“ભગવાનના ઘરે દેર હોય પણ અંધેર ન હોય.” – વાંચો ખુબ સુંદર વાર્તા..

જાણીતા ન્યૂઝપેપરની ઓફિસમાં, પોતાની કેબીનમાં બેસીને સ્મિતાબેન ટેબલ પર રહેલી ટપાલો તપાસી રહ્યા હતા. ત્યાં જ કેબીનના દરવાજે ટકોરા પડ્યા અને, ‘મેં આઈ કમ ઇન ?’ નો જાણીતો સૂર સંભળાયો. સ્મિતાબેને , ‘પ્લીઝ કમ ઇન’ કહ્યું એટલે સનતભાઈ કેબીનમાં આવ્યા.
સ્મિતાબેને ચશ્માની ઉપરથી એમની સામે જોઇને કહ્યું, ‘બેસો, જરા આટલો પત્ર પૂરો કરી લઉં’ પત્ર પૂરો કર્યા પછી એને ફાઈલમાં મૂકીને, ચશ્મા ટેબલ પર મૂકતા, હળવેથી પોતાની આંખો પર હાથ ફેરવતા પૂછ્યું,

– બોલો સનતભાઈ, કાલની પૂર્તિ માટેના લેખો ગોઠવવાનું કામ પતી ગયું ?
– ના બેન, આજે સ્કુટરમાં પંકચર હતું એટલે ઘરેથી બસમાં બેસી ઓફીસ આવવા નીકળ્યો, તો બસમાં કોઈએ મારું પાકીટ મારી લીધું, પંદરસો રૂપિયા અને એક ક્રેડીટ કાર્ડ ચોરાઈ ગયા. સનતભાઈએ કહ્યું,
– ઓહ ! તમે પોલીસમાં ફરિયાદ લખાવી કે નહીં?’
– હા, લખાવી અને કાર્ડ પણ તરત બંધ કરાવી દીધું. પણ એ બધી ધમાલમાં પૂર્તિનું કામ બાજુ પર જ રહી ગયું.’
-કઈ વાંધો નહીં, હજી સમય છે, તમે પૂર્તિનું કામ પતાવો, ત્યાં સુધી હું આ ટપાલો જોઈ લઉં.

આટલું કહ્યા પછી સ્મિતાબેને ફરીથી ચશ્માં ચઢાવ્યા અને ફાઈલ હાથમાં લીધી. પણ સનતભાઈ ઉઠ્યા નહીં તેથી એમણે પ્રશ્નાર્થ નજરે એમની સામે જોયું.
– બહેન, એક વાત કરવી છે, તમે ગુસ્સે તો નહીં થાઓને ? સનતભાઈ ખંચકાતા અવાજે બોલ્યા.
– શું વાત છે, સનતભાઈ કહો તો ખરા.

– બે મહિના પહેલાં આપણી ઓફિસમાં શ્રધ્ધા શાહ, નામની એક યુવતી આવેલી તે તમને યાદ છે?
– હા, હા. બરાબર યાદ છે, એણે તમારા પર આક્ષેપ કર્યો હતો, કે એણે લખેલી પ્રથમ વાર્તા ‘સ્નેહ’ આપણા મેગેઝીનને ટપાલથી મોકલી હતી , તે છાપી તો ખરી પણ આ સનતભાઈના નામે. એણે તમારા પર વાર્તાચોરીનું આળ મૂક્યું હતું, પણ તેનું શું છે ?

-એ આળ કે આક્ષેપ નહોતો બહેન, હકીકત હતી. એની વાત સાચી હતી.
-શું વાત કરો છો, સનતભાઈ ? તમે આ ઓફીસના સીનીયર કર્મચારી જ નહીં, એક સારા લેખક – વિવેચક છો. તમે એક નવી અને શીખાઉ છોકરીની વાર્તા શા માટે ચોરો ? વાત માન્યામાં આવે એવી નથી.
– બહેન, એની વાર્તા ટપાલમાં આવી, મેં વાંચી, વાર્તાનું બીજ, એની શૈલી, એની ગૂંથણી, એટલા સરસ હતા કે મને ગમી ગયા. ખબર નહીં કેમ મને તે વખતે શું દુર્બુદ્ધિ સૂઝી તે એની વાર્તા મેં મારા નામે છાપી દીધી.
– એ તો તમે બરાબર ન કર્યું, સનતભાઈ, તમે ભૂલ કરી.

– હા, મેં ભૂલ કરી, અને મને એ બાબતનો ખુબ પસ્તાવો છે.
– એ તો ઠીક, પણ હવે આજે એ ભૂલ કબુલ કરવાનું કારણ શું ?
– બહેન, આજે મારું પર્સ ચોરાયું ત્યારે મને અહેસાસ થયો, કે આપણી વસ્તુ ચોરાય તો આપણને કેટલું દુઃખ થાય છે. અત્યાર સુધી ફક્ત સાંભળ્યું હતું કે – કુદરતનો ન્યાય જેવું કંઈ હોય છે, આજે અનુભવ્યું તો એ વાત સાચી લાગે છે, કે – ‘ભગવાનના ઘેર દેર હોય, પણ અંધેર ન હોય.’
– તો હવે તમે શું કરવા ધારો છો ?

– હું આપણા ન્યુઝપેપરની પૂર્તિમાં, ‘સુધારો’ એ મથાળા હેઠળ ‘સ્નેહ’ વાર્તાની સાચી લેખિકાનું નામ છાપીશ, મારી ભૂલ બદલ માફી છાપીશ, શ્રદ્ધાને મળીને એની પણ માફી માંગી લઈશ, અને એની વાર્તાનો પુરસ્કાર પરત કરીશ. આમાં તમારી અનુમતિ જોઈએ છે, બહેન.
– ‘ભૂલ સુધારવા માટે પહેલા તો ભૂલ થઇ છે’, એ કબુલ કરવું પડે, આપણામાંના મોટેભાગેના માણસો એ માટે તૈયાર નથી હોતા, કેમ કે એમ કરવાની દાનત નથી હોતી, ઘણીવાર દાનત હોય છે, પણ એ માટેની હિંમત નથી હોતી. પણ તમે એ માટે તૈયાર છો, જાણી આનંદ થયો. જાવ, હવે તમે પૂર્તિનું કામ શરુ કરો.
-ભલે, બહેન. તમારો આભાર !

લેખક : પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

દરરોજ અવનવી વાર્તા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી