મિત્રો, વાંચો અને તમે જ કહો, ‘રાઈટ ટુ પ્રાયવસી’ આમાં કોને કેટલો કામ લાગી શકે ?

-હલ્લો, તમારા નામે કુરિયરમાં એક કવર આવ્યું છે, એના પર ‘પ્રાયવેટ’ એવું લખેલું છે. પત્નીએ પતિને ઓફિસે ફોન કરીને જણાવ્યું.

-અચ્છા ! કવરની અંદરના લેટરમાં શું લખેલું છે ? પતિએ પૂછ્યું.
‘રાઈટ ટુ પ્રાયવસી’, એટલે કે ‘દરેક નાગરિકને એની પ્રાયવસી જાળવવાનો અધિકાર છે’, (પરણેલા પુરુષને આમાં અપવાદરૂપ ગણવો) એવો સીમાચિન્હરૂપ ચુકાદો, ૯ જજોની બનેલી બંધારણીય બેન્ચે, સર્વાનુમતે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ જે.એસ. ખેહરની લીડરશીપમાં, સ્વાતંત્ર્યદિવસ (૧૫ મી ઓગષ્ટ) ના દસ દિવસ પછી એટલે કે ૨૫ મી ઓગષ્ટ, ૨૦૧૭ ના રોજ આપ્યો.

આ ચુકાદાથી ઉત્સાહમાં આવી ગયેલા એક પતિએ પત્નીને કહ્યું,
-જો હવે તો સુપ્રીમ કોર્ટ પણ કહે છે કે, લોકોને શું પહેરવું, શું ખાવું એવું બધું સરકારે નક્કી કરવાની જરૂર નથી, લોકો પોતાની જાતે જ એ નક્કી કરશે.
-સમજી ગઈ. ‘શું પહેરવું ?’ એમાં તો તમને મારી મદદ વિના ચાલતું નથી, કેમ કે તમે એ જાતે નક્કી કરી શકતા નથી. પણ હા જમવામાં તમને પસંદગીનો અવકાશ છે. બોલો, આજે સાંજે જમવામાં તમારે શું ખાવું છે ?
-આજે તો તું મસ્ત મજાની ચટપટી ભાજી પાઉં બનાવ, ઘણા વખતથી ખાધી નથી.

-તમને પાઉં તો માફક આવતા નથી, જ્યારે ખાવ છો ત્યારે પેટમાં દુખે છે.
-ઓહ ! એવું છે ? તો પછી છોલે પૂરી બનાવી દે.
-એમ ‘રાજા બોલ્યા ને દાઢી હાલી’ ની જેમ બોલો એટલે તરત તે થઇ જાય એવું થોડું હોય ? છોલેને પાંચ કલાક પાણીમાં પલાળવા પડે.
-તો પછી પુલાવ –કઢી તો બની શકે ને ?
-આ વરસાદની મૌસમમા દહીં ક્યાં બરાબર જામે જ છે ? સવારનું મેળવ્યું છે, તો પણ હજી નથી મેળવાયું.

-તો પછી તું જ બોલ, તારે શું બનાવવું છે ?
-હું તો કહું, પણ પછી તમારી પસંદગીનું શું ? સુપ્રીમ કોર્ટના ચુકાદાનું શું ?
-આપણા ઘરમાં તો સુપ્રીમ કોર્ટ તું જ છે ને ?
– ભલે, તો પછી હું તમને બે ઓપ્શન આપું છું, ખીચડી – શાક બનાવું છું.
– અને બીજું ઓપ્શન ?
-આપ્યા તો ખરા બે ઓપ્શન, ‘ખાઓ’ અથવા ‘ન ખાઓ.’
કોઈકે સાચું જ કહ્યું છે, ‘In a Marriage, one person is always Right and the other is Husband’ એટલે કાયદા ના ફતવા સાંભળીને પતિઓએ બહેકી જવું નહિ.

આ કાયદો આવ્યો એના બીજા દિવસે જ વડોદરા શહેરમાં બહેકી ગયેલા એક પતિનો કિસ્સો બહાર આવ્યો છે. ત્રણ મહિના પહેલાં જ જેમના લગ્ન થયા હતા એવા, મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતાં એક એન્જીનીયર દંપતીની આ વાત છે.

ગણેશ ઉત્સવ હોવાને કારણે પતિ પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે મોડી રાત સુધી ઉત્સવની મજા માણતો રહ્યો, પત્ની એને સતત ફોન કરતી રહી, પણ ‘રાઈટ ટુ પ્રાયવસી’ની રાઈ પતિના મગજમાં ભરાઈ ગઈ હોવાથી એણે ફોન ઉપાડવાની કે સામેથી પત્નીને ફોન કરવાની દરકાર કરી નહીં.
મોડેથી ઘરે પહોંચેલા પતિને પત્નીએ ગુસ્સામાં આવીને ‘અત્યાર સુધી તુ ક્યાં હતો?’ એમ પુછતા પતિએ કહ્યું, ‘હું શું કરું છું, ક્યાં જાઉં છું, મારે તને બધી વાત જણાવવાની જરૂર નથી.’ અ જવાબ સાંભળી પત્ની એવી વિફરી કે પતિએ જેમની સાથે એ ગણપતિ જોવા ગયો હતો, એ તમામ મિત્રોને ઘરે બોલાવવા પડ્યા.

સદભાગ્યે એ મિત્રોમાં બે વકીલો હતા, એમણે ગેરમાર્ગે દોરવાયેલા પોતાના આ મિત્રને સમજાવ્યો કે – ‘રાઈટ ટુ પ્રાયવસી’ નો અધિકાર પારીવારિક જીવનમાં માન્ય નથી. આ સાંભળીને પતિ બિચારો ‘મિયાંની મીંદડી’ જેવો ગરીબડો બનીને બેસી ગયો. એક વાત ધ્યાન રાકવાની જરૂર છે કે ૧૮ વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિ આ કાયદાનો કોઈ રીતે ઉપયોગ નથી કરી શકતી. આ ઉપરાંત પરિવારમાં, શાળામાં, કોલેજોમાં આ કાયદાનો ઉપયોગ આંશિક રીતે જ થઇ શકે છે.

જ્યાં ‘અધિકાર’ની વાત આવે, ત્યાં ‘અંકુશ’ જરૂરી છે, હક્ક અને ફરજ એ સિક્કાની બે બાજુ છે. અને એટલે જ ભારતની કેન્દ્ર સરકારે સુપ્રીમના આ ચુકાદાને આવકારતા કહ્યું કે આ અધિકાર કેટલાક વ્યાજબી (વ્યાજબી એટલે સરકારને ઠીક લાગે એવા) અંકુશો સાથે આપવો જોઈએ. કાયદા મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, ‘દરેક નાગરીકને વાણીસ્વાતંત્ર્યનો અધિકાર છે, પરંતુ તેથી કંઈ રાષ્ટ્રપતિભવન આગળ કપડા કાઢીને પ્રદર્શન કરી શકાય નહિ.’ આમ વાણીસ્વાતંત્ર્યને પણ મર્યાદા હોય છે.

સુપ્રીમ કહે છે ‘ડીજીટલ યુગમાં બાળકોની પ્રાયવસી પર ધ્યાન આપવું ખુબ જરૂરી છે, કેમ કે તેઓ સતત ૨૪ x ૭ ઓનલાઈન ચેટીંગ અને સોશિયલ સાઈટ્સ પર બીઝી રહે છે, અને જાણ્યે અજાણ્યે અંગત માહિતી જાહેર કરી દેતા હોય છે, જોકે સોશિયલ સાઈટ્સ પર ન રહેનારા બાળકો પણ આવું કરી શકે છે.

-મિહિર, આખી બપોર ઘરની બહાર હતો, ક્યાં હતો તું ?
-મમ્મી. અમે પોસ્ટમેન – પોસ્ટમેન રમતા હતા.
-એ વળી કઈ રમત, નવી આવી છે કે ?
-હા મમ્મી, અમે સોસાયટીના ઘરે ઘરે જઈને બધાને પોસ્ટ આપી આવ્યા.
-એટલી બધી પોસ્ટ તમે લોકો લાવ્યા ક્યાંથી ?
-મમ્મી, તારા કબાટમાં હતું ને એક બંડલ, ગુલાબી કવરોનું, જેના પર ‘પ્રાયવેટ’ લખેલું હતું, બસ એ જ મેં લીધું હતું.

૪૪ પાનાના ચુકાદા ‘રાઈટ ટુ પ્રાયવસી’ મા બીજા અનેક મુદ્દાઓ સાંકળી લેવાયા છે. એમાં મહિલાઓને અધિકાર છે કે એણે માતા બનવું કે નહિ તે એ નક્કી કરે. વ્યક્તિએ પોતાનું એચઆઈવી સ્ટેટસ જાહેર કરવું કે નહિ તે એ નક્કી કરે. એમાં અસાધ્ય બીમારીથી પીડાતી વ્યક્તિને પોતાનું જીવન ટૂંકાવવાનો અધિકાર પણ આવી જાય છે. જો કે સુપ્રીમ કોર્ટ સમક્ષ નિર્ણય માટે એ હજી પડતર છે.

એક કેદી બે વર્ષની જેલ ભોગવીને છૂટીને ઘરે આવ્યો. જેવો ઘરમાં પગ મુક્યો કે –
-ટીવીવાળા કહે છે તમને ૧૨ વાગ્યે જેલમાંથી છોડ્યા, બે વાગવા આવ્યા છે, બે કલાક ક્યાં રખડી આવ્યા ?
-આના કરતા તો જેલમાં વધારે સ્વતંત્રતા હતી.
-તો શું કામ ઘરે આવ્યા, ત્યાં જ રહેવું’તું ને ?
મિત્રો, હવે તમે જ કહો, ‘રાઈટ ટુ પ્રાયવસી’ આમાં કોને કેટલો કામ લાગી શકે ?

લેખક : પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

દરરોજ અલગ અલગ વિષય પર હાસ્યલેખ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી