પ્લે હાઉસ – ખરેખર આજકાલના માતા પિતા પોતાના બાળકોને ભણવામાં હોશિયાર અને આગળ લાવવા માટે કેટલીક ભૂલો કરે છે…

🤡 પ્લે હાઉસ 🤡

આજે સવારમાં ન્યૂઝપેપરમાં એક સમાચાર હતા કે , “નાના બાળકોને સ્કૂલમાં , એડમિશન ઇન્ટરવ્યૂ સામે મનાઈહુકમ “ આ વાંચીને રમેશે કહ્યું, ” અરે વાહ !!, સરકાર બાળકો માટે સારું વિચારતી થઈ છે..!! જો સ્કૂલમાં એડમિશન ઇન્ટરવ્યૂ જ નીકળી જાય તો નાના નાના બાળકોને મોટા ત્રાસ માંથી મુક્તિ મળી જાય !!” મેં પૂછ્યું,” નાના બાળકોને મોટા ત્રાસ શું વળી??”

“તને ખબર નથી? આ સ્કૂલના એડમિશન ઇન્ટરવ્યુમાં પોતાના બાળકો સારી રીતે પાસ થાય તે માટે તો મા-બાપ નાના ભૂલકાઓને playhouse માં મોકલે છે !! સ્કૂલમાં ત્રણ વર્ષે એડમિશન આપે એટલે બાળક 2વર્ષના થાય કે તરત એને playhouse માં મોકલે અને ભણાવવાનું ચાલુ કરી દે !!! એ બાળક માટે તો ત્રાસ નહી,તો બીજું શું ??” રમેશે જણાવ્યું.


મેં કહ્યું,” અત્યારના fast યુગની સાથે કદમ મિલાવવા માટે બાળકને પ્લે હાઉસમાં તો મોકલવા જ પડે !!, એ તમને નહીં સમજાય !!!…”
” ઠીક ત્યારે જવાદે નહિતર પછી સવારની ચાની મજા બગડી જાશે !!” કહી રમેશે વાત ટૂંકાવી. મેં પણ વાત બદલતા રમેશને કહ્યું કે અહીં ગામમાં રહેતા મારા માસાની તબિયત સારી ન હોવાથી હું આજે એમને ત્યાં જવાની છું. મારે ઘરે આવવામાં વહેલુ મોડું થાય તો તમે પાડોશમાંથી ઘરની ચાવી લઈ લેજો.”

મારા માસી નો દીકરો વિમલ , ક્લાસ-ટુ ઓફિસર છે .સરસ મજાનું ઘર, ગાડી, નોકર ચાકર, બધું જ સુખ છે. માસી-માસા તેની સાથે જ રહીને નિવૃત જીવન ગાળે છે. સ્ટીલની પ્લેટમાં “પરી” લખેલાં બંગલા પાસે હું અટકી, ત્યાથી પાસેના એક મકાનમાંથી અવાજ આવતો હતો…..” johny johny … યસ પાપા…” ચાલો બધા બોલો..”જોની…જોની…” ત્યાં બીજા બે-ત્રણ અવાજ સંભળાયા “એ …એ એ…એ.. હું… હું હું… ઉં…ઉં…ઉં..” મેં નજર દોડાવી તો જ્યાં “કલબલ playhouse” નું પાટીયુ લટકતું હતું. ત્યાં મારી એક friend પ્રતિભા playhouse ચલાવે છે,પણ અત્યારે તો હું માસની તબિયત જોવા આવી છું એટલે પહેલા ત્યાં જ… તેથી મેં માસીના ઘર નો દરવાજો ખોલીને અંદર પ્રવેશ કર્યો. વિમલની પત્ની રીમાએ મને આવકારી અને મેં માસાની પુચ્છા કરી અને તેમના રૂમમાં જ ગઈ …


મેં માસી માસા સાથે થોડીક વાતો કરી પણ વારે વારે મારું ધ્યાન માસીના મો પર જતું હતું. મારાથી રહેવાયુ નહી તેથી મેં પૂછી જ લીધું , “માસી !, માસાની તબિયત તો સારી છે . ..ને કોઈ ગંભીર સમસ્યા નથી. …તો તમે કેમ આટલા મુંજાયેલા લાગો છો ??… ” માસી બોલ્યા, ” ચિંતા તો કાંઈ નથી પણ, આ જમાનો તો જો આવ્યો છે ?? ”

મેં હસીને પૂછ્યું, ” આ જમાનાએ તમારા પર શું સીતમ ગુજાર્યો ??” માસી કહે, ” અમારી ઉપર તો સિતમ નથી.. પણ, આ તને કાંઈ સંભળાય છે ??” મેં કાન સરવા કર્યા ત્યાં.. તો અવાજ સંભળાયો.. ” ઘરે જાવુ છે !! … મમ્મી… પપ્પા… ઘરે જાવુ…એં…એં… મમ્મી…. મમ્મી…”


હું સમજી ગઈ…માસીને કહ્યું ,” માસી, આ અવાજ કલબલ playhouse માંથી આવતો કલબલાટ છે !!.” માસી બોલી ઊઠ્યાં, ” ના ના !!,દીકરી.!!… આ કંઈ પંખીડા જેવા બાળકોનું કલબલાટ નથી!! આ તો તેના પર થતાં અત્યાચાર , માનસિક ત્રાસની કિકિયારી છે !! બળ્યું આ તો કેવો ભણાવવાનો ઉપાડો !! હજી તો ઊભા થઈને … માંડમાંડ ચાલતા શીખ્યું હોય … ત્યાં તો બચાડાને ભણાવવા મૂકી આવે !! અરે … હજી તો બા… બાપા.. દાદા ..કાકા.. મામા.. બોલવાની ઉંમરે તો twinkle twinkle ને બાબા બ્લેકશિપ ગોખાવવા મંડી પડે!! શીખવવાની ઉતાવળ તો જો !!! એને જરા મોટું થવા દો !! ખીલવા તો દો !! ખીલ્યા પહેલાં જ તમે અડચણ નાખીને તેનું સૌંદર્ય બગાડી નાખો છો !! બાળકોનું બાળપણ મુરઝાવી નાખો છો !!”

” ના હો માસી, સાવ એવું પણ નથી ,અત્યારે કેવો ફાસ્ટ યુગ છે !! તેની સાથે તાલ મિલાવવા આપણા બાળકોને આપણે તૈયાર કરવા પડે ને ?? બાળક તેની મમ્મી થી, ઘરથી, છુટ્ટુ પડતાં શીખે , કલાકમાં તો ઘરે પાછો આવતો રહે !! પછી જ્યારે સ્કૂલમાં જવા લાગે ત્યારે તેને ફીયર કોમ્પલેક્ષ ન રહે ..તેમને આગળ લઈ આવવા આ બધું છે !!.. ” મેં બધી આધુનિક મમ્મીઓ વતી વકીલાત કરી.


માસી આગળ બોલ્યા, ” હા , તમારે જ બધાને હવે આ બધું કરાવીને છોકરાવને આગળ લઈ આવવા છે !! અમારેય નાના છોકરા હતા.. અમે તો ઘરના કામકાજમાં નવરા ન હતા અને તેમની પાછળ સમય નહોતાં આપી શકતાં .. ત્યારના છોકરાઓ .. આ અમારો વિમલ અને બીજા બાળકો કેવા મજાના રમતા !! પાદરના ઝાડવાની એકેય ડાળીઓ આ છોકરાઓના લટકવામાંથી બાકી ના રહેતી !!… ઝાડે ઝાડે ચડે… આમલી પીપળી રમે… અને પાંચ વરસે તો, નિશાળનો ઝાંપો જોવે.. અને તોય આ મારો વિમલ , મોટો સાહેબ નથી બન્યો શું ??? “”

મેં તેમની આંખોમાં આંખો પરોવી માસી બોલ્યા , ” બેટા ,વિમલ ની નાનકડી દીકરી પરી, હજુ તો હમણાં બે વર્ષની થઈ ને ..આ આધુનિક મમ્મી-ડેડીએ કલબલ playhouse માં પહોંચાડી દીધી… ને.. મારી પરી..???.!!! “Playhouse માં નથી જાવું… નથી જાવું… કરે !! અને સવારથી કેટલુ રડે …!! કજિયા કર્યા કરે અને સવારના ઊઠે ત્યારથી રડવાનું ચાલુ થાય … ના દૂધ પીએ, ના નાસ્તો કરે… સવાર-સવારમાંથી પરી નો કકળાટ આખો દિવસ કાનમાં ગૂંજે !! પણ અમે તો જૂના જમાનાના,અમારું કોણ સાંભળે ??” ….અને … માસી રડી પડ્યા… એમને સાંત્વના આપી ,હું રીમા સાથે થોડી આડીઅવળી વાતો કરી અને ત્યાંથી નીકળી… બહાર આવતા મેં જોયું, જાણે કે નાનકડો મેળો !!


પ્લેહાઉસ નો સમય પૂરો થયો હોઈ બાળકોને લેવા મમ્મી, પપ્પા કે ઘરના કોઈ અથવા તો રિક્ષાઓ માં … ભૂલકાઓ કલબલાટ કરતા ઊડી ગયા.. હું જોઈ જ રહી…પ્રતિભાનું ધ્યાન મારા પર પડતાં તેણે મને તેને ત્યાં અંદર બોલાવી. આડીઅવળી વાતો પતાવી મેં પ્રતિભાને સીધું જ પૂછી નાખ્યું, ” પ્લે હાઉસ’ ચલાવીને આટલા નાના નાના બાળકો પર શા માટે જુલમ કરે છે ?? શું પૈસા કમાવાનો બીજો કોઈ સારો રસ્તો નથી ??””

પ્રતિભા તો એકદમ હચમચી ગઈ !! મેં તેને બધું મારા માસી વતી સમજાવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો એ સાંભળીને હું ચોંકી ઉઠી , એણે કહ્યું , ” આ શહેરમાં ઘણા playhouse ચાલે છે, હું એક આ બંધ કરીશ તો આ બાળકોને તેના મા-બાપ બીજે મોકલશે, બીજી વાત, હું આગ્રહ રાખું છુ કે બાળક અઢી વર્ષનું થાય પછી જ playhouse માં આવે પણ, અત્યારની મમ્મીઓ માને શાની ?? “”


સાંભળ ત્રીજી વાત, પહેલાં તો મેં પ્લે હાઉસને ખરા અર્થમાં play house જ રાખ્યું હતું બાળકોને ને રમાડતી જ , એને ઘરથી અને મમ્મીથી દૂર રહેવાની ટેવ પડે , બીજા બાળકો સાથે તે રમતું થાય , પણ ના , અત્યારની મમ્મીઓ… આવી-આવીને મને કહી જતી કે આને કાંઈક શીખવાડો !! નહિતર અમે અમારા બાળકને બીજા કોઈ playhouse માં મોકલવા માંડશું !!છતાં પણ મેં શરૂઆતમાં એવું કરી જોયું કે જે બાળક સરળતાથી શીખે તેને જ abcd… 1..2..3.. કરાવવા.. તો એમાંય … એક બાળકની મમ્મી એ તો મારી સાથે એવો ઝઘડો કર્યો કે , આ કોકનું બાળક ચાર મહિનાથી આવે છે તેને તમે one two three અને abcd કરાવવા માંડ્યા આને ય , મારા લાલાને ય શીખવાડો !! અમે કઈ મફતમાં મોકલીએ છીએ ?? બોલ શું કરવું હવે ?? “”

હું તો સાંભળી જ રહી પ્રતિભા આગળ બોલી , ” અત્યારના યુગના મમ્મી-ડેડી સાથે મારે પણ દેખાદેખીના પ્રવાહમાં તણાઈને આ બધું કરાવવું પડે છે અને જ્યાંરથી હું બધા જ બાળકોને abcd… one two three… poems,.. rymes.. બધુ શીખવીને લખાવવા લાગી ,પછી તો.. મારા કલબલ playhouse માં સંખ્યા પણ વધી ગઇ !! ”


…..અને હજુ આગળ તમને ખબર છે??? આ ભૂલકાઓને મમ્મીઓ હજુ બીજુ શું કરે છે??? નાના-નાના ભૂલકાંઓને સવારે ઉઠાડી તૈયાર કરી અહીં મોકલી દે છે. પછી, જ્યારે અહીંનો સમય પૂરો થાય એટલે અહીંથી લઈ જાય. પછી, જમાડી ને સુવડાવી દે અને ઉઠાડીને ચાર વાગ્યે તેમને ફરીથી અહીં મોકલે છે !!…””

મેં પૂછ્યું playhouse નો સમય તો 8.30 થી 11.30 નો છે ને ?? ત્યાં કલબલ playhouse ના ઝૂલતા બોર્ડ પર લખેલા સમય પર અંગુલી નિર્દેશ કર્યો… અને પૂછ્યું, ” તો પછી ચાર વાગે, શા માટે ??? ” ત્યારે પ્રતિભાએ જે જવાબ આપ્યો તે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો !! તે બોલી , “હા , playhouse નો સમય તો સવારનો જ છે પણ,પછી ચાર વાગે ને ત્યારે આ ભૂલકાઓને તેમની મમ્મીઓ અહીં ટ્યુશનમાં મોકલે છે !!! “”


” અરરર… ! play house !! અને પાછા ટયુશન ???” મને તો ખૂબ આઘાત લાગ્યો…હવે હચમચી જવાનો વારો મારો હતો… હું પ્રતિભાને આગળ હવે કંઈ ન કહી શકી… ઊભી થઈ.. બહાર આવી અને ઘર તરફ આવતા આખા રસ્તે એક જ વિચાર આવ્યો…

“””….આપણા દેશના ભાવિ ઉપર , નિર્દોષ બાળપણ પર આવો જુલમ ?? અને તે જુલમ પણ,કોઈ દુશ્મન તેને નથી આપતા !! પણ તેના જન્મદાતા જ !! અત્યારથી જ … આતો કોમ્પિટિસનનો યુગ છે એમ કહીને મંડી પડ્યા છે.. નાના કુમળા છોડ ને કુદરતી રીતે ખીલવા જ નથી દેતા !! આ કલાસ ને તે કલાસ ડાન્સિંગ , ડ્રોઈંગ, ને સ્વિમિંગ ને … મ્યુઝિક ને.. કઈ કેટલા કલાસીસ.. ફલાણા ..ને ઢીકના…!! અરેરે.. બિચારું બાળપણ !! શુ કરે ને ક્યાં જાય ?? કોને કહે ?? પ્લે હાઉસને સાચા અર્થમાં playhouse રહેવા દો તો સારૂં !! અત્યારના સમયમાં તો યંગ જનરેશનને સાચા પેરેન્ટ્સ બનવા માટેની ટ્રેનિંગ જરૂરી છે શું કહો છો ?? શું લાગે છે તમને ??” 🤔🤔🤔

લેખક : દક્ષા રમેશ

આપના વિચારો પણ કોમેન્ટમાં અચૂક જણાવજો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ