પ્લેટોનિક લવ એક એવો પ્રેમ જે બધાના જીવનમાં હોવો જ જોઈએ… ચિંતાઓને હળવી કરવાનું સરનામું…

કહેવાય છે કે, દોસ્તી અને પ્રેમ વચ્ચે બહું પાતળી ભેદરેખા છે. દોસ્તી કયારે પ્રેમમાં બદલાઇ જાય તે ખબર પડતી નથી ઘણાં લોકોને તો દોસ્તી અને પ્રેમ અલગ છે તે સમજાતું જ નથી. આધુનિક સમાજમાં દોસ્તી અને પ્રેમ વચ્ચેનો પણ એક સંબંઘ છે, જેને ‘પ્લેટોનિક લવ’ કહેવાય છે. દોસ્તીથી બે ડગલા આગળ અને પ્રેમથી બે ડગલા પાછળ એવો સંબંઘ એટલે “પ્લેટોનિક લવ”


દરેક સંબંઘને પોતાની કંઇકને કંઇક માંગ-આશા હોય છે. પ્રેમના સંબંઘમાં આગળ જતા લગ્ન કરવાની આશા હોય છે. તેમાં એકબીજાની જવાબદારી કે શારીરિક જરૂરિયાત પણ કયાંક હોય છે. પ્રેમમાં કયારેક તો શારીરિક સંબંઘ આવે જ છે. , પણ પ્લેટોનિક લવ એટલે સ્ત્રી પુરુષ વચ્ચેનો એવો પ્રેમ કે જેમાં સેકસને કોઇ સ્થાન જ નથી. ફકત લાગણીથી જોડાયેલા રહીને એકબીજાને માનસિક સાથ આપવાની વાત છે. સમાજમાં જયાં દરેક સંબંઘ સ્વાથઁ પર રચાય છે ત્યાં પ્લેટોનિક લવ નિસ્વાથઁ પ્રેમનું નામ છે.


દરેક સ્થળે જયાં સ્ત્રી-પુરુષ સાથે કામ કરતા હોય, ત્યાં બન્ને વચ્ચે દોસ્તીનો સંબંઘ સામાન્ય છે. એક જ સ્થળે.. રોજના સાતથી આઠ કલાક સાથે કામ કરવાથી સ્ત્રી-પુરુષ વચ્ચે કયાંકને કયાંક સંબંઘ સ્થપાય જ છે. પણ દરેક સંબંઘમાં સ્વાથઁ નથી હોતો. મોટાભાગે સ્ત્રીઓ સંબંઘની શરૂઆત કરતી વખતે સામી વ્યકિત પાસેથી સાથની જ આશા રાખે છે.


ઘણીવાર સ્ત્રીઓ પોતાની સમસ્યા બીજી સ્ત્રીઓ પાસે રજૂ કરતી હોય ત્યારે તેમાં ઉકેલ મળવાને બદલે વાત ફેલાવવાનો ભય હોય છે. સામાન્ય રીતે સ્ત્રીઓને એકની વાત વધારીને બીજાને કહેવાની આદત હોય છે. કયારેક વાત કરવાથી હળવા થવાને બદલે વાત ફેલાવાથી વધુ ટેન્શન આવતું હોય છે. પણ જો કોઇ સ્ત્રી પુરુષને વાત કરે તો તેમાં ઉકેલ ભલે ન મળે પણ વાત ફેલાવવાનો ભય રહેતો નથી. સ્ત્રીઓને હંમેશા પોતાની વાત સાંભળનાર પુરુષ ભલે પરાયો હોય તો પણ પોતાનો જ લાગે છે. પુરુષને વાત કરવાનો મતલબ તેની સહાનુભૂતિ મેળવવાનો નથી હોતો, પણ હળવા થવાનો હોય છે.


તો કયારેક પુરુષને પણ આ સમસ્યા નડે છે. તેના મિત્રમંડળમાં ઘરની વાત કે પોતાની સમસ્યાની વાત કરે તો કયારેક હાસ્યાસ્પદ બની જાય છે. આથી ઘણીવાર તે મનની વાત કે મુંઝવણ મનમાં જ રાખે છે. પણ સાથી કમઁચારી કોઇ સ્ત્રી હોય તો તે પોતાની વાત કરી શકે છે. કદાચ તેને ઉકેલ પણ મળી શકે છે. આવા સંબંઘને આધુનિક સમાજે નામ આપ્યુ છે… “પ્લેટોનિક લવ”


હું તને કંઇક આપુ તો તું મને શું આપે..??? અથવા તારી પાસેથી કંઇક મળવાની આશા હોય તો જ તારી મદદ કરૂં એવી ભાવના આવા સંબંઘમાં હોતી નથી. આ સંબંઘ લેતી-દેતીથી પર છે. ભલે પછી રોજ મળતા હોય, રોજ ફોન પર વાત થતી હોય, મેસેજની આપ-લે કરતા હોય પણ તેમાં માત્ર અને માત્ર માનસિક સાથ જ પાયારૂપ હોય છે. સેકસને કયાંય સ્થાન જ નથી. કયારેક આવા સંબંઘને લીઘે જીંદગી શાંતિથી પસાર થઇ શકતી હોય છે.
નામ ન આપવાની શરતે એક બહેન કહે છે કે, મારા ઘરમાં મારા પતિ-સાસુના ત્રાસથી હું કંટાળી ગઇ હતી. કયારેક આપઘાતના વિચાર આવતા હતા. તેવામાં મને મારી સાથે કામ કરતા મારા મિત્રનો સાથ મળ્યો. હું રોજ ઘરની બઘી વાત તેમને કરતી. તેઓ મને બસ સાંત્વના આપતા. હું ખુશ રહું તેવા પ્રયત્ન કરતા. તેમણે કયારેય કશું માંગ્યુ નથી. હવે હું ખુશ છું. આપઘાતના વિચાર નથી આવતા.


હું એક એવા સ્ત્રી-પુરુષને ઓળખું છું કે, બન્ને પોતપોતાની દુનિયામાં ખુશ છે. જીવનમાં કયારેય કંઇ ખૂટે છે તેવું લાગ્યુ ન હતું…. પણ એકબીજાને મળ્યા પછી લાગણીના સંબંઘથી જોડાય ગયા. બન્ને પોતાની નાનામાં નાની વાતો પણ કરે…. એકબીજાની ખુશી માટે પ્રયત્ન કરે.. પણ કયારેય સેકસને વચ્ચે ન લાવે. પૈસા કે શરીર કંઇ જ મેળવવાની આશા નહી. એકબીજાના સંસારમાં ભંગાણ પડાવવાનો પણ વિચાર નથી, ફકત લાગણીનો સંબંઘ છે. એકબીજાને મળ્યા પછી તેમનેલાગે છે કે હવે જીવનમાં વઘારે ખુશી છે.


કયારેક પ્રેમીઓ પણ લગ્ન ન કરી શકવાને કારણે જીવનભર દોસ્ત બની જાય છે. તેને પણ “પ્લેટોનિક લવ” કહી શકાય. જયાં ફકત સાથ-લાગણી-આત્મિયતાનો સંબંઘ છે તે છે પ્લેટોનિક લવ…


બહું દુર ન જઇએ તો, આપણે રોજ પૂજા કરીએ છીએ તે “રાઘા-કૃષ્ણ”નો પ્રેમ પણ પ્લેટોનિક લવ જ કહેવાય. જેમાં કંઇ આશા-અપેક્ષા વગર, દૂર હોય કે નજીક, બસ મનમાં લાગણીનું ઝરણું વહેતું રહે તે જ છે “પ્લેટોનિક લવ”.

હર રિશતે કા નામ જરૂરી નહીં..

કુછ બેનામ રિશ્તે રૂકી હુઇ જીંદગી કો સાંસ દે તે હૈ..

લેખક : દિપા સોની “સોનુ”