“એનાથી વિખુટા પડયા’તા અમે ત્યાંથી,
એથી જ રહી ગઇ એના મળવાની જગા યાદ.”
આપણી આજુબાજુ કેટલી બઘી ઘટના બનતી હોય છે. પણ એક બે મિનિટ પછી તે આપણા મગજમાંથી ભૂલાઇ જાય છે. પણ ઘણીવાર એવી ઘટના બને કે, જે આપણને હમેંશા યાદ રહી જાય છે. ઘણીવાર અમુક ઘટનાના સાક્ષી બનવા બદલ અફસોસ થાય છે, આવી જ એક ઘટના મારી સાથે બની ગઇ.

રવિવારની સાંજે હું મોટાભાગે એક મારી પસંદગીના ગાર્ડનમાં જાઉ છુ. ત્યાં જઇને શાંતિથી કલાક બેસુ. કયારેક ખૂણામાં બેઠેલા પ્રેમીઓને જોઇને વિચાર આવી જાય છે કે, શું આ બધાનો પ્રેમ સાચો હશે ?? , શું તેઓ જીવનભર સાથ નિભાવશે??. પણ તે બઘુ પૂછવાનો મારો હકક ન હોવાથી બોલ્યા વગર ચાલી આવું.
એક રવિવારે સાંજે રાબેતા મુજબ હું ગાર્ડનમાં બેંચ પર બેઠી હતી. બાજુની બેંચ પર એક છોકરો અને એક છોકરી બેઠા હતા. છોકરો સારા ઘરનો હોય તેવું લાગતું હતું. નવી ફેશનનું ટી-શર્ટ, બ્રાન્ડેડ જીન્સ, ચમકતો ચહેરો, અને કાળા ઉડતા વાળ, હાથમાં એપલનો મોબાઇલ..જાણે ફિલ્મનો હિરો હોય… સામે છોકરી થોડી નબળી દેખાતી હતી. સાઘારણ કપડા, સાઘારણ દેખાવ, થોડી ડરી ડરી, બન્નેને જોઇને નવાઇ જ લાગે. મેં નજર ફેરવી લીઘી, પણ તેમના શબ્દો કાને પડતા હતા.

છોકરી બોલી, “મિલન, મને ડર લાગે છે. તો મિલન બોલ્યો, “અરે રાહી.. ડરવાની શું વાત છે ? હું છું ને તારી સાથે…” રાહી બોલી, “પણ મિલન, હું પહેલીવાર જ આવી રીતે ખોટુ બોલીને આવી છું, કોઇ જોઇ જશે તો શું કહીશ? મિલને કહ્યું, “રાહી જીવનમાં ઘણું બઘું પહેલીવાર જ બનતું હોય છે, કોઇ જોઇ જાય તો કહી દેવાનું કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ.”
મારી આંખ તે તરફ ન હતી, પણ મને લાગ્યુ કે, મિલને હિંમત આપવા માટે તેનો હાથ પકડયો જ હશે. થોડીવાર બેસીને બન્ને ચાલ્યા ગયા. બીજા રવિવારે પાછુ એ જ દ્રશ્ય જોયું. ફિલ્મના હિરો જેવો મિલન અને સાધારણ રાહી.. એકબીજામાં લપાયને પ્રેમનું ગુટર..ગુ… કરતા હતા. મેં નજર વાળી લીઘી. પણ કાન તે તરફ જ હતા. જાહેર સ્થળોએ પ્રેમ કરવામાં બીજું શું હોય…? એકબીજાનો હાથ પકડવો, ચંપલ-બૂટ કાઢીને એકબીજાના પગમાં આંટી મારવી, કયારેક અછડતું ચુંબન તો કયારેક છોકરીના ‘પ્રાઇવેટ’ અંગોનો અછડતો સ્પર્શ..

છોકરીના ચહેરા પર મીઠા રોષ સાથે આવતી શરમની લાલી અને છોકરાની આંખમાં શરારત સાથે દેખાતો નશો… અને બન્ને પ્રેમમાં ખોવાયેલા.. મિલન અને રાહી પણ પ્રેમમાં ખોવાઇ ગયા હતા. મિલન તેના માટે ઘણી બઘી ચોકલેટ લાવ્યો હતો. રાહી તે ખાતા બોલતી હતી કે, “આવી ચોકલેટ તો મેં કયારેય જોઇ પણ નથી” મિલને પ્રેમીની અદાથી કહ્યું, “રાહી…. હવે તારી જિંદગી બદલાઇ જશે, આજ સુઘી જે નથી જોયું તે બઘું જ તને મળશે.”
હું દર રવિવારે બન્નેના પ્રેમની સાક્ષી બનતી. રાહી દર વખતે પૂછતી કે તારા ઘરના લગ્ન માટે ના નહી પાડે ને..? મિલન દર વખતે હિંમત આપતો કે, હજી તો આપણે ભણીએ છીએ, પછી ઘરમાં વાત કરીશું. દર રવિવારે મિલન રાહી માટે કંઇકને કંઇક લાવતો. કયારેક પર્સ, તો કયારેક બ્રેસલેટ, ધડિયાળ, સેટ, સ્પ્રેની બોટલ, અને સાથે ચોકલેટ તો હોય જ… રાહી ખુશ લાગતી હતી બન્નેને જોઇને લાગતું હતું કે હજી સાચો પ્રેમ તો હોય જ છે. મિલન સાચે જ રાહીને ચાહે છે. અને જીવનભર તેને સાથ આપશે જ…

…… અને અચાનક એક રવિવારે મિલન ન આવ્યો.રાહી એકલી આવી, બેંચ પર બેસીને તેની રાહ જોતી હતી, પણ તે ન આવ્યો. રાહી વારંવાર ફોન લગાડતી હતી, પણ જવાબ મળતો ન હતો. ત્યારપછીના બે દિવસ પછી હું મારી સહેલી સાથે એક હોટલમાં ગઇ. ત્યાં જોયું તો મિલન તેના ચાર-પાંચ મિત્રો સાથે બેઠો હતો. હું જાણી-જોઇને તેની બાજુના ટેબલ પર બેઠી. મારા કાન ત્યાં જ હતા. મિલન હસી હસીને, શેખી મારતો હોય તેમ વાત કરતો હતો, “જોયું ને… પટાવી લીઘી ને… ચલો હવે હું શરત જીતી ગયો. તમને બઘાને મારા પર વિશ્ર્વાસ ન હતો, પણ પટાવી લીઘી ને…?”
“પણ મિલન, આ બઘું કેવી રીતે શકય બન્યું..?” તેના ગ્રુપમાંથી કોઇએ પૂછયુ. “યાર, રાહી પણ છોકરી જ છે ને… બહેનજી જેવી છે એટલે પટાવતા થોડી વાર લાગી… થોડી ચોકલેટ, થોડી ગીફટ, થોડા મીઠા વાકયો અને ભવિષ્યના સપના બતાવીને પટાવી લીઘી, મારા ઘરે, મારા બેડરૂમમાં આવવા તૈયાર કરતા બહુ વાર લાગી, પણ છેલ્લે માની ગઇ.” “કેટલામાં પડી??” કોઇએ એવી રીતે પૂછયું કે જાણે કોઇ વસ્તુ માટેની વાત હોય..

“બહુ નહી, સાધારણ ઘરની હતી એટલે દસહજારનો જ ખર્ચ થયો.” મિલને એવી રીતે કહ્યું કે, જાણે તેને દસહજારની કોઇ કિંમત જ ન હોય. ” પણ મિલન, તને આ બહેનજીમાં કેમ રસ પડયો..?” વળી પાછો સવાલ અથડાયો. “અરે યાર… રોજ ટેસ્ટી ખાતા હોઇએ તો કયારેક સાદું ભોજન પણ લેવું જોઇએ ને…?” મિલનની વાત પર બઘા ખડખડાટ હસી પડયા. મને ઇચ્છા થઇ ગઇ કે ઊભા થઇને તેને એક થપ્પડ મારી દઉ, પણ.. હજી દર રવિવારે રાહી ગાર્ડનમાં આવે છે, થોડીવાર બેસે છે, અને પછી રડતી રડતી જતી રહે છે.મને દર વખતે થાય છે કે તેને કહી દઉ કે હવે મિલનનો સ્વાર્થ પૂરો થઇ ગયો, એ નહી આવે. પણ મારી જીભ ઉપડતી નથી.
લેખક : દિપા સોની “સોનુ”
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ