પપ્પા તમારા વિના હું એકલી – પપ્પા હું લોટમાં મીઠું ના નાખુને તોય રોટલી ખારી થઈ જતી… એક દિકરી લગ્ન પછી કેટલી તકલીફમાં હતી…

પ્રિય પપ્પા,

હું અંશિકા, પ્લીઝ પપ્પા મારો કાગળ ફાડી નાંખતા પહેલા એકવાર જરૂર વાંચી જજો. તમે મને ઘરે આવવાની ના પાડી દીધી, ફોન પર પણ તમે વાત નથી કરતા, તમે મારું મોઢું જોવાની પણ ના પાડી દીધી છે.. મારે તમારી સાથે ઘણી વાતો કરવી છે ઘણું બધું તમને કેહવું છે પણ હું તમારી સામે આવું એ તમને મંજુર નથી એટલે મેં આ પત્ર લખ્યો છે ઘણી એવી વાતો હતી જે મેં નક્કી કરેલું કે ક્યારેય તમને જાણ નહી થવા દઉ પણ મને લાગે છે કે હવે મારે તમને એ જણાવવી જોઇએ.. પપ્પા તમારી સાથે વાત કરતી હોઉં ને એવાજ અહેસાસથી આ પત્ર સાથે મેં મારા મનની બધીજ વાત લખી છે.. પ્લીઝ પપ્પા હું વિનંતી કરું છું કે આ પત્ર એકવાર વાંચજો અને છતાંય તમને લાગે કે હું ખોટી છું કે મેં કંઈ ખોટું કર્યું છે તો તમે જે નિર્ણય કરશો એ મને મંજુર રહેશે…


પપ્પા, તમે કેમ છો? એમ નહી પુછું કારણકે હું જાણું છું કે તમે મારી પર ગુસ્સે છો અને દુખી પણ… ભલે ચાર મહિનાથી આપણે મળ્યા નથી પણ તમારો અને મારો સંગાથતો ૨૫ વર્ષનો છે પપ્પા હું તમને ખુબ સારી રીતે જાણું છું તમારાથી દુર રહેવાનું દુઃખ જેટલું મને છે એનાથી વધુ દુઃખ તમને થઈ રહ્યું છે… હું તમને યાદ કરીને રડું છું એમ તમે પણ એકલામાં મારી માટે રડતાજ હશો.. અને હું એ પણ જાણું છું કે પોતાના નીતિ, નિયમો ,સત્ય અને સન્માન સાથે જીવન જીવતા મારા પપ્પા ખોટા નિર્ણયોમાં ક્યારેય સાથ નથી આપતા અને એટલેજ આજે એમને મને એકલી મૂકી દીધી છે… “હું છૂટાછેડા લઈને અલગ રહું છું એ વાત તમને નથી ગમી, સમાજમાં તમારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે ..

મેં તમને એના કારણોમાં કહેલું કે અમને એકબીજા સાથે બનતું નથી અવારનવાર ઝગડા થયા કરે છે.. અને તમે કહેલું કે પતી-પત્ની વચ્ચે આવું તો ચાલ્યા કરે એમાં કંઈ સંબંધો ના તોડી નાંખવાના હોય.. સંબંધોને સુધારવાના હોય એને સમય આપવાનો હોય અને થોડું ઘણું જતું પણ કરવું પડે…બંને ઘરની આબરુનો સવાલ છે”… હું મારા નિર્ણય પર અડગ રહી અને તમને કદાચ એ વાત હ્રદયમાં ખૂંચી ગઈ… કદાચ તમારો અહંમ ઘવાયો કે મે તમારી વાત ના માની..


પપ્પા હું એવું બિલકુલ નથી કહેતી કે તમે ખોટા છો કે તમારો નિર્ણય ખોટો છે… તમે તમારી દ્રષ્ટિએ બિલકુલ સાચા છો પણ પપ્પા હું પણ ખોટી નથી… તમારી વાત સો ટકા સાચી કે બે ઘરની આબરુનો સવાલ છે પણ પપ્પા આબરુ પ્રતિષ્ઠા એ બધું જરૂરી છે પણ મારી જીંદગી જેટલું તો નહી ને… તમને લાગે છે કે મેં સમય નથી આપ્યો .. મારા સંબંધને સાચવવા મેં કોઈ પ્રયત્નો નથી કર્યા, મારામાં સહનશીલતા નથી, મારા લગન જીવનને પાંચ વર્ષનો સમય આપ્યો છે મેં.. ઘણું જતું કરવાની ભાવના રાખી અને ઘણું બધું નહી પણ બધુંજ જતું કરતી રહી…


પપ્પા લગ્નના પહેલાજ મહિનાથી મને એનો સ્વભાવ તામસી છે એ વાતની જાણ થઈ ગયેલી.. મને યાદ છે કે દાદી હંમેશા કહેતા કે પુરુષોનો સ્વભાવતો કડક જ હોય સ્ત્રીઓએ જ એમના મુજબ ઢળી જવું પડે … એમ હું એમના સ્વભાવને જેમ જેમ ઓળખવા લાગી એમ એમ એડજસ્ટ થવાની કોશિષ કરવા લાગી..એમને ગમે એમજ કરતી … એને જમવામાં બધી રશોઈનો ટેસ્ટ એના મમ્મી જેવોજ જોઈએ, દરેકને પોતાના મમ્મીની રશોઈ આટલા વર્ષોથી ખાધી હોય એટલે એજ ભાવે એ વાત બરાબર છે પણ ૨૫ વર્ષથી ખાતા આવતા ટેસ્ટને કેળવતા મારે થોડો સમય તો લાગે ને, જમવામાં એમના મુજબનો સ્વાદના હોય તો ઘરમાં જમવાની થાળી છુટ્ટી મારી તરફ ઉછળે, શાક-ભાજી, દૂધ, ફળ માટે રોજ મને પૈસા આપવામાં આવે અને સાંજે બધાનો લેખિત હિસાબ મારે આપવાનો અને જો ક્યારેક પાંચ દશ રૂપિયાનો હિસાબ ના મળે તો એ એક એક કલાક બેસાડી મને એક નો એક હિસાબ વારંવાર કરાવે… અને સાથે સાથે એના શબ્દોનો પ્રહારતો ચાલુજ હોય… ઘરમાં નાની નાની બાબતોમાં કચકચ કર્યા કરે.. તોય હું કંઈ ના કહેતી…


એનો સ્વભાવ એટલો શંકાશીલ હતો કે હું કોઈને સાથે હસીને વાત પણ ના કરી શકતી, બારી પર ઉભેલી જોઈને પણ એ ભડકી ઉઠતો… અડોસ-પડોસમાં પણ મને એ સંબંધ ના રાખવા દેતો… ક્યારેક જો બહાર ગયા હોઈએ તો મારે નજર નીચી રાખીને જ ફરવાનું… માર્કેટમાં કામથી ગઈ હોય અને જો ભીડ હોય તો આવતા સહેજ મોડું થાય ત્યારે મારે ના સાંભળવાનું સાંભળવું પડતું… એના ફ્રેન્ડ્સ ઘરે આવ્યા હોય એની સામે મને અપમાનિત કરે અને બધા મારી મજાક કરી હસવા લાગે.. હું મૂંગા મોઢે બધું સાંભળી લેતી… એકલી એકલી રસોડામાં રડી લેતી… પપ્પા હું લોટમાં મીઠું ના નાખુને તોય રોટલી ખારી થઈ જતી… હું જાતેજ મારા મનને સમજાવતી કે સમય જતા બધું સારું થઈ જશે પણ..એવું ના થયું..

ધીરે ધીરે એણે માર મારવાનું શરુ કર્યું ..


પહેલા થપ્પડ, પછી હાથમાં આવતી વસ્તુનો મારી પર છુટ્ટો ઘા.. એકવાર ..એકવાર તો હદ થઈ ગઈ .. અમે મોલમાં ગયેલા અને કોઈ ભાઈ એમજ ફરતા ફરતા મારી સામે આવી ગયા.. એણે મારી સામે સ્માઈલ કરી સોરી કહ્યું… અને હું તરતજ નજર નીચી કરી પાછા પગે ત્યાંથી ચાલી નીકળી… અને ઘરે આવીને એણે ગુસ્સામાં મને ખુબ મારી મારા વાળ પકડી મારૂ માથું કેટલીયે વાર દિવાલમાં અથડાવ્યું… એકવાર મારું કચરો ફેંકવા બહાર નીકળવું બાજુ વાળા ભાભીનુ મને ખબર અંતર પૂછવું અને એનું ઓફિસથી ઘરે આવવું.. અમને વાત કરતા એણે જોયું અને ત્યાંતો ઘરમાં આવતાની સાથેજ મારી પર ફટકાર વરસવા લાગ્યો… મારે રોજ કેટ કેટલુંય સાંભળવું પડતું ..


હું પણ તો એક માણસ છું મારી પોતાની પણ કેટલીક જરૂરિયાતો હોયને પપ્પા… હું પૈસા માંગું તો કહે કે કેમ તારા ભિખારી બાપે કંઈ આપ્યું નથી તને…. અને મને એ માંગણી પર પારાવાર પછતાવો થતો, લાલઘુમ આંખોમાંથી દ્ડ દ્ડ આંસુઓ સરી પડતા… દુનિયાની દરેક છોકરી પોતાના પર થતા બધાજ અત્યાચાર સહન કરી લે પણ પોતાના માં-બાપ વિષે ક્યારેય ના સાંભળી શકે.. એ મને તમારા વિષે પણ ખુબ સંભળાવતા… હું એમને વિનંતી કરતી કે તમારે મારી સાથે જે કરવું હોય તે કરો જે કહેવું હોય તે કહો પણ મહેરબાની કરી મારા મમ્મ-પપ્પા વિષે કંઈ આડું અવળું ના બોલો અને એ મને માં-બહેનને સંબોધી ગાળો આપતા… દુનિયાની કઈ દીકરી આવું સાંભળી શકે પપ્પા ?


ઘણીવાર એ મોડી રાત્રે પાર્ટી માંથી દારૂ પીને ઘરે આવે અને કોઈની કોઈ વાતે સંભળાવે હું સામે કંઈ કહું એટલે ઝગડા અને માર, આંસુ, અને પછી આવેગમાં આવી મારી સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધે… ચામડાના પટ્ટે પડેલા તાજા ઘા સાથે જયારે શરીર પથારીમાં ઘસાયને બહુજ તકલીફ થાય પપ્પા.. લગભગ બધીજ રાતો આંખો અને ઓશિકા ભીના જ રહેતા.. હું જાણે જીવન જીવવાનું ભૂલીજ ગયેલી.. બસ એક જીવતી લાશ બનીને રહી ગયેલી… હવે એના બદલવાની મને કોઈ આશા નહોતી… મેં ક્યારેય તમને કંઈ કહ્યું નહોતું .. મને તમે હથેળીમાં રાખીને લાડ-કોડથી મોટી કરેલી અને મારા આવી પરિસ્થિતિ છે એ જાણી તમને ખુબ દુઃખ થાત.. તમને હું તમારા જીવથી પણ વધુ વ્હાલી છું… તમે સહન ના કરી શક્યા હોત પપ્પા… હું તમને લોકોને દુ:ખી કરવા નહોતી માંગતી…


હું તમારી દીકરી છું પપ્પા, સંબંધોનું મહત્વ શું હોય એ હું જાણું છું.. એ કેટલા જરૂરી છે એ મેં તમારી પાસેથીજ તો જાણ્યું છે.. મેં મારા પુરા પ્રયત્નો કર્યા સંબંધને બચાવવા પણ પછીથી મને લાગ્યું કે એ સંબંધ હતોજ નહી એને મન તો હું હમેશા એક વસ્તુ જ હતી.. જેની સાથે એ જયારે જે ઈચ્છે એ કરી શકે, પોતાના જરૂરિયાત મુજબ રાખી શકે, પોતાનો ગુસ્સો ઠાલવી શકે પોતાના શરીરની ભુખ સંતોષી શકે… તમે અને મમ્મી એ મારા માટે આં છોકરાની પસંદગી કરેલી કે ભણેલો ગણેલો છે એટલે વિચારોથી સમુદ્ધ હશે અને ઘર ખાનદાન સારું છે .. વળી પૈસો ટકો પણ સારો અને પોતે પણ સારી એવી પોસ્ટ પર નોકરી કરે છે એટલે મને ત્યાં કોઈ તકલીફ નહી થાય મારી જીંદગી બની જશે એની સાથે…


પણ પપ્પા આ માન્યતા ખોટી હોય એવું મને લાગે છે… હજી પણ સમાજમાં ઘણા લોકો એજ્યુકેટેડ ઈલલીટરેટ છે… જેમનો એક આ હતો.. પપ્પા તમારી દીકરીમાં ઘણી સહનશક્તિ છે પણ દરેક વસ્તુની એક હદ હોય જ છે એમ મારી હદ એ દિવસે પૂરી થઈ ગઈ… જે દિવસે રાત્રે એની ઓફીસ પાર્ટી પતાવીને એ નશામાં ઘરે આવ્યો ત્યારે સાથે એક છોકરી પણ હતી અને મારી નજર સામે મારાજ બેડરૂમનો દરવાજો બંધ થઈ ગયો… બસ પપ્પા આ મારી સહનશક્તિની સીમાની પાર હતું .. એજ રાતની સવાર પડી અને મેં ઘર છોડી દીધું…


પપ્પા તમેજ મને નાનપણથી શીખવાડતા હતાને કે અત્યાચાર કરવો એ પાપ છે પણ અત્યાચાર સહનકરવો એ એનાથી પણ મોટુ પાપ છે… બસ પપ્પા એ મોટા પાપમાં મારે વધારે નહોતું પડવું… મને યાદ છે જયારે મેં પી.એચ.ડી. નું ફોર્મ ભરેલું ત્યારે બાજુવાળા આંટી મમ્મીને કહેવા લાગેલા કે આં છોકરીઓને આટલું ભણાવીને શું કરવું છે એતો સમયસર એના ઘર ભેગી થાય એટલે ગંગા નાહ્યા .. ત્યારે મમ્મી એ વિશ્વાસથી કહેલું કે એ એના ઘરે જાય ત્યારે એને જીવનમાં કોઈ તકલીફ ના વેઠવી પડે એને કોઈની પર નિર્ભર ના રહેવું પડે એટલે જ એને પગભર બનાવું છું.. મમ્મીનો એ વિશ્વાસ મારે નહોતો તૂટવા દેવો… મમ્મીને ખોટી સાબિત નહોતી થવા દેવી… એક હાથે ઘસડાઈ રહેલા સંબંધનો મે છેડો ફાડી નાંખ્યો…


પપ્પા તમે મનમાં કહેશો કદાચ કે અહિયા રહેવા કેમ ના આવી … પણ પપ્પા આ તો હવે રોજની વાત થઈ.. હું તમારા કે ભાઈ ભાભી માટે કોઈ પણ રીતે અડચણ રૂપ થવા નથી માંગતી… હા હું જાણું છું કે એ મારુજ ઘર છે.. પણ હવે એ ઘરેથી હું એકવાર વિદાય લઇ ચુકી છું હવે હંમેશા માટે ત્યાં પાછી ફરવું એ મારા નિયમોની વિરુદ્ધ છે … હું પી.જી. માં રહું છું અને જોબ પણ સરસ મળી ગઈ છે… હું મારી જિંદગીમાં ખુશ છું… તમારા ચશ્માં અને આંખો બંને લુછી નાંખો…


દુખી થવાની કોઈ જરૂર નથી મને પોતે કોઈ દુઃખ નથી… દુનાયાને ખાતર જાંળવેલા માત્ર નામના સંબંધનો ઓથાર ઉતારીને ઘણા સમય બાદ આજે મનને શાંતિ લાગી રહી છે… મારા જીવનના આ પાંચ વર્ષના પ્રકરણને હું હમેશા માટે બંધ કરી દેવા માંગું છું.. પપ્પા હું મારી લાઈફમાં આગળ વધવા માંગું છું.. તમે અને મમ્મીએ મને જન્મ આપ્યો ભગવાને મને જીવન આપ્યું એને હું ભરપુર જીવવા માંગું છું … પપ્પા હું કુદરતી મૃત્યુ પહેલા મરવા નથી માંગતી…


પપ્પા હું ખુબ હિંમ્મત રાખું છું મારા મુજબ મેં મારી જીંદગી ફરીથી શરુ કરી દીધી છે પણ એમાં મને તમારા સાથની ખોટ વર્તાય છે.. નાની નાની વાતોમાં કંઈ ખરાબ લાગતું કે દુઃખ થતું તો હું તમારા ખોળામાં માથું રાખી રડી લેતી.. અને તમે પ્રેમથી મને પંપાળી સમજાવતા… પપ્પા આજે મારા જીવનની વરવી વાસ્તવિક કપરી પરિસ્થિતિ સામે જ્જુમી રહી છું ત્યારે મને તમારા ખોળાની ખુબ ખોટ સાલે છે .. .. મને વિશ્વાસ છે તમે આં બધું જાણીને તમારા જીગર ના ટુકડાને સમજી જશો… પપ્પા હું ખોટી નથી છતાંય મેં જે કર્યું એ તમને અયોગ્ય લાગતું હોય તો મને માફ કરી દેજો પણ એના શિવાય મને બીજું કંઈ યોગ્ય નહોતું લાગ્યું… પપ્પા એકવાર મને તમારી પાસે બોલાવોને મળવા… મન પર બહુ ભાર લાગે છે મને તમારા ખોળામાં સુવડાવોને… તમારા વિના હું સાવ એકલી પડી ગઈ છું પપ્પા…


લી. વિના વાંકે તમારી માફી ઝંખતી તમારી લાડલી

લેખક : સ્વાતિ સીલ્હર

આ પત્ર વાંચીને એ પિતાએ શું કરવું જોઈએ કોમેન્ટમાં અચૂક જણાવજો, દરરોજ આવી અનેક વાર્તાઓ અને પત્રો વાંચો ફક્ત અમારા પેજ પર.