પલાળેલા ચણા અને વડ સાવિત્રીના વ્રત સાથે શું છે સંબંધ જાણો છો? પતિના દિર્ગાયુષ્ય માટે કરે પત્નીઓ આ વ્રત…

જાણો, શું છે સંબંધ પતિના લાંબા આયુષ્યની કામના વ્રત વડ સાવિત્રીની ઉપાસનામાં પલાળેલા ચણાનું શું છે મહત્વ… પલાળેલા ચણા અને વડ સાવિત્રીના વ્રત સાથે શું છે, સંબંધ જાણો છો? પતિના દિર્ગાયુષ્ય માટે કરે પત્નીઓ આ વ્રત…


ભારતીય સંસ્કૃતિમાં પતિ – પત્નીના સુખમય લગ્નજીવનની કામના કરવા આ વ્રતનું ખૂબ જ મહત્વ છે. અખંડ સૌભાગ્યવતી મહાવ્રત એટલે વડ સાવિત્રીનું વ્રત. જેઠ માસની પૂનમના વ્રત તરીકે ઉજવાય છે. આ દિવસે દરેક પરણિત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના કરે છે. સ્ત્રીને તપ, ત્યાગ અને ઉપાસનાની મૂર્તિ કહેવાય છે. તેથી જ તેઓ પોતાના પતિની સુખાકારીની મનોકામના રાખતી હોય છે.

તેમની લાંબી ઉમર રહે તેના માટે સતત પ્રાર્થના કરતી હોય છે. આ ઉપવાસ ખૂબ ફાયદાકારક, સંરક્ષણાત્મક, દુઃખ દૂર કરનાર અને મહિલાઓ માટે સમૃદ્ધ જીવનની કામના કરવા માટેનું છે. આ ઉપવાસમાં વડનું વૃક્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વૃક્ષમાં ઘણી શાખાઓ નીચે તરફ લટકતી રહેતી હોય છે, જેને દેવી સાવિત્રીના સ્વરૂપ તરીકે માનવામાં આવે છે.

વડ સાવિત્રી પૂજાની વિધિ


– સવારે સ્નાન કર્યા પછી, કંઈપણ ખાધા વગર ઉપવાસ કરવાનો નિર્ણય લો. આ ઉપવાસ કરવાને દિવસે સ્ત્રીઓએ સંપૂર્ણ શૃંગાર એટલે કે સોળ શણગાર કરવો જોઈએ. આ દિવસે પીળા રંગનું સિંદૂર લગાવવું શુભ માનવામાં આવે છે.

– વડના વૃક્ષના થડ પાસે જઈને સત્યવાન અને સાવિત્રીની મૂર્તિ રાખવી અને વૃક્ષને જળ ચડાવવું જોઈએ. સાથે પ્રસાદીનું મિષ્ઠાન્ન, ફળ અને ફૂલ તથા અક્ષત ચડાવવા જોઈએ.

– વૃક્ષને ફરતે સફેદ સૂતરનો દોરો બાંધવો જોઈએ અને ઈશ્વરના આશીર્વાદ લેવા જોઈએ. પૂરેપૂરા સાત ફેરા વડના વૃક્ષને ફરતે બાંધીને પ્રદક્ષિણા કરવી જોઈએ.

– હાથમાં કાળા પલાળેલા ચણાં લઈને વૃક્ષને ફરતાં બેસીને કથા સાંભળવી જોઈએ. ત્યારબાદ કથા પૂર્ણ થાય ત્યાર પછી બ્રાહ્મણને દક્ષિણા અને દાન પણ આપવું જોઈએ. કોઈ અન્ય સૌભાગ્યવતી સ્ત્રી કે બ્રાહ્મણની પત્નીને સંપૂર્ણ શૃંગારની વસ્તુઓ દાનમાં આપવી જોઈએ.

વડમાં છે દેવતાઓનો વાસ


વડના વૃક્ષમાં છે દેવતાઓનો વાસ હોય છે. કહેવાય છે કે તેના મૂળમાં બ્રહ્માજી, થડમાં ભગવાન વિષ્ણુ અને ડાળીઓમાં ભગવાન શંકરનો વાસ રહેલો હોય છે. તેથી મનોકામના પૂર્ણ કરવા આ વૃક્ષનું ખૂબ જ મહત્વ છે. વળી, અગ્ની પુરાણ અનુસાર વડનું વૃક્ષ ઉત્સર્જનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, સંતતીના જન્મનું મનોરથ પ્રાપ્ત કરવા પણ વડની પૂજાને શ્રેષ્ઠ મનાય છે. વડ તેની વિશેષતાઓને કારણે અને વર્ષો સુધી જીવંત રહેતું હોવાને લીધે તેની પૂજા કરાય છે.

કઈરીતે જોડાયેલું છે, વડ આપણાં જીવન સાથે જાણોઃ

દેવી સાવિત્રીએ તેમના પતિને વડના ઝાડની છાયામાં જ સજીવન કર્યા હતા. આ માન્યતાના આધારે, સ્ત્રીઓ આ દિવસે સૌભાગ્યની પ્રાપ્તિ માટે વડના વૃક્ષોની ઉપાસના કરે છે. જો એક રીતે જોવા જઈએ તો, આ તહેવાર દ્વારા પર્યાવરણીય રક્ષણનો સંદેશ પણ અપાઈ જાય છે. વૃક્ષ ટકી રહેશે અને પર્યાવરણ ટકી રહેશે તો જ આપણું જીવન શક્ય છે. સંભવ છે કે વૃક્ષમાંથી આપણને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની માત્રા મળી રહેતી હોય. પ્રાણવાયુ થકી જ તો આપણાં પ્રાણ ટકે છે.


યમરાજ સાથે સત્યવન-સાવિત્રીની ઉપાસનાનું વિધાન

વડ સાવિત્રીના દિવસે વિધિ વિધાન કહે છે કે એક વાંસની ટોપલીમાં સાત ધાનનું આસન બનાવીને તેમાં બ્રહ્મા અને બ્રહ્મસાવિત્રીનું ચિત્ર કે છબી મૂકવી અને બીજી વાંસની ટોપલીમાં સત્યવાન અને સાવિત્રીની પ્રતિમા રાખવી. આ બંને ટોપલીઓને વડના ઝાડ પાસે રાખીને જ બહેનોએ એક સાથે સમૂહમાં ગોળાકાર બેસીને કથા કરવી જોઈએ. આ દિવસે યમરાજની પણ પૂજા કરવામાં આવે છે.

લાલ વસ્ત્ર, સિંદૂર, ફૂલો, ચોખા, રોલી – મોલી, પલાળેલા ચણા, ફળ અને મીઠાઈની સાથે પૂજા કરવા બેસવું જોઈએ. કાચા દૂધ અને પાણી સાથે ઝાડના મૂળમાં પાણી રેડવું જોઈએ. સફેદ સૂતરના દોરાને વૃક્ષના થડ સાથે લપેટીને સાત પ્રદક્ષિણા કરવી જોઈએ. પૂજા પછી, સત્યવન-સાવિત્રીની દંતકથાને સાંભળવા અને વાંચવું જોઈએ. આમ કરવાથી, પરિવારમાં આવતા અજાણ્યા અવરોધો દૂર થઈ જાય છે, ઘર સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે.

પૂજામાં પલાળેલા ચણાં અચૂક રાખવા જોઈએ


સત્યવાન અને સાવિત્રીની દંતકથા અનુસાર જ્યારે સાવિત્રીએ યમરાજા પાસેથી પતિના પ્રાણ પાછા આપવાની વિનંતી કરી ત્યારે યમરાજે ચણાના સ્વરૂપમાં જ તેમને આશીર્વાદ આપ્યા હતા. સાવિત્રી આ પ્રસાદીના ચણાને લઈને સત્યવાનના શબ પાસે પહોંચ્યાં જે વડના વૃક્ષની નીચે નિષ્પ્રાણ પડ્યું હતું. તેમણે પતિના શબના મોંમાં આ ચણા મૂક્યા અને તેમના પ્રાણ સજીવન થયા હતા.

વડ સાવિત્રીની કથા

ભવિષ્ય પુરાણ અનુસાર, વડ સાવિત્રી વ્રતની કથામાં કહેવાયું છે એ વાત આપને જણાવીએ. સાવિત્રી રાજા અશ્વપતિની પુત્રી હતી. સાવિત્રીએ સત્યવનને પતિ તરીકે સ્વીકાર્યા હતા. સાસુ – સસરાની સેવા કર્યા પછી, સાવિત્રી પણ પતિ સત્યવાનની સાથે લાકડા લેવા જંગલોમાં જતા. એક દિવસ, સત્યવાન લાકડું કાપતાં અચાનક ચક્કર આવ્યા અને તેઓ વૃક્ષ પરથી નીચે પડી ગયા. તે સમયે યમરાજ, એક ભેંસ પર સવાર થઈને સત્યવનના જીવનની શોધમાં ત્યાં પહોંચ્યા. સાવિત્રીએ તેમને ઓળખી લીધાઅને કહ્યું – “તમે મારા પતિનું જીવન ન લેશો.”

જ્યારે યમરાજે હરી લીધા સત્યવાનના પ્રાણ


યમરાજે સાવિત્રીની વાત ન માની અને સત્યવાનના પ્રાણ લઈ લીધા અને પોતાના લોક તરફ ચાલતા થયા ત્યારે સાવિત્રી પણ તેમની પાછળ ચાલવા લાગી. લાંબો રસ્તો કાપ્યા બાદ પણ તેઓ પરફ ન ફર્યા અને યમરાજે તેમને રોકાઈને કહ્યું કે હે પતિવ્રતા સ્ત્રી, આ રસ્તો એવો છે કે તેમાં કોઈ પણ વ્યક્તિ સાથે નથી જઈ શકતું. તું બહુ લાંબો રસ્તો કાપીને સાથે આવી છો પરંતુ અહીંથી પરત ફરી જા, દેવી.

સાવિત્રીએ કહ્યું કે હે યમરાજ, મને તમારી પાછળ આવતાં ન તો કોઈ ગ્લાની થાય છે કે ન તો કોઈ અપરાધ ભાવ થાય છે. મને કોઈ શ્રમ પણ નથી થતો. પતિની પાછળ એક સ્ત્રી એ જ રીતે જતી હોય છે જે રીતે કોઈ સાધુ સંતના સત્સંગમાં જતી હોય. હું પરમ સુખ જ અનુભવું છું. જેમ દરેક પ્રાણીઓનો આશ્રય આ પૃથ્વી છે, શિષ્યનો આધાર તેમના ગુરુ હોય એમ પત્નીનો આધાર તેમના પતિ હોય છે, અન્ય કોઈ નહીં.

સાવિત્રીને મળ્યું વરદાન


સાવિત્રીના આ પતિવ્રતા વિચારોને જોઈને યમરાજ ખૂબ જ પ્રસન્ન થયા. તેમણે દ્રષ્ટિ હિન સાસુ – સસરાને નેત્ર દ્રષ્ટિ આપી, સાવિત્રીને સો પુત્ર થશે એવા વરદાન સાથે સત્યવાનના પ્રાણ પરત કરવાનું વરદાન પણ આપ્યું.

સાસુમાને અપાય છે પલાળેલા ચણા

વ્રતની કથા સાંભળતાં હાથમાં પલાળેલા ચણા રખાય છે. અને કથા બાદ ફળ સ્વરૂપ સાસુમાને પગે લાગીને વાંસની ટોપલીમાં મૂકીને તેમને એ પલાળેલા કાળા ચણા આપવામાં આવે છે. સાથે વડના વૃક્ષ નીચે કથા કરતા બ્રાહ્મણ દેવતાને પણ વાંસની ટોપલીમાં દાન આપવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ