પ્રાઇઝલેસ ગિફ્ટ – પૌત્ર તરફથી દાદાને આનાથી વધુ કિંમતી ભેટ શું હોઈ શકે? લાગણીસભર વાર્તા…

રાહુલ આજની જનરેશનનો તેજ યુવાન હતો.ટેક્નોલોજી ની સાથે ડગ માંડીને ચાલવું એ એની ફિતરતમાં હતું.કોમ્પ્યુટર એન્જીનીયરીંગનાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો રાહુલ અત્યારનાં ગણ્યા-ગાંઠયાં એવાં યુવકોમાંથી હતું જે આધુનિક સમયની સાથે પોતાનાં પરિવારનાં સંસ્કારોને પણ જાળવી રાખવામાં સફળ થયાં હતાં.

એવું નહોતું કે એ પોતાનાં મિત્રો જોડે ક્યાંક ફરવા જતો નહોતો કે એની કોઈ ગર્લફ્રેન્ડ નહોતી.આજની જનરેશનની પેઢીની માફક રાહુલ પણ એનાં સમવસયસ્ક યુવકોની જેમ બધાં જ મોજશોખ કરતો હતો.છતાં રાહુલ એનાં પિતાજી નવીનભાઈ અને માતા લતા બેન નાં સંસ્કારોને પણ જીંદગીમાં ઉતારી ચુક્યો હતો.

image source

રાહુલ ને સૌથી વધુ એનાં દાદા મોહનલાલ જોડે બનતું હતું.નવ વર્ષ પહેલાં પોતાની પત્ની શારદાબેનનાં થયેલાં અવસાન પછી મોહનલાલ એકલાં પડી ગયાં હતાં.રાહુલ કોલેજે જતાં પહેલાં પોતાનાં દાદા જોડે નિયમિત અડધો કલાક જરૂર પસાર કરતો હતો.સાંજે પણ સમય મળે એ દાદાની જોડે ગાર્ડનમાં ટહેલવા માટે જતો હતો.દાદા ની ઉંમર પંચોતેર વર્ષની થઈ ગઈ હોવાં છતાં રાહુલની સાથે એમને મિત્ર જેવું બનતું હતું.

પોતાની ગર્લફ્રેન્ડ પ્રિયંકાની પણ રાહુલે પોતાનાં દાદા જોડે મુલાકાત કરાવી ચુક્યો હતો.દાદા એ પણ પોતાનાં પોતા ની પસંદગી પણ મહોર મારી દીધી હતી અને નજીકમાં પોતે પોતાનાં પુત્ર અને રાહુલનાં પિતાને પણ પ્રિયંકા વિશે શાંતિથી વાત કરશે એવું જણાવ્યું ત્યારે રાહુલ ખુશ થઈને દાદા માટે એમને ભાવતી જલેબી લઈ આવ્યો હતો. મોહનલાલ સમય પસાર કરવા માટે સમાચાર પત્રક વાંચતાં અને પછી લાયબ્રેરીમાંથી રાહુલ એમનાં માટે જે પુસ્તકો લાવતો એનું વાંચન કરતાં. પુસ્તકો જ એમનાં ખાલી સમયનાં મિત્ર બની ગયાં હતાં.મોહનલાલ જે નવું નવું વાંચતા એ રોજ સાંજે ગાર્ડનમાં પોતાનાં મિત્રો સાથે શૅર કરતાં.

image source

એક વખત રાહુલ જ્યારે સવારે કોલેજ જતો હતો ત્યારે એની નજર પોતાનાં દાદા પર પડી.રાહુલે જોયું તો મોહનલાલ આંખો ઝીણી કરીને સમાચાર પત્રક વાંચી રહ્યાં હતાં.રાહુલે ધારીને જોયું તો એમને ચશ્માં તો પહેર્યાં હતાં પણ વર્ષો જુનાં ચશ્માંનાં ગ્લાસ ઘસાઈ ચુક્યાં હતાં.ચશ્માં નાં કાચ પર પડેલાં ઘસરકાનાં લીધે ચશ્મામાંથી સ્પષ્ટ ના દેખાવાનાં લીધે મોહનલાલ ને વાંચવામાં તકલીફ પડી રહી હતી એ રાહુલ ને સમજાઈ ગયું. “દાદા ની આવતાં મહિને આવનારી બર્થડે માટેની ગિફ્ટ મળી ગઈ.”મનોમન આટલું બોલી રાહુલ કોલેજ જવા માટે રવાના થઈ ગયો.

*************

image source

મોહનલાલ ની ઈચ્છા ના હોવાં છતાં રાહુલ જ્યારથી સમજણો થયો ત્યારથી દાદાની બર્થડે ધામધૂમથી ઉજવતો જાણે કોઈ નાના બાળકની બર્થડે ના ઉજવતો હોય.પોતા અને દાદા વચ્ચેનો આવો પ્રેમ જોઈ નવીનભાઈ ને પણ પોતાનાં પુત્ર પર ગર્વ થતો.આજુબાજુનાં પડોશીઓ પણ મોહનલાલ જોડે જ્યારે રાહુલ નાં એમની તરફનાં પ્રેમભર્યા સંબંધોનાં વખાણ કરતાં ત્યારે મોહનલાલ ની આંખો હર્ષનાં આંસુથી ઉભરાઈ જતી. “દાદા આ રહી તમારી બર્થડે ગિફ્ટ..”જન્મદિવસ ની ઉજવણી બાદ જ્યારે બધાં પડોશીઓ પોતપોતાનાં ઘરે ચાલ્યાં ગયાં ત્યારે રાહુલે એક પેકેટ મોહનલાલનાં હાથમાં મુકતાં કીધું.

“અરે શું લાવ્યો પાછો તું..મારે હવે કોઈ વસ્તુની ક્યાં જરૂર છે.મૂડી તો સારી જ હતી હવે મૂડી નું વ્યાજ પણ આટલું સુંદર આપીને પરમકૃપાળુ પરમાત્માએ મને બધું આપી દીધું છે.”મૂડી એટલે નવીનભાઈ અને મૂડી નું વ્યાજ એટલે રાહુલ એ સંદર્ભમાં બોલતાં મોહનલાલે કહ્યું. “દાદા આ ગિફ્ટ ની તમારે જરૂર છે..એક વાર તમારાં હાથે ખોલીને ચેક કરી લો..”રાહુલ બોલ્યો.

image source

રાહુલ શું લાવ્યો હતો એ જાણવાની તીવ્ર ઈચ્છા સાથે મોહનલાલે પોતાનાં હાથમાં રહેલું પેકેટ ખોલ્યું..એની અંદર એક પ્લાસ્ટિક નું બોકસ હતું.બોક્સ ખોલી મોહનલાલે એની અંદર રાખેલાં ચશ્માં હાથમાં લઈ ને એને નીરખીને જોયાં.ચશ્માં ને જોતાં જ મોહનલાલ નાં ચહેરા પરની ખુશી જોતાં જ બનતી હતી.

“દાદા તમારાં ઘરની નવી થનારી વહુ ની પસંદ છે.”મજાકિયા સુરમાં મોહનલાલનાં કાનમાં બોલતાં રાહુલ ધીરેથી બોલ્યો. રાહુલની વાત સાંભળી મોહનલાલ ખળખળાટ હસી પડ્યાં. દાદા અને પોતા વચ્ચે થઈ રહેલી આ મજાક-મસ્તી જોઈ નવીનભાઈ અને લતાબેન પણ હરખાઈ રહ્યાં હતાં.

**************

બીજાં દિવસે રાહુલ પોતાનાં નિયત સમયે કોલેજ જવા નીકળ્યો ત્યારે મોહનલાલ વરંડામાં બેઠાં બેઠાં રોજની માફક સમાચાર પત્રક વાંચી રહ્યાં હતાં.રાહુલે ધ્યાનથી જોયું તો આજે પણ મોહનલાલે જુનાં જ ચશ્માં પહેર્યાં હતાં.એ જોઈને રાહુલ થોડાં ગુસ્સા સાથે મનોમન બબડયો. “આ ઘરડાં લોકો જ્યાં સુધી જુની વસ્તુનો પૂરતો કસ ના કાઢી લે ત્યાં સુધી એને મુકે જ નહીં.આનો કંઈક તો ઉપાય કરવો જ પડશે નકામાં દાદા આમ જ આંખો ફોડતાં રહેશે.”

image source

આટલું કહી રાહુલ કોલેજ જવા નીકળી ગયો.સાંજે ઘરે આવીને જ્યારે જમીને દાદા સુઈ ગયાં ત્યારે રાહુલે દાદા હવે નવાં ચશ્માં વાપરે એ હેતુથી જુનાં ચશ્માં ને એનાં જુનાં પુરાણા બોક્સ સાથે કચરાપેટીમાં નાંખી દીધાં.સવારે જ્યારે મોહનલાલ સ્નાન ઈત્યાદિ ક્રિયાઓ પૂર્ણ કરીને ફ્રી થયાં એટલે એમને સમાચાર પત્રક હાથમાં લીધું અને પોતે જ્યાં ચશ્માં મુકતાં હતાં એ ડ્રોવર ખોલ્યું.ચશ્માં ના મળતાં એમને બધે તપાસ કરી જોઈ પણ એમને જુનાં ચશ્માં ના જ મળ્યાં.

“લતા વહુ..ઓ..લતા વહુ..મારાં ચશ્માં ક્યાં છે..?”રઘવાઈને મોહનલાલ રાહુલની મમ્મી ને અવાજ આપતાં બોલ્યાં. “આ રહ્યાં તમારાં ચશ્માં..”રાહુલ હાથમાં નવાં ચશ્માં સાથે ત્યાં આવી પહોંચ્યો. મોહનલાલે ખુશ થતાં રાહુલનાં હાથમાંથી ચશ્માં તો લઈ લીધાં.પણ અચાનક એ ચમકીને બોલ્યાં.

image source

“રાહુલ હું આ ચશ્માં ની વાત નથી કરતો..મારાં જુનાં ચશ્માં ક્યાં ગયાં.?”ચિંતિત વદને મોહનલાલ બોલ્યાં. “અરે આ ચશ્માં પણ તમારાં તો છે.હવે એ જુનાં ઘસાઈ ગયેલાં ચશ્માં ભુલી જાઓ..”રાહુલ ખુશ થતાં બોલ્યો. “એ બધું તો ઠીક પણ મારે એ ચશ્માં જોઈએ છે.”હવે મોહનલાલ નાં અવાજમાં ગુસ્સો હતો. “એ ચશ્માં ગયાં કચરાપેટીમાં.. મેં એ ચશ્માં નાંખી દીધાં. કેમકે ત્યાં સુધી તો તમે એ ભંગાર ચશ્માં ફેંકવાનાં જ નહોતાં.”રાહુલ બોલ્યો.

રાહુલની વાત સાંભળી જાણે મોહનલાલ ને મોટો વજ્રાધાત લાગ્યો હોય એમ દિગ્મૂઢ અવસ્થામાં બાજુમાં રહેલ ખુરશી પર ફસડાઈ પડ્યાં. થોડીવારમાં તો એમની આંખો ઉભરાઈ આવી.એમની આવી સ્થિતિ જોઈ રાહુલ એમની જોડે ઘૂંટણીયે બેસી ગયો અને ચિંતાતુર સ્વરે બોલ્યો. “અરે દાદા શું થયું..કેમ તમે આમ દુઃખી થઈ ગયાં..?અરે એ જુનાં ચશ્માં માં એવું તે શું હતું કે તમે એનો ત્યાગ કરવા તૈયાર નથી..?” રાહુલ નાં આ સવાલનાં જવાબમાં મોહનલાલ રડમસ સુરે બોલ્યાં.

“દીકરા,તારાં મન આ જુનાં પુરાણા ચશ્માં છે પણ મારાં માટે આ તારી દાદી શારદાની છેલ્લી નિશાની છે.મારાં 66 માં જન્મદિવસે તારી દાદીએ મને આ ચશ્માં ગિફ્ટ કર્યાં હતાં.એનાં ત્રણ મહિના બાદ શારદા તો મને નોંધારો મુકીને ચાલી ગઈ.પણ એની યાદરૂપે આ ચશ્માં હું છેલ્લાં નવ વર્ષથી મારાં દિલ નાં ટુકડાની જેમ સાચવીને રાખતો હતો.”

image source

“હું જ્યારે આ ચશ્માં સવારે આંખે ધારણ કરું ત્યારે મને મારી શારદા દેખાય છે.હવે તું જ બોલ હું એ ચશ્માં ને કઈ રીતે ભંગાર સમજી ફેંકી દઉં..?” મોહનલાલ નાં આ સવાલે રાહુલને અંદર સુધી હલાવી મુક્યો.વગર વિચારે એને દાદાજીનાં હૃદયને દુખાવ્યું હતું એનો પસ્તાવો એને ઘેરી વળ્યો હતો.રાહુલે મોહનલાલ નાં ઘરડાં હાથ પર પોતાનો હાથ મુક્યો અને પસ્તાવાનાં ભાવ સાથે બોલ્યો. “દાદા,મેં જે ભૂલ કરી છે એ બદલ હું માફી માંગુ છું.મને ખબર નહોતી કે એ જુનાં ભંગાર લાગતાં ચશ્માં માત્ર ચશ્માં નહીં પણ તમારાં માટે તો દાદીને પામવાનો માર્ગ હતો.દાદા આજે તમે આ નવાં ચશ્માં ઉપયોગ કરી લો હું સાંજે મળું.”

રાહુલ ત્યાંથી ઉભો થઈને બહાર મુકેલી કચરાપેટી તરફ ગયો.રાહુલે આખી કચરાપેટી ખાલી કરી જોઈ અને એની અંદર થી એ જુનાં ચશ્માંનું બોક્સ કાઢ્યું..એને રૂમાલ વડે વ્યવસ્થિત સાફ કરીને રાહુલે એ બોક્સ બેગમાં રાખ્યું અને પોતાની બાઈક પર બેસીને નીકળી ગયો. સાંજે રાહુલ જ્યારે ઘરે આવ્યો ત્યારે એને જોયું હજુપણ મોહનલાલ દુઃખી વદને બેઠાં હતાં..રાહુલ એમની જોડે ગયો અને પાસે બેસતાં બોલ્યો. “દાદા મેં જાણે-અજાણે જે ભુલ કરી એ માટે તમારાં આ દીકરાને માફ નહીં કરો..” રાહુલની સામે જોઈને મોહનલાલ થોડી સ્વસ્થતા મેળવી બોલ્યાં.

image source

“દીકરા હું તારાં પર ગુસ્સે નથી..પણ એ ચશ્માં સાથે મારી જીંદગીનાં સૌથી મીઠાં સંસ્મરણો જોડાયેલાં હોવાથી હું દુઃખી થઈ ગયો.બાકી તે જે કર્યું એમાં મને ઠેસ લગાડવાનો તારો કોઈ ઈરાદો તો ના જ હોય એવી તો આ ડોસા ને ખબર પડે છે.”રાહુલ સાથે વાત કરતાં પોતાની જાત ને ડોસો કહેવો એ મોહનલાલ ને ગમતું હતું.

“દાદા હું કંઈક લાવ્યો છું..તમે જોશો નહીં..?”પોતાની તરફ તકાયેલી ઘરડી આંખો સાથે આંખો મેળવી રાહુલે પુછ્યું. રાહુલની વાત સાંભળી મોહનલાલે કંઈપણ બોલવાની જગ્યાએ હકારમાં ડોકું હલાવ્યું. દાદાની સહમતી સાથે રાહુલે ખુશ થઈને જાણે કોઈ મોટી જાહેરાત કરતો હોય એમ બોલ્યો. “દાદુ.. આ રહ્યાં દાદી એ તમને જે આપ્યાં હતાં એ ચશ્માં.”રાહુલે બેગમાંથી ચશ્માં કાઢી મોહનલાલનાં હાથમાં મુકતાં કહ્યું.

image source

મોહનલાલે રાહુલે આપેલાં ચશ્માં ને હાથમાં પકડી આંખો ઝીણી કરી ધ્યાનથી જોયાં. આ એજ ચશ્માં હતાં જે રાહુલની દાદી એ એમને આપ્યાં હતાં.બસ ફરક એટલો હતો કે એનાં બંને કાચ નવાં થઈ ગયાં હતાં અને જુની જ ફ્રેમ ને પણ ગોલ્ડન કલર નો ટચ આપી નવીન બનાવાઈ હતી.રાહુલે એક ચશ્માં ની દુકાને જઈને આ ચશ્માંનું રીનોવેશન કરાવી એકદમ નવાં બનાવી દીધાં હતાં.

“દાદા એકવાર પહેરી તો જોવો..એકદમ અનિલ કપુર લાગશો..”રાહુલ બોલ્યો. રાહુલની વાત સાંભળી મોહનલાલે ચશ્માં પહેર્યાં..આ ચશ્માં પહેરતાં જ જાણે શારદાબેન પુનઃ સજીવન થઈ એમની સામે ઉભાં હોય એવું મોહનલાલ ને લાગ્યું.અનાયાસે જ મોહનલાલ ની આંખો હર્ષનાં આંસુ સાથે ઉભરાઈ આવી.

image source

“દાદુ ઝક્કાસ..”આંગળી અને અંગુઠો ભેગાં કરી ઈશારો કરતાં રાહુલ અનિલ કપુરની સ્ટાઈલમાં બોલ્યો. રાહુલ ની આ ગિફ્ટ મોહનલાલ માટે એમની જીંદગી ની મહામૂલી ગિફ્ટ હતી..એમને રાહુલનાં કપાળને ચૂમી એને ગળે લગાવી દીધો.દાદા નો ખુશનુમા ચહેરો અને એમનો હેત જોઈ રાહુલ ની આંખોમાં પણ હતાં ખુશીનાં આંસુ.!!

★★★★★★★★★

ક્યારેક કોઈ વસ્તુનું મૂલ્ય એની બઝાર કિંમત કે એની હાલત સાથે આંકવાના બદલે એની જોડે જોડાયેલી યાદો વડે કરીએ ત્યારે જ સાચું ખબર પડે છે.તમારાં માટે કોઈ સામાન્ય લાગતી વસ્તુ પણ કોઈ માટે એની દુનિયા હોઈ શકે છે.હાલમાં તમારાં પ્રિયપાત્ર સાથે ચાલતી ચેટિંગનો સ્ક્રીનશોટ પણ કેટલો મહત્વનો હોય છે એની ખબર આજનાં યુવાવર્ગને સારી રીતે હશેજ.

image source

જ્યારે એ વ્યક્તિ તમારી જોડે નથી હોતું ત્યારે આવી જ કોઈ એની સાથે જોડાયેલી વસ્તુ સદાય એની હયાતીનો અહેસાસ કરાવતી રહે છે.તો બસ આ સ્ટોરી લખવાનો ઉદ્દેશ એટલો જ કે ઘરડાં લોકોની ભાવનાઓની કદર કરો અને રાહુલની જેમ તમારાં વડીલોને પણ માન આપતાં શીખવું.

લેખક : જતીન.આર.પટેલ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ