામાં બર્થ-ડે પાર્ટી, જાહેર રેલીઓ, લગ્નમાં ભીડ સહિતના વિડિયો વાઈરલ થયા છે, એટલે કે જો જનતા ભૂલ કરે તો દંડ, પણ નેતા ભૂલ કરે તો આ સામાન્ય બાબત કહેવાય? જો વાત કરીએ તો કોરોનાકાળ દરમિયાન છેલ્લા 8 મહિનામાં અનેક નેતાઓએ માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડતાં ઝડપાયા હતા. પણ કોઈનું કઈ થયું કે કેમ એ મોટો પ્રશ્નાર્થ છે.

image soucre

રેલીની વાત કરીએ એક બાજુ સરકારે કર્ફ્યૂ લાગુ કરી લોકોને ઘરમાં પૂરી દીધા છે ત્યારે સરકારના જ મંત્રી અને ધારાસભ્યો બેજવાબદાર બની ભીડ ભેગી કરી રહ્યા છે. ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારની રેલીમાં જોડાયેલા મંત્રી ગણપત વસાવા બેફામ બનીને જનતામાં કોરોના વહેંચતા હોય તેમ અભિવાદન ઝીલતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. બંને નેતાએ ખુલ્લી જીપમાં રેલી કર્યા બાદ ભીડમાં પહોંચી રૂબરૂ મુલાકાત આપી હતી.

image soucre

સૌરભ પટેલના સ્નેહ-મિલનની ચર્ચા પણ કરવામાં આવી રહી છે કે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી સૌરભ પટેલના સ્નેહ-મિલન કાર્યક્રમમાં પણ નિયમોના લીરેલીરા ઊડ્યા હતા. બોટાદમાં સર્કિટ હાઉસ ખાતે આજે નવા વર્ષના ભાજપના સ્નેહ-મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના ઊર્જામંત્રી સૌરભ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખુદ સૌરભ પટેલે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો અને બાદમાં લોકોને શિખામણ આપી કે નિયમોનું પાલન કરવાની જવાબદારી પ્રજાની છે.

image soucre

એક તરફ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની અપીલ કરવામાં આવી રહી છે પરંતુ કેટલાક કલાકોમાં જ ભાજપના નેતાના પ્રચાર કાર્યક્રમમાં ભીડ ભેગી કરી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યાની ઘટના ગઢડામાં બની છે. તો બીજી તરફ, અમરેલીના ચલાલામાં ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો જોવા મળ્યો હતો. ભાજપના સાંસદ શંભુપ્રસાદ ટુંડિયાની હાજરીમાં કાર્યકરોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. ભાજપ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે અનેક લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા હતા.

image source

મનીષ પગારેની વાત પણ આ જ વાતમાં સમાવવામાં આવી રહી છે. જો વિગતે વાત કરીએ તો વડોદરા શહેરના ભાજપના કાઉન્સિલર મનીષ પગારે જન્મદિવસે કરેલા તાયફામાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવ્યા હતા. અનાજની કિટ લેવા માટે ગરીબ મહિલાઓ ઊમટી પડી હતી, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની ઐસી-તૈસી કરી નાખી હતી. એક જ સ્થળે મોટી સંખ્યામાં મહિલાઓ ઊમટી પડતાં કોઇપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું. અકોટા વિસ્તારનાં ભાજપનાં ધારાસભ્ય સીમાબેન મોહિલે આ કાર્યક્રમમાં હાજર હતાં.

image soucre

એ જ રીતે વાત કરીએ પૂનમ માડમની તો ખંભાળિયાના મોવાણ ગામના ઉદ્યોગપતિના દીકરાના રિસેપ્શનમાં 1 ડિસેમ્બરની રાત્રે ગીતા રબારીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ હતી. ગોજિયા પરિવારના દીકરાના લગ્નના રિસેપ્શનમાં જામનગરનાં સાંસદ પૂનમ માડમ પણ હાજર રહ્યાં હતાં. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સાંસદ જ પોતે જ માસ્ક વગર જોવા મળ્યાં હતાં. માસ્ક મામલે નારાજ હાઈકોર્ટે માસ્ક વિના જોવા મળતા લોકોને કોરોના સેન્ટરમાં કોમ્યુનિટી સારવાર માટે મૂકવા સરકારને નિયમ બનાવવા કહ્યું છે. આમ છતાં આપણા નેતાઓમાં કોઈ જાતની ગંભીરતા નથી.

image soucre

પછી વાત કરીએ કાંતિભાઈ ગામીતની તો ડોસવાડા ગામે રાજ્યના પૂર્વ આદિજાતિમંત્રી અને સુમૂલના ડિરેકટર એવા કાંતિભાઈ ગામીતની પૌત્રીની સગાઈ 30મી નવેમ્બરે ડોસવાડાના ભગત ફળિયામાં કરવામા આવી. આ પ્રસંગે ગાઈડલાઈન્સનો સંપૂર્ણ ભંગ થયો હતો. સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા જોવા મળ્યા હતા. રાત્રે હજારો લોકો એકત્રિત થઇ ગરબા યોજવામાં આવ્યા હતા. સગાઈના પ્રસંગમાં લોકોએ મોઢે માસ્ક બાંધ્યું ન હતું કે સોશિયલ ડિસ્ટન્સ પણ રાખ્યું ન હતું. આ સગાઈ પ્રસંગનો મોટી મેદની સાથેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

છેલ્લા 24 કલાકની જો આપણે રાજ્યમાં જિલ્લાવાર કોરોનાનાં આંકડા પર નજર કરીએ તો, અમદાવાદમાં 336 કેસ-9નાં મોત, સુરતમાં 246 કેસ-2નાં મોત, રાજકોટમાં 141-1 મોત અને વડોદરામાં 184 કેસ-1 મોત, જામનગરમાં 42 અને ગાંધીનગરમાં 72 કેસ, ભાવનગરમાં 20 અને જૂનાગઢમાં 23 કેસ,મહેસાણામાં 69, પાટણમાં 42, ખેડામાં 39 કેસ, બનાસકાંઠામાં 36, કચ્છમાં 30, મોરબીમાં 29 કેસ, અમરેલીમાં 27, દાહોદમાં 24, ભરૂચમાં 23 કેસ, પંચમહાલમાં 23 અને સાબરકાંઠામાં 22 કેસ, આણંદમાં 20, નર્મદામાં 17, મહિસાગરમાં 16 કેસ, સુરેન્દ્રનગરમાં 15 અને અરવલ્લીમાં 9 કેસ, ગીર સોમનાથમાં 9 અને નવસારીમાં 6 કેસ, વલસાડમાં 6, બોટાદ – દ્વારકામાં 4 – 4 કેસ, પોરબંદરમાં 3, છોટા ઉદેપુરમાં 2, તાપીમાં 1 કેસ સામે આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ