પકવાન – લોકો મંદિરની બહાર નીકળતા રહ્યા અને એ માતા દિકરી મંદિર સામે અને જતા લોકોને જોતા રહ્યા..

દિવાળી નો પવિત્ર દિવસ…સવારથી જ મંદિરમાં સાંજ ના અન્નકૂટ ની ધામધૂમ થી તૈયારીઓ ચાલી રહી હતી… આસોપાલવ ના તોરણો લટકતા હતા… મંદિર ના થાંભલાની ફરતે ગલગોટા ના ફૂલો લગાવી દેવાયા હતા…આખું મંદિર સમગ્ર સાજસજ્જ થી શોભી રહ્યું હતું..મંદિર ની ધજા પણ લહેરાઈ ને મંદિર ની આસપાસ ના વાતાવરણ ને વધુ પાવનકારી બનાવી રહી હતી…


મંદિર માં બાજુમાં જ અડી ને આવેલી ઝૂંપડપટ્ટી માં ઘર બહાર બેઠેલી 5 વર્ષ ની સરલા એના હવા માં લહેરાતા કોરા ભૂખરા વાળ અને એની ઝીણી ઝીણી આંખો માં દુનિયાભર ના આશ્ચર્ય સાથે આ સાજ સજાવટ જોઈ રહી હતી… ચંદા એ નાનકડી સરલા ની માઁ સવાર સવાર માં વીણીને કાગળ ભરેલો કોથરો લઈ ઝુંપડી પાસે આવી અને લાંબો હાથ કરી ને બોલી


“અલી અહીં સવારના પહોર માં શુ કરું છું?…લે હેંડ અંદર” સરલા એ મંદિર તરફ નજર કરતા ચંદા ને પૂછ્યું “આ મંદિર માં આજે શુ થાય છે”


“આજે દિવાળી છે…સાંજે ભગવાન ને છપ્પન જાતના પકવાન ધરાવશે….મગસ મઠીયા ઘૂઘરા ખીર…આવું બધું ભગવાન હારુ લાવશે.. આરતી કરશે ને ભજનો ગાશે બધા” ચંદા એ સરલા ને જવાબ આપ્યો “તું હેંડ અંદર….તારે ને મારે આ બધું જાણી ને શુ કામ છે” સરલા ની માઁ એ સરલા નો હાથ ઘર તરફ ખેંચતા કહ્યું “ના માઁ .. મારે આજે આ મગસ મઠીયા ઘૂઘરા બધું ખાવું છે… હું આજે સાંજે તારી જોડે લગ્ન ની વાડી ની બહાર નહિ બેસું… રોજ એક નું એક ખાવાનું હોય ત્યાં તો…આજે તો હું આ મંદિરે બેસીસ..કઈક નવું ખાવા મળશે” સરલા એ જીદ પકડી


“છોડી..જીદ ન કરીશ..નહિ તો ભૂખી રહીશ” ચંદા એ સરલા ને સમજાવતા કહ્યું… પણ સરલા રડવા લાગી એટલે ચંદા એ એની વાત માની લીધી મંદિર બહાર બેસવાનું હોઈ બંને ઠંડા પાણીએ નાહી થિંગડા વાળા પણ ધોયેલા ચોખ્ખા કપડાં પહેરી તૈયાર થયા… સાંજ પડી.. હરિભક્તો સરસ મજાના કપડાં પહેરી.. હાથ માં સુગંધીદાર વસ્તુઓ ના થાળ ભરી મંદિર માં જતા હતા..

“મા આ સરસ સુગંધ કઈ થી આવે છે…આ બધું ખાવાનું ભગવાન પાહે લઈ જાય છે?… તે હે માઁ આ ભગવાના આ બધું ખાય? “.સરલાએ ઉત્સુકતા વશ પૂછ્યું “ના બેટા.. ભગવાન કાઈ ખાતા નથી… આ બધું તો જે લાયા એ જ બધા વહેંચી ને ખાઈ જવાના… અને જો એમાંથી વધશે તો તને મળશે” ચંદા એ જવાબ આપ્યો પછી તો ઢોલ મંજીરા સાથે આરતી શરૂ થઈ… થોડીવાર મા આરતી પુરી થઈ.. હવે વારો પ્રસાદ નો આવ્યો.. અંદર જમવાનું શરૂ થઈ ગયું હતું..


ચંદા અને સરલા રાહ જોઈ બેઠા હતા… ક્યારે બધું પતે ને ક્યારે એમના પેટ ભરાય.. હવે તો બધા ભક્તો ઘરે જવા માંડ્યા હતા જેવી થાળીઓ ભરી ને લાવ્યા હતા એવી જ પાછી લઈને.. જતા જતા બે બહેનો વાત કરતા હતા.. “બહેન આ તો ભગવાન નો પ્રસાદ કહેવાય.. ફેંકી ન દેવાય વધે તો ઘરે લઈ જવાનો”

વળી કોક જતા જતા થોડો પ્રસાદ આ માં દીકરી ના ધાતુ ના છબડા માં મુકતા જતા… છેવટે આખું મંદિર ખાલી થઈ ગયું.. પણ સરલા અને ચંદા ના છબડા અડધા ખાલી રહ્યા…. છેલ્લે ઘરે જતા જતા સરલા એ એક આછડતી નજર પહેલા મંદિર તરફ અને પછી ઘર તરફ જઈ રહેલા ભક્તો તરફ કરતા એની માં ને કહ્યું “માઁ કાલ થી આપણે લગ્ન ની વાડી પાસે જ બેસસું…ત્યાં આપડા છાબડા ભરાઈ જાય છે”


લેખક : કોમલ રાઠોડ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ