“આજની પોઝિટિવ સ્ટોરી: ડો.પંકજ એસ.જોશી, કેમ ગુજરાતે આ માણસ વિશે જાણવું જોઈએ? “

ડૉ.પંકજ એસ.જોશીઃ કેમ ગુજરાતે આ માણસ વિશે જાણવું જોઈએ ??

વિશ્વખ્યાત વિજ્ઞાની ડૉ.પંકજ એસ.જોશીની ગુજરાત વિજ્ઞાન એકેડેમીના પ્રમુખ તરીકે વરણી કરાઈ છે ત્યારે તેમના વિશે જાણવાનું ઉચિત લેખાશે. ધર્મપ્રચુર સંસ્થાઓ અને કાર્યક્રમોની ભીડમાં ગુજરાત વિજ્ઞાન એકેડેમીના નામ અને કામની ગુજરાતને ઓછી ખબર હોય તે સહજ છે, પણ અત્યારે એટલું જ કહેવાનું કે વિક્રમ સારાભાઈએ સ્થાપેલી અને પ્ર.ચુ. વૈદ્ય સહિત ઘણા વિજ્ઞાનીઓથી ચાલેલી આ સંસ્થા એક મહત્ત્વની સંસ્થા છે. ગુજરાતમાં વૈજ્ઞાનિક અભિગમ ખીલવવાની વિશેષ જરૂરિયાત છે ત્યારે ડૉ.પંકજ એસ.જોશીની સજ્જતા અને અનુભવનો ગુજરાતે મહત્તમ લાભ લેવા જેવો છે.

image source

હવે વાત કરીએ ડૉ.પંકજ એસ.જોશીની.

તેમના વિશે એક લીટીમાં કહેવું હોય તો એમ કહેવાય કે બ્રહ્માંડનાં રહસ્યો ઉકેલવામાં ઉપયોગી સંશોધનો કરનારા પંકજ એસ..જોશીને માણસના બદલે બ્રહ્માંડના “જોશ” જોવામાં સાર્થકતા દેખાઈ છે.

મનુભાઇ પંચોળી ‘દર્શક’ ઘણી વાર કહેતા કે જે દિવસ ગામના લોકો તલાટીને બદલે શિક્ષકને વધારે મહત્ત્વ આપતા થશે તે દિવસે સાચું સ્વરાજ આવશે. એ જ ઢાળમાં આપણે એમ કહી શકીએ કે જે દિવસે આપણે કથાકારો-સંતો-સ્વામીઓ-ધર્મગુરુઓ-જ્યોતિષો-તાંત્રિકો કરતાં વિજ્ઞાનીઓ-સંશોધકોને વધારે મહત્ત્વ આપીશું ત્યારે સાચા અર્થમાં સુખી થઇશું. “વૈકુંઠ” લઈ જનારાની સાથે બ્રહ્માંડ સમજાવનારાને પણ ઓળખીશું તો વાયરસ મુક્ત દેશ તરફ ગતિ કરીશું.

image source

અત્યારે ડૉ.પંકજ એસ.જોશી ચારૂસેટ યુનિવર્સિટીના કુલપતિ છે અને વલ્લભ વિદ્યાનગરમાં વસે છે, પણ આપણે તેમના મૂળ અને કૂળને જાણવા ભાવનગર જવું પડશે. તેમના પિતાજી શાંતિલાલ રામશંકર જોશી સ્વાતંત્ર્યસેનાની હતા. 1942માં તેમણે 16 વર્ષની ઉંમરે શાળા છોડી દીધેલી. લડતમાં પડ્યા એટલે બરાબરના પડ્યા. પિતરાઇ જિતુભાઇ જોશી સાથે મળીને તેઓ રેલવેના પાટા ઉખાડતા. ક્રાંતિકારી લડતવીરો. સુરત-ગણદેવીમાં તેમની હાક પડતી ને લોકોમાં દેશભક્તિનો સંચાર થતો. એક વખત પોલીસ પાછળ પડી તો નદીમાં સંતાયા જોકે પકડાયા અને જેલમાં ગયા. ત્યાં ઠક્કરબાપા, બબલભાઇ મહેતા વગેરેના સંપર્કમાં આવ્યા.

image source

અહિંસામાં માનતા થયા અને કૉંગ્રેસમાં જોડાયા, પણ કૉંગ્રેસ નીતિ-રીતિ ખાસ જામે નહીં. પોતાનો ભિન્ન મત રજૂ કરે. કોઇકે કહ્યું કે લોટ ફાકવો અને હસવું સાથે ના થાય. તરત કૉંગ્રેસ છોડી, પછી તો તેઓ ગવર્મેન્ટ લો કૉંલેજમાં ભણ્યા. વકીલ થયા. પ્રામાણિકતાથી વકીલાત કરી. પકંજભાઇ આજે પણ પોતાના નામની પાછળ પિતા શાંતિલાલનો એસ અચૂક લગાડે છે. પિતા માટેનો આ આદર નામમાં જળવાઇ રહ્યો છે.(પ્રવીણ ક. લહેરી, પુરુષોત્તમ ગણેશ માવલંકર, રમેશ હ. દવે. મણિલાલ હ. પટેલ આવાં બીજાં કેટલાંક ઉદાહરણો છે.)

પકંજભાઇનાં માતા અરૂણાબહેન જોશીના પિતા ચંદ્રશંકર યાજ્ઞિકે શિહોર વગેરે વિસ્તારમાં ખૂબ કાર્ય કર્યું. ટૂંકમાં તેઓ વારસામાં સામાજિક દાયિત્વની ભાવના અને રાષ્ટ્રપ્રેમ પામ્યા હતા.

1953માં જન્મેલા પકંજભાઇને ભાવનગરમાં એ વખતે જામેલી શિક્ષણની સાચી આબોહવાનો લાભ મળ્યો હતો. તેઓ ઘરશાળાના વિદ્યાર્થી. ઘરશાળા ને યાદ કરતાં તેઓ મહેશભાઇ વસાવડા, હરભાઇ ત્રિવેદીને આદર અને પ્રેમ સાથે યાદ કરે છે. નાનભાઈ ભટ્ટે તેમનું માત્ર પાંચ રૂપિયામાં લગ્ન કરાવેલું. આવા તો બડબાગી.

તેમણે કૉલેજ કરી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં. નાનપણથી જ તેમને સંશોધનમાં રસ પડવા માંડેલો. બ્રહ્માંડ વિશે અપાર જિજ્ઞાસા થતી. સાવ નાના હતા ત્યારથી તેમણે અવનવા પ્રયોગો કરવા માંડેલા. સૂર્યોદય કે સૂર્યાસ્ત, ચાંદની, પુનમ કે અમાસ… આ બધું કેમ અને કેવી રીતે થાય છે તેવા પ્રશ્નો તેમને સતત થતા. બાળમાનસ આ ઊભા થયેલા પ્રશ્નો દોડીને ભાગી જાય તે પહેલાં તેના જવાબો શોધતું.

જિજ્ઞાસાવૃત્તિનો એક છેડો તેમને બ્રહ્માંડનાં રહસ્યો શોધવા સુધી લઇ ગયો. તેઓ પ્રખ્યાત વિજ્ઞાની જયન્ત નારલીકરના સંપર્કમાં આવ્યા. તેમણે પ્રોત્સાહન અને માર્ગદર્શન બન્ને આપ્યાં અને જાણે કે બ્રહ્માંડને સમજવાની એક બારી ખુલી ગઇ.

image source

ડૉ.પંકજ એસ.જોશીનું પ્રદાન શું છે ?

તેમણે બ્લેક હોલ વિશે રજૂ કરેલી નેકેડ સિંગ્યુલારિટી નામની થિયેરીનો વિશ્વસ્તરે સ્વીકાર થયો છે. બ્લેક હોલ અને તારાના મૃત્યુ પછીની સ્થિતિ અંગે ડૉ. પંકજ એસ.જોશીએ કરેલું સંશોધન વૈશ્વિક બન્યું છે. 1970માં ડૉ. સ્ટિંફન હોકિંગે એવી થિયેરી રજૂ કરી કે આપણા સૂર્ય કરતાં લગભગ ત્રણ-ચાર ગણા વધુ મોટા તારા(સ્ટાર્સ)નું મૃત્યુ થાય ત્યારે બ્લેકહોલ બને છે. ડૉ. જોશીએ વિશ્વને પહેલી વખત એવી વિગત આપી કે બ્લેકહોલની ગતિવિધિ કઇ હોય છે અને તેનાં પાસાં કયાં કયાં છે ?

જેમને બ્રહ્માંડમાંથી આવતાં ગુરૂત્વાકર્ષણનાં તરંગોની શોધ માટે નોબલ પ્રાઇઝ મળ્યું તે કીપ થોર્ન અને સ્ટીફન હોંકિગ તેમની થિયેરી સ્વીકારી હતી. તેમના સંશોધનને ધ્યાનમાં લઇને સ્ટીફન હોકિંગે તેમને 1983માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આમંત્રણ આપીને બોલાવ્યા હતા. સ્ટીફન હોકિંગને તેઓ પોતાના ગુરૂ માનતા. તેઓ કહે છે કે સંશોધનની પ્રક્રિયામાં અંતસ્ફૂરણા, તર્ક અને ગણિત મહત્વનાં છે. આપણે હેતુ નક્કી કરીને મહેનત કરીએ અને સમગ્ર સ્થિતિને સમજીએ એટલે કાર્યમાં સુગંધ ભળે.

ડૉ. પકંજ એસ. જોશી મુંબઇસ્થિત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રીસર્ચના ડિપાર્ટમેન્ટ ઑફ એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સમાં સિનિયર પ્રોફેસર હતા (અને છે.) તેમનો બાયોડેટા નવ પાનાનો છે તેમણે કરેલાં સંશોધનો અને તેની અસરનાં 12 પાનાં છે. આ બધું વાંચીને ગૌરવ થાય કે અમને મહેણું ના મારો કે ગુજરાતીઓ માત્ર વેપાર કરી જાણે. ડૉ. પંકજ એસ.જોશીના સંશોધનોએ અને એવોર્ડ અને ફેલોશીપ પ્રાપ્ત કર્યાં છે. વિશ્વનાં ટોચનાં જર્નલોમાં તેમના લેખો-સંશોધનો અને સામાયિકોએ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાની સંસ્થાઓ અને સામાયિકોએ તેમના કાર્યને સ્વીકાર્યું અને બિરદાવ્યું છે.

હમણાં જો એમને પશ્ચિમના કોઇ દેશમાંથી કોઇ મોટું ગણાતું ઇનામ કે ઇલકાબ કે એવોર્ડ મળશે તો આપણે હરખપદુડા થઇને તેમને ઓવારણાં લઇશું. એટલે વિશ્વ સિક્કો મારે ત્યાં સુધી રાહ જોવાની ? અને વૈશ્વિક કક્ષાએ તો તેમના કાર્યની નોંધ એક-બે વાર નહીં અનેક વાર લેવાઇ જ છે !

image source

મૂળ વાત ગુજરાતીઓના દૃષ્ટિકોણની છે. ગુજરાતીઓએ સમજ્વું પડશે કે માત્ર ધનની પાછળ દોડવામાં જીવન નથી, અને તેઓ એ પણ જાણી લે કે સંશોધન પણ એક પ્રકારનું ધન જ છે. વિવિધ ક્ષેત્રમાં સંશોધન કરતાં આપણાં કર્મષ્ઠ લોકોને આપણે વારંવાર બિરદાવવા જોઇએ. કથાકારો, સ્વામીઓ કે સંતોને આપણે જરૂર માન આપીએ. તેનુંય મહત્ત્વ છે, પણ તેમાં અતિરેક ના કરીએ. તેમને અમાપ સન્માન આપીએ અને સમાજના આવા સાચા હીરોની બિલકુલ ઉપેક્ષા કરીએ તો આપણે નવી પેઢીના ગુનેગાર બનીએ.

વિજ્ઞાન કે ભૂગોળ, ટેકનોલોજી કે મેડિકલ સાયન્સમાં આપણે એક દેશ તરીકે ઘણા પાછળ છીએ. લગ્નપ્રસંગે વધેલા એંઠવાડ જેટલી રકમ સંશોધન માટે ફાળવવાની ટેવ હજી આપણે છોડી નથી. બીજા દેશો સંશોધનો પાછળ માતબર રકમ ફાળવીને જબરજસ્ત આગળ વધી રહ્યા છે અને આપણે હજી તેનું મહત્વ પીછાણતા નથી. જેટલા વહેલા જાગીશું એટલું સારું છે. ક્યારેક એવું લાગે છે કે સવાર રાહ જોઇ રહી છે અને આપણે ઘોરી રહ્યા છીએ.

ડૉ. પંકજ એસ. જોશીએ ગુજરાતનું નામ એ અર્થમાં રોશન કર્યું કે જે ક્ષેત્રમાં જૂજ ગુજરાતીઓ જાય છે ત્યાં તેઓ ગયા અને વિશ્વખ્યાત થયા. ઉદ્યોગપતિઓ તો અનેક થાય, પણ વિજ્ઞાની કેટલા પાકે? ડો. પંકજ એસ.જોશી એક સરસ વાત કરે છેઃ આપણે પૈસા બનાવીએ તો બનાવવાની મહેનત, તે બનાવવા જુદા જુદા તરીકા-રસ્તા અપનાવવાના, પૈસા બની જાય પછી તેને સાચવવાની ચિંતા. તેના બદલે કોઇ સેવા કે સંશોધનની પ્રવૃત્તિ કરીએ તો આવી કોઇ પ્રકારની ચિંતા નહીં, અને જ્યારે સફળતા મળે ત્યારે જીવન સાર્થક થયું હોય તેવું લાગે ! ખરેખર, ગાંઠે બાંધી રાખવા જેવી વાત !

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ