પીળું પડેલું પાનું – કેટલું ખુશી ખુશી તેણે પોતાના MBAના સર્ટિફિકેટને સાચવ્યું હતું, કેટલા સપના હતા પણ…

પરસેવે રેબઝેબ હું પલંગ પર આવી ને ફસડાઈ પડી..ઘરની સાફસફાઈ કરી નકામી વસ્તુ ને બહાર કાઢવા માં આજે થાક લાગ્યો હતો પણ એ થી પણ વધુ થાક તો મારા મન ને લાગ્યો હતો.અને કારણ હતું હાથ માં આવેલી એક જૂની… જર્જરિત થયેલી અને ધૂળ ખાતી ફાઇલ….અને તેમાં રહેલું મોટા અક્ષર વાળું મારા નામ નું મારુ એમ.બી.એ નું ડીગ્રી સર્ટીફીકેટ..

પહેલી વખત જ્યારે આ સર્ટિફિકેટ હાથ માં આવ્યું ત્યારે હૈયા માં દુનિયા ને કઈક કરી બતાવવાનું તોફાન ઉઠ્યું હતું….જાણે મન વિશાળ આકાશ માં ઉડવા તલપાપડ હતું.દુનિયા ને હવે મુઠ્ઠી માં ભરી લેવાની ચાહના હતી..

થોડા જ સમય માં એક મોટા ઓફિસર સાથે લગ્ન લેવાયા…હું ખુશ હતી…મારી બે પાંખો ને બીજી બે પાંખો નો સહારો મળશે એ વિચારે મે સાસરી માં ગૃહ પ્રવેશ આદર્યો.. “સ્નેહા આપણે ક્યાં કશી ખોટ છે…હું કમાઉ છું ને તું બસ ઘરે જલ્સા કર…મને અને મારા ઘર ને સાચવજે” લગ્ન ના બીજા જ દિવસે નીકળેલા અનિકેત ના ફરમાન થી મારા સપનાઓને તૂટતા વાર ન લાગી

“તું બહાર કામ કરવા જાય એ મારી રેપ્યુટેશન ને શોભે નહિ” એ વાક્ય એ વધુ એક વાર કર્યો મારા આત્મ સમ્માન પર.. બસ પછી તો શું સાચવવા લાગી હું અનિકેત અને એના ઘર ને કઈ જ અપેક્ષાઓ વગર..આંખો માં રહેલા અઢળક સપનાઓ રોજ સરતા આંસુ ઓ સાથે ક્યારે ધોવાઈ ગયા ખબર જ ન પડી.

લગ્ન પહેલા બૉલીવુડ ના હીરો જેવો રોમેંટિક લાગતા અનિકેત ક્યારે ટિપિકલ પતિ બની ગયા એનો અણસાર પણ ન આવ્યો….ક્યારેક ક્યારેક ઓફિસ થી અનિકેત પ્રેમ ભર્યા શબ્દો માટે ફોન કરતા…પણ પછી તો.”આજે કામ વધુ છે આવતા મોડું થશે…”એ કહેવા સિવાય ફોન આવતા પણ બંધ થઈ ગયા…

અને પછી ના બધા જ દિવસો એકસરખા કોરકટ પુરા થતા…રંગોથી ભરેલી મારી દુનિયા માં બસ જાણે સમય ની પીળાશ ઘર કરી ગઈ હતી….ધીમે ધીમે અંતર વધતું ગયું…

અનિકેત ક્યારેક એની ઓફિસ પાર્ટી માં મને સાથે લઈ જતા..પણ મારી કિંમત એને ખરીદેલા કોઈ શો પીસ જેટલી જ..જેને એ લોકો સામે ઘણા ગુમાન ભેર પ્રસ્તુત કરતા..શરૂ શરૂ માં મારી સુંદરતા ને અનિકેત પોતાનો મોભો સમજતા ..પણ મારી સુંદરતા ને વિકૃત નજરે માણતા એમના કેટલાક મિત્રો ના કારણે એ હવે મને પાર્ટીઓ માં લઇ જવાનું ટાળવા લાગ્યા..હદ તો ત્યારે થઈ જ્યારે મને કોઈપણ પરપુરુષ સાથે વાત ન કરવાનું એમનું ફરમાન જાહેર થયું…કઈ જ વાંક વગર હું બધું મૂંગા મોઢે સહન કરતી રહી.

આજે સવારે ચા પીતી વખતે અનિકેત બોલ્યા

“ઘણા દિવસથી મારા મિત્રો ક્યાંક બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છે….અને અંતે મસૂરી જવાનું નક્કી થયું છે…સાંજે બધું પેકીંગ કરી રાખજે રાત્રે નીકળવાનું છે આપને” ફરી એક ફરમાન જાહેર કરી દેવાયો…મારી ઈચ્છા અનિચ્છા ને તો જાણે કોઈ અવકાશ જ ન હોય એમ એના ફરમાનો મારા પર થોપાતા ગયા… પ્રથમવાર હિંમત કરી મેં કહ્યું. ‘અનિકેત મારી ઈચ્છા નથી ક્યાંય જવાની…ન જઈએ તો ન ચાલે?”

“મને લાગ્યું જ હતું કે તારી ઈચ્છા નથી…ભલે ત્યારે હું એકલો જઇ આવીશ…એવું હોય તો તું તારા પિયર જઇ આવ” જાણે મારા જવાબ ની બસ રાહ જ જોતા હોય એમ એમને એકલા જ જવાની તૈયારી બતાવી “ના હું ઘરે એકલી જ રહી લઇશ..તમ તમારે જાવ” કહેતી હું ત્યાંથી રસોડા તરફ ચાલી ગઈ…

અનિકેત ના વ્યવહાર ને કારણે બેચેન બનેલા મન ને વાળવા હું ઘરની સાફસફાઈ કરવા લાગી ગઈ…અને ત્યાં જ એક જૂની અલમારી માંથી મારે હાથ આવ્યું આ સર્ટિફિકેટ નું પીળું પડી ગયેલું પાનું…જેને મેં મારા અશ્રુવર્ષા થી વધુ જર્જરિત કરી નાખ્યું….પોતાને એક ઘૃણા ભરેલી નજરે જોઈ મેં ફરી મારા સપના અને એ પીળું પડેલું પાનું એ અલમારી માં ક્યાંક ખોસી દીધું

લેખક : કોમળ રાઠોડ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ