પઠાનકી ઝબાન… લાલે દી જાન! – જય વસાવડા લિખિત લેખ !!

‘ગોઇંગ ટુ પેરીસ….’

ફેસબુક ઘણા વખતથી ઘરનું એક્સટેન્શન બની ગયું છે. મનમાં ઊઠતા વિચારતરંગો; નવું જોયેલું, જાણેલું, માણેલું, ખાધેલું બધું એમાં શેર કરવાનો અને એ બહાને ભરપુર પ્રેમમાં માથાબોળ સ્નાન કરાવતા રીડરબિરાદરો સાથેની ક્લોઝ કનેકટીવીટીનો આનંદ મળે.
તો આવું પેરિસ જવાની જાણકારી આપતું સ્ટેટ્સ એમાં શેર કર્યું. પેરીસ આમ તો વર્ષોથી (ઇટાલીની જેમ) મારા વિશલીસ્ટમાં. બચપણમાં ઘરે ભણતા-ભણતા જે વાંચવાનો વળગાડ ચડયો એમાં જુલેવર્ન અને વિક્ટર હ્યુગોની ફ્રેન્ચ કૃતિઓએ મારા મન પર જબરી અસર કરેલી. પછી એલેકઝાંડર ડ્યુમાં, મોપાસા, બાલ્ઝાકને વાંચ્યા. પછીતો ફ્રાન્સની રાજ્ય- ક્રાંતિ, રેનેસાં, લોકશાહી, વોલ્તેર આવું કેટકેટલું વંચાતું ગયું.

એમ મનમાં ને મનમાં પેરીસ (મૂળ ફ્રેન્ચ ઉચ્ચાર: પારિ) તરફનું અદ્રશ્ય ફેસીનેશન વધતુ જ ગયું. એમાં વળી રાજકોટના શિક્ષક દંપતી ગુલાબભાઈ જાની અને ઉષાબેન જાનીના એક પ્રવાસ વર્ણનમાં એવું વાંચ્યું કે પેરિસમાં બે-ત્રણ દિવસની ઉડતી મુલાકાતનો કોઈ મતલબ નથી પણ સાત-આઠ દિવસ તો રોકાવુ જ જોઈએ. ત્યારથી મેં નક્કી કર્યું કે મેળ પડે તો પેરીસ એ જ રીતે ઘમરોળવું.

પણ ફ્રાંસમાં મારું લેકચર કોઈ રાખે નહિ. ફ્રેન્ચ રોમેન્સ, કિસ ને પરફયુમ્સ વિશે બહુ સાભળેલું, પણ કોઈ ફ્રેન્ચ ફૂલ ફટાકડી આપણી તો ફેસબુક-ફ્રેન્ડ પણ નહિ કે તે સીન નદીના કિનારે કમરમાં હાથ નાખીને કે હાથમાં હાથ પકડીને ફરવાનું આમંત્રણ આપે. હીહીહી. એટલે નક્કી કર્યું કે, અમેરિકા જતા પહેલાં સ્પેશિયલ બ્રેક જર્ની કરીને પણ પેરિસ પુરા ૯ દિવસ રોકાવું, રખડવું. કોઈ ઓળખાણ-પીછાણ નહી, પણ એ તો પડશે એવા દેવાશે!
એમાં એફ્બી પર ઘણી વખત સેન્સિબલ કોમેન્ટ કરતા નોલેજેબલ વાચક એવા મોઇનખાન પઠાણના મેસેજીઝ આવ્યા. પેરિસ આવો છો તો મળીએ, મારા લાયક કામકાજ કહેજો,વગેરે…વગેરે.મોઇનખાન ભણેલો-ગણેલો જુવાન એટલું એફ્બી પરથી ખબર.તેની કોમેન્ટ ઇન્ટ્રેસ્ટિંગ હોય. રોજેરોજ તો કોમેન્ટ કરે પણ નહી,પણ સંવાદ કરવાની મજા આવે. પ્રોગ્રેસીવ માઈન્ડસેટનો માનવી એટલે અમારી ફ્રિકવન્સી મેચ થાય.

મારે ખાસ તો પેરિસના હવામાન વિશે માહિતી જોઈતી હતી, જેથી કપડા લેવાની ખબર પડે.એમાં વળી ઇન્ટરનેટ પર હોટેલો બુક કરાવવામાં ફ્રેન્ચ વિસ્તારોના નામો વાંચીને કન્ફયુઝન થતું હતું. ખોટી જગ્યાએ ભરાઈ પડીએ તો યુરોપમાં રૂપિયા હોટેલોમાં ધડાધડ ઓગળી જાય. એટલે આવા બધા સવાલો મોઇનખાનને પૂછ્યા તો જવાબ જડ્યો, “અરે જયભાઈ, એમાં શું – આ બધી ફિકર છોડો. હું બધું કરાવી લઉં છું.’ નેચરલી, શરત મૂકી જ કે ખર્ચ બધો હું આપું. મેનેજમેન્ટ-માર્ગદર્શન પારિસિયન હોવાના નાતે તે કરે. મોઈને કહ્યું, “તમે કેવી રીતે આવો છો એ કહો. બાકી હું આપના સ્વાગત માટે હાજર હોઈશ.”

અને બ્રસેલ્સથી હાઇસ્પીડ ટ્રેનમાં પેરિસ સ્ટેશને ઉતર્યો ત્યાં મોઈનખાન હાજર. તેણે મને ઓળખી કાઢ્યો. શહેરની વચ્ચોવચ્ચ હોટેલ પર લઇ ગયો. મોબાઈલનું સીમ કાર્ડ, ટ્રેનનો પાસ બધુ જ સાથે લઇ આવેલો. હું તો સહજભાવે દુધના માવાના પેંડા, ગોંડલનું મરચું, પુસ્તકો-ડીવીડી એવું લઇ જાઉં, ઈ મેં તેને આપ્યા એમાં રાજી થઈ તેણે ફેસબુક પર ફોટો ય મુક્યો !

જૂના જમાનામાં ગલઢેરા કહેતા કે વતનનો ઉકરડોય વ્હાલો લાગે, કારણ કે એમાં પોતીકાપણાની ફીલિંગ આવે. નેચરલી, સતત તમે બીજી જ ભાષામાં બોલતી પ્રજા અને વાતાવરણ વચ્ચે હો ત્યારે કરોડોની ભીડમાંથી પણ તમારી ભાષા બોલનારો કોઈ ભટકાય, ત્યારે કાળઝાળ ગરમીમાં પણ વરસાદ જેવું લાગે! જયારે મોઈનખાન તો આથી ઘણો વિશેષ હતો. ફરવાની અને રહેવાની સગવડો માટે તો કોઈ રીસર્ચ કરવુ જ ન પડ્યું. લાઈવ ટ્રીપએડ્વાઈઝર એટલે મોઈનખાન.

અને મારું પેરિસ-હન્ટિંગ શરૂ થયું. સુધીર શાહ-સંગીતા જોશીના પુસ્તકના આધારે સ્પોટ્સ નક્કી કરી રાખેલા. મોઈન જોબ પર જાય, પણ ગૂગલની જેમ ફોન પર મને બધાના ટાઈમ, નકશા, ટ્રેન-નંબર સમજાવે. તે ખુદ પેરિસને પગતળે કાઢીને ફરેલો, જેનો ડાયરેક્ટ એડવાન્ટેજ મને મળ્યો. આખો દિવસ ટેક્નોક્રેટ તરીકે આઈ.ટી. નું કામ કરીને સાંજે તે રૂબરૂ આવે. ચાલવાનો શોખીન. પેરીસનો પરિચય, શોઝ દ એલીઝે જેવી રાજમાર્ગોની રખડપટ્ટી તેણે કરાવી. પહેલે જ દિવસે એફિલ ટાવર અને રાતના એનો રોશની નજારો દેખાડ્યો, ને સાથે બહાર ઝાપટેલો ગરમ ચોકલેટી નાસ્તો. પેરીસની મુસાફરીની યાદગાર તસ્વીરો જો મારી પાસે છે તો થેન્ક્સ ટુ મોઈન છે. પોતાનું ઉબેર ટેક્સી એકાઉન્ટ તેણે મને વાપરવા આપી દીધેલું. મૌલા રૂઝ કે લીડો જેવા શોમાં મુકવા માટેય મેઘાણીની લોક્વાર્તાના “વળાવિયા” ની જેમ આવે.

મોઈનને ફ્રેન્ચ આવડે એમાં માતૃભાષાનો તોબરો ચડાવીને ફરતા નગરમાં મારું કામ આસાન થઇ જાય. ફ્રેન્ચમાં જ લેખક તરીકેનું વર્ણન કરીને મને નવા રંગરૂપ સાથે રિલોન્ચ થયેલા ન્યુડ ડાન્સના લીડો શોમાં પ્રિમિયમ સેન્ટર ટેબલ અપાવેલું. જયંત મેઘાણીના લેખમાં વાંચેલું એ “શેકસપિયર એન્ડ કંપની” નામના પુસ્તકતીર્થની મુલાકાત માટેય તે ભેગો આવે. વેજિટેરિયન, પણ ફ્રેન્ચ નાસ્તો કરવા અમે ભીડભરી ગલીઓમાં રખડીએ. નેક્સ્ટ ડે નો પ્લાન કરીએ. મેક્રોન બિસ્કીટ ઝાપટીએ. હું ફ્રુટ-જ્યુસ ને કેકની જગ્યા શોધી તેને શેર કરું ને વિક્ટર હ્યુગોનું ઘર શોધીને તે મને ત્યાં ખેંચી જાય. પરફ્યુમ બનાવવાવાળાની મુલાકાત લઈએ, અને પેરિસમાં કામ કરતા ગુજરાતી દોસ્તોનેય તે ઉત્સાહથી મેળવે. જાતજાતની ભેટોય બધા આપે. લુવ્રના મ્યુઝીયમથી વરસાઈનો કિલ્લો, નવા ઓપેરા હાઉસથી જુનું વિન્ટેજ ઓપેરા હાઉસ, વિખ્યાત ચિત્રકારોના સ્ટુડિયોઝ આવેલા છે એ ગલીઓ અને નવા અત્યાધુનિક પેરીસમાં જોયેલી ટર્કીશ ફિલ્મ ( જેના ફ્રેન્ચ સબટાઈટલ મોઈનખાન મને સમજાવે! ને ફિલ્મ વળી રેડીકલ ઇસ્લામમાં ઘુટન અનુભવતી આધુનિક પેઢીની હોય!) અમે ખુબ રખડ્યા. સદેહે તે ભેગો ન હોય તો મોબાઈલદેહે ભેગો હોય.

મોઈનખાનને ટ્રીટ આપવા હું એક ક્લાસિક ફ્રેન્ચ રેસ્ટોરામાં ડીનર માટે લઇ ગયો તોય તે ચિંતા તેના વધુ પડતા બીલમાં મારા પૈસા ખર્ચાઈ ન જાય એની કરે. ખુબ ફર્યા, થોડુક કોઈ ને કોઈ કારણસર રહી જવાનું હતું એનો અફસોસ મારા કરતા વધુ તેને એટલો કે એ જગ્યાએ ખુદ જઈ આવીને મારા વતી સહી કરતો હોય એમ મને ફોટાઓ મોકલ્યા. મારી પરદેશની ટ્રીપ મોટા ભાગે એવી રહી કે જ્યાં કોઈક પરિચિત સાથે હોય કે કોઈક કાર્યક્રમમાં મળી જાય, પણ આમાં

મોઇનખાન જ ફેમિલી મેમ્બરની જેમ સાથે હતો. ખુલીને અમે આતંકવાદ, જડસુ ઇસ્લામ વગેરેની ચર્ચા કરી. મોઈને કહ્યું પણ ખરું કે “બધું જાતભાતનું (ભારતમાં સનાતન સોશિયલ મીડિયામાં ચાલતી હિંદુ-મુસ્લિમ ચર્ચા અને પોલીટીકલ પટાબાજી) વાંચી-સાંભળીને મનેય ગ્લુંમી ફિલ થાય છે. મારા જેવાનું ધાર્મીક્તામાય સ્થાન ન હોય ને રાજકારણ અને ધાર્મિક લેબલનો કોઈ ભરોસો ન કરે, ત્યારે રીજેક્ટેડ જેવી ફીલીંગથી લાગી આવે. પ્રગતિશીલ આધુનિક માણસ તરીકેની જાણે ઓળખ જ નહિ. ન કરેલા ગુનાઓનો જવાબ જાણે અમારે જ દેવાનો? પણ તમને મળીને પોઝિટીવિટીનો સંચાર થયો, સારું લાગ્યું!”

મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ એન્ડ લવનો મેજિક છે. બૈર કરાતે મંદિર-મસ્જીદ, મેલ કરાતી મધુશાલા જેવું! અહી મધુશાલા એટલે પેશન ફોર આર્ટ, ક્રિએટીવીટી, મોર્ડન વેલ્યુઝ, રીડીંગ, ટ્રાવેલિંગ એન્ડ ફન! બેઉ દંભમુક્ત અને જીવનયુક્ત! મારી લોન્ડ્રી પણ મોઈન લઇ જાય અને મેં શૂઝ લીધા હોય એની સાઈઝ ચેન્જ કરાવવા ફ્રેન્ચમાં ફરિયાદ કરવાય પહોંચી જાય! ફ્રાન્સમાં ઇસ્લામિક આતંકવાદીઓ હુમલો કરે, ત્યારે પેરીસ માટે તેનો જીવ બળે ને સલ્ફી વહાબી રેડીકલ ફેનેટીકસને એ કેવો કોસે એય જોયું છે. પર્સનલી પણ હિંદુ-મુસ્લિમ એકતાનો રીયલ લાઈફ લવર એન્ડ મેસેન્જર !

સાથે ભણેલા નહી, ભેગા રખડેલા નહી, કોઈ જૂની ઓળખાણ નહિ ને માત્ર કલમના સહારે અમે બસ ભેગા થયા તો થયા. શબ્દોના નાતે મૈત્રી વિકસે. બંને એકબીજાને માનથી બોલાવીએ, પણ કોઈ ફોર્માલીટી નહિ. ફ્રાન્સની કન્ટ્રીસાઈડ હું જોઈ શકું માટે વળતા બસમાં બ્રસેલ્સ (ત્યાંથી મારી અમેરિકાની ફ્લાઈટ હતી) જવાનું નક્કી કર્યું. મોઈને જ ટીકીટ કરાવી. રજા લઈને મને મુક્વા માટે આવ્યો તેના મિત્ર જોડે. કોઈ ફિલ્મી સીનની જેમ આંખોમાં ઝળઝળિયાં અને ગળામાં ડૂમાં સાથે દોડતા-દોડતા તેણે મને અલવિદા કહી. પરદેશમાં પોતાનો એક ભાઈ હોય એવું લાગ્યું. મોઇનની ઈચ્છા મુજબની કન્ટ્રીસાઈડ જોઈ ન શક્યો, કારણકે આંખોમાં પાણી ભરાવાથી દ્રશ્યો ધૂંધળા થઇ ગયા હતા.

પછી તો હું જયારે યુરોપ જાઉં એટલે મોઈનખાન પઠાણની હેલ્પલાઈન સામેથી જ ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ. સ્વીટ્ઝરલેન્ડ હોઉં કે ગ્રીસ, એમસ્ટરડેમ હોઉં કે મિલાન મોઈનનો અચૂક કોલ આવે યા મેસેજ આવે. ટીપ્સ તો ખરી જ ટ્રાવેલિંગની, સાથે સબસલામતનો ભાવ પણ ખરો. મારે કશુંક જોવાનું રહી જાય તો એનો સંતાપ તેને મારા જેટલો જ થાય. કશુંક જોવાનું મિશન સકસેસફૂલ થાય તો મારાથી વધુ રાજીપો એને થાય. હું એકલપંડે ઘૂમનારો મસ્તમૌલા. એટલે મારા ઘરના સ્વજનો કે નિકટના મિત્રોને કહું કે પરદેશમાં ધારો કે કોઈ ફૂટપાથ પર મને લુંટારાઓ ભેટ્યા કે હોટેલની રૂમમાં તબિયત બગડી તો તમને ખબર નહી પડે, પણ મોઈનને પડશે, કારણ કે સૂતા પહેલા યુરોપના ટાઇમઝોન મુજબ તે મને “ઓલ ઈઝ વેલ” નો કોલ કે મેસેજ કરી પૂછી લ્યે ! યુરોપમાં હોઉં તો મારા લાસ્ટ વેર અબાઉટસ મોઈન પાસે હોય !

પૈસા હું બુક-સેલિંગ કે લેક્ચર્સમાંથી કમાઉ એ ખેડૂતની જેમ જ જિંદગી માણવામાં રી-ઇન્વેસ્ટ કરવા. દિલ ખોલીને ખર્ચીને ફરું. પણ ખોટા ન ઉડાવું કારણ વગર મોંઘીદાટ હોટેલોમાં કે શોપીંગમાં. પણ ખાણીપીણી કે સ્પેશીયલ એન્ટરટેઈનમેન્ટમાં લહેરથી ખર્ચ કરું. મોઈનને હવે મારી સિસ્ટમ, ટેસ્ટ, હેબીટસ બધું બરાબર સમજાઈ ગયું છે, એટલે મારા વતી મોટા ભાગની યુરોપ પુરતી આઈટીનરી તે જ ગોઠવવા લાગે. ગુગલીંગ કરી સ્ટેશનની નજીક હોય એવી હોટેલો બુક કરે, કોઈ સ્પેશિયલ એટ્રેક્શન હોય તો એની દિવસો પહેલા સ્કિપ ધ લાઈન ટીકીટસ બુક કરે. હું ફ્રી રહું ને આસિસટન્ટની જેમ ઓનલાઈન તે સતત મોજૂદ હોય. મારા ક્રેડીટ કાર્ડની ડીટેલ પણ તેની પાસે ને એ ન ચાલે ત્યાં ટાઇમ બીઈંગ તે પોતાના કાર્ડથી બધું સેટ કરે. શબરીના બોરની જેમ પોતે ઓવરવ્યું ચેક કરી અમુક જગ્યાએ જવા જેવું છે કે નહી, અમુક ખાવા જેવું છે કે નહી એ મને રીસર્ચ કરી શોધી આપે. વળી સતત સંપર્કની ચોંટવાની વૃતીય નહી એટલે ફુલ્લી મોકળાશ. કોઈ જ ડિમાન્ડ નહી. શોખ સરખા એટલે શેરિંગની વેવલેન્ગ્થ મેચ થાય.

કહો કે હું આયર્ન મેન હોઉં તો યુરોપમાં ફરવા પુરતો મોઈનખાન પઠાણ મારો જાર્વિસ, અહર્નીશ સેવા મહે. કોઈ અપેક્ષા વિના. માત્ર ગમતા લેખકના વિચારો માટેની મહોબ્બત ખાતર. કાબુલીવાલા જેવો, પણ ક્લીન શેવન યંગ મોડર્ન પઠાણ. હવે તો તેના ભરોસે હું અમુક ડેસ્ટીનેશન પ્લાન કરું. પોતેય ઘણું ફરે એટલે એની રેડીમેડ ટિપ્સ એન્ડ પ્લાન મને મળે. એમસ્ટારડેમ એ રીતે હું એકલો ફર્યો. એમ જ વર્ષો જૂની ઈટાલીમાં રઝળપાટ કરવાની ઈચ્છા પ્રેમથી પૂરી કરી. મોઈને જ હોટેલો બુક કરાવી રૂબરૂ ગયા વિના. લાસ્ટ સપર, કોલોનીયમ, બોર્જેસ ગેલેરી, જેવા અનેક એટ્રેક્શનમાં ચપળતાથી એડવાન્સ બુકિંગ કરાવ્યું ટાઇમ બચાવવા. હું જ્યાં હોઉં ત્યાંથી કઈ દિશામાં જવું એના નકશાય સપાટાબંધ મોકલે ને સાથે ટ્રેન-બસ પકડવાની વિગતોય ખરી.

વેનિસ આસપાસના ટાપુઓ ફરવામાં હું પાછા ફરવામાં મોડો પડ્યો. ભૂલ મારી, પણ ખ્યાલ આવતાં પેરિસમાં બેઠા-બેઠા જ મોઈન સક્રિય થયો. તેણે પહેલા તો રાત્રે ફ્લોરેન્સ જવાની ટ્રેન ચુકાઈ જતા બસ બુક કરાવી, સંજોગવશાત એનોય મેળ ન પડ્યો. હું મધરાતે વેનીસની ફૂટપાથ પર એકલો. એક પોલીસ-સ્ટેશન શોધી એની નજીક ઉભો રહ્યો. ત્યાં કોઈ રાજકીય કન્વેન્શન અને સમર વેકેશનનો વીક-એન્ડ. એક પણ હોટેલ ખાલી નહિ. મોઈને માથાફોડી કરી કમ્પ્યુટર પર નજીકના એક ગામની જુના ડાક-બંગલા જેવી પણ સસ્તી હોટેલ રાતવાસા માટે શોધી. ફ્લોરેન્સમાં બુકિંગ કેન્સલ ન થાય, એ માટે કોલ કર્યો. નવી ગામઠી હોટેલમાય બુકિંગ કરવા કોલ કર્યો. ઈટાલીયન ગુગલ ટ્રાન્સલેટમાં જોઈ-જોઇને બોલીને બધું સેટ કર્યું. ટેક્સીમાં કેટલું અંતર થાય એય જોયું ! એ મુજબ બધું વ્યવસ્થિત ચાલ્યું. પેરેલલ મોઇનની નવું ઘર શોધવાની અને ફ્રેંચ સિટીઝન થવાની ધમાલ પણ ચાલતી હતી.

પણ ફ્લોરેન્સની યાત્રા જરાક ભારે પનોતીવાળી નીકળી. મોઈનની જ ચેતવણી છતાં ઓવરકોન્ફીડન્સમાં મે મારા બધાં જ કાર્ડ્સ ને કેશ મારા વોલેટમાં રાખેલા. પીસાનો વિશ્વ-વિખ્યાત ઢળતો મિનારો જોવા ગયો. રીટર્નમાં પહેલીવાર જેમના ત્રાસ વિશે મને મોઈને જ પેરિસમાં જણાવેલું એ રોમાની જિપ્સી ગેંગનો બસમાં ભેટો થયો. મારુંય બેધ્યાનપણું કે ફરવા જતા હો ત્યારે મોબાઈલને કેમેરા તરીકે વાપરવો એ સિદ્ધાંત ભૂલીને હું એ જ વખતે ભારતમાં મોરારીબાપુના હાથે ઓસમાણ મીરનું આલ્બમ લોન્ચ થવાનું હતુ એની પોસ્ટ સમયસર ફેસબુક પર મુકવાના મોહમાં મોબાઈલમાં તલ્લીન થયો અને મારું એમાં ધ્યાન હતું ત્યારે મારા ખિસ્સામાંથી મારું પાકીટ અંતર્ધ્યાન થયું. સલામત દેશોમાં ફરવાને લીધે જૂની આદત મુજબ કશું સ્પ્લિટ કરીને રાખેલું નહી ! હું એ છોકરીઓ પાછળ દોડ્યોય ખરો, પણ અજાણ્યા દેશોમાં એકલો માણસ કેટલે પહોંચે? મોઈન તો ત્યારેય ઓનલાઈન મારું સાંજના ફ્લોરેન્સની એકેડેમિયા ગેલેરીના પ્લાન કરવામાં વ્યસ્ત.

ઓલ ઈઝ વેલનો ઉપરવાળાનો સંદેશો આપતો હોય એમ એક પાકિસ્તાની જુવાનિયો અચાનક જ ફક્કડ ગિરધારી થયેલા આ જયબાવાને મદદગાર તરીકે જડ્યો ! એય એક જુદી જ પોઝિટીવ સ્ટોરી. ના, સ્ટોરી નહિ પણ હકીકત છે. પણ વો કિસ્સા ફિર કભી. એ વખતે જ મેસેજિસનો રીપ્લાય ન થતાં ટેલીપથી થઇ હોય એમ મોઈનનો ફોન આવ્યો! ખબર પડી કે પાછા જવાનો એક સિક્કોય ન વધ્યો હોય એમ બંદા કડકાબાલુસ થઈ ગયેલા અને ત્યાં કોઈ આપણને લેખક જય વસાવડા તરીકે ઓળખેય નહી કે આપણને મદદ કરે. ને અચાનક આવા કારણોસર માંગવાવાળનો ભરોસો આપણેય યોગ્ય કારણોસર નથી જ કરતાને !

એની વે, પરિસ્થિતિ સમજીને મોઈને તરત ત્યાં જોડે ઉભેલા પાકિસ્તાની મુન્સિફને કહ્યું કે તેના ખાતામાં રિસીવ કરે એમ એ પૈસા ટ્રાન્સફર કરે તે પૈસા એ મને આપી દે. પણ રવિવારની રજાને લીધે એ શક્ય નહોતું. અંતે મેળ પડ્યો પોલીસ-ફરિયાદ પછી ને મોઈનના ફોન પછી કદાચ મુન્સિફને મારા પર ભરોસો વધ્યો હોય એમ ફ્લોરેન્સ હોટેલ ભેગો થયો ત્યારેય મોઈનનો કોલ હાજર. ઈમોશનલ સપોર્ટ માટે એણે રોજ કરતા વધુ લાંબી વાત કરી. મે પણ તેના સિવાય કોઈને કહ્યું નહોતું. તેણે કહ્યું કે, “સવારે ઊઠસો ત્યારે જ હજાર યુરો તમને મળી જશે. હું પેરીસથી મોકલાવું છું ભારતથી આમ પણ ટ્રાન્સફર નહિ થાય. અને તમે બેન્કના કાર્ડ્સ તો આમેય ગુમાવી ચુક્યા છો. અને હા, બે હજાર યુરો મોકલવું? કોઈ વાતે મુંજાતા નહી. જરૂર પડ્યે હું પેરીસથી રોમ રૂબરૂ આવી જઈશ કલાકમાં!”
એક હજાર યુરો તાબડતોબ મોઈને ટ્રાન્સફર ક્યાં. રોકડા પૈસા પેરીસથી મળ્યા ( એ પૈસા આ લખું છું ત્યાં સુધી ચૂકવવાના બાકી છે, પરત!) ને પછીની વધુ ખર્ચવાળી બે ટ્રીપ પણ માંરા વતી તેણે બુક કરાવી. મારા થોમસ કૂકના ટ્રાવેલર્સ કાર્ડને બ્લોક તો કર્યું, પણ એની જમા રકમ મને મળે એમ હતી. એ માટે લંડન કોલ પણ નંબર શોધી તેણે કર્યો ને રોમમાં મને એ વધારાની રકમ પણ રોકડી મળી! ખરા અર્થમાં મોઈનખાન પઠાણ નામનો વાચક તેના ગમતા લેખકને એકઝાટકે પરદેશમાં લાખ-સવા લાખ કાઢી આપે એવો ટ્રબલ શૂટર, સંકટ સમયની સાંકળ બન્યો! એક લેખકને આથી વિશેષ તો શું જોઈએ?

રોમમાં છેલ્લા દિવસે પણ વધેલા કલાકમાં હોટેલની નજીકનું એક ભારે મહાત્મય ધરાવતું પ્રાચીન ચર્ચ (બેસિલિકા) જોવાનું સૂચન ઓફીસમાં બેઠા-બેઠા તેને કર્યું ને આપણેય પતાવ્યું. એરપોર્ટ પર ફોન ને ઘરે આવ્યા પછી તો બેઉ પોતપોતાની લાઇફમાં બિઝી, પણ યદાકદા એફબી કોમેન્ટ્સ કે મેસેજિસથી મળવાનું ચાલુ જ. મોઈનખાને મારી વાતો પરથી લાસ્ટ સપરનું મિલાનમાં એ રીતે ટ્રીકી બુકિંગ કરાવેલું કે જે માટે ઇટાલી ટુરિઝમે હાથ ઉચા કરી દીધેલા. ને પોતેય મારી ટીપ્સ પરથી અમુક સ્થળો વિશ-લીસ્ટમાં ઉમેરી દીધા. મૂળ વાત તો એ છે કે તે જુવાન જણ ખુદ જ અલગારી રખડપટટીનો શોખીન છે. રંગીનમિજાજ બની જિંદગીને જાણવા ને માણવાનું પેશન અનુભવે છે.

બધે પોતેય ફરેછે. ખાસ્સું વાંચે છે. સાહિત્ય અને સાયન્સ બંને સમજે છે. ફિલ્મોનો ફેન છે. રસિકડો છે. ખાણી-પીણી અને વેસ્ટર્ન કલ્ચરને નફરતથી નહી, પણ શિદ્દત ને મ્હોબ્બતથી જુએ છે. આંખોમાં સપના આંજીને-અમદાવાદથી ગ્લોબલ બન્યો છે. સ્વભાવે જુનવાણી નહિ પણ આધુનિક છે. પેરીસ કે લંડન કે અમેરિકામાં જેહાદના નામે છરા કે બંદુક કે બોમ્બ કે ટ્રક લઈને ત્રાટકતા પછાતપણાથી આનંદી નિર્દોષોનો જીવ લેતા શેતાની યુવકો સામેની જગતે એક નોંધવા જેવી એન્ટી-થીસિસ મોઈનખાન પઠાણ છે! આવા ખુદાઈ નૂરમાં રોશન શમ્માને સમજવી ને એની જ્યોતિને બે હથેળીથી બ્રેઈનવોશિંગ કે પરસ્પર ધાર્મિક ધિક્કારના પવનથી રક્ષવી એય આપણી ફરજ છે. પેલા આતંકી મૂસાને નથી ગમતા એવા શાંતિચાહક ને પ્રગતિશીલ “ઇન્ડીયન મુસ્લિમ” નું પ્રતિક મોઈનખાન પઠાણ છે.

અને મિલન પંડિતથી મહેન્દ્રસિંહ રાણા, હકીમ રંગવાલાથી આરતી મોડલિયા જેવા અનેક રીડરબિરાદરોએ આમ જ એવા એવા સરસ અનુભવો કરાવ્યા છે કે રાઈટરને મળેલા આ બધા અસલી પુરસ્કાર લાગે! કોણ કહે છે કે દુનિયામાં બધા ખરાબ છે ?

આ ગુજરાતી મેગેઝીન www.dealdil.com પર ઉપલબ્ધ છે જેને તમે નીચે આપેલ લિંકની મદદથી ખરીદી શકો છો.
કોકટેલ ઝિંદગી ઓગસ્ટ 2017 ખરીદવવા આ લિંક પર https://goo.gl/XE7Djv ક્લિક કરો.
કોકટેલ ઝિંદગી જુલાય 2017 ખરીદવવા આ લિંક પર https://goo.gl/t2J7Te ક્લિક કરો.
૧ વર્ષના લવાજમ માટે આ લિંક પર https://goo.gl/6cjyWc ક્લિક કરો.
Whatsapp Support: 08000057004
Call Support: 08000058004
Email: [email protected]

સુચના: આ આર્ટીકલના રાઈટ્સ સંપૂર્ણ પણે કોકટેલ ઝિંદગી મેગેઝીનના અબાધિત છે. જો આની કોપી કે ડુપ્લીકેશન કરતા જણાશે તો તેના પર કાયદેસર ફોઝદારી પગલા લેવાશે.

ટીપ્પણી