પતંગની દોરી જાણે જીવનની દોરી – ઢીલ આપવી કે ખેંચવી એ જો સમજાઈ જશે તો જીવન સુંદર બની જાય છે…

ज़िन्दगी के सफर में, गुजर जाते हैं जो मकाम, वो फिर नहीं आते…..

મહેસાણાના સુવ્યવસ્થિત એવા પીલાજી ગંજ વિસ્તારની કાટખૂણે વળતી ગલીઓની છેવાડે આવેલ સરકારી વસાહતમાં જગદીશનું ફેમિલી રહે. તરવરિયા યુવાન જગદીશનું કામિની સાથે તાજેતરમાં લગ્ન થયેલું. આ જગદીશ પતંગનો ભારે રસિયો! . ઉત્તરાયણને કેટલીયે વાર હોય તેમ છતાંય તેનો જીવ પતંગમાં ચોંટ્યો હોય. જાતજાતના કેટલાય પતંગ ખરીદી લાવે. સુરતી માંજો, બરેલીની દોરી ને પાંડા, માથે પહેરવાની હેટ, ગોગલ્સ ને પિપૂડાં, ના જાણે કેટલુંય લાવીને ઘર ભરી દે. કામિની પણ તેને બરાબર સાથ આપે.રાત્રે બંને જણ પતંગની કિન્ના બાંધે ને કેટલીએ જાતની તૈયારી કરે.

image source

કામિની તેની નોકરી પરથી આવી ગઈ હોય ને જગદીશ ગેરેજમાંથી વહેલો આવી જાય ને પછી બેય જણ ધાબે ચડીને પતંગ ચગાવવાની મજા લૂંટે. આમને આમ બે પાંચ ઉત્તરાયણો વીતી ગઈ. ગઈ કાલની ઉછળતી કૂદતી એક નાદાન કામિની આજે સંપૂર્ણ સ્ત્રી બની ગઈ . સવારે ઊઠી ચા-નાસ્તો કરવો, નહાવું, કપડાં ધોવાં, રસોઈ બનાવી નોકરી જવું – એવાં કેટલાંય કામોથી તેને દિવસ ટૂંકો પડતો. વખત વહી ગયો ને તે એક ઠરેલ ગૃહિણી બની ગઈ. પણ જગદીશના જીવનમાં હજુ સ્થિરતા આવી ના હતી. ઉત્તરાયણ આવવાની થઈ નથી ને, પતંગની તૈયારી કરી દે! હજુ પતંગ માટેના એના ગાંડા શોખમાં કોઈ ઉણપ આવી નહોતી. એ પાછો રંગીલા સ્વભાવનો પણ ખરો. સિઝન આવવા થઈ નથી ને એ ધાબે ચડ્યો નથી. એનો જીવ બસ પેચ લડાવવામાં જ પડ્યો હોય.

image source

આજે ઉત્તરાયણ છે. પૃથ્વી પોતાના મસ્તક રૂપી ઉત્તર ધ્રુવને પોતાના પોષકદેવ સૂર્ય તરફ નમાવી નમન કરવાની શરૂઆત કરી રહી છે. આ હા..! આકાશમાં શું પતંગો ઊડી રહ્યા છે. આખું આકાશ બસ પતંગો જ પતંગો. જાતજાતના પતંગો, રંગબેરંગી, નાના – મોટા પતંગો. ફુદી, પાવલો, તુક્કલ એમ જુદાં નામ ધારણ કરી બધા પોતપોતાની મસ્તીમાં ઊડી રહ્યા છે. કોઈ ઉછાંછળો, કોઈ ધીરગંભીર તો વળી, કોઈ ગુલાંટબાજ ઉતાવળિયો! કેટલાય પોતાની તાકાત પર મુસ્તાક છે તો કેટલાય બીજાની લપેટમાં આવી પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા મથી રહ્યા છે. કેટલાક કરમના કાઠા, તે પોતાના આયખાના છેલ્લા શ્વાસ લેતા લેતા જિજીવિષામાં ડૂબીને ડૂસકાં લઈ રહ્યા છે!

image source

એ વહેલી સવારથી જ ધાબા પર ચડી ગયો હતો. કામિની પણ વહેલી વહેલી પરવારીને ફિરકીનો હવાલો સંભાળી રહી હતી. ફિરકી સંભાળનાર બરોબર સભાન હોય તો જ પતંગ બરાબર ઊડે. એ જાણતી હતી કે પતંગની દોરી ભલે પતંગ ચગાવનારના હાથમાં હોય પણ તેને કેટલી છૂટ આપવી કે કેટલી ઢીલ મૂકવા દેવી- એ બધું ફિરકી પકડનારના હાથમાં હોય છે. અને કામિની ફિરકી સંભાળવામાં બરાબર કાબેલ અને હોશિયાર હતી. એ જાણતી હતી શ્રીકૃષ્ણ યુદ્ધ લડયા ના હતા એમણે માત્ર સારથીનું કામ કર્યું હતું. પતંગ ઉડાડતાં એનેય આવડતું હતું.

image source

પણ એ માત્ર સારથી બની રહેવામાંજ પોતાનું ડાહપણ સમજતી હતી. જગદીશ હવાનું રૂખ જાણ્યા વગર પડોશના ધાબા પરથી ઊડતી આકર્ષક રંગવાળી પતંગને લપેટવા જતો , કારણ તેનો સ્વભાવ જ રંગીલો હતો. એ વખતે કામિની જગદીશને ચેતવી ફિરકી ફરતી બંધ કરી દેતી. એ જાણતી હતી કે ઢીલ છોડનારને પોતાને ભાન હોતું નથી. તે પોતે બ્રેક લગાવશે તો જ ખતરો ટાળી શકાશે. તો ક્યારેક વળી ફિરકીની દોરી ખૂટવા આવે ત્યારે પણ એ ખતરાની ઘંટડી વાગડીને જગદીશને ચેતવી દેતી. કેટલી કુનેહ ! કેટલી ધીરજ ધરવી પડે એ ફીરકી પકડનારને ! કેવી સમયસૂચકતા ! પુરુષ પતંગ ઉડાડે ને સ્ત્રી ફિરકી પકડે એ ભારતીય પરંમપરા કેટલી અદ્ભુત રીતે આગળ વધી !

ફોટોચિત્ર:-શ્રી સંજય વોરા વાંકાનેર

શરૂઆતમાં તેનો પતંગ કપાયો તો ગુસ્સો ઠાલવ્યો કામિની ઉપર, તો ચૂપચાપ એણે સહન કર્યું. ” એય….. કાપ્યો..આહ …આહ…” જગદીશે આનંદની ચિચિયારીઓ પાડી. એણે પોતાના વિજયનો પડઘો પાડ્યો. કામિનીએ પણ આનંદ વ્યક્ત કર્યો. એના વિજયમાં એ ફિરકીવાળીનો પણ બરોબર હિસ્સો છે , એવી જગદીશે નોંધ પણ ના લીધી.

” એય જો સંભાળ…જો પેલો પાવલો….એ..ખતરો છે ! સંભાળ…અને. આ…આ તુક્કલ !” આમ કામિની એને ઘણી વખત ચેતવતી રહી. થોડી વારમાં તો મેદાન સાફ! આજુબાજુવાળાં તો આભાં બનીને એમને જોતાં જ રહી ગયાં.

image source

શેરડી,બોર ને ચિકીની મજા માણી એ ફરીથી તૈયાર થયો. હવા ધીમી પડી ગઈ હતી. કેટલાય ઠુમકા મારી મારી તે પતંગને તે ઊંચે હવામાં લાવ્યો. બાજુના ધાબા પરના સ્પીકર પરથી ફિલ્મી ગીત રેલાઈ રહ્યું હતું. ” યે….ક્યા હુઆ?…..કબ.. હુઆ ?. જબ હુઆ, તબ હુઆ… છોડો યે ના સોચો….” રંગીલો જગદીશ એ ગીતમાં મશગુલ હતો. એમાં એક પૂંછડીવાળા પતંગે ગોથ મારી, જગદીશ ચેતી ગયો. પતંગને સલામત જગ્યાએ લાવવા એને ખાસી મહેનત પડી. કામિની પણ સાવધ હતી.

image source

એણે જોયું કે ધાબા પર દોરીનો ઢગલો થઈ ગયેલો છે. દોરીમાં ગૂંચ પડી ગઈ છે. એને તાત્કાલિક એ ગૂંચ ઉકેલી દીધી. ઉકેલે જ ને,કારણ ફિરકી તેના હાથમાં હતી અને એ સાવધ હતી. જો આ ગૂંચ ના ઉકલી હોત તો આ વખતે આજુબાજુના બધા ધાબા પરથી હુરિયો બોલાવાયો હોત અને જગદીશ મોં વકાસીને બેસી ગયો હોત!

એક વખત તો એવું બન્યું કે ગૂંચ ઉકલે જ નહીં. જગદીશ ગુસ્સે થઈ ગયો. બધું સમયસર ના થાય તો તેની પતંગ કપાવવાની જ હતી. કામિનીએ તાત્કાલિક નિર્ણય લઈ ગૂંચના ભાગથી દોરી કાપી નાખી ને એક નાની ગાંઠ લગાવી દીધી. પછી તો પતંગ ઊડી સડસડાટ.

image source

કેવો સમયસરનો નિર્ણય અને એ નિર્ણય પતંગ ચગાવવાવાળાનો નહીં, પણ ફિરકી પકડનારીનો હતો. ગૂંચ ઉકેલાતી નહોતી, તો શું થઈ ગયું ? એણે ગુંચાઈ ગયેલ ભાગ કાપી નાખ્યો ને ચૂપચાપ એક નાનકડી પણ મજબૂત ગાંઠ લગાવી દીધી. કોઈને ખબર ના પડે એવી રીતે. એ ફિરકી પકડનારીનો કેવો અદ્ભુત તાલમેલ. આમ ને આમ ઉત્તરાયણમાં અદકો આનંદ ઉમેરાતો ગયો.

image source

પણ જગદીશ હવે એના હાથથી જઇ રહ્યો હતો. કામિનીએ ઢીલ પર બ્રેક મારવા ઘણી કોશિશ કરી . કેટલાય પતંગો પર ગુંદર પટ્ટીઓ લાગાવી, જીવનની ફિરકીને એણે મજબૂત પકડી રાખી, દોરીના ઘસાયેલા ભાગને દૂર કરી નવી મજબૂત ગાંઠો લગાવી. છતાં રંગબેરંગી પતંગો પર એ ગુલાંટ પર ગુલાંટ અને લંઘરિયાં નાખવાનું ના ભૂલ્યો. જગદીશની દોરીમાં પડી ગયેલી ગૂંચ ઉકેલવા એણે બહુ પ્રયત્નો કરી જોયા. સ્થિર રીતે ઊડતી બીજાની પતંગ પર લંઘસીયાં નાખવાની વૃત્તિ છોડી દેવા એને ખૂબ સમજાવ્યો પણ પથ્થર પર પાણી.છેવટે એને લાગ્યું કે, આ પાણીએ મગ ચડે એવા નથી . બસ એ જગદીશની ફિરકીનો ઘા કરીને ચાલતી થઈ. એને એટલી નિરાંત હતી કે, હજુ એના પરિવારમાં નવા મહેમાનની પધરામણી થઈ નહોતી!

image source

સમય સરતો ગયો. આજે પાછી ફરી એક ચૌદમી જાન્યુઆરી છે. આજના સપરમા દિવસે , જુઓ પેલો જગદીશ શું કરી રહ્યો છે ? ચહેરા પર દાઢી વધી ગઈ છે. એક હાથમાં પતંગ લૂંટવાનો ઝંડો લઈ દોડમદોડ કરતો, એ ક્યારેક પતંગ લૂંટે છે તો ક્યારેક તૂટેલી દોરીના લચ્છા ! બિચારા આ જગદીશના જીવનનું ફીંડલું વળી ગયેલું છે. કારણ તેણે ફિરકી પકડનારીને નજરઅંદાજ કરી હતી!

લેખક:- સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ