વૃદ્ધાવસ્થા : આખી જિંદગીનો સરવાળો…

Group of older people showing thumbs up

વૃદ્ધાવસ્થા 

આપણું જીવન ફક્ત વીતેલાં પાછલાં વર્ષોથી માપી શકાતું નથી. જિંદગી આખી હોય છે, એને ટુકડાઓમાં વિભાજિત કરીને ન જોવી જોઈએ. જીવનની શરૂઆતમાં બાળપણ ખુશનુમા રહ્યું હોય, તરુણાવસ્થા મજેદાર રહી હોય, જીવનનો મધ્યાહ્ન-યુવાની અફલાતૂન પસાર થઈ હોય, ત્રીસી-ચાલીસી પણ દમામભેર જીવ્યાં હોઈએ અને રૂઆબદાર ‘વનપ્રવેશ’ પછી ‘સાઠે બુદ્ધિ નાઠી’ જેવી ઉક્તિ કોઈ માણસ આપણા માટે વાપરે તો કેવું લાગે ? !

કિનારે ઊભા રહીને આખી જિંદગી જોવી એ કોઈ નેગેટિવ કે ખરાબ વસ્તુ નથી. ઢળતી સાંજ એ તો આખા દિવસનો સરવાળો છે! એમ આખી જિંદગીનો સરવાળો વૃદ્ધાવસ્થા છે. અનુભવોનો નીચોડ,પ્રસંગો-ઘટનાઓ-બનાવોનું મિલન, બધું જ યાદોં થઈ મગજમાં ઊભરાય છે.

વાતોને વાગોળવાની મજા છે, સારા-માઠા પ્રસંગોને ફરીફરી ઊજવવામાં આનંદ છે ! નોકરી બદલાવીને, કેટલાંય શહેરો ફરીને, પડી-આખડીને, ભાંગી પડયા પછી ફરી ઊભા થઈને, સંતાનો ઉછેરીને, દુનિયાદારી અને લાગણીશીલતા વચ્ચે ગોથાં ખાઈખાઈને છેલ્લે વૃદ્ધત્વનાં આ સ્ટેશને પહોંચાયું હોય છે. કેટલું બધું મનમાં હોય છે. કોઈ સમજનાર જૂનો દોસ્ત-યાર મળી જાય તો ‘આખી કહાણી સુણાવી દઉં’ જેવી સ્થિતિ હોય છે…

હાલ જેની ખૂબ ચર્ચા થઈ રહી છે એ વિ. વા. શિરવાડકર(કુસુમાગ્રજ)નાં ખૂબ જ જાણીતાં નાટક પરથી પ્રેરિત મહેશ માંજરેકરની ફિલ્મ ‘નટસમ્રાટ’નો નાયક પાછલી ઉંમરે એકલો, તરછોડાયેલો છે, એ ઉંમર જ એવી છે જ્યારે સૌથી વધારે એવું લાગે કે કોઈ પોતાને સમજતું નથી. જિંદગીનાં ચાલીસ વર્ષ જેણે રંગમંચ ગજાવ્યું, સ્ટેજ પર રાજા થઈને રહ્યો અને એક દિવસ ફૂટપાથ ઉપર વડાપાંઉ ખાતાં કોઈ આમ માણસ પૂછે છે કે, ‘તમે ક્યારેય નાટક જોયું છે ?’ ગમગીનીનો ઉત્સવ ક્યારેય ઊજવી નથી શકાતો, એને ફક્ત મહેસૂસ કરી શકાય છે… અને એ પણ કેવી વિચિત્રતા છે; એ ચાહે રંગમંચની દુનિયા હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, તમે એકધારા પાંત્રીસ-ચાલીસ વર્ષ કામ કર્યું હોય અને એક દિવસ આવીને તમને કહેવામાં આવે છે કે હવે તમારી આવડત અને શક્તિની જરૂર નથી, હવે તમે આરામ કરો ! અમુક નિવૃત્તિ માગતા હોય છે, અમુકને મળતી હોય છે… એ સમજાતું પણ હોય છે કે હવે પહેલાં જેવું કામ નથી થઈ શકતું, શરીર થાકે છે. ઊંઘ અને ભૂખ ઓછી લાગે છે અને સ્મરણશક્તિ ક્ષીણ થતી જાય છે અને બોલવાની-બોલબોલ કરવાની ઇચ્છા વધારે થતી જાય છે…

આજીવન નિવૃત્તિ એ કોઈ પણ ઉંમરે કોઈને પણ પસંદ પડે એવી વાત નથી અને નિવૃત્તિ અચાનક જ આવી જતી હોય છે.(એ વાત અલગ છે કે અમુક સીધા ‘જન્મેવૃદ્ધ’ નિવૃત્તિની જ વાટ જોતાં હોય છે!) વાડીલાલ ડગલી લખે છે કે, ‘આપણે કોઈ રાતે ઓરડામાં બેસી અત્યંત અગત્યનો પત્ર લખતાં હોઈએ અને કોઈ એકાએક આવી વીજળીની ચાંપ બંધ કરી દે અને બધે અંધારુંં ફેલાઈ જાય ત્યારે આપણને જે ચીડ ચડે છે એવી ચીડ નિવૃત્તિ સમયે માણસ અનુભવે છે, આમ એકાએક દીવો બંધ કરી દેવાની શી જરૂર છે? અશક્તિનાં પૂર આવે અને પછી પાણી ધીમે ધીમે ઓસરે તો આપણું શું બગડી જવાનું છે?’ વાડીલાલ ડગલીનો નિબંધસંગ્રહ ‘શિયાળાની સવારનો તડકો’ શિયાળાના આ બીજા રાઉન્ડમાં અવશ્ય વાંચવા જેવો ખરો! પુસ્તકમાં પોતાની અંગત વાતો ઉપરાંત જીવનના અનુભવોનો નીચોડ છે. એક જગ્યાએ તેઓ વૃદ્ધોની જરૂરિયાત વિષે લખે છે કે, ‘વૃદ્ધો આદર પર જીવે છે. આદર વૃદ્ધોનું ટોનિક છે.’ વરસી ગયેલું વાદળ જે રીતે નિઃશબ્દ હોય છે કદાચ એવી સ્થિતિ વૃદ્ધોની હોય છે! નસરીન મુન્ની કબીરે લીધેલા ગુલઝારસાહેબના ફૂલફ્લેજ્ડ ઇન્ટરવ્યૂમાં ગુલઝારસાહેબ કહે છે કે, તમારા આંતરિક વર્તુળમાં સર્જાયેલા ખાલીપાને અનુભવવો અત્યંત કઠિન છે. જગજિત અમને છોડી ગયો અને હવે સુખબીર(પંજાબી રાઇટર) પણ-અમે ખૂબ નજીક હતા, જેમ એક પછી એક બધા છૂટી રહ્યા છે, મને લાગે છે કે અમારુંં સર્કલ તૂટી રહ્યું છે… પણ આ બધું, પાછલી ઉંમરે જે થવાનું હોય એ જ થઇ રહ્યું છે, હવે હું મારા અમુક મિત્રોને સ્મશાનયાત્રામાં જ મળી શકીશ. આ બહુ દુઃખદ છે. સમય ધીરે ધીરે અમને એક્ઝિટ ડોર તરફ ધકેલી રહ્યો છે અને એક દિવસ શાંતિથી દરવાજાની બહાર સરકાવી દેશે…’ ગુલઝારસાહેબની પોતાની લાગણી વ્યક્ત કરવાની શૈલી હંમેશથી અનોખી રહી છે.

લેખક : પાર્થ દવે 

વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : ” જલ્સા કરોને જેંતીલાલ” 

 

ટીપ્પણી