જલ્સા કરોને જેંતીલાલ

પ્લમ જામ – બાળકોને બ્રેડ સાથે ખાવા માટે ઘરે જ બનાવી આપો આ યમ્મી જામ…

મિત્રો, આપ સૌએ ઓરેંજ જામ તો ટેસ્ટ કર્યો જ હશે. પણ ક્યારેય પ્લમની જામ ટેસ્ટ કર્યો છે ? પ્લમ એ દેખાવમાં આકર્ષક લાલ- ચટક તેમજ સ્વાદમાં તો એવા ખાટા -મીઠા હોય છે ને કે, બધાને ખુબ જ ભાવે છે. અને એમાંય વળી પ્લમનો જામ બનાવવામાં આવે તો, કેવો સરસ બને. અને એ જામ પણ ઘરે બનાવી શકાય તો બાળકોને બજારમાં મળતી આર્ટીફિસીયલ કલર્સ અને કેમિકલ્સ વાળા જામને બદલે શુદ્ધ , સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જામ આપી શકાય જે આપણે ખુબ જ ઓછા ઈન્ગ્રેડિયન્ટસથી તેમજ આસાનીથી અને ઝડપથી બનાવીશુ. તો ચાલો બનાવીએ ખાટ્ટો મીઠ્ઠો પ્લમ જામ.

જો મિત્રો તમે એકવાર આ જામ ટ્રાય કરશો તો બજારમાં મળતા બધા જ જામ ભૂલી જશો.

સામગ્રીઃ

Ø 500 ગ્રામ પ્લમ

Ø 300 ગ્રામ ખાંડ

તૈયારી :

Ø પ્લમને સાફ પાણીથી ધોઈને કોરા કરી લો.

Ø પ્લમને નાનકડા ટુકડામાં કાપી લો. છાલ ઉતારવાની જરુર નથી. છાલ રાખવાથી તેમાં સરસ લાલ કલર આવે છે.

રીત :


1) પ્લમ જામ બનાવવા માટે સૌ પ્રથમ પ્લમના ટુકડાઓને મિક્ચર જારમાં ટ્રાન્સફર કરી લો.સાથે જ ખાંડ નાખી દો. તેને બ્લેન્ડ કરીને પેસ્ટ બનાવી લો.


2) આ પેસ્ટને જાડા તળિયાવાળી કડાઈમાં લઇ, સ્ટવની ફ્લેમ મીડીયમ રાખીને ગરમ કરવા મુકો. સતત હલાવતા રહીને ઉકળવા દો.


3) સરસ ઉકાળીને બબલ્સ પડતા દેખાય અને ટ્રાન્સપરન્ટ ,ઘટ્ટ જામ જેવી કન્સીસ્ટન્સી (ચિત્રમાં બતાવ્યા) મુજબની થાય ત્યાં સુધી હલાવતા રહીને ઉકાળવાનું છે.


4) બરાબર ઉકળીને ઘટ્ટ થાય એટલે સ્ટવની ઓફ કરી દો. વચ્ચે – વચ્ચે હલાવતા રહો અને ઠંડુ પડી જવા દો.


5) ઠંડુ પડી ગયા બાદ સાફ કાચની એર ટાઈટ જારમાં ભરીને ફ્રીઝમાં રાખી દો.આપણે આ જામ બનાવવા માટે કોઈ કલર, કેમિકલ કે પ્રેઝર્વેટિવ્ઝ યુસ કર્યા નથી છતાં પણ ફ્રીઝમાં રાખીને ચાર થી પાંચ મહિના સુધી આરામથી ખાઈ શકાય છે.


આ જામ આકર્ષક લાલ કલરનો બને છે. તેમજ સ્વાદમાં પણ ખાટ્ટો -મીઠો લાગે છે. મિત્રો, આટલી આસાનીથી તેમજ કેમિકલ્સ વગર ઘરે જામ બનાવી શકાતો હોય તો શા માટે બજારમાંથી હવે જામ લાવીએ? અને એ પણ વ્યાજબી કિંમતમાં. હજુ પણ પ્લમની સિઝન છે. માર્કેટમાં સરસ પ્લમ અવેલેબલ છે. તો આજે જ બાનવીને સ્ટોર કરી લો આ ખાટ્ટો – મીઠ્ઠો પ્લમ જામ.

નોંધઃ

Ø સ્વાદ મુજબ ખાંડની ક્વોન્ટીટીમાં વધ -ઘટ કરી શકાય.

Ø માર્કેટમાંથી પ્લમ લાવતી વખતે સરસ લાલ પ્લમ પસંદ કરવા. ખટ્ટાશ પસંદ હોય તો થોડા ઓછા પાકેલા લઇ શકાય. તેમજ પોચા પડી ગયેલા કે કાળાશ પડતા અવોઇડ કરવા.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

Exit mobile version