પરિવર્તન – દિકરા વહુના વર્તનમાં આવેલ એ પરિવર્તન તેઓ ઘણા સમયથી જોઈ રહ્યા હતા અને એક દિવસ અચાનક…

હોસ્પિટલેથી શીલાનો મૃતદેહ આવ્યો. સુભાષભાઈ માથે અણધાર્યો દુઃખોનો પહાડ તૂટી પડ્યો અને એ ખુદ પત્થર બની ગયા. સુભાષભાઈ હવે એકલા જ રહી ગયા હતાં. શૂન્યમનસ્ક સ્થિતિમાં એ જોઈ જ રહ્યા. શીલા સાથે એ ખૂબ જ ખુશ હતાં. જીવનમાં ગમે તેટલા ચડાવઉતાર આવ્યા પણ, શીલા સાથેના છવીસ વર્ષો… !! કેવા સુહાની સફર જેવા બની રહ્યા હતાં.


શીલા હમેંશા ડગલે ને પગલે સુભાષભાઈની હમસફર બની રહી હતી. સામાજિક વ્યવહારમાં, સારાનરસા પ્રસંગોમાં, ધંધાના તડકા છાયામાં, બન્ને એકમેકની ઓથે તો અડીખમ હતાં. જ્યારે એમના એકના એક દીકરા સમરે , એકાએક ભવ્યા સાથે લવમેરેજ કરી લીધા હતા ત્યારે બન્ને ને ભારે આઘાત લાગ્યો હતો.પણ, બન્ને એ એકબીજાને સધિયારો આપીને સાચવી લીધા હતાં. એમાં ય જ્યારે, વહુ નાના મોટા વાંધા વચકા કાઢીને સમર ને લઈ ને જુદી રહેવા ચાલી ગઈ, ત્યારે બન્ને ભાંગી પડ્યા હતાં છતાં ત્યારે પણ તેઓએ, એકમેક ને સંભાળી લીધા હતા અને મન મનાવી લીધું હતું. પણ હવે ??


શીલાની બધી ક્રિયા પૂરી થઈ, સગાંવહાલાં જે પણ હતાં તે બધા જતા રહ્યા. સમર પપ્પા પાસે આવી ને બોલ્યો, ” પપ્પા, મમ્મી હતાં ત્યારે જે પણ હતું તે બધું ઠીક પણ, હવે તમે અહીં એકલા કેમ રહેશો ? ચાલો અમારી સાથે, અમારા ભેગા રહેવા આવતાં રહો .” સુભાષભાઈ વિચારી રહ્યા… જ્યારે છેલ્લે દીકરા વહુ ને મળવા અને મોટું મન રાખીને એમની સાથે બેચાર દિવસ રહેવા ગયા હતા ત્યારે …

ભવ્યા એ એમની સાથે એવો વ્યવહાર કર્યો હતો કે શીલાનું દિલ તૂટી ગયું હતું અને પોતે પણ સ્વસ્થ રહી શક્યા ન્હોતાં. એ લોકો એવું નક્કી કરીને દીકરાનું ઘર હંમેશ માટે છોડીને આવ્યા હતા કે આપણે હવે ફરીથી પાછું અહીં આવશું જ નહીં અને એમને આપણે ત્યાં બોલાવશું નહિ. આપણે એમ માનશું કે દિકરોવહુ અહીં, દુર શહેરમાં નહિ પણ દૂર દેશમાં રહે છે. પણ, હવે.. ??


સુભાષભાઈ રડી પણ ન્હોતા શકતાં અને કોઈને પોતાની લાગણી કહી પણ ન્હોતા શકતાં. સમરને બધાએ સલાહ આપી હતી કે “પપ્પા ને એકલા ન મુકીશ !, તારા સિવાય બીજું એમનું છે પણ કોણ ?”

અને સમરે પણ, એક ડાહ્યા દીકરાની જેમ જ જાહેરમાં કહ્યું હતું , “એ કાંઈ કહેવાની જરૂર ખરી ? હું એમને એકલા છોડી ને જાવ જ નહીં ને !! આ બધી ક્રિયા પૂરી થાય એટલે એમને લઈ ને જ જવાનો છું .” ત્યારે, બધાએ સુભાષભાઈને હમદર્દ સમજીને ભાર દઈને સલાહ આપી હતી કે જો દીકરો સાચેખોટે પણ કહેતો હોય તો રાહ ન જોતાં, જતાં જ રહેવાનું એમની સાથે !, એકલાની તે કાંઈ જિંદગી છે ? પણ સુભાષભાઈને છેલ્લી મુલાકાત યાદ આવતી હતી અને…!!

છતાં ય, ભારે હદયે સુભાષભાઈ, આવ્યા સમર અને ભવ્યા સાથે ! એક છુપા ડર સાથે !! એક દિવસ થયો, બે દિવસ .. ભવ્યા નું ઝગડાળુ રૂપ.. , હવે .. ?? પણ, સુભાષભાઈને આશ્ચર્ય થયું.. ભવ્યા, ખૂબ જ પ્રેમથી, પપ્પાજીની, પોતાના ખુદના પપ્પા હોય તેમ કાળજી લેતી હતી અને એમાં એક દિવસ, બે દિવસ,.. વર્ષો વીત્યાં પણ, ક્યારેય ભવ્યાની લાગણીમાં ઓટ ન આવી.

સુભાષભાઈને ભવ્યામાં આવેલું આ પરિવર્તન સમજાયું નહીં પણ, સમર ખૂબ ખૂબ ખુશ હતો અને ભગવાનનો આભારી હતો કારણ કે સમરના સાસુ, એટલે કે ભવ્યાના મોમ, શિલાબેનના મૃત્યુ પહેલા જ, એકવાર ઓચિંતા ગંભીર બીમાર પડ્યા હતાં અને એ મોતના પંજામાંથી માંડ માંડ જીવિત બચ્યા હતાં !!

લેખક : દક્ષા રમેશ “લાગણી” જૂનાગઢ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ