પત્નીના પગમાં હશે આ રેખા, તો હશો સૌથી ભાગ્યશાળી …..

કહેવાય છે કે પતિ – પત્નીની જોડી એમના ભાગ્યમાં એમના જન્મની કુંડળી સાથે જોડાયેલી જ હોય છે. જેમાં જનમજનમના ભાગ્યના લેખાંજોખાં લખાઈને આવ્યાં હોય એવી મન્યતા છે. પતિપત્નીનું એકબીજાની સાથે ભાગ્ય એ રીતે જોડાયેલ હોય છે કે એને આપણે અર્ધાંગિની પણ કહીએ છીએ અને અંગ્રેજીમાં પતિ અથવા પત્નીને એકબીજાના બેટરહાફ પણ કહે છે.
લગ્નગાંઠે બંધાયેલાં દંપતીની ભાગ્યરેખા પણ એકબીજાને અસર કરતી હોય છે એવું માનવામાં આવે છે. આ ભાગ્ય એટલે કે નસીબની રેખાઓ ક્યારેક શુભ તો ક્યારેક અશુભ સંકેતો પણ દર્શાવી શકે છે. ધાર્મિક ચિન્હોમાં પાદ ચિન્હોનું પણ એટલું મહત્વ છે. શંખ, ચક્ર, છત્રી, ગદા કે પછી ત્રિશૂળ અને સાથિયા જેવા શુભ ચિન્હો હોય છે. કોઈને હથેળીમાં કે પગની પાની પાસે તલ હોય છે જેને પણ શુભ ચિન્હ મનાય છે. કોઈને લાખું પણ હોય છે જેને પણ ભાગ્યના સારા સણસાર કહી શકાય છે.
આવા જ ચિન્હો જે સ્ત્રીના પગના તળિયે દેખા દેતાં હોય એ સ્ત્રીના પતિનું ભાગ્ય કેવું હોઈ શકે એનું અનુમાન કરવું રસપ્રદ રહેશે. તો આવો, જોઈએ એવા ચિન્હો જે સ્ત્રીના પગની રેખાઓમાં શું કહે છે જેથી ખ્યાલ આવે એમના પતિદેવનું નસીબ કેવું રહેશે.

કોઈપણ વ્યક્તિના ચહેરાના હાવભાવ અને એના મસ્તિષ્કની રેખાઓને આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. એના વર્તન પરથી એ વ્યક્તિ કેવી હશે એ પણ અનુમાન કરી શકીએ છીએ. પરંતુ એ જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે કે કોઈ વ્યક્તિની ખાસ કરીને કોઈ સ્ત્રીના પગના પંજાના તળિયે કેવી રેખાઓ છે, કેવાં ચિન્હો કંડારયેલાં છે અને એ બધાંમાં કેવી કેવી નિશાનીઓ શું શું સંકેતો આપે છે.
સામુદ્રિક શાસ્ત્રમાં એવા કેટલાક ચિન્હો અને સંકેતો વિશે જણાવાયું છે, જે સ્ત્રીની પગની પાનીએ અથવા પંજાને તળિયે તલ હોય એ સ્ત્રીના પતિનું નસીબ ખૂબ જ ભાગ્યશાળી કહેવાય છે. જે સ્ત્રીના પગના તળિયે ધ્વજ, ચક્ર કે સ્વસ્તિકનું નિશાન દેખાતું જણાય એ સ્ત્રી સાથે લગ્ન સંબંધે જોડાયેલ પુરુષને રાજયોગ થશે એવી માન્યતા છે. આથી વિપરીત કોઈ સ્ત્રીના પગના તળિયે કમળ કે છત્રનું નિશાન હોય તો રાજનીતિ કે સત્તાધિકારી જેવા ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે.
સ્ત્રીના પગના પંજાના તળિયે અંગૂઠા પાસેથી પોચી ગાદી પાસેથી પસાર થતી રેખા છેક પગની કોઈ આંગળીને જઈને મળતી હોય તો એ પતિના કાર્યો માટે શુભ હોય છે. આજ રીતે આંગળીઓ અને અંગૂઠાઓની પણ કેટલીક શુભ – અશુભ માન્યતાઓ છે. કેટલીક સ્ત્રીઓની અનામિકા અને કનિષ્ટિકા આંગળીઓ ચાલતી વખતે જમીને સ્પર્શ ન કરતી હોય તો એ અશુભ મનાય છે, અને કહેવાય છે કે એ સ્ત્રી નાની ઉમરે વિધવા થઈ શકે છે. આંગળીઓની માન્યતાઓ સાથે વધુ એક બાબત તમને ચોંકાવી દેશે કે જેમાં મનાય છે કે અનામિકાની લંબાઈ જો તર્જની અને અંગૂઠાથી વધુ હોય તો એ તેના પુરુષ માટે ચિંતાજનક છે. અને ભય સંકેત કરે છે. એથી વધુ જો કોઈ સ્ત્રીના પગની આંગળીઓમાં અનામિકા અને મધ્યમા એકબીજાથી બરાબર લંબાઈની હોય તો એ તેના પતિની આર્થિક સ્થિતિને નુકસાનકારક ચિન્હ તરીકે મનાય છે. એથી ઉલટું જો તર્જનીની લંબાઈ અંગૂઠાથી વધારે હોય તો માનવામાં આવે છે કે જે તે સ્ત્રીનું એના પતિ અને પરિવાર પર વર્ચસ્વ વધારે રહે છે.

જે સ્ત્રીઓની પગની એડી ગોળ, કોમળ અને સ્વચ્છ હોય એ સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી હોય છે એવું મનાય છે. સ્ત્રીઓની બુદ્ધિ એની પાનીએ, એવું જૂના જમાનામાં કહેવાતું એ કદાચ આ માન્યતાને આધારે પણ હોઈ શકે. કદાચ સ્ત્રી પોતાના પગની સારી પેઠે માવજત કરે અને સ્વાસ્થ્ય જાળવી શકે એવો સારો હેતુ હોય એવું આપણે આજના જમાનામાં આ પ્રકારની જૂની મન્યતાઓ વિશે વિચારીએ તો એવું ધારી લઈએ એજ યોગ્ય રહેશે.

લેખ સંકલનઃ કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’