તમને પણ કોઈએ કીધું હશે કે પીપળે પાણી ચઢાવો પણ કેમ એવું કરવામાં આવે છે એ તમે જાણો છો…

પીપળાના વૃક્ષની પૂજા શા માટે કરવામાં આવે છે…?

હિંદુ ધર્મ અનુસાર દરેક મંદિરના પ્રાંગણમાં બીરાજમાન પીપળાના વૃક્ષને અન્ય વૃક્ષોની સરખામણીએ પવિત્ર માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં પિતૃઓના મોક્ષ માટે પિતૃ અમાસના દિવસે પીપળાના વૃક્ષ ઉપર અનેક પ્રદક્ષિણાઓ કરી પાણી ચઢાવવામાં આવે છે અને પોતાના સદગત પિતૃઓના મોક્ષની કામના કરવામાં આવે છે. હિંદુ ધર્મની માન્યતા, શ્રધ્ધા અને આસ્થા અનુસાર પીપળાનું વૃક્ષ ભગવાન વિષ્ણુનું નિવાસ સ્થાન છે. શ્રીમદ ભગવતગીતામાં પૂર્ણ પુરુસોત્તમ ભગવાન કૃષ્ણએ સ્વયં કહ્યું છે કે, “વૃક્ષોમાં હું પીપળો છું.” સ્કંધ પુરાણમાં દર્શાવ્યા અનુસાર પીપળાના મૂળમાં વિષ્ણુ ભગવાનનો નિવાસ છે, થડમાં કેશવ એટલે કે કૃષ્ણ ભગવાનનો વાસ છે, પાંદડાઓમાં શ્રી હરિનો વાસ છે તથા ફળોમાં તેત્રીસ કરોડ દેવતાઓ બિરાજમાન છે.


ભગવાન બુધ્ધે પણ તેમની તપસ્યા પીપળાના વૃક્ષ નીચે બેસીને કરી હતી અને તેમને જન્મ મરણના ફેરાનું બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. પીપળાના વૃક્ષને કદી એક સાથે પાનખર આવતી નથી તેના પાંદડા વારાફરતી ખરે છે અને સાથે જ નવી કૂંપણો પણ આવે છે જે મનુષ્યના જીવનચક્ર તરફ નિર્દેશ કરે છે.

વળી એક એવી પણ માન્યતા એવી છે કે પીપળાના વૃક્ષ પર બ્રહ્માનો વાસ છે અને વ્યક્તિના મૃત્યુ પછી સ્મશાન ભૂમીમાં અગિયારમા અને બારમાની તર્પણ વિધિ પણ પીપળાના વૃક્ષ નીચે કરવામાં આવે છે જેથી તેમના આત્માનો મોક્ષ થાય છે.

પીપળાના વૃક્ષની પૂજા કરવા પાછળનો વૈજ્ઞાનિક અભિગમ :

આપને એ જાણીને આશ્ચર્ય અનુભવાશે કે, એકમાત્ર પીપળાનું વૃક્ષએ એવું વૃક્ષ છે કે જે રાત-દિવસ ચોવીસ કલાક ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે. જે સમગ્ર જીવસૃષ્ટિનો પ્રાણવાયુ છે અને સમગ્ર પર્યાવરણને લાભદાયી છે. આ ઉપરાંત તેનો છાંયડો શિયાળામાં ગરમી અને ઉનાળામાં ઠંડક પૂરી પાડે છે. પીપળાના પાંદડાના સ્પર્શની મદદથી વાઈરસ, બેક્ટેરિયાનો નાશ કરી શકાય છે અને એટલે જ આપણા વડવાઓ પીપળાના પાંદડાના લેપ કે થેપલીઓનો ઉપયોગ કરતા હતા.


આયુર્વેદ શાસ્ત્રની પ્રણાલી અનુસાર પીપળાની છાલ, પાંદડા અને ફળ વગેરેના ઉપયોગથી અનેક પ્રકારની રોગનાશક દવાઓ તેમજ જડીબુટ્ટીઓ બનાવવામાં આવે છે.


આ બધા કારણો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની મદદથી હિંદુ ધર્મમાં પીપળાની પૂજા કરવામાં આવે છે. આથી પીપળો હિંદુ ધર્મની આસ્થાનું પ્રતિક પણ ગણાય છે.

સંકલન : નિશા રાઠોડ

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી