આજની પોઝિટિવ સ્ટોરી: કર્મચારીઓનો પગાર કાપતાં પહેલાં અમદાવાદના એક યુવા ઉદ્યોગપતિએ શું કર્યું વાંચો તમે પણ ?

સર્વોદય વિચારધારાનો વારસો ધરાવતા અમદાવાદમાં પ્રસાદ ગ્રુપ ઓફ કંપનીઝ નામની કંપનીના યુવા માલિક ધ્રુવ શાહે પોતાની કંપનીઓના ૧૧૦૦ કર્મચારીઓને માર્ચ-એપ્રિલ-૨૦૨૦નો પૂરેપૂરો પગાર ચૂકવ્યો. મે મહિનાનો પગાર ટૂંક સમયમાં ચૂકવાશે, એટલું જ નહીં પોતાના તમામ કર્મચારીઓને તેમણે અગાઉથી જણાવી દીધું છે લોકડાઉન ગમે તેટલું લંબાય, એક પણ કર્મચારીના પગારમાંથી એક પણ પૈસો કપાશે નહીં, સમયસર દરેકનો પગાર થઈ જશે. તેમણે કર્મચારીઓને બીજી પણ અનેક રીત-પ્રીતની મદદ કરી.

image source

આ થઈ એક વાત. હવે આનાથી પણ મહત્ત્વની બીજી વાત આવે છે. ધ્રુવ શાહે જોયું-સાંભળ્યું-અનુભવ્યું કે મોટાભાગના ઉદ્યોગપતિઓ-વેપારીઓ પોતાના કર્મચારીઓનો પગાર કાપવાની ફિરાકમાં છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા લોકડાઉનની જાહેરાત વખતે ભલે કોઈનો પગાર ના કાપવાની અને કોઈ કર્મચારીને છુટા ના કરવાની અપીલ કરી હતી, પણ બધા તેનો અમલ કરે એ જરૂરી નથી. યુવા અને સંવેદનશીલ ઉદ્યોગપતિ ધ્રુવભાઈને આ અંગે મનોમંથન કરીને કર્મચારીઓનો પગાર ના કાપવો જોઈએ તેવી લાગણી વ્યક્ત કરતો એક વીડિયો બનાવીને ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સુધી પહોંચાડ્યો.

image source

તેમનું કહેવાનું એટલું જ હતું કે આપણે કર્મચારીઓનો પગાર ના કાપવો જાઈએ. તેમણે કહ્યું કે ઉદ્યોગપતિઓ-વેપારીઓ યોગ્ય જ રીતે દલીલ કરી શકે કે જો ધંધો બંધ હોય, કામ-કાજ થયું જ ના હોય, પગાર કરવા માટે પૈસા જ ના હોય તો કેવી રીતે પગાર કરવો ? ઘણા એવી દલીલ કરે કે આખો પગાર ના કરી શકાય તો ૨૫-૩૦ ટકાનો કાપ પણ કરવો પડે. ધ્રુવભાઈ આ આખી બાબતને સમજાવતાં કહે છે કે કોઈ પણ ધંધામાં કુલ ટર્નઓવરની સરખામણીએ કર્મચારીઓના પગારની ટકાવારી ઘણી ઓછી હોય છે.

image source

ઘણી કંપનીમાં તે અરધો ટકો તો કેટલીકમાં પાંચેક ટકા જેટલી થાય છે. ભલે આ વર્ષે આપણે ના કમાયા, પણ અત્યાર સુધી આ કર્મચારીઓની મદદથી જ કમાયા છીએ તે ના ભૂલવું જાઈએ. આવા વિકટના સમયે તેમની સાથે રહેવું એ આપણી પહેલી ફરજ છે. આપણે તેમનો પગાર કાપીને કે ના આપીને થોડા રૂપિયા બચાવીશું, પરંતુ જો પગાર આપીશું તો આપણી પ્રતિષ્ઠા વધારીશું. આપણે આપણા કર્મચારીના પરિવારને પણ ધ્યાનમાં લેવો જોઈએ.

image source

ધ્રુવ શાહે એક ઉદ્યોગપતિ તરીકે, ઉદ્યોગપતિઓ-વેપારીઓના મનમાં બેસી જાય એ રીતે આખી વાતને મૂકી છે. મહત્ત્વની વાત એ છે કે તેમણે પહેલાં અમલ કરીને પછી આવું કરવાની ભલામણ કરી છે. ધ્રુવભાઈને આવું સૂઝે કારણ કે તેમને સર્વોદય-ગાંધી વિચારનો વારસો મળ્યો છે. તેમના પિતા પ્રકાશભાઈ શાહ સર્વોદય વિચારોમાં શ્રદ્ધા ધરાવે છે. ધરમપુરના પીંડવળમાં ચાલતી આદિવાસી ઉત્કર્ષની પ્રવૃત્તિઓમાં તેઓ વર્ષોથી ગાઢ રીતે સંકળાયેલા છે. વિનોબા ભાવેએ જેમને ‘હરિચંદ્ર’ નામ આપ્યું હતું તેવાં ચંદ્રકાન્તાબહેન અને હરવિલાસબહેન જ્યારે પણ અમદાવાદ આવતાં ત્યારે પ્રકાશભાઈના ઘરે જ ઉતરતાં. પ્રકાશભાઈને ૭૫ વર્ષ થયાં ત્યારે દીકરા ધ્રુવે ૨૦ સેવાકીય-સ્વૈચ્છિક સંસ્થાઓનું જાહેર સન્માન કરીને પિતાના અમૃત મહોત્સવને ઓજસ્વી અને યાદગાર બનાવ્યો હતો.

image source

કોરોનાના કેરનો મુકાબલો સંવેદનશીલતા અને કરુણાથી કરવો જોઈએ. અત્યારનો સમય ખૂબ જ નાજુક છે. બધા માટે ટકી રહેવું એ જ મોટો પડકાર છે. ઉદ્યોગપતિઓ-વેપારીઓ-કંપનીના સંચાલકોએ સંવેદનશીલતાથી વિચારવું પડશે. માત્ર ટર્નઓવર-નફો-અટકી ગયેલું કામકાજ એ રીતે વિચારવાથી તો સમાજકંપ થશે. એવું કહેવાય છે કે વિકટ સમયમાં જ ખાનદાનીની કસોટી થતી હોય છે. ઉદ્યોગપતિઓએ કાપવાને બદલે ઉમેરવાનો વિચાર કરવો પડશે. તમારા ભલા નિર્ણયથી કર્મચારીના હૃદયમાં પ્રગટતી ખુશી કે તેમના પરિવારજનોની આંખમાં આવતી ચમક ભલે કંપની-પેઢીના સરવૈયામાં નહીં દેખાય, પણ તેની અનુભૂતિ જીવન પર વ્યક્ત થતી રહેશે. એ જ કર્મચારીઓ તમને વધારે કમાઈ આપશે.

image source

ખાનગી કંપનીમાં કામ કરતા એક એકાઉન્ટન્ટનો પગાર ૨૫ ટકા કપાઈ ગયો ત્યારે તેમના માથા પર જાણે કે વીજળી પડી. જે પગાર હતો તેમાંય પરિવારનો માંડ માંડ નિભાવ થતો હતો. એ પોતે એકાઉન્ટન્ટ એટલે કંપનીની નાણાકીય સ્થિતિ જાણે. કંપનીનું ટર્ન ઓવર અને નફો ઘણો સારો. કંપની પોતાના ૧૭૫ કર્મચારીના પગારમાં કાપ ના મૂકે તો સહેજે ફરક ના પડે. આમ છતાં કંપનીએ દરેક કર્મચારીના પગારમાં મોટો કાપ મૂક્યો. શેઠનો જીવ એટલો ટૂંકો કે તેમણે કર્મચારીઓના દૃષ્ટિકોણથી વાતને જોઈ જ નહીં. આ આખી વાત કરતાં એ કંપનીના એકાઉન્ટન્ટની આંખ ભીની થઈ ગઈ. આનું કારણ શું ? માલિકો કેમ આ રીતે વિચારે છે ? તેનું કારણ છે માલિકો અને શેઠના હૃદયમાં ઘર ગયેલું અસંવેદનશીલતા અને સ્વાર્થનું વાઈરસ. કોરોના તો કામચલાઉ વાઇરસ છે, પણ આ વાઈરસ કાયમી છે જેનો નિકાલ ખૂબ જરૂરી છે.

image source

એવા અનેક માલિકો હોય છે જે પોતાના કર્મચારીઓનું પરિવારજનોની જેમ જ ધ્યાન રાખતા હોય છે. તેઓ જાણે છે કે મારી કમાણી મારા એકલાની નથી. મારા કર્મચારીઓની મહેનત-સજ્જતા અને નિષ્ઠાને કારણે મને નફો મળે છે. જો હું તેમનું ધ્યાન નહીં રાખું તો બીજું કોણ રાખશે? કોરોનાના કાળા કેરની સામે અનેક ઉદ્યોગપતિઓ-માલિકોની કરુણા ચડિયાતી પૂરવાર થઈ છે. માત્ર અર્થતંત્રની રીતે વિચારનારો વેપારી ભારતનો ના હોઈ શકે. આપણે યાદ રાખીએ કે કરુણાનું પ્રગટીકરણ એ કોરોનાની મોટી વેક્સિન છે.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ