‘વિકાસ…’ના નામે પેસેન્જરોને મોજ કરાવતાં કંડક્ટરનો ઓળખો છો?

18 નવેમ્બર, શનિવારની ઠંડકથી તરબોળ સાંજ હતી. ઇનોર્ગેનિક કેમિસ્ટ્રીના ‘ધ મોસ્ટ હોન્ટેડ’ પેપર સાથે બાખડીને હું, મારા સહપાઠી મિત્રો ભાવિક અને વાલજી આદિપુર બસ સ્ટેશને આવ્યાં.

યુનિવર્સિટીની ફાઇનલ પરીક્ષાઓ ચાલુ હોવાને લીધે અનેક વિધાર્થીઓએ સ્ટેશન પર અડિંગો જમાવ્યો હતો. ચારેય તરફ શોરબકોર થઇ રહ્યો હતો. પરીક્ષા, પરિણામ અને આગળના પેપરની તૈયારીની ‘બ્લુપ્રિન્ટ્સ’ વિશે ચર્ચાઓ થઇ રહી હતી. કોઈના ખુશ, તો કોઈના વિલાયેલાં ચહેરાઓ નજરે પડી રહ્યા હતાં. ધ્રુજારી જન્માવતી ઠંડીને અવગણીને સતત દોડાદોડ કરતાં ફેરિયાઓ, સ્ટેશનનું ‘ગુજરાત એસ.ટી’ની એકમાત્ર ચેનલ દર્શાવતું ટી.વી અને યાત્રિકોની સાથે રહેલાં કુમળાં બાળકોની રડારોળ-આ બધું અમારા માટે રોજિંદું હતું, તેથી આસપાસના વાતાવરણ પ્રત્યે અનાસક્ત બની અમે ફોનની ડિસ્પ્લેમાં માથું ડૂબાવીને બેઠાં હતાં.

‘એય રઘા, જલ્દી દોડ, આપણી બસ આવી. પછી જગ્યા નહીં મળે.’ વાલજીએ હાક મારી. અમે ઉભા થયાં. ભાવિક આગળ દોડ્યો અને હું ને વાલજી તેની પાછળ થયાં. અંધારું ઘેરાવા આવ્યું હતું, ઉપરાંત અમુક બસો દરેક ગામે ન થોભે, એટલે આમ કરવું સ્વાભાવિક હતું.

ભીડ ખાસ્સી હતી. બસની અંદર પણ અને બહાર પણ! મેં કહ્યું, ‘વાલજીભાઈ, કાલે આમ પણ રજા છે. આપણે આરામથી જઈ શકીએ. આ ભીડમાં મારે નથી પીસાવું!’ વાલજીએ વાતને અવગણીને બસ તરફ એક નજર કરી, અને પછી ઉત્સાહમાં આવીને કહ્યું, ‘એય કાકા, વિકાસ હોં કે!’
‘હા વિકાસ, હા! આરામથી ચડજે. બસ ઉભી જ છે.’ સામેથી કંડક્ટરનો જવાબ મળ્યો જે અનપેક્ષિત હતો. વાલજી ગેલમાં આવી ગયો. મારી તરફ ફરીને તેણે પૂછ્યું, ‘તારો પેપર કેવો ગયો છે?’

‘કેવો ગયો છે મતલબ? ભેજાગેપને ચેસ રમવા આપી હોય એવી હાલત આજનું પેપર લખતી વખતે મારી હતી.’ મેં પોતાની દુઃખિત કથા કહી સંભળાવી. ભાવિકનું અંદાઝ-એ-બયાં પણ કઈં ખાસ જુદું ન હતું! વાલજીએ અમારો પોઇન્ટ પકડી લીધો.
‘પેપર તો બધાનું એવું જ જાય ભાઈ, પણ જો તારે દિવસ સુધારવો હોય, તો ધક્કામુક્કી કરીને પણ આ બસ પકડી લે.’

‘કેમ?’
‘એલા કેમની ક્યાં પત્તર ઠોકશ. જેટલું કહ્યું એટલું કર, બાકીનું પોતે ખબર પડી જશે.’
‘જો હુકુમ!’ કહીને હું દરવાજા તરફ દોડ્યો. જેમ તેમ કરીને અંદર ચડ્યો. અપડાઉન કરતાં વિધાર્થીઓની ‘બિરાદરી’માં વણલખ્યો નિયમ છે કે જે ભાગ્યશાળી બસમાં વહેલો ઘૂસી શકે, એ બીજા દોસ્તો માટે જગ્યા રાખે. આપણે રસમ જાળવી. બે સીટ ખાલી હતી, ત્યાં બેગની પથારી કરીને હું ઉભો રહી ગયો.

આજે જરા નવાઈ લાગી. સામાન્ય રીતે બસ કંડક્ટરો પોતાની બસમાં ભીડ પસંદ નથી કરતાં, થોડાં વિધાર્થીઓ માંડ ચડે કે તેઓ દરવાજો બંધ કરી, ઘંટડી વગાડી બસ ભગાવી મૂકે છે. જયારે અહીં, કંડક્ટર ધક્કામુક્કી કરી રહેલાં છોકરાઓને સામેથી કહેતા હતાં કે બધાને લઇ જશે, નવાઈ! વાલજીની વાત થોડી થોડી સમજમાં આવતી હતી, પણ બાકીનું રહસ્ય તેના દિમાગી પટારામાં અકબંધ હતું.

મારા ભેરુઓ ચડ્યા. બસ ચાલી નીકળી. અંજાર બસ સ્ટેન્ડ પછી અમને જગ્યા મળી અને અમે ત્રણે લંબાવીને બેઠાં. મેં પૂછ્યું, ‘વાલજીભાઈ, કેમ આજે તમે આ જ બસમાં ચડવાનો આગ્રહ રાખ્યો?’
‘ભાઈ, આ કાકા બહુ જોરદાર માણસ છે. આપડે એમનો અનુભવ ખરો! તું જોજે, આખે રસ્તે મજા કરાવશે.’

‘એમ?’
‘ના, તારા તંબુરાની જેમ!’ વાલજીએ કહ્યું અને અમે હસી પડ્યાં. એટલામાં કંડક્ટર ટિકિટ આપવા આવ્યાં. ‘કેમ વિકાસ? આજે બહુ ખીખી કરો છો? પરીક્ષામાં કોઈ કાંડ નથી કર્યુંને ભાઈ?’
‘ના હવે, કાકા. આ તો ભાઇબંધુઓની વાતો ચાલે પડી.’
‘તો ઠીક, બાકી કંઈ કે’વાય નહીં. આજકાલ વિકાસ ગાંડો થયો છે.’ કંડક્ટરે કહ્યું અને અમે ફરી હસી પડ્યાં.

કદાવર પણ સ્થૂળ શરીર, શરીર પર ચપોચપ ચોંટેલું ખાખી યુનિફોર્મ, ગળામાં વરમાળા જેમ લટકતું ટિકિટ મશીન, માથામાં ‘તારક મહેતા…’ વાળા સુંદરલાલ ફેમ ટોપી, અનીલ કપૂર ફેમ મૂછો, ઘોઘરો અવાજ અને મરક મરક થતો ચહેરો-આ એમનો દેખાવ. ન ઓળખતા માણસને ખડૂસ આધેડ લાગે, પણ ઓળખીતાઓમાં લોકપ્રિય! નામ, મહેશગીરી ગોસ્વામી. ભુજ-પોરબંદર એક્સપ્રેસ બસમાં કંડક્ટર, રેગ્યુલર ડ્યુટી. આ નિરસ પરિચય સિવાય એક રસ પડે એવા માણસ.

બસ આગળ વધ્યે જતી હતી અને કંડક્ટર કાકાની રમૂજી મહેફીલ પણ! ચૂંટણીની જામતી જતી ઋતુ હોય, સાંજે નોકરીએથી છૂટેલાં નોકરીયાતો હોય અને ‘વિકાસ’ના નામનું નારિયેળ વધેરતાં મહેશભાઈ જેવા કંડક્ટર હોય, તો બીજું શું જોઈએ?
કોઈ કહે, ‘સરકાર હવે કામ નથી કરતી!’ સામે તરત જવાબ મળે, ‘તંય ભાઈ, તમારી જવાબદારીઓ વધી ગઈ હશે, નહીં?’

કોઈ વળી કહે, ‘હવે રાહુલ ગાંધી અધ્યક્ષ બનશે એવું લાગે છે!’ મહેશભાઈ પાસે જવાબ તૈયાર હોય, ‘લો બોલો, આ લોલીપોપવાળો છોકરડો જબરો વિકાસ કરી ગયો. ખરેખર ભાઈ, વિકાસ ગાંડો થયો છે!’ અને આખી બસમાં હાસ્યનું મોજું ફરી વળે. ક્યારેક રોજિંદા પેસેન્જરની મશ્કરી થાય, તો ક્યારેક ડ્રાઇવરની અણી નીકળે. પણ મજાની વાત એ કે, કોઈ ખોટું ન લગાડે.

અમને પણ ખરેખર મજા આવી રહી હતી. એક તો આ ‘વિકાસ પુરુષ’ને લીધે અમારી મોબાઇલની લતને થોડીવાર માટે જાકારો મળ્યો અને બીજું કે, પરીક્ષાને લીધે બગડેલું દિમાગ પાછું પાટે આવ્યું. રતનાલ સ્ટેશને વાલજીએ રજા લીધી. કુકમા આવ્યું એટલે ભાવિક પણ ઉતરી ગયો. મારું ઠેકાણું ભુજ હતું, એટલે મેં ચાલુ રાખ્યું. ત્રણ વર્ષમાં આજે પહેલીવાર અપડાઉન કર્યાનો અફસોસ નહોતો થઇ રહ્યો.

અચાનક એક જણે પૂછ્યું, ‘કાકા, આખા દિવસની રઝળપાટ કરીને, કાન પાકી જાય એટલો શોરબકોર સાંભળીને અને મુસાફરો સાથે લમણાંઝીંક કરીને પણ તમે આટલાં સ્વસ્થ અને હસમુખા કેમ રહી શકો છો?’ સવાલ ગંભીર હતો. મહેશભાઈએ સાદો ઉત્તર વાળ્યો અને અજાણતાં જ અમને એક મોટું સબક શીખવાડી દીધું.

તેમણે કહ્યું, ‘લ્યા, હું હસું કે સડેલા ચીભડાં જેવું મોઢું રાખું, લોકોને કોઈ ફરક નથી પડવાનો. મારી નોકરી જ એવી છે કે કંટાળો આવી જાય, પણ એનો ગુસ્સો કે ચીડ બીજા પર કાઢીને એમનો દિવસ શા માટે બગાડું? એના કરતાં મોજમાં રહેવાનું. કેમ વિકાસ!’ એમણે સામે સીટ પર બેઠેલાં એક વિધાર્થી સામે હસતાં હસતાં કહ્યું. મહેશભાઈ વિધાર્થીઓને ‘વિકાસ’ કહીને બોલાવે. કારણ એમને ખબર! અમે બધા ફરી હસ્યાં.

‘વાહ કાકા, ક્યા બાત હૈ! પણ આવી વાતો તો ચેનલોમાં આવતાં બાબાઓ પણ કરે છે. તમે નવું શું કહ્યું!’ એક નોકરીયાતે પૂછ્યું.

‘ભાઈ, હું કોઈ ધર્મગુરુ નથી એટલે જ ધર્મના વાડાની બહારનું પણ વિચારી શકું છું. ભગવદ્ ગીતામાં તો શ્રી કૃષ્ણે ચોખ્ખું કહ્યું છે કે, ચોર્યાશી લાખ જન્મોમાંથી માત્ર માનવજન્મમાં આપણને પોતાના અસ્તિત્વનું ભાન રહે છે. મતલબ, ખાલી આ જ જન્મની જંજાળ છે દોસ્ત, એના પછી હું મહેશ નથી, તમે ફલાણાં નથી, આ બેન ઢીકણાં નથી. તો પછી એક જ જિંદગી માટે શું રોવું. એનાં કરતાં કંઈક એવું કરીએ કે લોકો યાદ કરે! હસવાનું, હસાવવાનું અને મજા કરવાની!’

ખરેખર, કોઈએ એ વખતની વાતો સાંભળી હોયને, તો સ્વીકારે નહીં કે જે બોલી રહ્યા હતાં એ કોઈ સાધારણ, દસ પાસ કંડક્ટર હતાં અને જે રસપૂર્વક સાંભળી રહ્યા હતાં એ અમારા જેવાં ભણેલાં-‘ધ ઇન્ટેલેકચ્યુઅલ પીપલ’ હતાં!

જિંદગીના પંદર વર્ષ થોથાંઓ ઉથલાવવામાં-ગોખવામાં કાઢી નાખ્યાં. અઘરી ભાષાકીય સમજણ ધરાવતાં સિદ્ધાંતો, વિચિત્ર દાખલાઓ, અણગમતી વાસવાળાં રસાયણો સાથે માથાકૂટ કર્યા પછી પણ જે વસ્તુ ન જાણવા મળી એ આજે એક કંડક્ટર અમને સમજાવી રહ્યો હતો, નવાઈ જ ને!

આવા લોકો જો શિક્ષક હોય તો કેવું? વિધાર્થીઓને બહારના કોઈ લેક્ચર્સની કે મોટીવેશનલ સેમિનાર્સની જરૂર જ ન પડે! ખેર છોડો, જિંદગીની નિશાળમાં ભણેલાં લોકો પાસે અનુભવ હોય છે, કાગળની ડિગ્રી નહીં! માણસ તો કાગળનો ગુલામ છે. સિક્કાઓ લગાવેલું સર્ટિફિકેટ ન જોઈ લે ત્યાં સુધી તમારી બૌદ્ધિક ક્ષમતાઓ પર સવાલિયો નિશાન કર્યે રાખે. એટલે જ, મહેશભાઈ જેવા લોકો શાળામાં કે કોલેજોમાં ઓછાં જોવા મળે.

પણ ક્યાંક કોઈ જગ્યાએ, અચાનક અને અણધારી રીતે મળી જાય અને જીવનભર યાદ રહેતી મહામૂલી શિખામણ આપી જાય કે એ.સી ચેમ્બરમાં બેસતો કલેક્ટર હોય કે ખખડધજ બસનો કંડક્ટર, પોતાના કામને સ્વીકારીને તેમાં આનંદ મેળવતો થઇ જાય તો એના જેવું સુખી બીજું કોઈ નહીં! આને પણ નવાઈ કહી શકાય? હા, કહી શકાય, વો તો જૈસી જિસકી સોચ!

● સત્ય ઘટના
લેખક: પ્રતીક. ડી. ગોસ્વામી

દરરોજ અવનવી પ્રેરણાદાયી વાર્તા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી