“બદલાયેલા બા” – સુખી થવું હોય તો માણસે સમયની સાથે બદલાવું જોઈએ…

– બા, અમે – હું અને અવિનાશ, આજે સવારે સુરતથી ટ્રેનમાં બેસી ગયા છીએ, લગભગ ૨ વાગ્યે અમદાવાદ ઘરે પહોંચીશું.
– કેમ આમ અચાનક, બધું બરાબર તો છે ને ?
– અરે હા બા, બધું બરાબર છે. આ તો અવિનાશને આજે શુક્રવારે રજા હતી, શનિવારે તો રજા હોય જ છે, એટલે શુક્ર – શનિ – રવિ એમ સાથે મળીને, લોંગ વિક એન્ડમાં તમારા લોકો જોડે રહેવાય, થોડો ચેન્જ પણ મળે, એમ વિચારીને ત્યાં આવવાનું નક્કી કર્યું.

– અચાનક નક્કી કર્યું તો પણ ટ્રેનમાં રીઝર્વેશન મળી ગયું તે સારું કહેવાય.
– ત્યાં આવવાનો વિચાર હતો એટલે અવિનાશે રીઝર્વેશન તો ચાર દિવસ પહેલાં જ કરાવી લીધુ હતું, બા.
– બેટા, રીઝર્વેશન કરાવ્યું ત્યારે ફોન કરી દીધો હોત તો સારું થાત.
– કેમ એમ કહો છો બા ? ઘરે જ તો આવવાનું છે, અને અમે કંઈ મહેમાન થોડા છીએ ?
– અરે હા, બેટા. તારી એ વાત તો સોળ આના સાચી હોં. ભલે ભલે, પહોંચો.
સવારે દસ વાગ્યે રમાબાને એમની દીકરી આરતીનો ઉપર મુજબનો ફોન આવ્યો.

– બા, તમારી રસોઈ બનાવીને કીચનમાં ઢાંકી દીધી છે, ચટણી ફ્રીઝમાં અને થેપલા ડબ્બામાં મુક્યા છે, ચેવડો અને સક્કરપારા પણ બનાવીને પ્લેટફોર્મની નીચેના ખાનામાં રાખ્યા છે, તમારી દવા મંગાવી રાખી છે, આમ તો મધુફોઈને તમારું ધ્યાન રાખવાની સૂચનાઓ આપી દીધી છે, પણ તમે યાદ રાખીને દવા સમયસર લેજો, બા. પુત્રવધૂ સ્નેહાએ અંદરની રુમમાંથી બહાર આવીને રમાબાને કહ્યું.
– તું અહીંની અને મારી ચિંતા ન કર, બેટા. તમે લોકો આનંદથી ફરી આવો.
– ભલે બા, સંજય ટેક્સી લઈને આવે એટલે અમે નીકળીએ. અરે હા, કોનો ફોન હતો, બા ?
– આરતીનો ફોન હતો. રમાબાએ સ્નેહાને કહ્યું

– અચ્છા, શું કહેતા હતા આરતીબેન ? સુરત બધા મજામાં ને ?
– હા, બધા બરાબર છે, આરતી અને અવિનાશ અમદાવાદ આવી રહ્યા છે.
– ક્યારે ?
– આજે. સુરતથી નીકળી ગયા છે, અહીં લગભગ ૨ વાગ્યે ઘરે પહોંચશે.
– ઓહ! તો હવે અમે શું કરીએ, અમારી બહારગામની ટ્રીપ કેન્સલ કરીએ ?
– અરે નહીં, બેટા. સંજયને માંડ માંડ ઓફિસમાંથી રજા મળી છે, સંજયને ઓફિસમાં અને દક્ષને સ્કુલમાં સાથે રજા હોય એવું ભાગ્યે જ બને છે, મારો લાડકો પૌત્ર દક્ષ ફરવા જવા માટે કેટલો ઉત્સુક છે, પેકિંગ થઈ ગયું છે અને બધી તૈયારી પણ થઈ ગઇ છે, એટલે તમતમારે ઊપડો, હું છું ને ઘરે.

– એ વાત સાચી બા, પણ આરતીબેન અને અવિનાશભાઈને ખોટું નહીં લાગે, કે અમે આવ્યા અને આ લોકો ફરવા જતા રહ્યાં ?
– જો બેટા, એક સીધી સાદી વાત છે, કોઈના પણ ઘરે જવું હોય તો ટીકિટ બુક કરાવતાં પહેલા એમની અનુકૂળતા પૂછવી જોઈએ, પછી ભલેને પોતાના પિયર કેમ ન જતાં હોઈએ. અને એમ ન કરીએ, આપણે આપણી પોતાની મરજી પ્રમાણે જ કરીએ, ત્યારે સામાવાળાની મરજીને, એની પરિસ્થિતિને સમજવાની અને સ્વીકારવાની તૈયારી પણ રાખવી જોઈએ.
સ્નેહા અચરજથી બા સામું જોઈ રહી, એટલે રમાબા બોલ્યા :

-તને એમ થાય છે ને કે ક્યાં પહેલાંના કડક, જીદ્દી, આપખુદ બા અને ક્યાં હમણાંના નરમ, સમજદાર બા ?
-હા, અરે ના, બા.
-બેટા, સુખી થવું હોય તો માણસે સમયની સાથે બદલાવું જોઈએ. પોતાના અનુભવમાંથી માણસે શીખ લેવી જોઈએ, અને પોતાની ભૂલો સમજીને એને સુધારવી જોઈએ. ચાલ હવે બહુ વિચાર ન કર, સંજય ટેક્સી લઈને આવતો જ હશે, દક્ષને બોલાવ અને તમે લોકો નીકળો, ખુશીથી ફરી આવો.
સ્નેહા આ ‘બદલાયેલા બા’ – એટલે કે સુધરેલા સાસુમાને અહોભાવ પૂર્વક નિહાળી રહી.

લેખક : પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી

દરરોજ આવી લાગણીસભર વાર્તા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી