ફેસબુક ફ્રેન્ડ : પતિથી છુપાઈને તે મળવા પહોંચી હતી ફેસબુક ફ્રેન્ડને પણ અચાનક…

“તું મને કયાંય ન શોધ આસપાસમાં..

હું તને મળી શકુ તારા જ શ્ર્વાસમાં”

અર્ચનાએ કામ પતાવીને મોબાઇલ લઇને ફેસબુક ખોલીને પોતે લખેલી બે પંકિત પોસ્ટ કરી..

“મેં તો ઝુલવા માંગી હતી એક ડાળ,

મને ઉડવા આખું આકાશ મળ્યું,

મેં તો ચોકમાં પૂર્યો છે સાથિયો,

અવનવા રંગ પૂરવા આવીશને..”

બે મિનિટ થઇ ત્યાં મેસેજ આવ્યો. તેણે જોયું તો તેના ફેસબુક ફ્રેન્ડ આતિથ્યનો મેસેજ હતો. હમણાં થોડા સમયથી દોસ્તી થઇ હતી. આતિથ્ય નામ એકદમ નવું હતું. અર્ચનાને થયું કે ફેસબુકમાં કયાં કોઇ સાચુ નામ રાખે છે ? તેણે પણ પોતાનું નામ ‘આનલ’ રાખ્યું હતું. ફોટાને બદલે સારૂ ચિત્ર રાખ્યુ હતું આતિથ્યે લખ્યું હતું કે, ‘વાહ .. સરસ છે… આવું સારૂ લખો છો તો પછી કોઇ મેગેઝીનમાં કેમ નથી લખતા ?’

અર્ચના મલકાઇ ગઇ, તેને વખાણ સારા લાગ્યા. આમ પણ ચાલીશ વર્ષની ઉંમર પછી વખાણ સાંભળવા ગમે જ… તેને જાણે સતર-અઢાર વર્ષની ઉંમરે થતી હોય તેવી લાગણી થઇ. હજી વધુ વાત કરે એ પહેલા પતિ નયનનો ફોન આવ્યો એટલે તે ફેસબુકમાથી બહાર આવી ગઇ.

અર્ચનાને આ રોજનું થઇ ગયું હતું. નયન ઓફિસે જાય પછી કામ પતાવીને ફેસબુક ઓન કરીને આતિથ્ય સાથે ચેટ કરે. એકવાર અર્ચનાએ લખ્યું કે આજે મન બહુ ઉદાસ છે. તચ આતિથ્યએ તેને હસાવવા કેટલા બધા જોકસ મોકલી દીધા. તેને સંગીત-ગઝલનો શોખ હતો. લગ્નની શરૂઆતમાં નયન તેના વખાણ કરતો, તેની સાથે પ્રોગ્રામ જોવા જતો, પણ ઘીમેઘીમે બધું ઓછું થતું ગયું. હવે તો સાથે બહાર જવાનું પણ જાણે બંધ થઇ ગયું. આખો દિવસ નયન ઓફિસે હોય અને અર્ચના ઘરમાં… તેમાથી ફેસબુકનો શોખ વળગ્યો. તેમાં આતિથ્ય સાથે દોસ્તી થયા પછી લખવાનો શોખ ઊભો થયો.

આતિથ્ય સાથે દોસ્તી થયા પછી જીવનમાં કંઇક ખૂટતું હતું તે મળી ગયું તેવું અર્ચનાને લાગ્યું આમ તો તેને કોઇ ફરિયાદ ન હતી નયન તેને ઘણો પ્રેમ કરતો હતો, પણ અર્ચનાના શોખ માટે તેની પાસે સમય નહતો. કયારેક કંઇક લખેલું વંચાવે તો પણ તે વાચતો નહી. એટલે આતિથ્યની દોસ્તીથી અર્ચના ખુશ હતી તે જોતી કે નયન પણ હમણાં ખુશ હોય છે.

એક દિવસ સવારમાં આતિથ્યનો મેસેજ આવ્યો કે, બે દિવસ પછી વેલેન્ટાઇન ડે છે.. શું કરવાના છો ?? અર્ચનાને તો યાદ પણ ન હતું. તેણે સામે પૂછયું, “પ્રેમ એટલે શું?” આતિથ્યએ જવાબ આપ્યો, “પ્રેમ એટલે પુષ્પનું ખીલવું, અને પતંગિયાનું પુષ્પ પર બેસવું, પ્રેમ એટલે પતંગિયાની સવારી, વહાલનું સરનામું, પ્રેમ એટલે બસ પ્રેમ..પ્રેમ..પ્રેમ..”

અર્ચના ખુશ થઇ ગઇ. તેણે સામે લખ્યું, “વાહ.. તમે પણ સારુ લખો છો.” આતિથ્યએ જવાબ આપ્યો કે, આ તો તમારી દોસ્તીની અસર છે, તમને જોયા નથી, પણ લાગે છે કે તમે જેટલું સારૂ લખો છો, તેટલા જ સુંદર હશો.” અર્ચનાથી કહેવાય ગયું, “તમે વખાણ બહુ કરો છો.

આતિથ્યએ જવાબ આપ્યો, “તમે છો જ એવા સમજુ કે વખાણ થઇ જાય છે, તમારી સાથે વાત કર્યા પછી મારી જિંદગી ખીલી જાય છે” અર્ચના શરમાઇ ગઇ. મનની ધરતી પર પીંછુ ફરી ગયું હોય તેવું લાગ્યું. પછી સભાન થઇ ગઇ અને ચેટ બંધ કરી મોબાઇલ મૂકી દીધો.

આમ રોજ ચાલતું. થોડા દિવસ પછી આતિથ્યએ પુછયુ કે, તમારી પ્રોફાઇલમાં લખ્યુ છે કે તમે અમદાવાદ રહો છો, હું પણ અમદાવાદમાં જ રહુ છું, તમે સાચું જ લખ્યું છે ??” અર્ચનાએ હા પાડી એટલે ફરી પૂછયું, “કેટલા વખતથી ચેટ કરીએ છીએ, એવું ન બને કે એકવાર મળીએ.?”

અર્ચના આ જ પ્રશ્ર્નથી ગભરાતી હતી. તેને ખબર જ હતી કે આ પ્રશ્ર્ન આવવાનો જ છે. તેણે કહ્યું, “એવી શું જરૂર છે? શબ્દોથી જ મળતા રહીએ તો ન ચાલે? ” આતિથ્યએ પછી કયારેય પૂછયું નહી. અર્ચનાને આતિથ્યની આદત પડી ગઇ હતી. તેની સાથે ચેટ કર્યાવગર તેને ચાલતું નહી.

આતિથ્યએ મળવાનું પૂછયું નહી, પણ શહેરમાં કયારેય કોઇ ગીત-સંગીતનો પ્રોગ્રામ હોય તો અર્ચનાને પૂછી લેતો કે, “તમે જવાના છો? તમે જવાના હો તો હું આવું” એમ આડકતરી રીતે મળવાનું પૂછતો. અર્ચના ટાળતી રહેતી. તેને પણ મળવાનું મન થતું, પણ તે ના પાડતી.

થોડા દિવસ પછી ટાઉનહોલમાં બહુ સારો પ્રોગ્રામ હતો. સારા કવિ, ગઝલકાર આવવાના હતા અર્ચનાને પણ જવું હતું. તેણે નયનને પૂછયુ તો તેણે ના પાડી. એવામાં આતિથ્યનો મેસેજ આવ્યો કે આ વખતે ના ન પાડતા, બહુ સારો પ્રોગ્રામ છે.

અર્ચના શું જવાબ આપવો એ વિચારતી હતી. ત્યાં આતિથ્યએ ફરીથી કહ્યું, “તમે મારા પર શંકા ન રાખતા, મારી દોસ્તીથી તમને કયારેય પસ્તાવો પહી થાય, હું સારો માણસ છું, તમે કોઇ અજાણ્યા ડરથી મારી સાથે આવવાનું ટાળતા હો તો હું નહી આવું, પણ તમે જજો..

અર્ચનાને શરમ આવી. આટલા સમયથી ચેટ કરતી હતી. હવે તો આતિથ્ય પર તેને વિશ્ર્વાસ હતો તેણે કહ્યું, “ના ના એવી કોઇ વાત નથી, પણ પ્રોગ્રામ સાંજે છ થી નવ છે, અને મારા પતિ સાંજે સાત વાગ્યે ઘરે આવી જાય છે એટલે વિચારતી હતી, પણ આ વખતે તો જવું જ છે.

ઓ..હો.. તમે આવશો તો બહુ જ ગમશે.. ઘણા સમયથી તમને જોવાની ઇચ્છા હતી, હવે પૂરી થશે, આમ તો મારા મનમાં તમારૂં કલ્પના ચિત્ર છે જ… પણ હવે રૂબરૂ જોઇ શકીશ. આશા છે કે તમે સુંદર અને સાલસ હશો.” આતિથ્યએ કહ્યું.

પછી તો બે-ત્રણ દિવસ સુધી કેવી રીતે જવું, કયાં મળવું તેની ચર્ચા ચાલી. અર્ચના રસ્તામાં મળવા માંગતી ન હતી. પ્રોગ્રામમાં પણ એક સાથે જવા તૈયાર ન હતી. પછી નકકી થયું કે આતિથ્ય બે ટિકિટ લઇ લે, એક ટિકિટમાં આનલ લખીને ડોરકિપરને આપી દે, અર્ચના ટાઉનહોલ પર પહોંચીને ટિકિટ લઇને અંદર જતી રહે.

પ્રોગ્રામના દિવસે સવારથી અર્ચના વિચારતી હતી કે નયનને શું કહેવું? તે હમેંશા નયનના ઘરે આવવાના સમયે ઘરે જ રહેતી. ત્યાં તો ઓફિસે જતી વખતે નયને જ કહ્યું કે આજે મિટિંગ હોવાથી તે રાત્રે દસ વાગ્યા પછી આવશે. અર્ચનાએ જોયું તો નયન આજે બહુ ખુશ હતો તે વધારે સારા કપડા પહેરીને ઓફિસે ગયો. તેણે નયનને પોતે પ્રોગ્રામમાં જવાની છે તે કહ્યું જ નહી.

સાંજ પડતા તે તૈયાર થઇ સુંદર સાડીઅને હળવો મેકઅપ કરીને તૈયાર થઇને બહાર નીકળી ત્યારે કોઇ પ્રેમીને મળવા જતી પ્રેમિકાને થાય તેવી લાગણી મનમાં થતી હતી .

ટાઉનહોલ પહોંચી ત્યારે સાંજે સાડા છ થઇ ગયા હતા. પ્રોગ્રામ ચાલુ થઇ ગયો હતો રસ્તામાં આતિથ્યના બે-ત્રણ મેસેજ આવી ગયા. ડોરકિપરને પોતાનું નામ આનલ કહીને ટિકિટ લીઘી. અંધારમાં સીટ શોઘતી ત્યાં જઇને બેઠી. ત્યાં આતિથ્યએ ‘આનલ’ કહીને તેના હાથ પર હાથ મુકયો. અર્ચનાને અવાજ અને સ્પર્શ જાણીતો લાગ્યો બીજી મિનિટે એક ગીત પૂરૂં થતા ટાઉનહોલમાં લાઇટ થઇ. એકબીજા સામે જોતા બન્ને ઉછળી પડયા. અર્ચના.. તું.??… તું .આનલ ..?

નયન.. તમ?…. તમે આતિથ્ય..? બન્ને બોલો ઉઠયા. એક મિનિટ બન્નેને ક્ષોભ થયો, પણ પછી ખડખડાટ હસી પડયા. અર્ચના બોલી ઉઠી.. “જે થયું તે સારુ થયું, આપણે બન્ને હજી એકબીજાને ગમીએ છીએ તેની ખાત્રી થઇ ગઈ, ચલો હવે પ્રોગ્રામ જોવો..” પછી તે દિવસે હસતા હસતા પ્રોગ્રામ જોવાની બન્નેને ખૂબ મજા આવી.

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ