ભારતમાંથી અપહરણ પામેલા વહાલસોયા દીકરાની 20 વર્ષે અમેરિકામાં મળી ભાળ ! પણ…

ભારતમાંથી અપહરણ પામેલા દીકરાની 20 વર્ષે અમેરિકામાં ભાળ મળી ! પણ મા-બાપ નથી ઇચ્છતા કે તે ભારત આવે !

માતા-પિતા માટે પોતાનું બાળક પોતાના કાળજા સમાન હોય છે. તેઓ તેમનો વાળ પણ વાંકો નથી થવા દેતાં. અને તે જ વહાલસોયું સંતાન તેમનાથી વિખુટુ પડી જાય છે ત્યારે માતા-પિતા પર આભ તૂટી પડે છે. ચેન્નઈના રહેવાસી એવા આ માતા-પિતા સાથે પણ કંઈક તેવું જ બન્યું હતું. 20 વર્ષ પહેલાં તેમના દીકરાનું અપહરણ થઈ ગયું હતું લાખ પ્રયત્ન છતાં તેની કોઈ જ ખબર નહીં મળતાં માતા-પિતા નિરાશ થઈ ગયા હતાં.

પણ આજે જ્યારે માતા-પિતાને તેમનો ખોવાયેલો દીકરો મળી ગયો છે તો તેઓ નથી ઇચ્છતા કે તે પાછો આવે ! તમને કુતૂહલ થતું હશે કે શું આ માતા-પિતાને પોતાના દીકરાને ભેટવાનું મન નહીં થતું હોય! તેને મનભરીને જોવાનું મન નહીં થતું હોય ! ચોક્કસ બધું જ તેમને થાય છે પણ તેમના આ નિર્ણય પાછળ પણ એક કારણ છે.


વાસ્તવમાં થયું હતું એવું કે વીસ વર્ષ પહેલાં ચેન્નઈમાં રહેતા નાગેશ્વર રાવ અને શિવગામીના માત્ર બે વર્ષના દિકરાનું એક રીક્ષાચાલકે અપહરણ કરી લીધું હતું. અને ત્યાર બાદ તેને રાતો રાત મલેશિયાની કોઈ સોશિયલ સર્વિસ નામની સંસ્થાને વેચી દીધો હતો.

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે ઘણી બધી એનજીઓ સંસ્થા અંદરખાને આડાઅવળા ધંધા કરતી હોય છે. આ સંસ્થાએ 1999માં ચેન્નઈમાંથી 300 જેટલા નિરાધાર બાળકોને ગેરકાનૂની રીતે દેશની બહાર મોકલી દીધા હતા. તેમાંના મોટાભાગના બાળકોને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ મોકલી દેવામાં આવ્યા હતા. પણ અવિનાશનું નસીબ પાવરધું હતું તેને વધારે રઝળવાનો વારો નહોતો આવ્યો. તેને અમેરિકાના એક દંપત્તીએ દત્તક લઈ લીધો હતો.


માતા-પિતાના ઘણા પ્રયાસ છતાં દીકરાની ભાળ ન મળતાં આ તપાસ સીબીઆઈને સોંપવામા આવી હતી ! લાંબા સમયની તપાસ બાદ દસ વર્ષે એટલે કે 2009માં સીબીઆઈને ખબર પડી કે અવિનાશને અમેરિકાના કોઈ દંપતીએ દત્તક લીધો છે. પણ પાક્કી તપાસ કરવાના હેતુથી અવિનાશનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યો જેમાં સાબિત થઈ ગયું કે તે નાગેશ્વર રાવ અને શિવગામીનો દીકરો છે. પણ દીકરાનો વિરહ હજુ પણ માતા-પિતાએ ભોગવવાનો બાકી હતો. કારણ કે અહીં તેમને અમેરિકાનો એક કાયદો નડી ગયો.


અમેરિકાના કાયદા પ્રમણે દત્તક લીધા બાદ બાળકને તેના મૂળ માતા-પિતા કે પછી તેના દાવેદારને ત્યાં સુધી નથી મળવા દેવામાં આવતો જ્યાં સુધી તે વયસ્ક ન થઈ જાય. ત્યાર બાદ તો બીચારા રાવ દંપતિએ પોતાના દીકરાની રાહ જ જોવાની હતી. પણ ધીમે ધીમે દીવસો પસાર થતાં ગયા જે મહિનામાં ફેરવાયા અને ત્યાર બાદ વર્ષો વિત્યા અને આજે અવિનાશ 22 વર્ષનો થઈ ગયો. અને જેવું જ કાયદાનું બંધન હટ્યું કે તરત જ અવિનાશ પોતાના માતા-પિતાને મળવા પહોંચી ગયો.


કોઈ પણ માતા-પિતા માટે આ એક લાગણીથી તરબોળ ક્ષણ હોય છે ! 5 સપ્ટેમ્બરે જ્યારે અવિનાશ વિસ વર્ષે પોતાના મૂળ માતા-પિતાને મળ્યો ત્યારે તે ભાવુક થઈ ગયો. બીચારો પોતાના માતા-પિતાની તમિલ ભાષા નહોતો સમજી શકતો તો વળી અવિનાશનું ઇંગ્લિશ માતા-પિતા નહોતા સમજી શકતા. તો શું થઈ ગયું કે તેઓ એકબીજાની ભાષા નહોતા સમજી શકતાં પણ માતા-પિતાનો પ્રેમ કોઈ ભાષાનો ગુલામ નથી હોતો તેને તો માત્ર અનુભવવાથી જ બધું સમજાઈ જાય છે. જો કે તેઓ એકબીજાને સમજે તે માટે એક દુભાષિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે 20 વર્ષ બાદ દીકરાને મળ્યા બાદ પણ માતા-પિતા નથી નથી ઇચ્છતા કે દીકરો પોતાનું સુખી જીવન છોડીને તેમની પાસે આવે. તેઓ ઇચ્છે છે કે તેમનો દીકરો ખુશ રહે પછી તે અમેરિકામાં જ ભલે રહે !


હવે અવિનાશને પોતાના માતા-પિતાને મળતાં કોઈ જ કાયદો નહીં રોકી શકે હવે તે અવારનવાર પોતાના માતા-પિતાને મળવા આવશે. પણ આ વખતે તે નક્કી કરીને ગયો છે કે તે ફરીવાર જ્યારે તે આવશે ત્યારે થોડું ઘણું તો તમિલ શીખી જ લેશે, જેથી કરીને તે પોતાના માતા-પિતા સાથે સીધી જ વાત કરી શકે. તે પોતાની માતા સાથે અઢળક વાતો કરવા માગે છે. તે પોતાના મોઢે તેમને જણાવવા માગે છે કે તે તેમને મળીને કેટલો ખુશ થયો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ