જલ્સા કરોને જેંતીલાલ

પીંજરું – તેણે કેટલા હરખથી તે પક્ષીને સાચવ્યું હતું, આખરે તેણે પણ એવું જ કર્યું જે તેણે પોતાના મમ્મી પપ્પા સાથે કર્યું હતું..

ડિસેમ્બર ની કડકડતી ઠંડી હતી.બારી ને જરા હડસેલો મારી દૂર સુધી દ્રષ્ટિ ટેકવી લેવાની ઈચ્છા હતી ત્યાં જ બારી પરની છાજલી જરા હલચલ જણાઈ. મેં બહાર નીકળીને જોયું તો એક નાનકડું ચકલી નું તાજું જન્મેલું બાળક ઠંડી માં ધ્રુજી રહ્યું હતું. હું એને ધીમેથી પકડી ઘરમાં લઈ આવી. રંગે ભૂખરું એટલે ભૂરી નામ પાડ્યું.

ભૂરી ને હું ખૂબ સાચવતી. એને ખૂબ પ્રેમ કરતી. એના માટે એક સરસ મજાનું સોનેરી પીંજરું પણ લઈ આવી. ધીમે ધીમે ભૂરી સાથે માયા બંધાઈ ગઈ. રોજ મને જોતા જ એના બંધ પિંજરા માં દોડાદોડી કરી મૂકે. એની નજીક જાઉં તો જાણે મારી આંગળી પકડવા અધીરૂ થઈ ઉઠે. હું પણ ઘણીવાર કામકાજ મૂકી એની સાથે બેસી જાઉં અને એની સાથે રમત માં મશગુલ થઈ જાઉં.

મને એને જોઈને મમ્મી યાદ આવી જતી એ પણ મારી સાથે ઘણીવાર કામ પડતું મૂકી ને રમવા લાગતી એ યાદ કરતા આંખ સહેજ ભીની થઇ ઉઠતી.હવે તો એને પિંજરાની પણ જરૂર નહોતી. હું મારું કામ કરૂં અને એ મારી આજુ બાજુ ચકરાવા લીધા કરે. બિલકુલ મારી જેમ જ. હું પણ તો મમ્મી ની આજુબાજુ આમ જ ચકરાવા લેતી હતી ને.

દિવસો પસાર થતા ગયા. ઉનાળો આવ્યો. હું નજીક આવેલા બગીચા માં ચાલવા જતી. એકવાર ભૂરી એ પણ જોડે આવવા ચીં…ચીં…ચીં. કરી મૂક્યું. હું મન માં હસી. હું પણ પપ્પા ની આમ જ તો પાછળ થતી હતી. મને એક આંટો ન મરાવે ત્યાં સુધી હું એમને ઓફિસ પણ નહોતી જવા દેતી. ભૂરી ની જીદ પુરી કરવા હું પિંજરા ને લઈ હું બગીચે ગઈ. ફૂલોથી ભરેલા એક વૃક્ષ નીચે પિંજરા ને મૂકી હું ચાલવા લાગી. થોડું ચાલી ને પાછળ વળી ને જોયું તો ભૂરી ગભરાયેલી લાગતી હતી. એને જોઈ મને મારો કોલેજ નો પ્રથમ દિવસ યાદ આવી ગયો. મન માં થયું હું પણ આમ જ ગભરાઈ હતી પછી ધીમે ધીમે ટેવાઈ ગઈ. ભૂરી પણ ટેવાઈ જશે એમ વિચારી હું ફરી ચાલવા લાગી. થોડા ચક્કર લગાવી હું ભૂરી ને લઈ ઘરે આવી ગઈ.

હવે તો આ રોજ નું થઈ પડ્યું. ભૂરી રોજ મારી જોડે આવવા ચીં…ચીં…ચી કર્યા કરતી. બગીચા માં તેના જેવા બીજા પંખીઓને જોઈ એ ગેલ માં આવી જતી. એમાંથી કેટલાક તો જાણે એની નજીક આવી વાતો કરતા હોય એવું મને ઘણીવાર લાગતું.

એક દિવસ બગીચા માં જતી વખતે જે ક બહેનપણી નો ફોન આવી ગયો. વાતો વાતો માં જ ભૂરી ને પિંજરામાં મૂકી હું બગીચા તરફ ચાલવા લાગી.ભૂરી ના પિંજરા ને બાંકડે મૂકી હું નજીકમાં જ ચાલવા લાગી.ઉતાવળે નીકળેલી હું પીંજરું અધખુલ્લુ રહી ગયું એ વાતથી સાવ અજાણ હતી….

થોડા ચક્કર લગાવી હું પરત ફરી. જોયું તો ભૂરી પિંજરામાં નહોતી. આજુબાજુ નજર ફેરવી એને શોધવા માટે. દૂર એક વૃક્ષ પર ભૂરી એના જેવા જ એક સાથી સાથે બેઠી હતી ને ઘડી ભરમાં તો ઉડી ને અલોપ થઈ ગઈ. હું અજય નો હાથ પકડી ને જેમ ઉડી હતી એમ જ..

મારુ પીંજરું ખાલી હતું. અને આંખ માં ભુરીના ચાલ્યા જવાનું દુઃખ. એક ક્ષણ માટે આંખ બંધ થઈ ત્યાં મમ્મી પપ્પા નો ચહેરો દેખાઈ આવ્યો. કેટલા વર્ષો થઈ ગયા મને અજય સાથે ભાગી ને લગ્ન કરે. ક્યારેય મમ્મી પપ્પા ને સંપર્ક કરવાનો પણ પ્રયત્ન નહોતો કર્યો. પણ આજે આ ખાલી પિંજરા ને જોઈ મારુ એ ખાલી ઘર અને એ ખાલી ઘર માં મારી યાદ માં આંસુ સારતા માતાપિતા મને સાંભરી આવ્યા. ખુદ ના કર્યા પર આજે અફસોસ થવા લાગ્યો અને મેં તરત જ મમ્મી પપ્પા ને ફોન જોડ્યો.

લેખક : કોમલ રાઠોડ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version