પાપડ નું શાક – હવે જયારે લીલોતરી શાક જોઈએ એવા નહિ મળે ત્યારે બનાવો આ ટેસ્ટી શાક, બધાને પસંદ આવશે…

ગરમી ના દિવસો આવે અને શાક શુ બનાવવું એની મૂંઝવણ શરૂ થઈ જાય… ત્યારે આવી ઘડી માં અમુક શાક હાથવગા લાગે એમાનું એક છે – પાપડ નું શાક. જો કે પાપડ નું શાક , ખાવા માં બહુ હેલ્ધી ના કહી શકાય એટલે વારંવાર ના બનાવું… બધા ના ઘર ની અલગ અલગ સ્ટાઇલ હોય છે. આજે અહીં બતાવીશ મારા ઘર ની રીત.. દહીં નાખેલ પાપડ નું શાક.
આ શાક રાજસ્થાન અને મારવાડ માં ઘણું પ્રખ્યાત અને લોકપ્રિય છે.

સામગ્રી ::

• 4 થી 5 મગ અડદ ના પાપડ

• 4 થી 5 ચમચી તેલ

• 1 ચમચી જીરું

• 1/2 ચમચી રાઈ

• 1/2 ચમચી હિંગ

• 1 ચમચી લાલ મરચું

• 1/2 ચમચી હળદર

• 2/3 ચમચી ધાણા જીરું

• મીઠું

• 2/3 વાડકો દહીં (બહુ ખાટું નહિ)

• બારીક સમારેલી કોથમીર

• 1 નાની ડુંગળી, બારીક સમારેલી

• 1/2 ચમચી આદુ લસણ ની પેસ્ટ

• થોડો લીમડો

• 1 લીલું મરચું , સમારેલું

રીત ::
આ શાક ડુંગળી, લસણ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં આ શાક માં પાપડ ને લોઢી પર અધકચરા શેકી ને ઉમેર્યા છે, આપ ચાહો તો કાચા પણ ઉમેરી શકાય. બંને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે… એક પેન માં તેલ ગરમ કરો.. ગરમ તેલ માં રાઈ ને જીરું બરાબર શેકો.. ત્યારબાદ હિંગ ઉમેરી ડુંગળી , આદુ લસણ ની પેસ્ટ , લીલું મરચું અને લીમડો ઉમેરો.. બરાબર સાંતળો જેથી ડુંગળી , લસણ ની કાચી વાસ જતી રહે.. ડુંગળી , લસણ બરાબર શેકાય જાય એટલે એમાં મીઠું , મરચું , ધાણા જીરું , હળદર ઉમેરો. આપ ચાહો તો ચપટી ગરમ મસાલો પણ ઉમેરો . બને ત્યાં સુધી ઉનાળા માં ગરમ મસાલો વાપરવો નહીં.. એકાદ મિનિટ માટે શેકો.. ત્યારબાદ એમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરો અને ઉકાળો.. પાપડ ને બાફવા માટે અને શાક માં થોડો રસો કરવા પાણી જોઈશે તો એ પ્રમાણે ઉમેરવું.. પાણી ઉકાળવા માંડે એટલે ગેસ બંધ કરી દો… પીરસવાની 10 મિનિટ ની વાર હોય ત્યારે જ દહીં અને પાપડ ઉમેરવા.. દહીં ઉમેરતા પેહલા પાણી ને ફરી ઉભરો આવે એટલું ગરમ કરો. દહીં ને ચમચી થી ખૂબ ફેંટી લો.. ઉકળતા પાણી માં દહીં ઉમેરો અને સતત હલાવતા રહો.. ગેસ ફુલ જ રાખવાનો છે.. દહીં ઉમેર્યા બાદ ફરી ઉકળવા માંડે ત્યારે પાપડ ના કટકા ઉમેરો અને પાપડ સંપૂર્ણ રીતે બફાય ના જાય ત્યાં સુધી થવા દો.. ઉપર થી બારીક કોથમીર ભભરાવો અને ગરમ ગરમ પીરસો.. પાપડ બફાયા બાદ એવું લાગે કે શાક માં રસો રહ્યો જ નહીં તો આપ ગરમ ઉકળતું પાણી ઉમેરી શકો. કોઈ પણ સંજોગો માં ઠંડુ પાણી ઉમેરવું નહીં.. આ શાક રોટલી , પરાઠા , ભાખરો કે રોટલા સાથે પીરસી શકાય…

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.