રહસ્યમય પેઇન્ટિંગ…પંખે લટકેલી એ યુવતી કેમ એ પેન્ટિંગ તરફ ઈશારો કરી રહી હતી…

પ્રીતિ આજે મનોમન ખૂબ જ ખુશ હતી, કારણ કે આજે તેની પોતાના પરિવાર સાથેના સંઘર્ષમાં પોતાની જીત થઈ હતી, પ્રીતિને આનંદ પોતાના પરિવાર જનોને હરાવવાનો હતો જ નહીં પરંતુ આનંદ એ બાબતનો હતો કે સખત અને આકરી મહેનત અને અથાગ પ્રયત્નોના અંતે પ્રીતિ પોતાના પરિવાર જનોને પોતાના માટે શું યોગ્ય છે, તે સમજાવવામાં સફળ રહી હતી.

પ્રીતિએ ધોરણ 12માં 70 ℅ આવેલ હતાં, અને પોતાને એવી ઈચ્છા હતી કે પોતે બાયોલોજી સાથે બી.એસ.સી કરે, પરંતુ તેના પરિવારે તેના માટે કાંઈક અલગ જ વિચારેલ હતું, પરંતુ તેના પરિવારવાળા માનતા હતા કે છોકરીને 12માં ધોરણ સુધીનું ભણતર ઘણું કહેવાય, અને તેના માતા – પિતાની ઈચ્છા એવી હતી કે પ્રિતી હવે સારો છોકરો જોઈ લગ્ન કરી લે, આથી પ્રીતિની બી.એસ.સી કરવાની ઈચ્છાનું બાળમરણ થઈ રહ્યું હતું, જે પ્રિતીથી જોવાય રહ્યું ન હતું.

આ દરમિયાન પ્રીતિએ જે માનસિક તણાવનો અનુભવ કર્યો તે હાલમાં બધા જ યુવક અને યુવતીઓ અનુભવી રહ્યા હોય છે, જેમાં પરિવારજનો બાળકની ઈચ્છા જાણ્યા વગર જ તેના બોસ બનીને પોતાના વિચારો અને પોતાના નિર્ણયોને પોતાના બાળકો પર ઠોકી બેસાડતા હોય છે, જે આ સમાજ સુશિક્ષિત હોવાની ખોટી ડંફાંસોની ચાડી ખાય રહ્યો હતો.

પરંતુ પ્રીતિની જીદ, મક્કમ અને દ્રઢ નિર્ણય અને કોઈપણ સંજોગોમાં પોતાની ઈચ્છા પ્રમાણે ભણવાની તિવ્ર આતુરતા અને ઉત્કંઠા સામે પોતાના પરિવાર જનોની ખોખરી દલીલોની હાર થઈ, અને અંતે પ્રીતિની જીત થઈ, જેનો તેનો ખૂબ જ આનંદ હતો, અગાવ પણ પ્રીતિની જીદ સામે ઝૂકીને તેના પરિવારજનોએ સાયન્સમાં એડમીશન અપાવેલ હતું.

પ્રીતિનો પરિવાર પ્રીતિની બી.એસ.સી કરવાની ઇચ્છા સાથે સંમત થયો, તે દરમિયાન કોલેજ શરૂ થયાના પંદર દિવસ તો વીતી ચુક્યાં હતાં, પરંતુ પ્રીતિની ભણવા માટેની આટલી ઉત્સુકતાને જોઈને પ્રીતિને બાયોલોજીમાં બી.એસ.સી મા એડમિશન આપ્યું. પ્રીતિની કોલેજ પોતાના ગામથી 120 કિમી દૂર હતી આથી પ્રીતિ પોતાનો બધો જ જરૂરી સામાન લઇ, બીજે જ દિવસે પોતાની ગર્લ્સ હોસ્ટેલે હાજર થવા માટે પહોંચી.

*************************************************
સમય – સવારના નવ કલાક

સ્થળ – રાજકુમારી નંદકુવરબા કોલેજની ગર્લ્સ હોસ્ટેલ

પ્રીતિના ચહેરા પર મુસાફરીને લીધે થાક સ્પષ્ટપણે દેખાય રહ્યો હતો, પરંતુ આ થાક આનંદની રેખાઓ વચ્ચે ક્યાંક દટાય જતો હોય તેવું લાગી રહ્યું હતું.

જાણે કોઈ ઢીંગલીને પંજાબી ડ્રેસ પહેરવામાં આવે અને એ જેટલી મનમોહક લાગે એટલી જ, કદાચ એનાથી પણ વધારે પ્રીતિ મનમોહક લાગી રહી હતી, પંજાબીડ્રેસને લીધે પ્રીતિનું સુડોળ અને ભરાવદાર શરીર વધારે મોહક લાગી રહ્યું હતું, તેનાં દુપટ્ટામાંથી બહાર આવી રહેલા તેના વાંકળિયા અને કાળા ભમ્મર વાળ અને તેના એકદમ અણીદાર નેણો, કોઈ ધનુષ્યના તીરની ધાર કરતા ઉણા ઉતરે તેમ ન હતા, તેના ગુલાબી હોઠ એટલે ગુલાબની પાંખડી, અને તેના ઉપસેલા અને ભરાવદાર ગાલ તો મંત્રમુગ્ધ કરી દે તેવા હતા.આ બધું પ્રીતિના મુખની શોભામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા.

ત્યારબાદ પ્રીતિ હોસ્ટેલમાં વોર્ડનને મળી, અને પોતાનો એડમિશન લેટર તેમને બતાવ્યો. પ્રીતિનો એડમિશન ઓર્ડર જોઈ વોર્ડને કહ્યુ કે … “પ્રીતિ ! બેટા ! તું જાણે છો કે તારું લેટ એડમિશન છે ?” “હા ! મેડમ.” – પ્રીતિએ માથું હલાવતા જવાબ આપ્યો. “ શા માટે તારું એડમીશન આટલું લેટ થયું?” – એક નવાઈ સાથે વોર્ડને પ્રીતિને પૂછ્યું. “ મેડમ ! મારે થોડોક ફેમિલી પ્રોબ્લમ હોવાને લીધે મારું એડમિશન લેટ થયું.” “ પરતું ! બેટા…???” – વૉર્ડન થોડું ખચકાતા બોલ્યો. “ પરંતુ……પરંતુ …શું ??? મેડમ ?” – પ્રીતિએ નિસાસો નાખતા પૂછ્યું.

“ બેટા ! એમાં તકલીફ એ છે કે હાલ હોસ્ટેલમાં દરેક રૂમમાં ત્રણ – ત્રણ વિદ્યાર્થીઓને રાખવામાં આવ્યા છે, અને હાલમાં મારી પાસે કોઈ રૂમ પણ નથી કે જે રૂમ હું તને રહેવા માટે ફાળવી શકુ..” “મેડમ ! પ્લીઝ કંઈક મને થોડાક સમય માટે એવું હોય તો વ્યવસ્થા કરી આપો, પછી જોયું જાશે.” – પ્રીતિએ લાચારી સાથે કહ્યું. “ એક મિનિટ બેટા.” – આટલું બોલી વોર્ડન મેડમે કોલેજમાં પ્રિન્સીપાલશ્રીને ફોન લગાવ્યો અને 10 થી 15 મિનિટ વાત કર્યા બાદ કહ્યું કે…. “ બેટા ! હોસ્ટેલમાં એક રૂમ તો છે પરંતુ તે રૂમ છેલ્લાં 4 વર્ષથી એકદમ બંધ હાલતમાં પડેલ છે, જો તારી ઈચ્છા હોય તો તું તે રૂમમાં રહી શકે છો” “થેન્ક યુ ! મેડમ.” – પ્રીતિએ શબ્દોથી વોર્ડન મેડમનો આભાર માન્યો.

પ્રીતિ પેલા રૂમમાં રહેવા માટે રાજી – રાજી તૈયાર તો થઈ ગઈ પરંતુ તે એ વાતથી તદ્દન અજાણ હતી, કે હવે તેની સાથે જે ઘટના બનશે તેની કલ્પના પોતે સ્વપ્નમાં પણ નહીં કરી હોય.

************************************************
પ્રીતિએ વોર્ડન મેડમ પાસેથી રૂમની ચાવી લીધી અને હોસ્ટેલના આયામાસીની મદદ વડે તે રૂમ સાફ કરાવ્યો, રૂમ સાફ કરતી વખતે આયામાસીએ પ્રીતિને પૂછ્યું કે “બેટા ! તું ખરેખર આ રૂમમાં રહેવા માંગે છો ?” “ હા ! પણ તમે કેમ આટલા ગભરાયેલ અવાજે પૂછી રહ્યા છો,” “કાંઈ નહિ ! બેટા ! પણ થોડીક સાવધાની અને ધ્યાન રાખીને રહેજે.” “ કેમ ? માસી તમે આવું કહી રહ્યા છો.”

“કઇ નહીં બેટા ! બસ તારું ખાસ ધ્યાન રાખજે.” એટલીવારમાં પ્રીતિનું ધ્યાન રૂમની દીવાલ પર લગાવેલ કેનવાસ પર કરેલ પેઈન્ટિંગ પર પડ્યું, જે ઓઇલ પેઇન્ટ વડે દોરેલ એક સુંદર યુવતીનું ચિત્ર હતું, જેનું સૌંદય પ્રીતિના સૌંદયને પણ ઝાંખું પાડે તેટલું આકર્ષક હતું, આ જોઈને પ્રીતિએ આયામાસીને અચાનક એકાએક પૂછ્યું કે “માસી ! આ ચિત્ર તો મારી જેવી કોઈક યુવતીનું જ લાગે છે, આ કોણ છે?” “બેટા ! આ પિક્ચર આ રૂમમાં ચાર વર્ષ પહેલાં રહેતી છોકરી સોનલનું છે.”

સોનલનું પિક્ચર જોયા બાદ તે પિક્ચર પ્રીતિના માનસપટ પર એકદમ ગાઢ રીતે છવાઈ ગયું હતું, પ્રીતિને આ પિક્ચર જોતા એવું લાગી રહ્યું હતું કે તેને સોનલ સાથે કોઈ વર્ષો જૂનો સબંધ હોય, આમ સોનલ સાથે એક લાગણીનું બંધાણ બંધાય ગયું હોય તેવું લાગી રહ્યું હતું………..આ અગાવ પ્રીતિ ક્યારે પણ સોનલ મળી હતી જ નહિ પણ શા માટે આવું લાગી રહ્યુ હતું એનો જવાબ પ્રીતિ પાસે હતો નહીં…..કદાચ આનો જવાબ ભવિષ્યમાં આવનાર સમય જ આપવાનો હશે….?

ત્યારબાદ પ્રીતિ પોતાનો બધો સમાન રૂમમાં વ્યવસ્થિત ગોઠવીને કોલેજ હાજર થવા માટે ગઈ.કોલેજમાં તેને ઘણા નવા મિત્રો મળ્યા, અને ઉત્સાહમાં ને ઉત્સાહમાં પહેલો દિવસ કયા જતો રહ્યો એ ખ્યાલ જ ના રહ્યો… પરંતુ પ્રીતિ એ બાબતથી તદ્દન જ અજાણ હતી કે તેનો પહેલો દિવસ જેટલો ઉત્સાહ અને આનંદમાં વીત્યો…..રાત તેટલી જ ભયાનક અને ડરામણી પસાર થવાની હતી.

************************************************
કોલેજેથી સાંજે 6 વાગ્યે પ્રીતિ હોસ્ટેલ પર પહોંચી, ફ્રેશ થઈ 7 વાગ્યે હોસ્ટેલની મેસમાં જમવા ગઈ, પરંતુ મેસમાં બધા તેની તરફ એક અલગ રીતે જ જોઈ રહ્યા હતાં…કારણ કે તે બધાને જાણ થઈ હતી કે હોસ્ટેલના જે રૂમ વિશે લોકો અવનવી વાતો કરતા હતા તે રૂમમાં આજથી પ્રીતિ રહેવા લાગી છે. ત્યારબાદ રાતના 8 કલાકની આસપાસ પ્રીતિ રોલ કોલ પૂરો કરીને પોતાના રૂમમાં જતી રહી, જેવી તે રૂમમાં દાખલ થઈ કે તેની નજર પોતાના બેડની એકદમ સામે જ લગાવેલ સોનલના પેઇન્ટિંગ પર પડી.

બેડ પર લંબાઈને પ્રીતિ સોનલ વિશે વિચારતા – વિચારતા ક્યારે ઊંઘ આવી ગઈ તેનો પણ ખ્યાલ ન રહ્યો, આમેય તે આજે પ્રીતિને થોડીક વધારે દોડા – દોડી થવાને લીધે એકદમ થાક પણ લાગ્યો હતો.

***********************************************
સમય – અંદાજે રાતના 3 કલાક

સ્થળ – પ્રીતિનો રૂમ

અચાનક એકદમ શાંત વાતાવરણમાં એકાએક તોફાનની માફક એકદમ સુસવાટા મારતો પવન ફૂંકાવા લાગ્યો,રૂમ ની લાઈટો એક્દમથી ઝબક – ઝબક થવા લાગી, બારીઓ પણ વધારે પડતા પવનને લીધે ખુલી ગઈ, એકદમ વેગથી ફૂંકાતો પવન બારીમાં રહેલ ઝાળીમાંથી ઘસાઈને આવતો હોવાથી એક અલગ ડરામણો અવાજ ઉત્પન્ન કરી રહ્યો હતો, બારીઓ પણ એક્દમથી ખોલ – બંધ થવા લાગી, પ્રીતિ એક્દમથી ગભરાય ગઈ, તેનું શરીર પરસેવાને લીધે પાણી – પાણી થઈ ગયું, હૃદયના ધબકારા એકદમ મશીનની માફક વધાવ લાગ્યા, શ્વાસોશ્વાસ વધી ગયાં, આ બધુ જોઈ પ્રીતિ ડરીને બૂમ પાડવા ગઈ, પરંતુ પોતાના મોઢામાંથી એકપણ શબ્દ નીકળ્યો નહી.

ત્યારબાદ પ્રીતિએ પોતાના જ રૂમના પંખામાં એક છોકરીને ગળાફાંસો ખાઈને લટકતી જોઈ, જેના બનેવ હાથ પોતાના બેડની સામેની દીવાલ પર રહેલા પેઇન્ટિંગ તરફ ઇશારો કરી રહ્યા હતા, જ્યારે પ્રીતિએ પેલી લટકતી છોકરીને ધ્યાનપૂર્વક જોય ત્યારે તેના આશ્ચર્ય અને નવાઈનો કોઈ પાર ના રહ્યો કારણ કે એ છોકરી બીજું કોઈ નહિ પરંતુ ચાર વર્ષ અગાવ પોતાના રૂમમાં જે સોનલ રહેતી હતી તે જ હતી…

ત્યારબાદ પ્રીતિ એકદમથી ગભરાઈને એક ઝાટકે પોતાની બેડમાંથી ડરીને બેઠી થઈ અને પોતાના રૂમની લાઈટ ચાલુ કરી, તો તેને નવાઈ લાગી કે પોતાનો રૂમ તો પહેલાની માફક નોર્મલ જ છે, અને પંખા પર પણ કોઈ લટકતું હતું નહી, આથી પ્રીતિએ એક રાહતનો શ્વાસ લીધો અને પોતાના બેડની નજીક પડેલ પાણીની બોટલ ઝાટકાભેર એક જ શ્વાસમાં ઘટ – ઘટ કરતી પી ગઈ.

આ ખરેખર સપનું હતું કે હકીકત એ પ્રીતિને સમજાતું હતું નહિ, પરંતુ ધીમે – ધીમે એ સમજાય રહ્યું હતું કે જરૂરથી સોનલ સાથે કોઈ અણબનાવ બન્યો હશે….શા માટે તેને સોનલ સાથે કોઈ જૂનો સબંધ હોય તેવું લાગી રહ્યું હતું, શા માટે તેને સોનલના રૂમમાં રહેવાનું નસીબે લખ્યું, શા માટે મેસમાં બધા તેની સામે એક અલગ નજરથી જોઈ રહ્યા હતાં…..????…..પ્રીતિને ધીમે – ધીમે આ બધા પ્રશ્નોના જવાબો મળી રહ્યા હતા, અને પ્રીતિએ પણ મનોમન નક્કી કર્યું કે જરૂરથી સોનલ સાથે કંઈક અજુગતું બનેલ હશે….અને પ્રીતિએ સોનલને ન્યાય અપાવવા પોતાનું મન મક્કમ કરી લીધું.

દુનિયામાં ભટકતી આત્મા સાથે એવુ કાંઈક ચોક્કસથી બન્યું હોય છે કે જે ખૂબ જ દુઃખદ હોય, જે કોઈને કોઈ રીતે જણાવવાનો પ્રયત્ન કરે છે, અને જ્યાં સુધી આ આત્માને કોઈ વ્યક્તિ દ્વારા મુક્તિ ન મળે કે ન્યાય ન મળે ત્યાં સુધી તે આ અગોચર વિશ્વમાં ભટકતી રહેતી હોય છે, જે ભાગ્યે જ કોઈને નુકશાન કરે છે, પરંતુ પોતાની હાજરીનો એહસાસ કરાવે છે.

ત્યારબાદ પ્રીતિએ ખૂબ જ વિચાર્યું અને તેને અચાનક યાદ આવ્યું કે પોતે સપનામાં જોયું હતું ત્યારે સોનલના હાથ પેલા પેઇન્ટિંગ તરફ ઈશારો કરી રહ્યા હતા, આથી પ્રીતિને લાગ્યું કે જરૂરથી આ પેઇન્ટિંગમાં સોનલ વિશે કોઈ રાજ કે રહસ્ય છુપાયેલું હશે, આથી તેણે ખૂબ જ મહેનત કરીને દીવાલ પર રહેલ પિક્ચર કાઢવા માટેના પ્રયત્નો કરવા લાગી, ખૂબ જ પ્રયાસ કર્યા બાદ સોનલનું પેઇન્ટિંગ નીકળ્યું,પ્રીતિએ જેવું પિક્ચર દિવાલથી અલગ કર્યું, તો તેના પગ પર કંઇક પડ્યું હોય તેવું લાગ્યું અને તેણે નીચે જોયું તો પિક્ચરની પાછળના ભાગે એક કાગળ ફોલ્ડ વાળીને રાખેલ હતો જે પ્રીતિના પગ પર પડ્યો હતો.

આથી પ્રીતિએ આતુરતાવશ થઈને પેલો કાગળ ઉઠાવ્યો, જેવો એ ફોલ્ડવાળો કાગળ ખોલ્યો, તેની સાથે જ દુઃખને લીધે પ્રીતિની આંખો પહોળી થઇ ગઇ કારણ કે એ કાગળ નહિ….પરંતુ સોનલની સુસાઇડ નોટ….સોનલની આપવીતી બયાન કરતો પત્ર હતો, આથી પ્રીતિએ ઉત્સુકતાપૂર્વક એ સુસાઇડ નોટ વાંચવાનું શરૂ કર્યું….જેમાં લખેલ હતું કે………

“ આ પત્ર જ્યારે તમને મળશે, ત્યારે કદાચ સોનલનું આ દુનિયામાં અસ્તિત્વ નહીં હોય, પરંતુ મારી સાથે જે કાંઈ બન્યું છે તેની સાથે જીવવા કરતા મને મોતને વ્હાલું કરવું એકદમ સરળ લાગ્યું છે…….મારી એક નમ્ર વિનંતી છે કે મારી સાથે જે કઈ બન્યું છે એ હું કોઈને રૂબરૂ કહી શકુ એમ નથી આથી હું આખો બનાવ મારી આ સુસાઇડ નોટમાં લખું છું……જેથી કરીને મારી લાઈફ જેવી રીતે બગડી તેમ બીજા અન્ય કોઈ વિદ્યાર્થીની લાઈફ ન બગડે એટલે મારે આ જણાવવું છે……..

આ નોટ લખુ છું……તેના એક દિવસ પહેલા મને આપણી કોલેજના પ્રિન્સિપાલ આર.કે ચાવડાએ મને કોલેજ પુરી થયા બાદ પોતાની ચેમ્બરમાં મળવા માટે બોલાવી, આથી હું કોલેજ પૂરી કરીને ચાવડા સાહેબને મળવા માટે તેની ચેમ્બરમાં ગઈ,ત્યાં મને ચાવડા સાહેબે કહ્યું કે મારા દ્વારા જે અલગ – અલગ પેઇન્ટિંગ બનાવવામાં આવેલ હતા તે પેઇન્ટિંગને રાજ્યકક્ષાએ પસંદગી મળી છે, આ વાત સાંભળીને મારા ઉત્સાહનો કોઈ પાર ન રહ્યો, પરંતુ મારી આ ઉત્સુકતા લાંબો સમય ટકી નહિ કારણ કે, ત્યારબાદ મને ચાવડા સાહેબે કહ્યું કે હું તને નેશનલ લેવલે પણ ફેમસ બનાવી શકુ છું પરંતુ એના માટે કંઈક કિંમત ચૂકવવી પડશે……

પછી મેં સરને પૂછ્યું કે કિંમત ….કેવી કિંમત…???….ચાવડા સાહેબે કહ્યું કે તારા આ જોબન, યુવાનીનો મને રસપાન કરાવવો પડશે….હવે મને ચાવડા સરની નિયત બરાબર લાગી રહી ન હતી, અને મેં પરિસ્થિતિનો તાગ મેળવી લીધી હતો,જે સરને મેં મારા માતા-પિતા જેટલું સ્થાન આપ્યું હતું તે જ વ્યક્તિ અત્યારે મારી સામે વંશીય દરિન્દો બનીને મારી ઈજ્જત લૂંટવા સુધી તૈયાર થઈ ગયો….

મેં મારી જાતને છોડાવવા માટે ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ હું એકદમ લાચાર બની ગઈ….અને મારી ચિસો કોઈપણના કાન સુઘી પહોંચી નહી, મારી ચીસો માત્ર પ્રિન્સિપાલ સાહેબની ચેમ્બરની દીવાલોએ જ સાંભળી, મારી ચિસો કાયમિક માટે તે ચેમ્બરની દિવાલોમા જ સમાય ગઈ……ત્યારબાદ હું જમીનદોસ થઈને પડી રહી, અને પેલો નરપીંચાસી હેવાન મારા અંગે – અંગ સાથે પોતાની હવસ બુજાવતો રહ્યો, ત્યારબાદ આ દુનિયામાં મારું કોઈ હોય જ નહીં એવું લાગી રહ્યું હતું, મારી વાત પર કદાચ કોઈ વિશ્વાસ નહિ કરે….કારણ કે મેં ચાવડા સાહેબનું એ સ્વરૂપ જોયું હતું કે જે આ દુનિયાએ ક્યારેય જોયું જ ન હતું. મેં જે સ્વરૂપ જોયું હતું એ સ્વરૂપ અને વાસ્તવિક સ્વરૂપ વચ્ચે જમીન – આસમાનનો ફરક હતો…..

ત્યારબાદ હું મારા રૂમમાં આવી અને મને આ બદનામી સાથે જીવવાના બોજ કરતા મોતને વ્હાલું કરવું વધારે સરળ અને યોગ્ય લાગ્યું……આથી મેં મોતને વધુ વ્હાલું કર્યું છે… બસ મારો એક જ આશય હતો કે હું પોતે મારી ઈજ્જત લૂંટતા તો ના બચાવી શકી પરંતુ અન્ય મારી જેવી વિદ્યાર્થીની ની ઈજ્જત બચી જાય, અને પેલા દંભી નરપિચા સી હેવાનને આકારામાં આકરી સજા મળે……..લિ… એક અભાગી વિદ્યાર્થીની……સોનલ પરમાર.

આટલુ વાંચીને પ્રીતિ એકદમ દુઃખી થઈ ગઈ અને તેને સોનલ સાથે બનેલા બનાવથી ખૂબ જ લાગી આવ્યું હતું, અને પોતાની જાત પર શરમ અનુભવી રહી હતી કે તેણે એ જ વ્યક્તિને લીધે આ કોલેજમાં એડમિશન મેળવ્યું છે કે જે એક વંશીય હેવાન અને માનવના રૂપમાં રહેલ હવસનો સેતાન હતો……

ત્યારબાદ પ્રીતિ સોનલનું પિક્ચર ફરીથી એ દીવાલમાં લગાવવા ગઈ પરંતુ તેને એકદમ આશ્ચર્ય થયું…..કારણ કે તે પિક્ચરમાં પેઇન્ટ બાય… સોનલ પરમાર લખ્યું હતું તેના પડછાયા માં લાલ કલરના અક્ષરોમાં એક નંબર ઉપસી આવ્યો હતો, પ્રીતિએ એ નંબર પોતાના મોબાઈલમાં સોનલ કરીને સેવ કરી લીધો.

*************************************************
બીજે જ દિવસે જાગતાની સાથે જ, પ્રીતિએ સવારના 8 કલાકની આસપાસ સોનલ કરીને રાતે પોતાના મોબાઈલમાં જે નંબર સેવ કર્યો હતો, તે નંબર ડાઈલ કર્યો, રિંગ વાગી… “ હેલો !” – પ્રીતિએ ગભરાતા અવાજમાં બોલી. “ હા ! કોણ ?” – સામેની તરફથી ભારે અવાજ સંભળાયો. “ જી ! તમે સોનલને ઓળખો છો?” – પ્રીતિએ પૂછ્યું. “ હા ! સોનલ મારી સગી બેન હતી, અને હું પી.એસ.આઈ અનિલ બોલી રહ્યો છું” “ સાહેબ ! તમારી બેન ….?”

“જી ! મારી બેને આજથી માંડીને ચાર વર્ષ અગાવ પરીક્ષાના ટેન્શનને લીધે આત્માહત્યા કરી હતી.” “સાહેબ ! તામરી બેને આત્મહત્યા કરીએ સાચું છે, પરંતુ એનું કારણ કંઈક બીજું છે, હું તમને રૂબરૂ મળવા માંગુ છું.” “ હા ! ચોક્કસથી, હું પણ” ત્યારબાદ પ્રીતિએ પોતાની તબિયત ખરાબ હોવાનું બહાનું કરીને હોસ્પિટલમાં બતાવવાનું કારણ દર્શાવી, પી.એસ.આઈ અનિલને મળવા ગઈ…. પ્રીતિએ અનિલને સોનલ સાથે જે ઘટના બની હતી તે ઘટના સવિસ્તારપૂર્વક કહી, અને તેની સાબીતી રૂપે સોનલ દ્વારા લખાયેલ સુસાઇડ નોટ અનિલને આપતા કહ્યું,…. “ સાહેબ ! તમારા કાનૂનમાં આકારામાં આકરી જે સજા હોય તે સજા આ પ્રિન્સીપાલને કરજો, કદાચ એ સજા પણ તેના માટે ઓછી પડશે….પરંતુ સજા કરજો…..”

ત્યારબાદ અનિલ પોતે ગુસ્સાને લીધે લાલચોળ થઈ ગયો, પોતાની એકને એક વ્હાલી બેન સાથે આવું અપકૃત્ય કરનારને સજા અપાવવા માટે, જેવી રીતે ભગવાન શિવે તાંડવ સ્વરૂપ ધારણ કરેલ હતું તેવું તાંડવ સ્વરૂપ અનિલે ધારણ કરી લીધું હતું. પ્રીતિ, અનિલની મહેનતથી સોનલને ન્યાય મળી ગયો, અને પ્રિન્સિપાલને આવું અપકૃત્ય આદરવા બદલ આજીવન કેદની સજા કરવામાં આવી….આમ સોનલને ન્યાય તો મળ્યો પરંતુ તેનો જીવ ના બચી શક્યો, પણ ત્યારબાદ સોનલ જેવી ઘણી વિદ્યાર્થિનીઓનો જીવ અને ઈજ્જત બચાવી શકાયા.

મિત્રો આપણા સમાજમાં પણ સોનલ જેવી કેટલી કેટલીય યુવતીઓ એવી છે કે જે પોતાની પરિસ્થિતિ કે પોતાની સાથે બનેલ બનાવ વિશે કોઈ ને કહી શક્તી નથી, શું આ એ જ સમાજ છે કે જેમાં લોકો વુમન એમ્પાવરમેન્ટના નામે મોટા મોટા બૂંગળો ફૂંકીને ખોટી ડંફાંસો મારે છે….???? આ એ જ સમાજની વાત છે કે જે સમાજ માં શિક્ષકને ગુરુ અથવા માતા- પિતા સમકક્ષ સ્થાન આપવામાં આવે છે. બસ આ બધુ અટકાવવા માટે આ સમાજ ને જરૂર છે તો પ્રીતિ જેવી બહાદુર અને નીડર છોકરીની…..અનિલ જેવા એક ભાઈ અને પોલીસ ઓફીસરની………………..

લેખક : મકવાણા રાહુલ.એચ

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ