પાનેતરનો રંગ લાલ – છેલ્લે સુધી વાંચજો.. દિલને સ્પર્શી જશે આ સ્ટોરી !!! આયુષી સેલાણી ની કલમે !!

અરે જલ્દીથી જાગો સાહિર. સાત વાગી ગયા છે.. આજે તમારે જવાનું નથી જોગિંગમાં. ને જીમ પણ તો છે આઠ વાગ્યાનું.!”

શ્વેતાન્શી તેના પતિ સાહિરને કહી રહી હતી.. ઝાંકળભરી સવારનો સાત વાગ્યાનો સમય હતો.. શિયાળાની સવાર એટલે બહાર આમ તો અંધારું જ હતું. અથાગ પરિશ્રમ કર્યા બાદ જેવા કોઈ યૌવનાના શરીર પર ઝીણા પ્રસ્વેદ બિંદુઓ થઇ જાય તેવી દરેક પાંદડે ઝાંકળ ખીલી હતી.. ખુશનુમા આવી સવારમાં શ્વેતાન્શી તેના પતિને જગાડવાનો પ્રયાસ કરી રહી હતી.. કે અચાનક જ સાહિરે શ્વેતાન્શીને પોતાના પર ખેંચી લીધી.


“અરે મારી રાણી, તું તો સાત વાગ્યામાં તૈયાર થઇ જાય છે.. મસ્ત મસ્ત સાડી પહેરીને તારી પાતળી કમર વડે મને મોહિત કરી દે છે.. પણ તારા બિચારા પતિ પર તો રહેમ કર.. રાતના ત્રણ વાગ્યે આવ્યો છું ઓફિસેથી. ને અત્યારમાં કેમ ઊંઘ ઉડે..?! એક કામ કર ચાલ ને તુંય સુઈ જ મારી સાથે ડાર્લિંગ.” ને એટલું કહેતા જ સાહિરે શ્વેતાન્શીની સાડી ખેંચીને તેને પોતાના હોઠો તરફ ઢાળી દીધી. તે પ્રગાઢ ચુંબન સાહિર અને શ્વેતાન્શીના સુખી લગ્નજીવનની નિશાની હતું.

શ્વેતાંશીને સાહિર પહેલી નજરમાં જ ગમી ગયેલો. સફેદ શર્ટ અને બ્લેક ફોર્મલ ટ્રાઉઝર્સમાં આવેલો સાહિર તેની બ્લેક ફ્રેમને જયારે આંગળી વડે ઉપર નીચે કરતો હતો ત્યારે જાણે અમિતાભ બચ્ચનની કોપી જ લાગતો. છ ફૂટની હાઈટ અને ખડતલ દેહ.. રાજેશ ખન્ના જેવી મુસ્કાન ને અમિતાભ બચ્ચન જેવો અવાજ. બધી રીતે સુયોગ્ય એવો સાહિર લોકલ કંપનીમાં જનરલ મેનેજર હતો.. સામે પક્ષે શ્વેતાન્શી પણ ક્યાંય ઉતરતી નહોતી જ ને વળી..

કથકમાં વિશારદ કરી ચુકેલી તે ચોવીસ વર્ષની ઉંમરે શહેરની પ્રખ્યાત કોલેજમાં પ્રોફેસર હતી.. રંગે ને રૂપે પુરી એવી શ્વેતાન્શી પણ પાંચ આઠની હાઈટ ધરાવતી હતી. ફુલગુલાબી અધરો અને નિર્દોષ મુસ્કાને કંઈ કેટલાયને આજ સુધી ઘાયલ કર્યા હતા.. તે હંમેશા કોલેજમાં સાડી પહેરીને જ જતી.. એટલે પેલી મેહુનામાં સુસ્મિતા સેન જેવી લાગતી તેવો જ શ્વેતાન્શીનો વટ હતો.. પરંતુ તેનો શાહરુખ તેને પિતાજીએ ગોઠવેલી લગ્ન માટેની મુલાકાતમાં મળી ગયો.. તેને પહેલેથી જ એરેન્જ મેરેજ કરવા હતા.. સાહિરના પિતાજી અને તેના પિતાજી બન્ને મિત્રો હતા.. અને તેમની એ મિત્રતા હવે સંબંધમાં ફેરવાઈ ગઈ હતી..

Hindu Indian Wedding Marriage Ring Hastmelap

લગ્ન પછી શ્વેતાંશીનો સંસાર ખુબ સુખી હતો.. સાહિર તેને અત્યંત પ્રેમ કરતો. સાસુ-સસરા તો ભગવાનના ઘરના માણસ હતા.. સો ટચના સોના જેવા બિલકુલ. કોઈ બાબતમાં ખોટી કચકચ જ નહીં.. શ્વેતાન્શી અને સાહિર રોજ રાતના બહાર ફરવા જતા… લગ્ન નવા નવા હોય ને જાય તો બરાબર પણ આ તો લગ્નના ત્રણ વર્ષ પછી પણ બંને આ રીતે જ બહાર જતા.. તેમના મિત્રો અને સંબંધીઓ પણ કહેતા કે નજર ના લાગે કોઈની એવી સુંદર જોડી છે બંનેની.

“સાહિર, બસ હવે હો… ચાલો જવા દ્યો મને.. હું આમ સુઈ ના રહું કાંઈ. કોલેજના કેટલા પેપર્સ તપાસવાના છે અને પછી આજે મમી પાપાને લઈને મંદિરે દર્શન કરવા પણ જવાનું છે.. મમી કહેતા હતા કે હમણાંથી ક્યાંય ગયા નથી તો આજે બધા જ મંદિરોના દર્શન કરી આવીએ.!” “બસ આ જ વાત તો મને તારી ગમે છે સ્વીટહાર્ટ. તું મારું ધ્યાન તો રાખે જ છે.. સાથે સાથે ઘરની તમામ જરૂરિયાતો અને માતા પિતાનું ધ્યાન પણ એટલું જ રાખે છે.. તને કોઈ પ્રકારની કચકચ નથી.. ભગવાન જન્મોજન્મ તારા જેવી પત્ની મને આપે..!!”

“બસ બસ હવે.. બહુ વહાલ કર્યું હવે.. ચાલો હું જાવ હવે રસોડામાં. આજે મમી-પાપા માટે ગરમ ગરમ ઉપમા બનાવવો છે.. તમને તો ભાવતા નથી ને સાહેબ એટલે તમારા માટે નાસ્તામાં પરોઠા બનાવું છું.. ચાલો તૈયાર થઈને નીચે આવો.. ને હા ગાડીની ચાવી રાખતા જજો.. આજે તમે એક્ટિવા લઈને જજો…! મમી-પાપાને રિક્ષામાં નહિ ફાવે.!”

વાતચીતનો દોર પૂરો કરી શ્વેતાન્શી સાહીરથી અળગી થઈને નીચે ગઈ.. સાહિર પણ ચહેરા પર મુસ્કાન સાથે નાહવા ગયો.. કપડાં ને બધું જ શ્વેતાન્શી બાથરૂમમાં મૂકીને રાખતી.

શ્વેતાન્શી જે કોલેજમાં પ્રોફેસર હતી ત્યાં તેની ડેસિંગનેશન હવે સિનિયરની થઇ ગઈ હતી.. કોલેજના છોકરાઓ હોય કે પ્રોફેસર્સ બધાને શ્વેતાન્શીનો સ્વાભાવ અને તેની ભણાવવાની પદ્ધતિ ખુબ જ ગમતી. રોજ સવારે તે સાહિરને જગાડીને તેના માટે અને સાસુ-સસરા માટે ગરમ ગરમ નાસ્તો બનાવતી.

નાસ્તો બનાવીને બધા સાથે જ આઠ વાગ્યે ડાઇનિંગ ટેબલ પર બેસતા. ત્યારબાદ સાહિર નવ વાગ્યે ઓફિસે જવા રવાના થતો ગાડી લઈને અને શ્વેતાન્શી બપોરના જમણની તૈયારીમાં લાગી જતી.. અગિયાર વાગ્યા સુધીમાં જમવાનું બનાવીને તે ઘરના સઘળા કામ આટોપીને સાડા અગિયારે પોતાનું એક્ટિવા લઈને કોલેજ જવા નીકળતી. સાદગી તો તેનામાં ખૂટી ખુંટીને ભરી હતી.. તેનો પગાર સાહિર કરતા બે ગણો વધારે હતો છતાંય જ્યારે સાહિરે તેને ગાડી લઈને જવાનું કહ્યું ત્યારે તેણે જવાબ આપેલો કે,

“સાહિર, મને કોઈ ખાસ ગાડીની જરૂર નથી.. ફક્ત ભપકો ઉભો કરવા ગાડી લઈને જવાનો મતલબ નથી.. કોલેજ અહીંથી પાંચ કિલોમીટરના અંતરે જ છે.. ને તમારે ઓફિસ પંદર કિલોમીટર છે.. પાછો હાઇવે પણ ખરો ને.. એટલે તમારે વધારે જરૂર છે.. હું તો આ એક્ટિવા લઈને જતી રહીશ. મને તો એમાં બહુ ફાવે છે..”

સાહિરે શ્વેતાન્શીની વાત સાંભળીને તેને ચૂમી લીધી હતી..તે જાણતો હતો કે આ બધી કહેવાની વાતો છે.. હાઇવે તો શ્વેતાંશીને પણ ક્રોસ કરવો જ પડે છે પરંતુ પોતાને એક્ટિવા લઈને ના જવું પડે તેથી તે આવા બહાના કાઢે છે.. બાકી જે કોલેજના સ્ટુડન્ટ્સ પણ ગાડી લઈને કોલેજ આવતા હોય તે કોલેજમાં પ્રોફેસર એક્ટિવામાં આવે તો કેવું લાગે.! આવું તો ઘણુંય હતું જે વર્ણન કરી શકાય તેમ નથી.. નાની નાની વાતોથી શ્વેતાન્શી સાહિરને હંમેશા એવું મેહસૂસ કરાવતી કે તેના થકી જ પોતે છે.. અને તેના વગર તે અધૂરી છે.. ત્યાં સુધી કે જમ્યા પછી સાહિરને પોતાની ડીશ ઉપાડવાની ચોખ્ખી મનાઈ ફરમાવેલી શ્વેતાન્શીએ. પાણી પીવું હોય તો સાહિર જેટલી વાર કે એટલી વાર ભરીને આપતી પરંતુ તેને રસોડામાં આવવાનું જ નહીં. તે કહેતી, “પતિનું કામ પત્નીને પ્રેમ કરવાનું છે બીજું કશું તેને ના શોભે….”

સાહિર આ સાંભળીને હંમેશા તેના પર ગુસ્સે ભરાતો. અને કહેતો, કે “શ્વેતાન્શી આવું બધું કરીને તું મને પાંગળો બનાવી રહી છે.. મારા માતા-પિતાને આ સેવાની જરૂર છે અને તારી ફરજ પણ છે.. પરંતુ આ રીતે મારા માટે તું જે કરે છે તે મારે તારા માટે પણ કરવું જ જોઈએ. તું ગૃહિણી જ છે ફક્ત એવું તો નથી.. ઘર સાથે સાથે કોલેજ પણ સંભાળે છે.. ક્યારેક તો તને પણ થાક લાગે ને સ્વીટહાર્ટ.!”

“સાહિર, થાક લાગશે ત્યારે તમને સામેથી કહીશ બસ.. ત્યારે પગ દબાવી આપશો તો પણ ના નહિ કહું.” ને વાત ત્યાં જ પુરી થઇ જતી. શ્વેતાન્શીના કોલેજમાં આજે એન્યુલ ફન્કશન હતું તેથી ટ્રસ્ટીઝ પણ આવના હતા.. ફંક્શનની સઘળી જવાબદારી શ્વેતાન્શીએ ઉપાડેલી।. એક સફળ કાર્યક્રમ બાદ છેલ્લે જ્યારે ટ્રસ્ટીની સ્પીચનો સમય થયો ત્યારે તેમણે કહ્યું,

“આ કોલેજને એક વ્યક્તિએ પોતાનું મંદિર માન્યું છે.. તેમના અથાગ પરિશ્રમને કારણે કોલેજ આજે એક એવા મુકામ પર પહોંચી છે જ્યાંથી સફળતાની સીડી સોનેરી થઇ ગઈ છે.. અમે તેમને સન્માનિત કરવા માગીએ છીએ.. અને તેના માટે થઈને તેઓને કોલેજના નવા પ્રિન્સિપાલ તરીકે નિયુક્ત કરવામાં આવે છે.. હાલના પ્રિન્સિપાલ નિવૃત થઇ રહ્યા છે અને તેમના તરફથી જ આ નામ માટેનું સૂચન કરવામાં આવેલ છે.. તો મિત્રો આપ સૌ આતુર છો જાણવા કે કોણ હોઈ શકે..?”

“હા… “બિલકુલ. “અમને એક નામ માટે ખાતરી છે.. જલ્દી કહો સર..” બધેથી અવાજો આવી રહ્યા હતા.. “એચ.ડી કોલેજના નવા પ્રિન્સિપાલ છે ડોક્ટર શ્વેતાન્શી ઠક્કર.. હું તેમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે.”

શ્વેતાન્શી આ સાંભળીને સહેજ વાર માટે તો ચોંકી જ ગઈ. સપનેય ના વિચાર્યું હોય એ હકીકતમાં બની રહ્યું હતું. લગ્ન બાદ આ બીજી એવી ક્ષણ હતી જયારે તે સૌથી વધારે હરખાઈ રહી હતી. નાની હતી ને સ્કૂલમાં બધા ટીચર ટીચર રમતા ત્યારથી જ એક શિક્ષક, એક અધ્યાપક બનવાનું નિર્ધારિત કરેલું. સાસરિયાંઓનો સ્નેહ એટલો કે એ લોકોએ હંમેશા તેના દરેક નિર્ણયમાં સાથ આપ્યો. પીએચડી કરેલું જયારે એક વર્ષ પહેલા અને નામની આગળ જે ડોક્ટરની તકતી આવી હતી એ અદભુત ક્ષણ હતી.. અને આજની આ ક્ષણ પણ કંઈક તેવી જ હતી. શ્વેતાંશીનું નામ સાંભળતા જ વિદ્યાર્થીઓ ખુશ થયા. તેને ચીયર અપ કરવા લાગ્યા. બધાનો પ્રેમ જીલીને એચ.ડિ.કોલેજની નવી પ્રિન્સીપાલ શ્વેતાન્શી ઠક્કર ઘર તરફ રવાના થઇ.

ઘરે પહોંચતાવેંત જ શ્વેતાન્શીએ સાસુ-સસરાને આ સમાચાર આપ્યા. તે લોકોને પણ ખુબ ખુશી થઇ.. આશીર્વચનો સાથે તે વડીલોએ શ્વેતાન્શીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા પ્રયત્ન કર્યા. શ્વેતાન્શી સાહિરને આ વાત કહેવા ઉતાવળી થઇ ગઈ હતી.. પરંતુ ફોન પર તે કંઈ જ કહેવા નહોતી માગતી. તેણે સાહિરની રાહ જોવાનું મુનાસીબ માન્યું. સાહિર હંમેશા પોતાની પ્રગતિમાં સામીલ થયો છે.. ક્યારેય તેણે અણસાર પણ નથી આવા દીધો કે તેનો પગાર શ્વેતાન્શી કરતા ઓછો છે પરંતુ ઘરમાં તો તે પત્ની જ છે.. અને એક સ્ત્રી જ છે.. વુમન એમ્પાવર્મેન્ટને સાહિરે હંમેશા હૃદયથી આવકાર્યું છે.. ત્યાં સુધી કે અમુક વાર પોતે સૂતી હોય થાકીને, તો પતિ સાહિર તેના પગ પણ દબાવી આપે છે.. સાહિર પોતાના સમ આપીને તેને ચૂપ કરી દે છે.. બન્ને વચ્ચે અદ્વિતીય પ્રેમ છે..

અચાનક ગાડીનો અવાજ સાંભળ્યો શ્વેતાન્શીએ.. તે દોડીને દરવાજે ગઈ.. અને દરવાજો ખોલ્યો. જોયું તો સામે સાહિર ઉભો હતો.. પણ તેનું મોઢું દેખાતું નહોતું એટલું મોટું બુકે તેના હાથમાં હતું… હજુ તો પોતે કંઈ કહેવા જાય એ પહેલા જ તે બોલ્યો।.


“માઈ ડીયર વાઈફી, મારા ઘરની પ્રિન્સિપાલ આજે કોલેજની પણ પ્રિન્સિપાલ બની ગઈ તેની મને અત્યંત ખુશી થઇ.. અભિનંદન લવ… આજે સાંજે આપણે બહાર જમવા જઈએ છે.. તું ને હું… મમી-પાપા માટે જમવાનું બનાવી રાખજે.. આપણી સ્પેશિયલ ડેટ છે.” શ્વેતાંશીને આનંદ પણ થયો અને થોડી નવાઈ પણ લાગી કે સાહિરને કઈ રીતે ખબર પડી. “મને આપણી કોલેજના ટ્રસ્ટીનો ફોન આવ્યો હતો મેડમ. એમણે કહ્યું મને.. આઈ નો તારે સરપ્રાઈઝ આપવી હશે પણ હવે હું તને સરપ્રાઈઝ આપીશ। હવે કામ પતાવીને જલ્દી તૈયાર થઇ જા…”

શ્વેતાન્શી આ સાંભળીને મનમાં ને મનમાં મલકાવા લાગી. શું સરપ્રાઈઝ આપવી હશે કોણ જાણે સાહિરને. વિચારતા વિચારતા રસોડામાં ગઈ.. બધું કામ આટોપ્યું અને આઠ વાગ્યે ઓરડામાં જઈને તૈયાર થવા લાગી. સાહિર કોઈ કામસર બહાર ગયેલો અને કહી ગયેલો કે તૈયાર રહેજે.. શ્વેતાન્શીએ પોતાની મનપસંદ લાલ રંગની સાડી કાઢી અને તેની સાથે ગોલ્ડન બ્લાઉઝ કાઢ્યું. નાહીને તે બહાર નીકળી ત્યારે તેના લાંબા ભીના વાળમાંથી જે બિંદુઓ પડી રહ્યા હતા તે તેના ગૌર મુખને ઓર આકર્ષિત બનાવી રહ્યા હતા..

શ્વેતાન્શીએ કપાળની વચોવચ ગોળમટોળ લાલ ચાંદલો કર્યો અને કાનમાં સાહિરે હનીમૂનની રાતે ગિફ્ટ આપેલી સોનાની બુટ્ટી અને ગાળામાં મંગળસૂત્ર પહેર્યું. સિંદૂરની ડબ્બી લઈને તેમાંથી કંકુ લઇ પોતાનો સેંથો પૂર્યો અને તૈયાર થઇ સાહિરના સ્વ્પ્નમાં ખોવાઈ ગઈ… તેને યાદ આવી ગયું લગ્ન સમયે તેણે મમી પાસે લાલ પાનેતર અપાવવાની કેવી જીદ કરેલી. હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિમાં આમ તો લાલ જ પાનેતર હોય.. પરંતુ હવેના જમાના પ્રમાણે યુવતીઓ સફેદ ને લીલા રંગના ચોલી પહેરવા લાગી છે.. તેના સાસુને જે પસંદ આવી ગયેલું તે પાનેતર તેણે લીધું હતું.


તેમાં લાલ રંગ બહુ ઓછો હતો ને લીલો વધારે.. તેની ઈચ્છા આખું લાલ પાનેતર પહેરવાની હતી તેથી તે સહેજ ઉદાસ થઇ ગયેલી પણ સાસુની ઈચ્છાને માન આપીને તેણે એ પાનેતર પહેર્યું હતું. એ પછી જ્યારે સાહિરને ખબર પડી કે તેને લાલ રંગ પ્રત્યે બહુ લગાવ છે ત્યારે તે પોતાના માટે લાલ રંગની સાડી લાવ્યો હતો.. આ તેની પસંદની સાડી હતી જે તેણે આજે પહેરી હતી. ત્યાં જ બહારથી સાહિરનો અવાજ આવ્યો અને તે સાંભળતા જ તે સાસુ-સસરાને મળીને બહાર તરફ ગઈ..

“આવો રાણીસાહિબા. બેસો બેસો. બંદા તમારી સેવામાં હાજર છે..” દરવાજો ખોલીને સાહિરે શ્વેતાન્શીને બેસવા કહ્યું અને પોતે ડ્રાઇવર સીટ તરફ જઈને બેઠો. શ્વેતાન્શી આજે ખરેખરમાં રાણી હોય તેવું જ મેહસૂસ કરી રહી હતી.. સાહિર તેને શહેરના સીમાડે લઇ જઈ રહ્યો હતો તેવું શ્વેતાંશીને લાગ્યું. અચાનક જ સાહિરે એક જગ્યાએ ગાડી ઉભી રાખી દીધી. આજુબાજુ અંધકાર હતો અને ફક્ત ગાડીની હેડલાઈટ્સ નો જ ઉજાસ હતો.. શ્વેતાન્શીનો હાથ પકડીને તેણે ગાડીમાંથી તેને નીચે ઉતારી અને તે આગળ આગળ ચાલવા લાગ્યો. અચાનક શ્વેતાન્શીએ જોયું તો આગળ ચારેબાજુ લાઇટ્સનો જગમગાટ હતો.. ઠેર-ઠેર લાઇટ્સની ચમક હતી.. એક મેદાન હતું અને તેની વચોવચ એક ડિનર ટેબલ હતું.. સાહિર શ્વેતાંશીને ત્યાં લઇ ગયો અને કહ્યું,


“ડાર્લિંગ, અહીં જેટલું જમવાનું છે બધું જ મેં બનાવેલું છે.. તે મને ના કહી હતી મને યાદ છે પરંતુ હું મારી જાતે શીખતો હતો તને ખવડાવવા માટે. યોગ્ય સમયની રાહ જોતો હતો.. આનાથી વધારે યોગ્ય સમય તો કયો હોય શકે..!!! ચાલ આવી જા પછી તારા માટે હજુ પણ કંઈક છે.. બન્ને સાથે જમ્યા. સાહિરે પોતાના હાથે શ્વેતાંશીને જમાડી. પછી તેને કહ્યું હવે ફરી આગળ ચાલ… બન્ને થોડા આગળ ચાલ્યા ને આગળ શ્વેતાન્શીએ જોયું તો એક પલંગ હતો અને તેના પર ઠેર ઠેર લાલ પાનેતર પડ્યા હતા.. લગભગ વીસ-ત્રીસ જેટલા પાનેતર હશે.. શ્વેતાન્શી આ બધું જોઈને આભી જ બની ગયેલી.

“સાહિરરરરર.. આઈ લવ યુ… આ બધું જોઈને મને શબ્દ નથી જડતા. હું શું કહું. તમારો પ્રેમ. સાહિર તમે મારી જિંદગી છો.. હું તમારા વગર અધૂરી છું.. થેંક્યુ સાહિર. થેંક્યુ.!!”

“અરે આટલું જ નથી.. શ્વેતુ આમાંથી તને ગમે એ પાનેતર પસંદ કર.. તું જેના પર હાથ રાખે એ તારું.” શ્વેતાન્શીએ એક પાનેતર પસંદ કર્યું અને સાહિરના હાથમાં આપ્યું. સાહિરે તે લીધું અને બંને થોડા આગળ ચાલ્યા. આગળ એક ગાડી પડી હતી.. શ્વેતાંશીના મોભાને છાજે તેવી ગાડી. સ્ટેટ્સને અનુરૂપ ગાડી ત્યાં હતી.. શ્વેતાંશીને હવે રડવું આવી ગયું. ખુશીના આંસુ આવી ગયા તેની આંખમાંથી.

“શ્વેતા, તારો પ્રેમ અદભુત છે.. મને ખબર છે તે મારા માટે કેટલું જતું કર્યું છે.. આ ગાડી તારા માટે બહુ જ નાની ભેટ છે.. છેલ્લા એકાદ વર્ષથી હું તને કહેતો કે મારો પગાર ઓછો છે.. તે ખરેખર હું આ ગાડી લેવા માટે જ બચાવી રહ્યો હતો.. શ્વેતાન્શી હું આજે તારા થકી છું.. તારો પ્રેમ મને નવું જીવન બક્ષે છે રોજેરોજ. તું મારી જિંદગી છે.. મારુ હ્ર્દય છે.. દરેક ધડકન છે.. આ લે ચાવી…

શ્વેતાન્શી શું તું મારી સાથે આ લાલ પાનેતર પહેરીને ફરી લગ્ન કરીશ.? અને હા આ ગાડીમાં જાન લઈને તારે આવવાનું છે.. તારા સાસુ-સસરા ને મારા મમી-પાપા સાથે હો..!!” શ્વેતાન્શીએ પ્રેમભરી આંખે પાંપણ ઢાળી દીધી. તેની મૂક સંમતિ જોઈ સાહિર ખુશ થઇ ગયો..

એક જ મહિના પછી લોકોને અનોખા લગ્ન જોવા મળ્યા. જેમાં દુલ્હન જાન લઈને આવી હોય પોતાના પતિના માતા-પિતા જોડે… સાહિર-શ્વેતાન્શીએ તે દિવસે ફરીથી લગ્ન કર્યા અને શ્વેતાન્શી પોતાના ગમતા લાલ પાનેતરમાં સજીને આવી ત્યારે તે સ્વર્ગની અપ્સરા સમી લાગતી હતી…! પાનેતરનો એ લાલ રંગ તે દિવસે બંનેના પ્રેમનો સાક્ષી બન્યો..!

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ