જલ્સા કરોને જેંતીલાલ

પંચરત્ન દાળ – રાજસ્થાનની આ પ્રખ્યાત વાનગી આજે બનાવો તમારા રસોડે…

રાજસ્થાન ની એક ખાસ કહી શકાય એવી ડિશ છે પંચરત્ન દાળ જે પાંચ અલગ અલગ દાળ નું મિશ્રણ છે અને જે ઘણી રીતે બનાવી શકાય છે. આ દાળ ને પંચમલ દાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. હું આજે પરંપરાગત રીતે બનાવવામાં આવતી ડુંગળી લસણ વિનાની પંચરત્ન દાળ ની રેસિપી લઈને આવી છું.

પંચરત્ન દાળ એના નામ મુજબ પાંચ દાળ નું મિશ્રણ છે જેમાં તુવેરદાળ, મગની દાળ, અડદ ની દાળ, ચણાં ની દાળ અને મસૂર ની દાળ હોય છે. મેં આ રેસિપી માં મગ ની ફોતરવાળી અને મોગરદાળ બંને નો ઉપયોગ કર્યો છે. સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી અને પૌષ્ટિક એવી આ પ્રોટીન થી ભરપૂર એવી પંચરત્ન દાળ ભાત , રોટી કે પરાઠા જોડે ખૂબ જ સરસ લાગે છે.

સામગ્રી:-

દાળ બાફવા માટે:-

1/8 કપ તુવેરદાળ

1/8 કપ ચણા ની દાળ

1/8 કપ અડદ ની દાળ

1/8 કપ મગ ની ફોતરાવાળી દાળ

1/8 કપ મગ ની મોગર દાળ

1/8 કપ મસૂરદાળ

1/8 ચમચી હળદર

1 ચમચી તેલ

5-7 મીઠાં લીમડાના પાન

2 ગ્લાસ પાણી

વઘાર માટે:-

2 ચમચી ઘી

2 ચમચી તેલ

2 લવિંગ

1 તજ

1 નંગ બાદિયા ના ફૂલ

1 લાલ સૂકું મરચું

1 તજ પત્તા

1 ચમચી જીરું

1 ચમચી આદુ મરચાં ની પેસ્ટ

2 ઝીણા સમારેલા ટામેટા

1/3 કપ ઝીણી સમારેલી કોથમીર

3-5 નંગ ઝીણા સમારેલા મીઠાં લીમડાના પાન

2 ચમચી લાલ મરચું

1 ચમચી ધાણાજીરું

1/2 મેથીયા મસાલો ( અથાણાં માં વપરાય એ)

1/8 ચમચી હળદર

ચપટી હિંગ

મીઠું અને ગરમ મસાલો સ્વાદાનુસાર

1 લીંબુ નો રસ

1-2 ગ્લાસ ગરમ પાણી

રીત:-


સૌ પ્રથમ બધી દાળ ને મિક્સ કરી ને પાણી થી 2-3 વાર ધોઈ લો અને 1 ગ્લાસ પાણી ઉમેરી ને 15 -20 મિનીટ સુધી પલાળી રાખો. ત્યારબાદ પલાળેલી દાળ ને પ્રેશર કુકર માં 1 ગ્લાસ પાણી, હળદર, તેલ અને મીઠાં લીમડા ના પાન ઉમેરી ને 1 સીટી વાગે ત્યાં સુધી થવા દો. પછી ગેસ બંધ કરી દો અને કુકર ખુલે ત્યાં સુધી સાઈડ પર રાખી દો. હવે એક કડાઈ માં ઘી અને તેલ મુકો અને ગરમ થાય એટલે તેમાં બાદીયા ના ફૂલ, તજ ,લવિંગ, લાલ સૂકું મરચું, અને તજ પત્તા ઉમેરો. ત્યારબાદ જીરુ ,હળદર અને હિંગ ઉમેરી ને થવા દો. હવે સમારેલા ટામેટાં , આદુ મરચાં ની પેસ્ટ, કોથમીર અને લીમડાનાં પાન ઉમેરો અને 1 મિનિટ માટે તેજ આંચ પર સાંતળો. હવે લાલ મરચું, ધાણાજીરું અને મેથીયો મસાલો ઉમેરી ને સાંતળો ત્યારબાદ આ વઘાર બાફેલી દાળમાં ઉમેરી ને મિક્સ કરી લો. હવે દાળ માં ગરમ પાણી અને મીઠું ઉમેરી ને ઉકળવા દો. ગરમ મસાલો અને લીંબુ ઉમેરી ને થોડી વાર થવા દો. ગેસ બંધ કરી ને કોથમીર થઈ ગાર્નિશ કરી ભાત કે રોટી જોડે સર્વ કરો.
નોંધ:-


દાળ બાફતી વખતે પાણી ઓછું જ ઉમેર્યું છે અને એક જ સીટી થાય ત્યાં સુધી જ થવા દો એટલે પાણી પોચી દાળ ના બને. વઘાર કર્યા બાદ જોઈતી ઘટત્તા મુજબ ગરમ પાણી ઉમેરો અને ઉકાળી ને સર્વ કરો.

દાળ બાફી ને ક્રશ કરવાની નથી. બાફતી વખતે તેલ , હળદર અને મીઠો લીમડો ઉમેરવાથી દાળ નો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તમને ગમે તો ડુંગળી અને લસણ વઘાર માં ઉમેરી શકાય. એના વિના પણ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.

દાળ થોડી ઘટ્ટ જ રાખો અને થોડી તીખાશ પણ વધુ રાખો એવું કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

@media(max-width:480px){#adskeeper_iframe{height:1850px;}}
Exit mobile version