“પીનવ્હીલ સમોસા” – નોર્મલ સમોસા તો બનાવતા જ હશો હવે ટ્રાય કરો આ નવી વેરાયટી…

“પીનવ્હીલ સમોસા”

મેહમાનો અને ખાસ તો બાળકો ને આકર્ષે એવા આ મીની સમોસા , ભાખરવડી ની જેમ વાળેલા છે. બાળકો ની પાર્ટી ઘરે રાખો ત્યારે આ આકર્ષણ ઉભું કરે એવા સ્વાદિષ્ટ સમોસા ભૂલતા નહિ .

સમોસા નાના મોટા દરેક ને પસંદ પડે એવી ડીશ છે. આ સમોસા ને પેહલા હલકા તળી ને રાખી લેવા , જયારે પીરસો ત્યારે ફરી તળી લેવા. ટાઇમ બચશે અને ક્રીસ્પી પણ મસ્ત બનશે .

સામગ્રી :

લોટ માટે :

• ૧ વાડકો મેંદો ,
• ૨ ચમચી રવો ,
• ૨ ચમચી ચોખા નો લોટ ,
• ૧/૨ ચમચી જીરા નો ભૂકો ,
• મીઠું ,
• ૩ ચમચી તેલ ,
• ચપટી અજમો,
• પાણી ,

મસાલો :

• ૧.૫ વાડકો બાફેલા બટેટા ,
• ૧/૨ વાડકો બાફેલા વટાણા,
• ૧ ચમચી લાલ મરચું ,
• ૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ,
• ૧/૨ ગરમ મસાલો,
• ૧/૨ ચાટ મસાલો,
• ૧/૪ વાડકો જીણી સમારેલી કોથમીર ,
• મીઠું ,

રીત :

આ વાનગી માટે વધેલા બાફેલા બટેટા પણ વાપરી શકાય. જો તાજા બટેટા બાફતા હો તો ૩-૪ કલાક ઠારવા જરૂરી છે.


લોટ માટે ની સામગ્રીઓ ભેગી કરી કઠણ લોટ બાંધો .. લોટ ઠીલો હશે તો પ્રોપેર શેપ નહિ આપી શકાય.


મસાલા માટે ની બધી સામગ્રી ભેગી કરી લો . સ્વાદનુસાર તમે બદલાવ કરી શકો છો .

લોટ માંથી એક રોટલી વણો . ના બહુ જાડી કે ના બહુ પાતળી .

એના પર મસાલો પાથરો. હાથ થી થપ થપાવી એકસમાન કરો.

ફોટો માં બતાવ્યા પ્રમાણે પેહલા સાઈડ ને વાળો..

હવે એને રોલ ની જેમ વાળો .

છેલ્લે મેંદા ની પેસ્ટ લગાવી સીલ કરો. મેંદા ની પેસ્ટ બનવા ૧ ચમચી મેંદો માં પાણી ઉમેરો. આ પેસ્ટ પાતળી રાખવાની છે .


ધારદાર છરી થી ૧ ઇંચ જાડા કટકા કરો ..

આ નાના સમોસા ને મેંદા ની પેસ્ટ માં બોળી ગરમ તેલ માં મધ્યમ આંચ પર તળો .

ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી તળો…

ગરમ ગરમ સમોસા ચટણી કે સોસ સાથે પીરસો…

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી