દરેક પરિસ્થિતિ નિર્ભર છે આપણી જોવાની શૈલી પર.. વાંચો અને જાણો..

કનૈયાલાલ મુન્શીની બહુચર્ચિત કૃતિ “કાકાની શશી…”ની નાયિકા શશીકલા કથાના નાયક મનહરલાલને કહે છે “આજે બે કલાકમાં મને બહુ ભાન આવ્યું છે (મનહરલાલ જવા જાય છે તેને રોકીને )કાકા!હવે બહુ થયું.મારી પાસે બળ્યું શું કહેવડાવો છો? (નીચું જોઈ )કાકા!મને-મને કાકી નહી બનાવો? આટલું વાંચતાં જ વાચકોનાં ભવાં ચડી જાય.ધોર અપરાધ! આ ના ચાલે!ચારે તરફથી ફિટકાર..સંબંધોની દુહાઈ….

જીંદગી પ્રત્યેનો આપણો અભિગમ જ જીંદગીને માણવા લાયક કે વખોડવા લાયક બનાવે છે. અહીં વાર્તાના નાયક મનહરલાલે અનાથ શશીને ઉછેરીને મોટી કરેલી.નાયિકા પરણવા લાયક થતાં મનહરલાલને એનાં લગ્નની પણ ચિંતા છે. શશીને સ્હેજ પણ ઓછું ના આવે એવા વિચારે પોતે હજી અપરિણીત છે. શશી લગ્ન કરી સાસરે જતી રહેશે! અને પોતે એકલા અટુલા! શશી વગર! વાર્તાનો અંત થોડા ધણા વાચકો માટે નિંદનીય હોઇ શકે પણ વાર્તાના ધટનાક઼મને મનહરલાલ અને શશીકલાની નજરે જોઈશું તો કદાચ મૌન સ્વીકૃતિ આપવી જ રહી.

દરેક ધટના અને સંજોગોને અનેક બાજુ હોય છે.સમસ્યાને કઇ બાજુથી જોવી એના પર એનો ઉકેલ નિર્ભર છે. નરસિંહ મહેતા કદાચ ના છૂટકે જ બોલ્યા હશે “ભલુ થયું ભાંગી જંજાળ, સુખે ભજશું સીતારામ” માણસ બીજુ તો શું કરે? ઘર કે ઓફીસમાં ગમે તેટલો મોંધો કાચ ફુટી જાય એટલે કેટલો મોંઘો હતો! કઇ રીતે ફુટ્યો? આવી પળોજણમાં ઉતરવા કરતાં કાચ ફુટવાને શુકન માની લેવામાં જ સાર છે.

ઘણા સમય પહેલાં વાંચેલી એક નાનકડી વાર્તા;અમેરિકાની કોઈ ક્લબ તરફથી ટેનિસ રમતો ખેલાડી ફાઇનલમાં જીત મેળવી મેદાનની બહાર નિકળ્યો ત્યાં એક લધરવધર દયનીય સ્થિતિમાં એક સ્ત્રી એની સામે આવી ઉભી રહી .”સાહેબ ઘણા દિવસથી ઘેર મારુ બાળક બિમાર છે,અમે ભૂખ્યાં છીએ એની દવા કરાવવા પૈસા નથી.મદદ કરો!

દયાભાવથી આ ખેલાડીએ પેલી સ્ત્રીને રોકડમાં આર્થિક મદદ કરી. પેલી સ્ત્રીએ ઝડપથી આ જગ્યા છોડી દીધી.દુરથી આખી ધટના જોઇ રહેલા કેટલાક યુવાનો આ ખેલાડીની પાસે આવી કહેવા લાગ્યા “અરે તમે પણ એની વાતોમાં આવી ગયા? તમારી પાસે શું કહી પૈસા પડાવ્યા? ” ટેનિસ ખેલાડીએ કહ્યુ “કહેતી હતી કે એનુ બાળક ખૂબ બિમાર છે. પોતાની પાસે એની દવા કરાવવા તો ઠીક પણ એને ખવડાવવાના પણ પૈસા નથી” યુવાનોએ એ સ્ત્રી ની હકીકત આ ખેલાડીને કહી “તમને એ છેતરી ગઈ ,એ આમ જ બધાંને છેતરે છે.એને કોઈ બાળક પણ નથી” અહીં સુધી તો આ બધુ સામાન્ય છે. હવે પોતાની સાથે થયેલી છેતરપિંડીની ધટનાને આ ખેલાડી કઇ એંગલથી જુએ છે એ મહત્વનું છે.ખેલાડી ચહેરા પર આછું સ્મિત લાવતાં બોલ્યો “સારુ થયું એ સ્ત્રી જુઠ્ઠુ બોલતી હતી.હવે મને નિરાંતે ઉંધ આવશે”….

લેખક : પ્રવીણ વિ.રાવલ

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી