“થેન્ક ગોડ” – ખુબ ટૂંકી વાત છે પણ દરેક વ્યક્તિએ સમજવા જેવી છે.. તો વાંચો અને શેર કરો..

-ઉદય, મારા પર્સમાં ૪૦૦ રૂપિયા મૂક્યા હતા તે તેં લીધા છે? સ્વાતિએ કીચનમાંથી ડ્રોઈંગ રૂમમાં બેઠેલા ઉદયને પૂછ્યું.

સ્વાતિ કીચનમાં એક નાની પર્સમાં ૪૦૦ થી ૫૦૦ રૂપિયા રાખી મૂકતી જેથી શાકવાળો, ફ્રૂટવાળો કે કરીયાણાવાળો આવે ત્યારે પૈસા લેવા બેડરૂમમાં ન જવું પડે. એણે બે દિવસ પહેલાં જ આ પર્સમાં ૪૦૦ રૂપિયા મૂક્યા હતા. પણ હમણા કરીયાણાવાળો આવ્યો ત્યારે જોયું તો પર્સ ખાલી હતું, એટલે ઉદયને એણે એ વિષે પૂછ્યું.

-ના સ્વાતિ, મેં કોઈ પૈસા તારી પર્સમાંથી લીધા નથી.

-ઓકે, પણ હમણા તું કરીયાણાવાળાને ૨૩૦ રૂપિયા આપી દે ને પ્લીઝ.
કરીયાણાવાળો ગયો પછી સ્વાતિ વિચારમાં પડી, ‘પર્સમાંથી પૈસા જાય ક્યાં ? પૈસા મૂક્યા પછી બહારની કોઈ વ્યક્તિ ઘરમાં આવી નથી. કામવાળી તો ત્રણ વર્ષ જૂની અને વિશ્વાસુ છે, એણે આજ સુધી ક્યારેય કોઈ વસ્તુ ચોરી નથી. એકવાર તો ઉદયના પેન્ટમાં ૮૦૦ રૂપિયા રહી ગયેલા, પેન્ટ ધોતી વખતે એણે એ પલળી ગયેલી તમામ નોટો આપી દીધી હતી.

પૈસા પોતે નથી કાઢ્યા, ઉદયે નથી લીધા, તો જાય ક્યાં ? બે દિવસ પહેલાં જ સાસુમા, એટલે કે ઉદયના મમ્મી એમના મોટા દીકરાના ઘરેથી અહીં રહેવા આવ્યા છે. પૈસા એમણે લીધા હશે અને કહેવાનું ભૂલી ગયા હશે ? હમણાં એ મંદિરે ગયા છે, આવે એટલે પૂછી જોઉં ? ના, ના. મમ્મીને તે આવું પૂછાતું હશે ? એમને કેવું ખરાબ લાગે, થાય કે વહુ મારા પર શક કરે છે. પછી બીજી કોઈવાર અમારા ઘરે રહેવા પણ ન આવે. હશે, જવા દે, મારા નસીબમાં એટલા રૂપિયા નહીં હોય. એમ વિચારીને સ્વાતિએ મન વાળ્યું.

સ્વાતિનો આખો દિવસ કામકાજમાં સારી રીતે પસાર થઇ ગયો. મમ્મી બજારમાંથી કાચી કેરી લઇ આવ્યા હતા, તે સ્વાતિ એમની પાસે અથાણું બનાવતા શીખી. ઉદય ઓફિસથી આવ્યો પછી બધા સાથે જમ્યા. જમીને રસોડામાં થી પરવારીને ત્રણે જણ ટી વી જોવા બેઠા હતા, ત્યાં ડોરબેલ વાગી.

સ્વાતિએ બારણું ખોલ્યું તો પાડોશી અંગીરાબેન હતા, બોલ્યા, ‘લો સ્વાતિબેન, આ ૪૦૦ રૂપિયા. હમણા જ મનીષ ઘરે આવ્યા એટલે એમની પાસેથી લઈને તમને આપવા આવી. સારું થયું ગેસ સીલીન્ડર વાળો આવ્યો ત્યારે તમારી પાસેથી રૂપિયા મળ્યા, નહીતર એ પાછો જતો રહેત.’

ત્યારે સ્વાતિના મનમાં ઝબકારો થયો. એને યાદ આવ્યું કે પર્સમાંથી પોતે જ તો અંગીરાબેનને સીલીન્ડર લેવા પૈસા આપેલા અને પછી પોતે જ ભૂલી ગયેલી.

એણે મનોમન ઈશ્વરનો આભાર માન્યો, ‘થેન્ક ગોડ ! મેં મમ્મીને રૂપિયા વિષે કશું પૂછ્યું નહીં, નહીતર એમને કેટલું ખરાબ લાગત ? ‘ એણે નક્કી કર્યું, ‘ હંમેશા વિકટ સમયે ધીરજથી જ કામ લેવું.’

લેખક : પલ્લવી મિસ્ત્રી

દરરોજ આવી નાની નાની વાર્તા વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી