સંબંધની સીમા અને દર્દની અનુભૂતિ ! .. વાંચો અને શેર કરવાનું ભૂલાય નહિ..

કોઈ વ્યક્તિમાં આપણો ભરોસો બેસી જાય અને એ વ્યક્તિ આપણી શક્તિ બને અને આપણે એના વગર રહી ન શકીએ અને એજ આપણો દર્દ બને ! આપણે આ અનુભવને પ્રેમના નામથી ઓળખીએ છીએ. આપણાં પ્રિય વ્યક્તિ તરફ અપેક્ષા રાખવી સારી બાબત છે, પણ એટલી પણ અપેક્ષા ન રાખવી જોઈએ કે એ પુરી ન કરી શકે ! એટલે કે એની મર્યાદા જોવી જોઈએ. મર્યાદા શબ્દ લોકોને ગમતો નથી પણ દરેક સંબંધમાં મર્યાદા તો હોવી જ જોઈએ. પ્રિય વ્યક્તિ આપણી સાથે પ્રામાણિક હોય અને પ્રામાણિકતાના કારણે એ સત્ય બોલે છે એ સૌથી શ્રેષ્ઠ બાબત છે, એ સમયે સત્યનો સ્વીકાર કરવાની શક્તિ હોવી અનિવાર્ય છે. સાચી વાત છે કે પ્રિય વ્યક્તિને મળ્યા વગર રહી ન શકાય અને એની સાથે ઝઘડો થાય તો એ સહન ન થાય !

“ઝઘડવાથી પ્રેમ વધે એ સાચી વાત, તો શું પ્રેમમાં ઝઘડો જ કરવાનો ?” આ પ્રશ્ન દરેક છોકરાનો હશે અને “એ મને સમય નથી આપતો !” આ પ્રશ્ન લગભગ દરેક છોકરીનો હશે. પ્રેમમાં પ્રશ્નો તો રહેવાના કારણ કે પ્રેમ જ મોટો પ્રશ્ન છે ! રમૂજ જેવી લાગણીઓને જ્યારે દર્દની સીમા પાર કરવાની હોય ત્યારે જે લાગણી ઉદ્દભવે એજ કદાચ પ્રેમ હશે ! કોઈ પણ સંબંધ હોય એમાં પ્રામાણિકતા જરૂરી છે અને પ્રેમની પ્રામાણિકતા પરોપકારી હોય છે. લાગણીઓના સંબંધમાં એક અનોખા ભાવવિશ્વની રચના થાય છે, જે કોઈ કવિની કવિતા કે ગઝલમાં હોય, કોઈ વાર્તાકારની વાર્તામાં હોય !

કોઈ પણ સંબંધને સમય આપવો જરૂરી છે અને ત્યારે જ ખ્યાલ આવે કે એ સંબંધ હૈયાથી છે કે આકર્ષણથી ! વાતો કરવાથી કોઈના દિલમાં જગ્યા નથી મળતી, વાતોથી આકર્ષણ માત્ર થાય છે. પ્રેમમાં આકર્ષણ છે, તો એનો મતલબ એ નથી કે આકર્ષણ એજ પ્રેમ છે. કોઈ પણ પ્રકારના પ્રેમથી હરિને પામી શકાય છે. એ પ્રેમ સત્ય અને પ્રામાણિકતાની સીમમાં હોવો જરૂરી છે. સત્યનું મહત્વ જુઠના અનુભવથી જ સમજાય છે એટલે જ જીવનમાં બધા જ અનુભવો જરૂરી એટલે વધારે ચિંતા ન કરવી !

પ્રેમ બધાનો અલગ હોય છે એટલે દરેકના અનુભવ પણ જુદા જ હોય, એટલે પ્રેમમાં ક્યારેય કોઈની સરખામણી થતી નથી પણ લોકો જરૂર કરે છે ! પ્રેમમાં ઈશ્વર તત્વ છે અને આ સત્વને આત્મા સુધી પહોંચાડવા માટે પામવો જરૂરી છે ! મીરાંબાઈને કૃષ્ણથી પ્રેમ થાય છે અને એમનો પ્રેમ મહાન હતો. પરોપકારનો પાયો પ્રેમથી જ શરું થાય છે અને આ પ્રેમમાં દરેકના રસ્તા અલગ અલગ છે, પણ મંઝિલ તો હરિ જ છે. દર્દ તો દરેક સંબંધમાં રહેવાના, કેમ કે સાચી વસ્તુને જ પડકાર મળે છે અને પરીક્ષા પણ થાય છે. એટલે હંમેશ પોતાની પ્રામાણિકતા પર અડગ રહેવું અને સત્યને હંમેશ સાથે જ રાખવું. ભલે દુનિયાની સૌથી મોટી મુશ્કેલી આવે પણ તમે સત્યની સાથે રહેશો તો જીત તમારી જ થશે !

લેખક :- પ્રદિપ પ્રજાપતિ

દરરોજ અવનવી અલગ અલગ વિષય પર વાર્તા વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી