પ્રણય ની “આકર્ષક” પરિભાષા – Dedicate This Story To Your Best Friend !!

પોતાનો માળો છોડીને મુકત ગગન માં વિહરવાનો પ્રથમ પ્રયાસ એટલે એમબીબીએસ નું પ્રથમ વર્ષ. પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતાં જ હોસ્ટેલ માં રહેવા આવેલા સૌ કોઈ વિદ્યાર્થીઓ પોતાની નવી જીવન શૈલી ને અનુકૂળ થવા પ્રયત્ન કરી રહ્યા હતા. સર્વે નું મન મેડિકલ માં એડ્મિશન મળ્યા ની આનંદ ની ઉછાળા મારતી છોળો ની ભરતી અને ઘર થી દૂર આવ્યા બાદ ઘર ની સતાવતી યાદ ના લીધે એ છોળો માં આવેલી ઓટ વચ્ચે સંતુલન સાધવા પ્રયત્ન કરી રહ્યું હતું. અને બસ આવી જ સંમિશ્રિત લાગણી ને મન માં છુપાવી ને હોસ્ટેલ થી કોલેજ જઈ રહેલા સહર્ષ સાથે કોલેજ ના ગેટ પાસે જરા ઝડપ થી આવી રહેલી એક છોકરી અથડાઇ ગઈ.

હાંફળી ફાંફળી થતી એ છોકરીએ ઉચાટ સ્વરે કહ્યું “ સોરી મને માફ કરશો. હું જરા જલ્દી માં હતી, આજે જ મારૂ અહી એડ્મિશન થયું છે. તમે કહેશો કે ફર્સ્ટ એમબીબીએસ ના ક્લાસ માટે કયા લેક્ચર હોલ માં જવાનું?”

“ ઇટ્સ ઓકે, ફર્સ્ટ એમબીબીએસ નો ક્લાસ સેકન્ડ ફ્લોર, લેક્ચર હોલ નંબર 5 માં છે.” સહર્ષે સહર્ષ ઉત્તર આપ્યો.

“થેન્ક્સ” કહી ને એ અલ્લડ છોકરી પળવાર માં તો ગાયબ થઈ ગઈ. પ્રવેશ પ્રક્રિયા ના તબક્કા જેમ જેમ પૂર્ણ થતાં હતા તેમ તેમ નવા નવા ચહેરા કોલેજ માં ઉમેરાતાં જતાં હતાં. એ છોકરી ના નરમ મુલાયમ ખભા ના સ્પર્શે અને મૃદુ સ્વર સાથે થયેલા સંવાદે આજે મુગ્ધાવસ્થા ની અટારીએ ઉભેલા સહર્ષ ના હ્રદય ની ગતિ ને પ્રવેગ આપી દીધો.

લેક્ચર હોલ માં દાખલ થતાં જ સહર્ષ ની નજર વિદ્યાર્થીઓ ના વૃંદ માં બસ એ જ ચહેરા ને શોધી રહી હતી. અને પ્રથમ જ હરોળ માં એ ચહેરો દેખાયો. હ્રદય ની ગતિ ફરી તેજ થઈ. રોજ સહર્ષ બસ આમ જ એ ચહેરા ને નીરખ્યા કરતો અને તેજ ગતિ એ ધબકતાં હ્રદય સાથે મન માં ને મન માં ખુશ થતો. પહેલા ક્યારેય કોઈ ની માટે આવી લાગણી નહોતી અનુભવાઈ. હવે સહર્ષ ને કોઈ પણ રીતે એ છોકરી સાથે વાત કરવી હતી અને મદદે આવી વૈનવી. વૈનવી અને સહર્ષ બંને એક જ સ્કૂલ અને શહેર ના હતાં. સહર્ષે વૈનવી ને તમામ હકીકત વર્ણવી. વૈનવી ખુશ થતાં બોલી “ અનુશા મારી હમણાં જ ફ્રેન્ડ બની છે, હું તને એ ની સાથે વાત તો કરવી આપું પણ ??”

“પણ શું ?”
“ પણ મને એના બદલા માં શું મળશે?”
“ એના માટે તો તું કહે એ કરવા હું તૈયાર છું.” સહર્ષ હર્ષ થી ઉત્તેજિત થતાં બોલ્યો.
“ મારી એનાટૉમી ની જર્નલ તારે લખવી પડશે અને કેન્ટીન માં રોજ એક આઇસક્રીમ.”
“ઓકે, ડન.” સહર્ષ ના મતે સોદો બહુ સસ્તા માં પતી ગયો.
અને વૈનવી એ કેન્ટીન માં સહર્ષ ની મુલાકાત અનુશા સાથે કરાવી. “ ઈટ ઇસ નાઇસ ટુ મીટ યૂ અગેન.” સહર્ષ ની આંખોમાં આજે ખુશી છલકાતી હતી.

“ આપણે મારા કોલેજ ના પ્રથમ દિવસે મળ્યા હતાં, રાઇટ ?” અનુશા એ પ્રત્યુત્તર આપ્યો. થોડી વાતચીત અને આઇસક્રીમ પાર્ટી ના અંતે વૈનવી, સહર્ષ અને અનુશા છૂટા પડ્યા.

છૂટા તો પડ્યા પણ સહર્ષ નું મન હજુય અનુશા ને યાદ કરતું હતું. બસ આવી જ રીતે મુલાકાતો વધતી ગઈ. ક્યારેક કેન્ટીન માં વૈનવી, સહર્ષ અને અનુશા હોતાં તો ક્યારેક સહર્ષ અને અનુશા એકલા. ગાર્ડન માં પણ ક્યારેક ત્રણેય સાથે હોય તો ક્યારેક અનુશા અને સહર્ષ. સહર્ષ નું મન અનુશા સાથે ઉત્કટ પ્રણય સંબંધ માં બંધાઈ ગયું હતું. પણ એ પ્રણય એક તરફી હતો. અનુશા ને આ અંગે કંઈ જ ખબર નહોતી. સોદા પ્રમાણે સહર્ષ વૈનવી ની જર્નલ લખી આપતો તો સાથે સાથે અનુશા નું પણ બધુ જ કામ કરી આપતો. કેન્ટીન માં પણ નાસ્તો અને કોફી અનુશા માટે એ જ લઈ ને આવતો.

“ હેલ્લો અનુશા મજા માં ?” વૈનવી એ દિલ્લી રહેલી અનુશા ને એક દિવસે સવાર સવાર માં કોલ લગાવ્યો.
“ હાય, વૈનવી, મજા માં તો નહીં, બસ એ જ રૂટીન ક્લિનિક વર્ક. પણ આમ અચાનક આજે સવાર સવાર માં યાદ આવી? કોઈ ગુડ ન્યૂઝ છે કે શું? કેમ કે ખુશી તારી વાતો માં છલકાય છે”

“ જબરી, તને બધી જ ખબર પડી જાય છે, સાંભળ આવતા અઠવાડિયે મારા લગ્ન છે અને તારે આજે જ અહી આવવાનું છે. મારી બધી શોપિંગ બાકી છે. તું આવે પછી જ હું શોપિંગ કરીશ.”
“વાઉ ધેટ્સ ગ્રેટ ન્યૂઝ, કોણ છે એ નસીબદાર? જે મારી વૈનવી ને લઈ જશે.” અનુશા ના મન માં પણ આનંદ ઉભરાતો હતો.
“બધુ જ કહીશ, તું આવી જા. હું તને એરપોર્ટ લેવા આવું છું” વર્ષો બાદ અનુશા ને મળી ને બધુ જ કહેવાની ઉત્કંઠા અને ખુશી વૈનવી ના ચહેરા પર સ્પષ્ટ તરી આવતાં હતાં.

આખરે હિમ્મત કરી ને એક વેલેન્ટાઇન ના દિવસે કેન્ટીન માં સહર્ષે સહજ રીતે અનુશા સમક્ષ પોતાના દિલ ની વાત રજૂ કરી. “ અનુશા મેં એક સપનું જોયું છે, સાબરમતી નદી ના કિનારે એક ફ્લૅટ હોય, અને એ ફ્લૅટ ની ગૅલૅરી માં સમી સાંજે તું ઊભી હોય અને હું તારા માટે કોફી બનાવી ને લઈ ને આવું. શું તું મને આમ રોજ કોફી બનાવવાનો મોકો આપીશ?
“એટલે ?” અનુશા ની આંખો ની ભ્રમરો ઊંચી થઈ ગઈ.

“ આઈ લવ યૂ, અનુશા. કોલેજ ના પ્રથમ દિવસ થી તને જોઈ ને મારૂ હ્રદય તેજ ગતિ એ ધબકે છે અને સદાય તારા માટે જ એ ધબકવા માંગે છે, તારા પ્રત્યે ના અનહદ પ્રેમથી એ ભીંજાઇ ગયું છે અને સદાય એ ભીંજાયેલું રહેશે.” સહર્ષ ની આંખો આજે પ્રેમભરી નજરે અનુશા ના પ્રત્યુત્તર ની રાહ જોઈ રહી હતી.

“ સહર્ષ તું ખોટું ના લગાડતો પણ તને મેં એક ફ્રેન્ડ થી વિશેષ નથી માન્યો. જીવનસાથી ને લઈ ને મારા મન માં ઘણી અપેક્ષાઓ છે, જેમાં તારો સાધારણ અને સામાન્ય દેખાવ ક્યાંય બંધબેસતો નથી. હું મારા સૌંદર્ય નું અભિમાન તો નથી કરતી પણ મારો સાથીદાર જરાક તો આકર્ષક હોવો જ જોઈએ ને! જેથી હું એના જોડે શોભી શકું!” અનુશા ની આંખો માં આ સંબંધ માટે સ્પષ્ટ અણગમો વાર્તાતો હતો.
અનુશા ના શબ્દોએ સહર્ષ ના હ્રદય ની ગતિ ને મંદ કરી દીધી અને સહર્ષ ગ્લાનિ ની ગર્તા માં ધકેલાઇ ગયો. સહર્ષ ના પ્રણય ની પરિભાષા અનુશા ના સમજી શકી.

અનુશા ઍરપોર્ટ પર આવી ગઈ. વૈનવી જોતાં જ બંને સખીઓ ભેટી પડી. બંને ની આંખો માં હર્ષ અને ખુશી ટપકતી હતી. “ હવે તો બોલ, કોણ છે ખુશ નસીબ? ક્યારે આ બધુ નક્કી થયું ?” આવતાં જ અનુશા એ સવાલો ની ઝડી વર્ષાવી.

“ ધીરજ તો રાખ, તારા જીજાજી અહીં જ છે, પાર્કિંગ માં કાર લેવા ગયા છે. તું જાતે જ જોઈ લે મારી પસંદગી ને !” વૈનવી ની આંખો માં એક અજીબ ચમક હતી.

દૂર થી એક હોન્ડા સિટિ કાર એરપોર્ટ ની બહાર આવી ને ઊભી રહી. અંદર થી ખૂબ જ સોહામણો યુવક બ્લેક ગોગલ્સ પહેરી ને બહાર આવ્યો. ત્યાં જ અનુશા એ વૈનવીને ગાલે ચૂંટલો ખણતાં કહ્યું, “ જીજાજી તો એકદમ ફિલ્મી હીરો છે, ક્યાંથી શોધી લાવી એમને?”

એ સોહામણો યુવક બંને ની સમીપ પહોંચી ને બ્લેક ગોગલ્સ ને ઉતારતાં ઉતારતાં અનુશા સમક્ષ જોઈ ને બોલ્યો “ કેમ છો મિસ અનુશા, ઓળખાણ પડી?”

અનુશા તો ચોંકી ગઈ અને ભારે અચરજ સાથે પ્રત્યુત્તર આપ્યો “ સહર્ષ તું ? કેટલો બદલાઈ ગયો? બહુ જ હેન્ડસમ લાગે છે ? કેવી રીતે ?”
“ હા, થોડી એક્સરસાઇઝ, જીમ અને થોડી સ્કીન ટ્રીટમેન્ટ. કેમ કે આજકાલ લોકો ને વસ્તુ ની ગુણવત્તા કરતાં એના આકર્ષક પૅકિંગ માં જ રસ હોય છે.” એમ કહી સહર્ષ અને વૈનવી ખડખડાટ હસી પડ્યાં. અનુશા એ પણ પોતાની નામરજી છતાં એમના હાસ્ય માં સૂર પુરાવ્યો કેમ કે એ સમજી ગઈ કે આ વાક્ય સહર્ષે પોતાને જ અનુલક્ષીને જ કહ્યું છે.

કાર માં વૈનવી આગળ ની સીટ માં સહર્ષ સાથે બેસી જ્યાં સહર્ષે વૈનવી નો સીટ બેલ્ટ બાંધી આપ્યો અને હાથ પકડી ને “ આઇ લવ યૂ” કહ્યું જેનો એ જ શબ્દો સાથે વૈનવીએ પ્રત્યુત્તર આપ્યો. અનુશા ને આ ના ગમ્યું કેમ કે પોતે આટલી દૂર થી આવ્યાં છતાં વૈનવી એની સાથે પાછળ ની સીટ માં ના બેસી પણ હવે બંને ના લગ્ન થવાના હતા એટલે અનુશા એ પોતાનું મન મનાવી લીધું.

કાર સડસડાટ એરપોર્ટ ની બહાર નીકળી ને વૈનવીના ઘર તરફ પ્રયાણ કરી રહી હતી ત્યાં જ વૈનવીએ અનુશા સમક્ષ જોઈ ને કહ્યું “ જો અનુશા તારે અહી તારા મમ્મી પપ્પા ના ઘરે નથી જવાનું જ્યાં સુધી મારા લગ્ન પૂરા ના થાય ત્યાં સુધી મારા ઘરે જ રહેવાનુ છે, આમે ય તું દિલ્લી તારા મામા ના ઘરે ગઈ ત્યારથી અમદાવાદ નથી આવી. મેં આંટી જોડે બધી જ વાત કરી લીધી છે.”

“ ઓકે ડિયર વૈનું , બસ તું કહે એમ. હું તારા જોડે જ છું.” ખુશી ખુશી અનુશા એ વૈનવી ની વાત ને સ્વીકૃતી આપી દીધી.
બંને ના સંવાદ ને અધવચ્ચે અટકાવતાં જ સહર્ષ બોલ્યો “ જો અનુશા અમારા લગ્ન અહી થવાના છે.”

અનુશા એ ઉત્કંઠા પૂર્વક બારી બહાર જોતાં કહ્યું “ વાઉ, બહુ જ મસ્ત જગ્યા છે, એકદમ નિસર્ગ ના ખોળા માં.”

મેરેજ હોલ ની જગ્યા જોતાં અનુશા એ વખાણ તો કર્યા પણ મન માં એક અજીબ પ્રકાર નો અજંપો અનુભવ્યો. અનુશા ના સમજી શકી.

અનુશા ના આવતાં જ વૈનવી લગ્ન ની તૈયારી માં મશગુલ થઈ ગઈ. અનુશા ને લઈ ને વૈનવી શોપિંગ કરવા ઉપડી જતી. સહર્ષ પણ સાથે ને સાથે જ હોતો. વૈનવીની બધી જ શોપિંગ બેગ્સ લઈ ને સહર્ષ એની પાછળ પાછળ ચાલતો. વૈનવી કોઈપણ વસ્તુ લેતાં પહેલા સહર્ષ ને પૂછતી અને સહર્ષ સહર્ષ વૈનવી ની પસંદગી ને માન આપતો. બંને શોપિંગ થી થાકી હારી જતાં ત્યારે સહર્ષ બંને માટે નાસ્તો લઈ આવતો. સહર્ષ અને વૈનવી એક જ ડિશ માં નાસ્તો કરતાં. અનુશા ને કોલેજ ના જૂના દિવસો ની યાદ આવી ગઈ અહી ફર્ક બસ એટલો હતો કે ત્યારે સહર્ષ ની આંખો માં પોતાના માટે છલકાતો પ્રેમ આજે વૈનવી માટે છલકાઈ રહ્યો હતો.

સાંજે જ્યારે બંને શોપિંગ કરીને પાછા ફર્યા ત્યારે છૂટા પડતી વખતે સહર્ષ વૈનવી નો હાથ પકડી ને હાથ પર ચૂમી ભરતાં “આઇ લવ યૂ” કહ્યું અને જરા શરમાઇને અને આંખો ને ઢાળી ને વૈનવી એ જ શબ્દો સહર્ષ ને પાછા આપ્યા.

ત્યાં જ દૂર રહેલી અનુશાએ બૂમ મારી ને કહ્યું “ ઓ લૈલા મજનૂ અને મારા રોમિયો જુલિએટ, બસ હવે તમારા વિરહ ને થોડા જ દિવસ છે.” ત્રણેય હસી ને છૂટા પડ્યાં. અનુશા ના મન ને સહર્ષ ના વિચારો ઘેરી વળ્યા.
“ અનુ, જલ્દી તૈયાર થા, આપણે આજે મારા પાનેતરની પસંદગી કરવાની છે અને મને તારી પસંદગી નું જ પાનેતર જોઈએ અને તારે પણ મારા લગ્ન માટે એકદમ મસ્ત ચોલી પહેરવાની છે જે હું પસંદ કરીશ અને જેના ફિટિંગ માટે આપણે ટ્રેલર ના ત્યાં પણ જવાનું છે.” અનુશા પણ વૈનવીના આદેશ ને વશ થઈ તૈયાર થઈ ગઈ. અનુશા એ વૈનવી માટે એક મસ્ત ગ્રીન કલર નું પાનેતર પસંદ કર્યું અને દુકાન માં રહેલા દર્પણ માં જોઈ ને એ પાનેતર પોતાના પર ઓઢયું અને દર્પણ માં જોતાં જ અનુશા એક ક્ષણ માટે ખોવાઈ ગઈ. ત્યાં જ વૈનવી અનુશા માટે ચોલી લઈ ને આવી “ જો અનુશા, મેં તારા માટે પસંદ કરી, કેવી લાગે છે.”

 

વૈનવી ના શબ્દો એ અનુશા નું ધ્યાન ભંગ કર્યું. “ એકદમ સરસ લાગે છે. અને આ જો મેં તારા માટે પાનેતર પસંદ કર્યું. તને ગમ્યું ?
“ બહુ જ ગમ્યું. તું ના હોત તો હું આ બધી શોપિંગ માટે અવઢવ અને વિમાસણ માં જ મુકાઇ જાત. થેન્ક્સ અનુ.”

વૈનવી ની બધી જ શોપિંગ માં અનુશા એ ખૂબ મદદ કરી પણ ક્યાંક એક ખૂણા માં અનુશા નું હ્રદય અને મન ખુશ નહોતા, એને સમજાતું નહોતું કે પોતે કેમ આવું અનુભવી રહી છે. લગ્ન ને આડે હવે થોડાક જ દિવસો બાકી હતા. સહર્ષ ક્યારેક રાત્રે વૈનવી ના ઘરે આવતો અને બંને જણા મોડી રાત સુધી અગાશી માં શીતળ ચાંદની માં બેસતાં. અનુશા વૈનવી ની રાહ જોતી પથારી માં પડખાં ફેરવતી અને મન ને કઇંક સમજાવતી રહેતી.

“ અરે અનુશા તને તો મેં મારી અને સહર્ષ ની કંકોત્રી તો બતાવી જ નહીં ? જો આ સહર્ષ ની કંકોત્રી જે મેં પસંદ કરી છે અને આ જો મારી કંકોત્રી જે સહર્ષે પસંદ કરી છે.”

અનુશા એ બંને કંકોત્રી હાથ માં લીધી. જેની પર લખ્યું હતું
ડૉ. સહર્ષ વેડ્સ ડૉ.વૈનવી અને
ડૉ.વૈનવી વેડ્સ ડૉ. સહર્ષ
અનુશા ની આંગળીઓ સહર્ષ ના નામ પર ફરી રહી હતી.

જેમ જેમ લગ્ન નજીક આવતાં જતાં હતા એમ એમ હવે અનુશા ને પોતાના મનમાં રહેલા અજંપા નું કારણ સમજાતું હતું. સહર્ષ નો વૈનવી પ્રત્યે નો અનહદ પ્રેમ અનુશા હવે જોઈ શકતી નહોતી. કેમ કે આજ દિન સુધી આવો પ્રેમ અનુશા એ પોતાના જીવન માં જોયો નહોતો. હવે કદાચ એને પોતાની વાત પર અફસોસ થઈ રહ્યો હતો.

કદાચ એ દિવસે સહર્ષ નું પ્રોપઝલ સ્વીકાર્યું હોત તો આ કંકોત્રી માં સહર્ષ સાથે પોતાનું નામ હોત.
અનુશા ના હ્રદય માં સહર્ષ માટે પ્રેમ ઉભરાઇ રહ્યો હતો. હવે અનુશા વૈનવી ની જગ્યા એ પોતાની જાત ને સહર્ષ સાથે વિચારતી પણ હકીકત માં પાછાં ફરતાં જ એ વ્યગ્ર થઈ જતી. કંકોત્રી જોતાં જ અનુશા ની બંને આંખ ના ખૂણા માં એક અશ્રુ ઉભરાઇ રહ્યું હતું જેને બહુ સિફતતા થી અનુશા એ છુપાવી દીધું.

અનુશા એ રાત્રે પૂરી રાત સહર્ષ ને વિચારો માં ખોવાયેલી રહી. આંખો માં બસ સહર્ષની જૂની યાદો જ તરવરી રહી હતી, ભીની આંખે એ આખી રાત જાગતી રહી. સહર્ષ સમક્ષ માફી માંગી ને સહર્ષ ને “ આઈ લવ યૂ ટૂ સહર્ષ” કહી ભેટી ને રડવું હતું પણ હવે એ શક્ય નહોતું. સહર્ષ હવે કોઈ બીજા ની અમાનત હતો. સવાર પડતાં જ અનુશા એ મન માં સહર્ષ અને વૈનવી ના લગ્ન સુધી નહીં રોકાવાનો અને સવારે જ પોતાના મામા ના ત્યાં પાછા ફરવાનો નિશ્ચય કરી લીધો અને બેગ પૅક કરવા લાગી કેમ કે સહર્ષ ને હવે કોઈ અન્ય નો થતો નહોતી જોઈ શકતી.

સફાળા પૂર્વક જાગેલી વૈનવી એ જોયું તો અનુશા બેગ પૅક કરી હતી.
“ અનુશા આમ અચાનક ? શું થયું ? કેમ બેગ પૅક કરે છે? ક્યાં જાય છે ?” વૈનવી ની આંખો માં આશ્ચર્ય ટપકતું હતું.

“ હું મારા મામા ના ત્યાં પાછી જાઉં છું, કારણ હું તને પાછી કહીશ.” અનુશા એ જલ્દી માં સહેજ ભીની આંખો એ બેગ પૅક કરતાં કરતાં કહ્યું.
“ પણ કારણ તો હું જાણી ને જ રહીશ. હું તને નહીં જવા દઉં. બસ હવે થોડાજ દિવસો ની તો વાત છે.” વૈનવીના શબ્દો માં અનુશા ને રોકવાના પ્રયત્નો છતાં થતાં હતા.

“વૈનું, મને માફ કાર હું નહીં રહી શકું હવે અહી વધુ” અનુશા પોતાની ના નિર્ણય પર અડગ હતી.
“ પણ યોગ્ય કારણ વગર હું તને અહીંથી જવા ની મંજૂરી નહીં આપું. કારણ મારે જાણવું જ છે.” વૈનવી પણ આમ અચાનક અનુશા ના નિર્ણય ને કળવા પ્રયત્ન કરી રહી હતી.

“ તો સાંભળ, કારણ એ જ કે હું પણ સહર્ષ ને એટલો જ પ્રેમ કરું છું. અને સહર્ષ ના તારા સાથે ના લગ્ન ને જોઈ નથી શકતી.”
ત્યાં જ વૈનવીએ જોર થી હસતાં હસતાં કહ્યું “ અરે પગલી આ જ તો મારે તારા મોં એ સંભાળવું હતું,”

“ એટલે ?” અનુશા ના ભ્રમરો ની રેખાઓ તંગ થઈ ગઈ.
“ અનુ, માનવ સહજ પ્રકૃતિ જ એવી છે કે જ્યાં સુધી આપનો પ્રેમી કે પ્રેમિકા અન્ય કોઈ ને પ્રેમ કરવા ના લાગે ત્યાં સુધી આપણને એના પ્રેમ ની કદર નથી થતી.” વૈનવી ના મુખ પર હજુ ય હાસ્ય રમી રહ્યું હતું.
અનુશા વૈનવી ના આ ગૂઢ શબ્દો ના અર્થ ને સમજવા હજુય પ્રયાસ કરી રહી હતી.

વૈનવી એ વાત ને સરળ બનાવતાં કહ્યું “ જેમ મંદ ગતિ એ ચાલતા હ્રદય ને ફરી તેજ ગતિમાં લાવવા શૉક ની જરૂર પડે એમ શુષુપ્તાવસ્થા માં રહેલા તારા સહર્ષ પ્રત્યે ના પ્રેમ ને ચેતનવંતો કરવા આ હાઇ વૉલ્ટેજ ડ્રામા હતો.”

“શું આ બધુ નાટક હતું?” અનુશા ની આંખો આશ્ચર્ય સાથે વૈનવી ને જોઈ રહી હતી.

વૈનવીએ હવે સમગ્ર હકીકત બહાર લાવતાં કહ્યું “ જ્યારે સહર્ષે તારા સમક્ષ પ્રેમ નો પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે એ કદાચ એ આકર્ષક નહોતો. તે એના બાહ્ય રૂપ ને જોઈ ને જ એના પ્રેમ નો અસ્વીકાર કરી દીધો પણ તે એના સૌમ્ય હ્રદય માં તારા માટે ના પ્રેમ ને ના જોયો. શું પ્રણય ની પરિભાષા સમજાવવા કોઈ નું આકર્ષક હોવું જરૂરી છે? અને આ સમગ્ર ઘટના ની હું સાક્ષી હતી. તે એના પ્રેમ નો અસ્વીકાર તો કર્યો પણ સહર્ષે તારા હ્રદય માં પ્રણય નું બીજ રોપી દીધું હતું જે તારા વર્તન માં જણાઈ આવતું. મારે બસ આ બીજ નું મોટું વૃક્ષ બનાવવાનું હતું અને હું એમાં સફળ રહી. અરે એ ગાંડો તો તારા દિલ્લી ગયા પછી જીવન નો અર્થ જ ભૂલી ગયો હતો.

એના માટે જીવન એટલે બસ તું હતી. મારાથી એની આ દશા નહોતી જોવાતી એટલે મારા મગજ માં આ પ્લાને આકાર લીધો. સૌ પહેલા સહર્ષ ને મનાવવા પ્રયત્નો કર્યા. બહુ પ્રયત્નો પછી એ માન્યો. અરે એ ગાંડો તો નાટક માં ય મારો હાથ પકડવા તૈયાર નહોતો. માંડ મનાવ્યો. પાછી હું અને સહર્ષ તારા મમ્મી પપ્પા ને મળ્યા.

એમને સહર્ષ બહુ જ પસંદ પડ્યો અને એમને પણ તમારા આ સંબંધ માટે મંજૂરી ની મહોર મારી દીધી અને પ્લાન માં પૂરો સહકાર આપ્યો. હવે સમગ્ર ઘટના ક્રમ યાદ કર અનુ, જેવી તું એરપોર્ટ પર ઉતરી કે તુરંત જ મેં તને તારા ઘરે જવા ના પડી કેમ કે તારા ઘરે તારા લગ્ન ની તૈયારીઓ ચાલે છે અને તું ત્યાં જાય તો અમારા પ્લાન પર પાણી ફરી વળે. પછી પાનેતર પણ મેં તારી પસંદગી નું લેવાનું કહ્યું કેમ કે એ પાનેતર તારે પહેરવાનું હતું આરહી વાત કંકોત્રી ની તો એક જ કંકોત્રી પર મારૂ અને સહર્ષ નું નામ હતું બાકી બીજી બધી કંકોત્રી પર તારું અને સહર્ષ નું નામ છે.” એમ કહેતાં જ વૈનવીએ અનુશા ના હાથ માં કંકોત્રીઓ નો ઢગલો કરી દીધો.

અનુશા ઝડપ થી કંકોત્રી ખોલી ને જોવા લાગી જેમાં લખ્યું હતું.
“ડૉ. અનુશા વેડ્સ ડૉ. સહર્ષ”
અનુશા ની આંખો હવે ખુશી થી છલકાઈ રહી હતી.

“અને સાંભળ તને બેગ પૅક કરતાં જોઈ મેં સહર્ષ ને મેસેજ કરી દીધો હતો અને એ અહી આવી ગયો છે. તમારો ફિલ્મી હીરો, એને હીરો બનાવવા પાછળ મારૂ ભેજું છે હોં ! ”

અનુશા છલકાયેલી આંખો સાથે વૈનવી ને ભેટી પડી. થેન્ક્સ એવા શબ્દો કે બીજા એવા કોઈ સંવાદ ની જરૂર નહોતી કેમ કે અનુશા ની આંખોમાં બધુ જ વ્યક્ત થતું હતું.

અનુશા દોડતી સહર્ષ પાસે પહોંચી ગઈ. સહર્ષ કાર ને ટેકો લઈ ને અનુશા ની રાહ જોઈ ને ઊભો હતો.
અનુશા સહર્ષ ને ભેટી પડી અને ભેટતાં ભેટતાં કહ્યું “મેં એક સપનું જોયું છે, સાબરમતી નદી ના કિનારે એક ફ્લૅટ હોય, અને એ ફ્લૅટ ની ગૅલૅરી માં સમી સાંજે તું ઊભો હોય અને તારા માટે કોફી બનાવી ને હું લઈ ને આવું. શું તું મને આમ રોજ કોફી બનાવવાનો મોકો આપીશ? આઈ લવ યૂ સહર્ષ.”

લેખક – “નીલ” ડૉ. નિલેષ ઠાકોર

આપ સૌને આ સ્ટોરી કેવી લાગી અચૂક જણાવજો !!

ટીપ્પણી