કચ્છના નાટ્યકાર અને અભિનેતા ચિરાગ મોદી સાથે મુલાકાતના થોડાં અંશ …….વાંચો આજે જ

કચ્છના નાટ્યકાર અને અભિનેતા ચિરાગ મોદી ‘ઓરોબોરોસ આર્ટ હબ’ નામનું થીએટર ચલાવે છે. જેમાં દરસપ્તાહે વિવિધ ગ્રુપ અલગ અલગ નાટકો પ્રસ્તુત કરે છે.

 મારી આત્માનો ખોરાક નાટકો છે!: ચિરાગ મોદી

‘જો હું કચ્છથી આવીને અહીં કામ કરી શક્તો હોઉં, તો મારા વતનમાં કેમ ન કરી શકું, જ્યાં હુ ઉછર્યો અને જન્મ્યો છું…’

અમદાવાદ શહેરમાં સરખેજ પાસેથી એન્ટ્રી મારીને ઈસ્કોન ચાર રસ્તે પહોંચીએ, પછી જમણી કોર વળીએ એટલે અગળ જતા એક્ઝેટ શિવરંજની ચાર રસ્તાની ડાબી બાજુએ એક કોમ્પ્લેક્ષમાં બીજા માળે ‘ઓરોબોરોસ આર્ટ હબ’ નામનો બ્લેક બોક્સ તમને જોવા મળે! ચારે બાજુ કાળો-અંધારિયો-રૂમ. જેમાં લગભગ દર અઠવાડિયે એક નવી દુનિયાનું સર્જન થાય, દોઢ-બે-અઢી કલાકમાં એ દુનિયા વિખેરાઈ જાય ને ફરી બીજા દિવસે નવી દુનિયા સર્જાય. રંગદેવતાના શિષ્યોએ સર્જેલી પોતાની દુનિયા! કાલ્પનિક દુનિયા!

આવતી કાલે ત્યાં રાતના ૯ વાગ્યે ‘ડ્રીમ ઑફ હરે સેન્ડલ’ નામનું નાટક ભજવાશે તો પરમ દિવસે, ૨૭મી તારીખે વિજય તેંદુલકરનું સંજય ગેલસર અભિનિત ‘મસાજ’ નામનું નાટક ભજવાશે. ગત મંગળવારે આ જ જગ્યાએ દારા શિકોહની દાસ્તાન કહેતું ‘દાસ્તાનગોઈ’ ભજવાયું હતું. આર્થર મિલરના ક્લાસિક પ્લે ‘ડેથ ઓફ અ સેલ્સમેન’ આધારિત ‘કાચી નીંદર કાચા સપનાં’ નાટક ભજવાયું હતું, તો થોડા દિવસો પહેલા નિમિષ દેસાઈ દિગ્દર્શિત ‘જેના મોંમા જાંબુડિયા રંગનું ફૂલ’ પણ ભજવાયું હતું. જેમાં ‘ધુલો’ ફેમ આર્જવ ત્રિવેદી અને કિશન ગઢવીએ અભિનય કર્યો હતો. અહીં રોક કોન્સર્ટ પણ થાય છે, રાજેસ્થાની કલાકારો પણ આવે છે અને સૌમ્ય જોશીની ‘મારું નામ ગણેશ વેણુગોપાલ’ કવિતાનું મંચન પણ થાય છે, ટૂંકમાં, ઓરોબોરોસ આર્ટ હબ એક એવી જગ્યા છે જે નાટ્યકારો, નાટ્યરસિકો તથા કળાના કદરદાનો માટે ચોવીસે કલાક ખુલ્લી રહે છે. અહીં છેલ્લા આઠ મહિનામાં ૩૦થી વધુ જેટલા ગ્રુપ ૭૫થી વધુ વિવિધ પરફોર્મન્સ આપી ચૂક્યા છે. પાછું ઓરોબોરસની રચના એવી છે કે તમે ચારમાંથી કોઈપણ બાજુએ સ્ટેજ ગોઠવી શકો. બાલ્કની આગળપાછળ કરી શકો. બાલ્કનીને સ્ટેજનો પાછળનો ભાગ પણ બનાવી શકો!

આજે અચાનક આ જગ્યાની તથા નાટકોની વાત કરવાનું કારણ એક એવી વ્યક્તિ છે જેના રગેરગમાં થિએટર છે. જેનું પેશન થિએટર છે, જેનું વ્યસન થિએટર છે. આ ઓરોબોરસના સ્થાપક તથા મૂળ(અને હજુ પણ!) કચ્છના યુવાન ચિરાગ મોદી છે.  થોડા ફ્લેશબેકમાં જઈએ તો એક છોકરો જે સેન્ટ ઝિવયર્સ-આદિપુરમાં શરુઆતનો અભ્યાસ પતાવીને ગાંધીધામની સરદાર વલ્લભભાઇ પટેલ હાઇસ્કુલમાં અગ્યાર-બાર સાયન્સ પૂરું કરે છે. ને ત્યાર બાદ, વર્ષ ૨૦૦૫માં બીએસસી કે એન્જિનિયરીંગ માટે વધુ સારી કોલેજની શોધમાં અમદાવાદ આવે છે. એ છોકરો ગુજરાત કોલેજમાં બીએસસીનું ફોર્મ ભરવા જાય છે. ફોર્મ આપનાર ભાઈ ચા પીવા ગયા હોવાથી એટલો સમય કચ્છથી આવેલો એ છોકરો ગુજરાત કોલેજના વૃક્ષો ને વનરાજી જોયે રાખે છે. આંટાફેરા કરતે કરતે બ્રિટિશ સમયનું અદભૂત આર્કીટેક્ચર નિહાળે છે. ત્યાં એની નજર એક પાટીયા પર પડે છે જેના પર લખેલું હોય છે: નાટ્યવિદ્યા વિભાગ. એ છોકરાએ અત્યાર સુધી એક પણ નાટક વાંચેલું કે જોયેલું સુદ્ધા નહીં. પૂછા કરતા જવાબ મળ્યો કે, આ આર્ટસનો વિષય છે, સાયન્સવાળાનું કામ નથી! વધારે પૂછતા ખ્યાલ આવ્યો કે આમાં ત્રણ વર્ષનો કોર્સ થાય. પણ એ પહેલા એન્ટ્રસ એક્ઝામ આપવી પડે. એક્ઝામ માટે પુષ્કળ વાંચવું પડે. તમે પાસ થાવ તો ત્રણ વર્ષ થિએટર શીખો. એ છોકરો એક મહિનો ગુજરાત કોલેજની બાજુમાં આવેલી એમ.જે લાયબ્રેરીમાં ગયો. જે પુસ્તક પર નાટક લખેલું હોય તે બધા વાંચી નાખ્યા! એ યુવાન નામે ચિરાગ મોદી પરફોર્મિંગ આર્ટસ માટેની એન્ટ્રન્સ એક્ઝામમાં પાસ થાય છે, કોલેજમાં દાખલ થાય છે!

સાયન્સ કર્યા બાદ અચાનક જ નાટકોની દુનિયામાં કૂદી પડવાનું કારણ આપતા ચિરાગ નોસ્ટાલજિક થતા કહે છે, ‘મને તે વખતે અમારા એક સરે કહેલું કે, ‘આ જે ખાલી ઓટલો દેખાય છે ને, એ સ્ટેજ છે. ત્યાં તમે એક એવી દુનિયા ઊભી કરી શકો છો જે તમારી પોતાની હોય. તમને ત્રણ વર્ષમાં તમારી દુનિયા ઊભી કરતા શીખવાડવામાં આવશે!’ આ વાત મને ગમી ગઈ. હું આવું જ કંઈક કદાચ શોધી રહ્યો હતો…’

ચિરાગે નાટકો વિશે લાયબ્રેરીમાં ખૂબ વાંચ્યું હતું અને બાદમાં કોલેજમાં ત્રણ વર્ષ નાટકોમાં રચ્યાપચ્યા રહ્યા. તેઓ કહે છે, મને ખ્યાલ આવી ગયો હતો કે મારી આત્માનો ખોરાક નાટકો જ છે!

પરફોર્મિંગ આર્ટસના ત્રણ વર્ષ બાદ યૂનિવર્સિટી ગોલ્ડમેડાલિસ્ટ ચિરાગ મોદી અમદાવાદની કોલેજોમાં થિએટર શીખવવા માટે જવા લાગ્યા. તેમને થિએટર એક્સપર્ટ તરીકે આમંત્રણ મળતા થયા. ગુજરાત યૂનિવર્સિટીમાં ત્રેવીસ વર્ષની ઉંમરે હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ રહ્યા. સાથે સાથે હસમુખ બારાડીના થિએટર મીડિયા સેન્ટરમાં કામ કરતા. કોલેજોમાં વિઝિટિંગ તથા રેગ્યુલર ફેકલ્ટી તરીકે જતા હોવાથી અને સતત થિએટર કરતા હોવાથી તેઓ થિએટરમાં રસ હોય એવા યુવાનોની નજીક આવતા ગયા. ધીમે ધીમે એક ટીમ બની અને એ ટીમ નાટકો કરતી થઇ..

આપણે જે ઉપર ઓરોબોરોસની આર્ટ હબની વાત કરી તેની શરૂઆત કઈ રીતે થઈ? ચિરાગ મોદી કહે છે, અમે જે પરફોર્મિંગ આર્ટમાં ભણતા, ત્યારે જે થિએટર કરતા તે એક કમિટમેન્ટ સાથેનું હતુ. ઉપરછલ્લું થિએટર નહીં. એટલે કોઈ એબ્સર્ડ નહીં, પણ મિનિંગફૂલ થીએટર તેને કહી શકાય. કોલેજમાં અમારે ત્રણ નાટકો કરવાના રહેતા. બેચમાં ૧૬ જણા હતા એટલે ૪૮ નાટકો તો અમે કોલેજ દરમિયાન જ કર્યા હતા. કોલેજ પૂરી થયા બાદ એવું જ કંઈ કરવું હોય તો એ માટે વ્યવસ્થિત કોઈ જગ્યા નહતી. ત્યારે અમે નક્કી કર્યું કે એક થિએટર ગ્રુપ ઊભું કરીએ. મેં કહ્યું એમ, હું યૂથ સાથે જોડાયેલો હતો. મારી પાસે શીખતા. કામ કરતા; ઘણા મારા વિદ્યાર્થીઓ હતા. અંતે બધાને સાથે રાખીને ૨૦૧૨માં મે ઓરોબોરોસ ટ્રસ્ટ શરુ કર્યું. ઘણા નાટકો અમે વિવિધ કોલેજોમાં તથા હોલ રાખીને તેમ જ ગાર્ડન્સમાં કરતા. અમદાવાદ અને કહી શકાય કે ગુજરાતમાં ૭૦૦થી ૧૦૦૦ લોકો બેસી શકે એવા હોલ છે પણ જ્યાં ૧૦૦થી ૧૫૦ વ્યક્તિઓ બેસી શકે, કલાકારો પોતાનું કામ બતાવી શકે એવી જગ્યા કેટલી? અને મારે થિએટરના કામે જ દિલ્હી, બેંગલોર જેવા શહેરોમાં જવાનું થતું. ત્યાં મે જોયું કે ત્યાં આવા પ્રકારની જગ્યાઓ હતી, જેને તેઓ અલ્ટરનેટ સ્પેસ કહેતા. મને એવી જગ્યા અમદાવાદમાં શરુ કરવાની ઈચ્છા થઇ. અને જાન્યુઆરી, ૨૦૧૭માં ઓરોબોરોસ આર્ટ હબની શરુઆત કરી.’

સાત મહિના બાદ આજે તો ઓરોબોરોસ શહેરના નાટ્યપ્રેમી યુવાનોથી હર્યુંભર્યું રહે છે. ચારણીમાં ચણાઈને આવેલા ઘણા નાટ્યરસિકો તમને ત્યાં જોવા મળી જાય. બ્લેક બોક્સની બહાર ઓરોબોરોસ લખ્યું છે અને એની બાજુમાં એક સાપ પોતાની પૂંછળી ગળે છે એવો લોગો છે. ચિરાગભાઈ કહે છે, ‘ઓરોબોરોસ ગ્રીક શબ્દ છે. હું ગ્રીક લિટરેચર વાંચતો હતો ત્યારે મારું ધ્યાન આ શબ્દ પર ગયું હતું. સાપ પોતાની પૂંછળી ગળે છે; સાથે સાથે લોગો ધ્યાનથી જૂઓ તો ખ્યાલ આવે કે તેનું પૂનર્જન્મ પણ થઈ રહ્યું છે! એક ગોળ, અનંત સર્કલ છે. હું આ શબ્દને તરત જીવન અને થિએટર સાથે જોડી શક્યો. અને આ નામ નક્કી કર્યું!’

સાચી વાત છે. એક નાટક પૂરું થાય અને બીજું શરુ થાય. એક સર્કલ પૂરું થાય અને એક નવા અનુભવની, નવા મનોમંથનની શરૂઆત થાય…

ચિરાગ મોદીએ રંગમંડળમાં ત્રણ દિવસના લાફ્ટેરિયા થિએટર ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે ખુદ તથા તેમના વિદ્યાર્થીઓએ  ડિરેક્ટ કરેલા વિવિધ નાટકો ભજવાયા હતા. ફેસ્ટિવલની સફળતા બાદ ૨૦૧૪માં એનાથી મોટો ફેસ્ટિવલ યોજ્યો, જેનું નામ જ ઓરોબોરોસ ફેસ્ટિવલ રાખ્યું હતું. ચિરાગ મોદીએ આઈએનટીમાં ‘ડાબો અને જમણો’ નામનું એક નાટક રજૂ કર્યું હતું. જેની પસંદગી બેસ્ટ ઓફ ધ પ્લે માં થઈ હતી. જ્યારે અર્બન ગુજરાતી ફિલ્મો આવવાની શરુ થઈ હતી ત્યારે ચિરાગે એઝ અ લીડ એક્ટર ‘કેનવાસ’ નામની એક પ્રયોગાત્મક ફિલ્મ કરી હતી.

ચિરાગભાઈના પપ્પા કંડલા પોર્ટમાં હતા. રિટાયર્ડ થયા બાદ હાલ તેઓ પણ અમદાવાદ સ્થાયી થયા છે. ભવિષ્યમાં ચિરાગ મોદી શું કરવા માગે છે? આ પ્રશ્નના જવાબમાં ચિરાગભાઈ મક્કમતાથી કહે છે કે, ‘મારે કચ્છ આવવું છે. બેક ટુ પવેલિયન!’ એક જૂની વાત યાદ કરતા તેઓ કહે છે, ‘મને વર્ષો પહેલા એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવેલું કે, ચિરાગ તું ફ્યુચરને કઈ રીતે જૂએ છે? ત્યારે મેં જવાબ આપ્યો હતો કે મારે આ ક્ષેત્રમાં જ આગળ જવું છે અને જો આ ક્ષેત્રમાં જ ટકી ગયો તો હું જ્યાંથી આવ્યો છું ત્યાં પાછા જઈને મારે કામ કરવું છે! મને બરાબર યાદ છે, સામે કાઉન્ટર પ્રશ્ન પૂછાયો હતો, ‘તું કચ્છમાં કામ કરી શકીશ?’ અને મેં કહેલું, જો હું કચ્છથી આવીને અહીં કામ કરી શક્તો હોઉં, તો મારા વતનમાં કેમ ન કરી શકું, જ્યાં હુ ઉછર્યો અને જન્મ્યો છું..’ હાલ ચિરાગભાઈની ટીમમાં કચ્છના ત્રણ યુવાનો જોડાયેલા છે.

ઘણી વાતોના અંતે, ચિરાગભાઈએ ફરી ભારપૂર્વક કહ્યું કે એમની ઈચ્છા ભુજ અને આદિપુરની કોલેજોમાં થિએટરની એક્ટિવિટીઝ કરાવવાની છે. કચ્છના યુવાનોને અવેર કરવા છે. થિએટરમાં રસ લેતા કરવા છે.

પેક અપ:

આ વર્ષે ઇન્ડિયન મીનીસ્ટ્રી ઓફ કલ્ચરલ અંતર્ગત નેશનલ સ્કુલ ઓફ ડ્રામા પ્રથમ વખત ૮મું થીએટર ઓલમ્પિક હોસ્ટ કરી રહ્યું છે. રંગમંચના આ મહા કુંભમેળામાં વિશ્વભરમાંથી નાટકો મોકલવામાં આવશે અને સિલેકટેડસિલેકટેડ ૫૦૦થી વધુ નાટકો ૧૭ ફેબ્રુઆરીથી ૮ એપ્રિલ-૨૦૧૮ દરમિયાન દિલ્હી ઉપરાંત દેશના અલગ-અલગ ૧૫ શહેરોમાં ભજવાશે.

લેખન.સંકલન : પાર્થ દવે 

ગુજરાતી ફિલ્મો તેમજ નાટકોને લગતી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ 

ટીપ્પણી