રુચીબેન લાવ્યાં છે હેલ્ધી અને ટેસ્ટી “પનીર સમોસા” તો આજે જ બનાવો

પનીર સમોસા

સમોસા પુરા ભારત માં સૌથી પ્રખ્યાત અને સૌથી લોકપ્રિય વાનગી છે . આ વાનગી માટે કોઈ ઋતુ કે કોઈ પ્રસંગ ની જરૂર જ નથી .. વિદેશો માં વસતા ભારતીયો પણ  આ વાત માટે સહમતી દર્શાવશે..

સમોસા નું બહાર નું ખસ્તા અને કડક પડ, અંદર તીખો અને સ્વાદિષ્ટ મસાલો અને ચા નો કપ – મૌસમ ની મજા માણવા માટે નો ઉત્તમ ઉપાય .. સામાન્ય રીતે બટાટા અને વટાણા નો મસાલો બનવા માં આવે છે . ચાલો આજે બનાવીએ એક જુદો અને સ્વાદિષ્ટ મસાલો .. પનીર સમોસા

મેં આ રીત માં બટેટા નથી ઉમેર્યા , આપ ચાહો તો ઉમેરી શકો છો. સમોસા ને હેલ્ધી બનાવા આપ બેક પણ કરી શકો છો ૧૮૦ C પર ૨૫-૩૦ min સુધી બેક કરો .. જોકે મને તો તળેલા જ ભાવે છે .

સામગ્રી :

 • ૧ વાડકો બારીક સમારેલું તાજું પનીર,
 • ૧/૨ વાડકો બાફેલા તાજા વટાણા,
 • અડધું કાચું કેળું,
 • ૧-૨ લીલા મરચા , બારીક સમારેલા,
 • મીઠું,
 • ૧/૨ ચમચી ચાટ મસાલો,
 • ૧/૨ ચમચી હળદર,
 • ૧/૨ ચમચી લાલ મરચું,
 • ૧/૪ ચમચી આમચૂર,
 • ચપટી હિંગ,

બહારનું પડ બનાવવા માટે :

 • ૨ વાડકા મેંદો,
 • ૨ ચમચી રવો,
 • મીઠું,
 • ૫-૬ મોટી ચમચી તેલ /ઘી,
 • ૧/૨ ચમચી અજમો,

રીત :

લોટ માટે ની બધી સામગ્રી ભેગી કરો , થોડું થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધો .. ઢાંકીને ૧૫-૨૦ min સુધી રાખી દો

મસાલા માટેની બધી સામગ્રી ભેગી કરી મસાલો તૈયાર કરો .. હળવા હાથે થોડું મસળી લો .

લોટ ને હળવે થી થોડું કુણવો.. નાના નાના લુવા બનાવી લો .

પાટલા પર નાની પૂરી વણો . પૂરી થોડી જડી વણો . હવે આ પૂરી ને વચ્ચે થી કાપી લો . કાપેલી પૂરી ની સીધી બાજુ પર થોડું પાણી લગાવી ચિપકાવી દો . કોન જેવું તૈયાર થઇ જશે .. હવે આ કોન માં મસાલો ભરી કિનારી પર પાણી લગાવી ચિપકાવી દો.

બધા સમોસા આવી રીતે તૈયાર કરો .. ધ્યાન રહે વચ્ચે તિરાડ ના રહે.

ગરમ તેલ માં માધ્યમ તાપે તળો . આપ અગાઉ થી બધું તૈયાર કરી એક વાર હલકા તળી લો . ફરી જયારે પીરસો ત્યારે તળવાના .. આમ ડબલ વાર તળવા થી પણ સરસ કડક થશે . ગરમા ગરમ પીરસો કોથમીર ની ચટણી અને ટમેટા સોસ સાથે ..

નોંધ :

 • લોટ બાંધવા માં મોણ સરખું લેવુંઅને કઠણ લોટ બાંધવો .
 • પાણી ધીરે ધીરે ઉમેરવું .
 • પૂરી વણતી વખતે બહુ જડી કે બહુ પાતળી ના વણવી , નહિ તો સમોસા નું પડ અંદર થી કાચુ કે કઠણ બનશે ..

આશા છે તમે ને પણ આ સમોસા પસંદ આવશે ..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી