પત્નીની વ્યથા – એક પતિ જેના ખભે જવાબદારી છે આખા પરિવારની પણ પોતાની જવાબદારી નિભાવવા આવું કરવું કેટલું યોગ્ય…

“”પત્નીની વ્યથા””

“એક સન્નાટો રહ્યો છે, આપણી વચ્ચે, એ જ બસ નાતો બચ્યો છે, આપણી વચ્ચે..

ઝોકે ચડી ગયેલી અવનીએ આંખ ખોલીને જોયું તો રાતના પોણા બાર વાગ્યા હતા, તેને રોહિતની દયા આવી, રાતના બાર થવા આવ્યા હતા, પણ રોહિત હજી આવ્યો ન હતો. બે-બે શિફટમાં કામ કરીને સોળ કલાકે ઘરે આવતો રોહિત બિલકુલ થાકી જતો. રાતે આવીને જમીને સીઘો સુઇ જતો. સવારે પાછો ફેકટરીએ ચાલ્યો જતો. અવની વિચારતી હતી, આવું થોડું ચાલે..? રોહિત ઘરની જવાબદારી પૂરી કરવા કેટલી મહેનત કરે છે ? આખો દિવસ બસ કામ જ… ઘરમાં સાસુ – સસરા, નાનો દિયર, નણંદ અને પોતે બે, બઘાની જવાબદારી રોહિત પર હતી.

બાર વાગ્યા પછી રોહિત આવ્યો. ઘરમાં આવ્યો ત્યાં જ અવની બોલી, “તમારા ભલા માટે કહું છું, સવારના જાવ છો તો રાતે બાર વાગ્યા સુઘી કામ કરો છો… આમને આમ તમારી તબિયત બગડશે.” “મને કંઇ નથી થવાનું.. નસીબમાં મહેનત લખી છે તેટલો તો કરવી જ પડશે ને” રોહિતે કપડાં બદલતા કહ્યું. ” હા.. પણ બીજી શિફટ પૂરી ન કરો અને અડઘી શિફટ કરો.. તો થોડા વહેલા ઘરે અવાય.. બીજું કંઇ નહી તો ગરમ રસોઇ તો ખાઇ શકાય ” અવનીએ સાંજની બનાવેલી રસોઇ ફરીથી ગરમ કરવા ગેસ પર મુકતા કહ્યુ…

” તો એમ બોલને.. આટલી રાતે રસોઇ ગરમ કરતા તને કંટાળો આવે છે..” રોહિતે ગુસ્સો કરતા કહ્યુ. “અરે .. રોહિત.. તારા માટે કંટાળો થોડો આવે ? પણ આ તો તારા માટે…” અવનીએ અવાજમાં પ્રેમ ભેળવીને કહ્યું. “બસ..બસ.. હવે સલાહ આપવાનું બંઘ કર.. જલ્દી જમવાનું આપ” રોહિતે અવનીના પ્રેમ પર ઠંડુ પાણી ઢોળી દીધું. અવની ચૂપચાપ રસોઇ ગરમ કરવા લાગી. રોહિત જમીને સુઇ ગયો.. અવની આંસુ છુપાવતી સુઇ ગઇ.

બન્ને વચ્ચે આમ જ ચાલતું.. અવનીની વાત ખોટી ન હતી. રોહિતના માતા-પિતા પણ રોહિતને કહેતા કે, આટલું કામ ન કર… પણ રોહિતના મગજ પર જાણે પૈસા કમાવવાની ધૂન સવાર હતી. ચોવીસ કલાકમાંથી સોળ કલાક કામ કરતો.. આવક પણ સારી હતી.. પણ પછી તેને જાત માટે, અવની માટે ટાઇમ જ ન રહેતો. રવિવારે પણ તે વહાલો ઉઠીને ફેકટરીએ જવા નીકળ્યો. ત્યાં અવનીએ કહ્યું, “રવિવારે તો રજા રાખો.. કયારેક તો મને થોડો સમય આપો.. રોજ નહી તો મહિને એકવાર તો કયાંક બહાર જઇએ”

“અત્યારે તેનો સમય નથી, રોમાન્સ માટે આખી જિંદગી પડી છે.. અત્યારે કામ કરવા દે..” રોહિતે અવની સામે જોયા વગર સ્કૂટરમાં કીક મારી. અવની ચૂપચાપ ઘરમાં આવી ગઇ તેના આંસુ જોવાનો પણ રોહિત પાસે સમય ન હતો. તેના દિલ-દિમાગમાં વિચારોનું યુધ્ધ ચાલતું હતું. દિમાગ કહેતું હતુ કે, ‘આવો ડાહ્યો, એક પણ ખોટી આદત વગરનો, ઘરના સભ્યઓ માટે જ જીવતો પતિ મળવાથી તારે ખુશ થવું જોઇએ.. મહેનત કરે છે તો સામે આવક પણ સારી થાય છે ને..’ જયારે દિલ કહેતું હતું કે, ‘મારે નથી જોઇતા આટલા રૂપિયા.. મારે તો પતિનો સાથ જોઇએ છે, પ્રેમ જોઇએ છે ‘

પણ રોહિત પાસે સમય કયાં હતો ?? બન્ને વચ્ચે અવારનવાર નાની મોટી તકરાર થતી. એક દિવસ ઝઘડાએ મોટું સ્વરૂપ લીઘું. સવારથી થોડો તાવ શરીરમાં લઈને ગયેલો રોહિત રાતે ઘરે આવ્યો ત્યારે તાવથી ધ્રૃજતો હતો.

તેની હાલત જોઇને અવનીથી રહેવાયુ નહી અને તેના પર ગુસ્સો કરવા લાગી. એક તો આખા દિવસનો થાક , સાથે તાવ.. અને અવનીનો ગુસ્સો.. રોહિતે મગજ શાંત રાખવાનો પ્રયત્ન કર્યો, પણ તેનો હાથ ઉપડી ગયો, અને અવનીના ગાલે તેના આંગળા ઉઠી આવ્યા…. બસ બીજા જ દિવસે અવની પિયર ચાલી ગઇ. બે વર્ષ વીતી ગયા. સમાઘાન માટેના બઘા પ્રયાસ નિષ્ફળ ગયા. છૂટાછેડા માટે કોર્ટના ચકકર ચાલુ થઇ ગયા. અવનીના પિતાએ ભરણપોષણનો કેસ દાખલ કરી દીઘો. અને.. અઢી વર્ષે નિર્ણય આવ્યો… છૂટાછેડા મંજૂર થઇ ગયા. સાથે હુકમ થયો કે અવનીને દર મહિને ભરણપોષણ માટે દસ હજાર રૂપિયા આપવાના…

અઢી વર્ષમાં રોહિતની હાલત જોઇને અવનીના દિલમાંથી ચીખ નીકળતી હતી. કોર્ટનો ચૂકાદો સાંભળીને એક મિનિટ માટે તેને આનંદ થયો.. પણ રોહિત સામે જોતા તેના દિલમાં તોફાન ઉઠયું… અને કોર્ટની બહાર નીકળતા જ ધ્રૃસકે ધ્રૃસકે રડી પડી. તેના માતા-પિતાને નવાઇ લાગી.. ” અવની.. તારી જીત થઇ છે.. તો પછી તું શું કામ રડે છે ..?”

“ના.. પપ્પા.. મારે ભરણપોષણની રકમ નથી જોઇતી” અવનીએ રડતા રડતા કહ્યું. “પણ.. શું કામ ? તે તારો હકક છે.. કોર્ટે જ મંજૂર કર્યા છે.” “ના.. પપ્પા.. મને રોહિતની જવાબદારી ખબર છે.. ઘરની જવાબદારી નિભાવવા તે બે- બે શિફટમાં કામ કરે છે… તેમાં વકીલનો ખર્ચ.. તેણે બઘુ કેવી રીતે કર્યુ હશે..? અને તેમાં આ દર મહિને દસહજાર.. તે કયાંથી લાવશે ?? હવે ત્રીજી શિફટ કયાંથી કરશે ?? મારે રૂપિયા નથી જોઇતા…” અવની ધ્રૃસકે ધ્રૃસકે રડી પડી

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ