પાકા કેળા નું રાયતું – એક્નુંએક કાકડીનું રાયતું ખાઈને કંટાળી ગયા છો? આજે બનાવો નવીન રાયતું…

આજે હું તીખા અને મીઠા ટેસ્ટ નું પેરફેક્ટ કોમ્બિનેશન કહી શકાય એવા પાકા કેળા ના રાયતા ની રેસિપી લાવી છું. ગરમી ના દિવસો માં શાક ની જગ્યા એ ચોક્કસ થી બનાવી શકાય અને સાઈડ ડિશ માં પણ બનાવી શકો એવી આ રેસિપી છે. રોટી,થેપલા, પરાઠા, ભાખરી, પુલાવ કે બિરયાની જોડે ખૂબ જ સરસ લાગે છે આ રાયતું.. ચોક્કસ થી ટ્રાય કરો આ રેસિપી… દહીં અને કેળા એકબીજા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને સ્વાસ્થ્ય માટે પૌષ્ટીક પણ છે..

સામગ્રી:-

250 ગ્રામ ઠંડુ દહીં ( બહુ પાણી નો ભાગ હોય એવું ના લેવું)

2 પાકા કેળા

2 તીખાં લીલાં મરચાં

1/2 ઝીણી સમારેલી કોથમીર

1/4 ચમચી રાઈ

ચપટી હિંગ

2 ચમચી ખાંડ

મીઠું સ્વાદાનુસાર( ઓછું જ ઉમેરવું)

1 કપ સેવ

રીત:-


સૌ પ્રથમ દહીં ને ચમચા થી બરાબર મિક્સ કરી લો. વલોણી કે બ્લેન્ડર થી મિક્સ નથી કરવાનું. હવે રાઈ ને એક ખલ માં લો અને તેમાં એક ચમચી દહીં નાખી મેં દસ્તા થી બરાબર લસોટી લો. જેટલું વધુ મિક્સ કરી ને લસોટી લેશો એટલો રાયતા નો ટેસ્ટ વધુ સારો આવશે. ત્યારબાદ રાઈ નું મિશ્રણ દહીં માં ઉમેરો. હવે ઝીણી સમારેલી કોથમીર, લીલાં મરચાં, ખાંડ ,હિંગ અને મીઠું ઉમેરી ને બરાબર મિક્સ કરો. બધું મિક્સ થાય એટલે ઝીણા સમારેલા કેળા ઉમેરો. અને હળવા હાથે એકવાર મિકસ કરી લો. હવે ઉપર ઝીણી સેવ ઉમેરી ને થેપલા ,પરાઠા કે કોઈ પણ મનગમતી વાનગી સાથે મજા માણો. એકવાર બનાવશો તો ચોક્કસ થી વારંવાર બનાવાની ઈચ્છા થશે એની ખાતરી આપું છું. આજે જ જમવામાં બનાવી લો આ રાયતું અને બધા ને ખુશ કરી દો.

નોંધ:-

લીલાં મરચાં ની તીખાશ ઈચ્છા મુજબ વધુ કે ઓછી ઉમેરી શકો છો. દહીં પાણી જેવું ના લેવું. દહીં વહેલા બનાવી ને ફ્રીઝ માં મૂકી શકો છો મીઠું અને કેળા સર્વ કરતી ઉમેરો. રાઈ લસોટી ને ઉમેરવાથી સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.

શિયાળા માં રાઈ વધુ ઉમેરી શકાય. કોથમીર જોડે સમારેલો ફુદીનો ઉમેરવાથી પણ ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. બાળકો માટે બનાવતી વખતે લીલાં મરચાં ઓછા ઉમેરો કે થોડું લાલ મરચું ઉમેરી ને બનાવો. સેવ સાથે તીખી બુંદી પણ ઉમેરી શકાય. કેળા વધુ પડતા પાકી ગયા હોય એવા ના લેવા.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)