પરસેવાથી શરીરમાંથી ડિહાઈડ્રેટ થતું પાણીનું પ્રમાણ જેવી તકલીફો ઉનાળામાં સામાન્ય છે પણ આ કાળજી અચૂક લેજો…

આપણે બધા ઉનાળાની ગરમીનો સામનો કરીએ છીએ. આપણાંમાંથી અનેકને ઉનાળો ગમતો નથી; ઉનાળામાં ચામડીનું તરડાઈ જવું, કાળી પડી જવી, પરસેવો અને તેની દૂર્ગંધ જેવી સમસ્યાઓ મોટે ભાગે સૌ કોઈએ સહન કરવી પડે છે. જો કે, આયુર્વેદનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. કેમ કે નૌસર્ગીક ઔષધીઓથી તબીબી વિજ્ઞાનના અભ્યાસમાં અનેક એવી જડીબુટીઓ છે જેનાથી કોઈ જ જાતની આડઅસર વિનાજ શરીરને સ્વસ્થ કરવાની ક્ષમતા ધરાવે છે.


આયુર્વેદ અનુસાર ઉનાળો એ ગરમ પ્રકૃતિની ઋતુ છે અને તે પિત્ત પ્રકૃતિને વધારનારી મોસમ છે. તેથી ઉનાળામાં ઠંડક કરવાની ભલામણ કરવામાં આવે છે અને પિત્ત દોષને નિવારવા માટેના ઉપાયો કરવાનું સૂચન કરાય છે.


શરીરમાં ગરમી સામે લડવા માટે ક્ષારયુક્ત ખોરાકનો વધુ ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો છે. જેમાં ભરપૂર પ્રમાણમાં પાણી રહેલું હોય તેવો ખોરાક લો જે તમારા શરીરને માત્ર ઠંડું કરશે નહીં, પણ એન્ટીઑકિસડન્ટ પણ પૂરું પાડશે. જે તમને ઉનાળાના તાપમાં પણ સ્વસ્થ રાખશે. કાચી ડુંગળીને ભોજનમાં લો, લીલા શાકભાજીને સલાડ કે બાફેલા કે શાક તરીકે લો અને ઘણું પાણી પીવો.

તમારે ગરમીને કારણે શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવાના યોગ્ય પ્રયત્નો કરવા જોઈએ જે વિવિધ આરોગ્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે.

૧ પિત્ત શામક ખોરાક


ગરમીની ઋતુમાં તમે એવો આગ્રહ રાખો કે ભોજનમાં જે કોઈ પણ ગરમ પ્રકૃતિનો ખોરાક ન આવે. વાતાવરણને અનુકૂળ હોય તેવો હળવો અને ઠંડો આહાર જ લેવો જોઈએ. મસાલાથી ભરપૂર અને તીખું ભોજન પણ ઉનાળામાં વધારે પ્રમાણમાં લેવું સલાહભર્યું નથી. તરબૂચ, લીંબુ પાણી, કેરીનો રસ, કાકડી, પેરું જેવી ઠંડી પ્રકૃતિની વસ્તુઓ જેનાથી એ.સિ.ડિ.ટી ન થાય એવી ઉનાળામાં જરૂર ખાવી જોઈએ.

૨ ગરમ પ્રકૃતિનો આહાર ન લેવો


લસણ, મરી – મસાલા અને એવી ખાદ્યચીજો જે શરીરને અંદરથી ગરમ કરે. કારણ કે ઉનાળાની અસહ્ય ગરમી સામે શરીરનું સંતોલન જાળવવા શીતળ પ્રકૃતિનો ખોરાક જ લેવો જોઈએ.

૩ યોગ્ય સમયે જમો


ઉનાળામાં પાચનક્રીયા થોડી ધીમી પડી ગઈ હોય છે તેથી ઠંડી વસ્તુઓ જ ખાવી અને સમયસર ખાવી જોઈએ. મોડેથી જમવાની ટેવને લીધે અપચો અને એ.સિ.ડિ.ટી થાય છે જેથી રાતે સૂતી વખતે વધારે બળતરા થાય છે. ખોરાક યોગ્ય રીતે ન પચ્યો હોય તો ગેસ થઈ શકે છે અને પાછળથી પિત્ત અને આમમાં ફેરવાઈને શરીરને વધારે નુક્સાન થાય છે.

૪ નારિયેળનું તેલ


સવારે નહાવા પહેલાં ૩ કે ૪ ચમચી નારિયેળના તેથી આખા શરીર પર માલિશ કરવી જોઈએ. ત્યાર બાદ નહાવવું જોઈએ. જેથી ત્વચાને સૂર્યના તાપથી સુરક્ષિત કરે છે અને ઉનાળાની ગરમીમાં સુંવાળી રાખે છે. નારિયેળ તેલને બદલે સૂર્યમૂખીનું તેલ પણ વાપરી શકાય.

૫ ગરમ પાણી કે ચા – કોફી


ચા અને કોફી જેવા કેફી પીણા અસલમાં ગરમ પ્રકૃતિના છે. ઉનાળામાં વધારે પ્રમાણમાં લેવાથી એ.સિ.ડિ.ટી. થવાની શક્યતા રહે છે. ઉનાળામાં વધારે પ્રમાણમાં ગરમ પાણી પણ ન પીવું જોઈએ. કેમ કે પેટમાં પાણીનું પ્રમાણ વધી જાય તો ડોળાય છે અને ઉલ્ટી જેવું અનુભવાય છે.

૬ વધુ પડતી કસરત ન કરવી


ઉનાળામાં પરસેવો પાડીને કરાતી આકરી કસરત કે જિમીંગ પણ ન કરવું જોઈએ. આવું કરવાથી શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જઈને નબળાઈ અનુભવાય છે. ઉનાળામં વધારે પડતી કસરત કરવાથી ચક્કર આવવા કે માથું દુખવા જેવી ફરિયાદો રહે છે.

૭ ઠંડા તેલિય પદાર્થોનો ઉપયોગ કરો


ચંદનનું તેલ, જાસ્મિન અને લવંડરનું તેલ શરીર પર લગાવવાથી તેમાં રહેલી સુગંધને લીધે પરસેવાની દૂર્ગંધ આવતી અટકે છે. અને મન પણ પ્રફુલ્લિત રહે છે. કારણ કે ઉનાળામાં સ્વભાવ ચીડિયો બની જાય છે, અકળામણ અનુભવાય છે અને કોઈ પ્રવૃત્તિઓ કરવાની ઇચ્છા નથી થતી.

૮ ઠંડા પીણા અને આઈસ્ક્રીમનો વધુ પડતો ઉપયોગ

કહેવાય છે કે ઠંડી વસ્તુઓ વધારે ગરમ હોય છે. બરફની પ્રકૃતિ પણ ગરમ છે. અને બજારમાં મળતાં સાઈટ્રિક એસિડવાળા ઠંડા પીણાં પણ શરીર માટે હાનિકારક છે. આ પ્રકારના પીણાંને બદલે ઘરમાં બનેલું ખસ, ગુલાબ, બદામ કે કેસરનું શરબત પીવું જોઈએ. ફ્રિઝનું પાણી પણ નુક્સાનકારક છે. માટલાનું શીતળ પાણી જ પીવું સલાહભર્યું છે.