પોલીસ – પોતાના કાર્યકાળ દરમિયાન એકપણ દિવસની રજા લીધા વગર સતત રહ્યા સેવામાં, વાત આપણા અમદાવાદના એક સુપર પોલીસ ઓફિસરની…

પોલીસ,…. શબ્દ સાંભળીએ કે સામે જોઈએ તો શું વિચાર આવે ? નબળો વિચાર આવે કે ન આવે પણ સારો પ્રતિભાવ નથી આવતો.

માનવ સમાજમાં ડોક્ટર્સ, ટીચર્સ, એન્જીનિયર્સ, તલાટી, મંત્રી, બેન્ક કર્મચારી, … આવા અનેક લોકો સામાજિક વ્યવસ્થાના માળખા ને સુદ્રઢ રાખવા માટેના મણકા છે. પણ, જાણ્યે અજાણ્યે, પોલીસ ડિપાર્ટમેન્ટ માટે “મથરાવટી જ મેલી” એવી છાપ એમના અને આપણા કમનસીબે પડેલી છે. અને એનું કારણ એ પણ હોઈ શકે કે આ ડિપાર્ટમેન્ટની નેગેટિવ અને નબળી વાતો જેટલી ઝડપી પ્રસરે છે એની સામે, સારી , સાચી અને પોઝિટિવ વાતો સિશિયલ મીડિયામાં જલ્દીથી નથી આવતી.

પોલીસ ડિપાર્ટમેન્ટ ના કર્મચારીઓ પણ આપણા જેવા, આપણા કરતા પણ “મુઠ્ઠી ઊંચેરા” સાબિત થાય છે. તેઓમાં તેમની ફરજ અને દેશ માટે કઈ કરી છૂટવાની દેશદાઝ ની સાથે સાથે, એમના દિલમાં પણ સહૃદયતા, સંવેદનતા, લાગણી અને પ્રેમ ધબકે છે . એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ “અમદાવાદ ના ખાડીયા પોલીસ સ્ટેશન” માં જોવા મળ્યું. તારીખ 30 જૂન 2019 ના રોજ ASI શ્રી વિક્રમસિંહ વાઘેલા નિવૃત થયા. 1982 થી mt વિભાગમાં સરકારી નોકરીથી જોડાઈ ને સતત 38 વર્ષ ની નોકરીમાં તેઓ એ પુરા દિલથી ફરજ બજાવી.

પોતાના કાર્ય કાળ દરમિયાન કન્ટીન્યુ 30 વર્ષ તો એમની ડ્યૂટી 24 કલાક ની આવતી, એમની ફરજ દરમિયાન સિંગલ અકસ્માત પણ નથી થયો. એમની ફરજ માં તેઓ એકપણ દિવસ એબ્સન્ટ નથી રહ્યા કે કામ માં ક્યારેય તેઓ એ બહાનાબાજી નથી કરી. એક વખત સરખેજ એરિયા માં તોફાન થયા હતાં એ વખતે ત્યાં ઓન ડ્યૂટી હતાં અને શ્રી વિક્રમસિંહ ના પિતાશ્રી નું અવસાન થતાં તેઓ એ રીલિવર ને રાખી ને એમના પિતાજીની અગ્નિસંસ્કાર વખતે ત્યાં જઈ, અંતિમ વિધિ પતાવી ને 12 વાગે તે પોતાની ફરજ પર હાજર થઈ ગયા.


હમણાં, બે વર્ષ પહેલાં જ તેમના પત્ની ને બીમારી દરમિયાન, વ્હેલી સવારે 4 વાગે હોસ્પિટલ માં દાખલ કરી ને ICU માં રાખવામાં આવેલ પણ, તેમણે એમના પુત્ર ને બોલાવીને એની મમ્મીની જવાબદારી એમને સોંપી 8 વાગે ત્યાંથી નીકળી ને 9 વાગે પોતાની ફરજ પર હસતા મુખે કોઈપણ જાતની ફરિયાદ વગર ખડેપગે હાજર થઈ ગયા હતાં .

શ્રી વિક્રમસિંહે પોતાની વર્દિ પર કોઈ ડાઘ પડવા દીધો નથી. આવા નેકદિલ શ્રી વિક્રમસિંહ ફક્ત પોલીસ ખાતા માટે જ નહીં પણ આ સમાજ ના પ્રત્યેક કર્મચારી માટે એક આદર્શ કર્મચારી બન્યા. અને આ દિવસે ફક્ત તેમની જોડે શ્રી કાળુસિંહ ડોડીયા પણ નિવૃત થયા. તેમને પણ ખૂબ ખૂબ માન સન્માન સાથે બધા વિદાય આપવા તત્પર હતાં.

તેઓ ને માટે તે દિવસે તેમના PI શ્રી તડવી સાહેબ અને આખો સ્ટાફ દિલથી ખડેપગે હાજર હતાં. શ્રી તડવી સાહેબે પોતાના સ્વ ખર્ચે બધા ને ચા પાણી નાસ્તો કરાવ્યા અને આવી જાજરમાન વિદાય અપાવી. તે બન્ને ને હાર પહેરાવી, મીઠા મોં કરાવી, નાચતાં ગાતાં, ડી જે પાર્ટી અને શણગારેલી બગી સાથે એમને વાજતે ગાજતે વિદાય આપી. એમના સ્ટાફ, બીજા પ્રતિષ્ઠિત આમંત્રિત મહેમાનો તથા મિત્રો પરિવાર સહિત બધા લોકો ખૂબ ખૂબ આનંદથી એક સામાન્ય કર્મચારી ને અસામાન્ય વિદાય આપી કોઈપણ ભેદભાવ વગર ફક્ત પ્રેમ ના તાલે ઝૂમી ઉઠ્યા .

અમદાવાદ શહેર ના રસ્તા વચ્ચે આ એક અલગ નઝારો હતો. આવી રીતે સરઘસ કાઢીને બે ત્રણ કલાક નાચવું, ઝૂમવું, એ પણ દરિયાદિલી છે. સરકારી ખાતાઓ માં કઈ કેટલાયે રોજબરોજ નિવૃત થતા હશે , વિદાય સમારંભ પણ યોજાતા હોઈ, પરંતુ આવી ભવ્ય વિદાય કોઈએ જોઈ નહોતી. અબીલ ગુલાલ ની છોળો ઉડી અને આતશબાજી પણ કરી. ઘણા બધા લોકો ભાવવિભોર બની આંખના અશ્રુ રોક્યા વગર સ્નેહભીના બની , આ વિદાય સમારંભના મોજે દરિયામાં ડૂબકી લગાવી કૃતકૃત્ય થયા.


ખરેખર તો વિશ્વનિયંતાએ જે માનવ સર્જ્યો છે એ એનો જ અંશ છે અને હજુ પણ ક્યાંક ને ક્યાંક તો એ આપણા સૌના હૃદય માં ધબકી રહ્યો છે એની પ્રતીતિ થઈ. સો સો સલામ !! આ બધા જ પોલીસ કર્મચારીઓ ને, અને શ્રી વિક્રમસિંહ વાઘેલા તથા શ્રી કાળુસિંહ ડોડીયા જી ને નમસ્કાર. જેમણે આ સમાજને આવું સરાહનીય ઉદાહરણ પૂરું પાડ્યું.

લેખક : દક્ષા રમેશ ઝાલાવાડીયા “લાગણી”

આપ સૌ ને એક નમ્ર અપીલ છે કે જો આપની આસપાસ કોઈ આવું સારું કાર્ય થયું હોય જેના આપ સાક્ષી બન્યા હોવ તો તમે કોમેન્ટ માં જરૂર જણાવો. હું તમારી સાથે ફોન પર વાત કરી ને આવી વાતો સોશિયલ મીડિયામાં લખીને સમાજને એક નવો રાહ બતાવીએ કે હજુ પણ આ “ખારા જળમાં મીઠી વીરડીઓ” છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ