પૈસાવાળા ઘરની વહુ – એક સાસુએ કર્યું અદ્ભુત કાર્ય જેનાથી વહુ થઇ ગઈ ધન્ય…

“ફળ્યા છે એલી મને તો મહાદેવ.. સોળ સોમવાર મારા ફળ્યાં છે.. શ્રાવણના કરેલા ઉપવાસ ફળ્યા છે.. મારા જીવનના દરેક વ્રત-અપવાસનું આ રૂડું પરિણામ છે.. મારા પતિદેવ… બસ તું જો જે ને શિવતી.. તનેય શંકરદાદા ફળશે..”

શ્રાવણ મહિનાની એ સવારે શિવતી પોતાની બહેનપણી રાધાવતી સાથે વાત કરી રહી હતી.. રાધાવતીના હજુ છ મહિના પહેલા જ લગ્ન થયેલાં.. તેના સુખી લગ્નજીવનનો શ્રેય તે તેણે કરેલા તમામ અપવાસ-વ્રતને અત્યારે આપી રહી હતી. તેના કહેવા મુજબ તેને બહુ સમજુ અને સારો પતિ મળ્યો હતો.. શિવતીને ય કંઇક આવા જ સમજુ અને સંસ્કારી પતિ મેળવવાના ઓરતા હતા.. નાનપણથી જ તે પોતાના સાસરા ને પતિ વિશે કેટકેટલાય શમણાં સજાવીને બેથી હતી.

“રાધા, શંકરેશ પણ કુમાર જેવા જ હોય એવી ભોળાનાથને પ્રાથના કરજે.. ચલ હવે ફોન મુકું છું.. કદાચ એ લોકો આવી ગયાં લાગે છે..’

ને શિવતીએ તરત ફોન મૂકી દીધો..

રૂપવાન, ગુણવાન અને સંસ્કારી એવી શિવતીએ તેનું ગ્રેજ્યુએશન કોમર્સમાં કરેલું. તેના પિતાજી મહાદેવના મંદિરના પુજારી હતાં. બાવીસ વર્ષની શિવતી માટે સમાજના સારા કુટુંબમાંથી માંગા આવતા.. રોજના ચાર ઠેકાણા લઇ મહાદેવગોર સાંજે ઘરે આવતા.. ગોરાણીમાં શિવતીને લગ્ન કરવા બહુ સમજાવતા પણ કોણ જાણે કેમ તેનું મન નહોતું માનતું.. આજે જે છોકરો જોવા આવવાનો હતો તેના કુટુંબ વિશે શિવતીએ ઘણું સાંભળેલું.. અત્યંત પૈસાદાર અને રુઆબદાર પરિવાર હતો શંકરેશ પંડ્યાનો..!! મહાદેવગોર પાસે શંકરેશના માતા-પિતા છેલ્લા ત્રણ મહિનાથી પોતાના દીકરાનો બાયોડેટા લઈને આવતા ને ગોર રોજ શિવતીને પૂછતાં.. તેના શમણાના રાજકુમારને મળવાની ઈચ્છા હતી તેની પરંતુ માતા-પિતાને છોડીને જવું પણ અજુગતું લાગતું હતું.. તેને ભાઈ હતો નહીં એટલે સ્વાભાવિક જ તેના માતા-પિતાની બહુ ચિંતા રહેતી.. પરંતુ આખરે તે બંનેની ખુશી પોતાના લગ્ન થશે એમાં જ વધુ છે એ જાણીને તેણે છોકરાને મળવા ને જોવાની હા કહી દીધી.. તેની પાસે ગોરમહારાજે મુકેલા અનેક બાયોડેટા હતા.. ને એ બધામાંથી તેણે સૌથી પહેલા શંકરેશને મળવાનું પસંદ કરેલું. તેની પાક્કી બહેનપણી રાધાવતી પાસેથી અત્યારે તે લગ્નજીવન વિશેની જુદી-જુદી સલાહો લઇ રહી હતી. બંને બહેનપણીઓએ નાનપણમાં સાથે મળીને ફુલકાજળી, મોળાકત, જયપાર્વતી ને સોળ સોમવાર કરેલાં.. રાધાવતીને સારો વર મળી ગયો એનો જશ રાધાવતી પોતે કરેલા જાતજાતના વ્રતને જ આપતી.. શિવતીને પણ રાધાવતીને કહેવું હતું કે તેને મળેલો વર ને પરિવાર બંને બહુ સુંદર છે.. તેને પણ ઈર્ષ્યા આવે તેવા સંસ્કારી ને સુંદર..!!

ને એટલે જ શંકર ભગવાનમાં માનતી ને એમને પૂજતી શિવતીનેય મનના એક ખૂણે એમ જ હતું કે શંકરેશ તેણે કરેલા વ્રત-અપવાસનું ફળ બનીને જ આવશે..!!! “અરે, શિવતી બેટા.. પાણી લાવજો ને..” વિચારોમાં ગરકાવ થઇ ગયેલી શિવતીએ તેની માંની બુમ સાંભળી અને ઓરડામાંથી તરત જ રસોડામાં ગઈ.. ‘અમારી શિવતીનો રસોઈમાં જોટો ના જડે… આજે એણે ખાસ આપના માટે ફરાળી પેટીસ ને સાબુદાણાની કટલેસ અને રાજગરાનો શીરો બનાવ્યો છે.. આપણે સહુ તો બ્રાહ્મણ.. એટલે અમને થયું કે તમારે બધાનેય શ્રાવણ મહિનો હશે જ.. શંકરેશ કુમાર આપ પણ કરતા હશો ને શ્રાવણ મહિનો?”

ગોરાણીમાં શંકરેશ અને તેમના મમી-પપ્પા સાથે વાતો કરી રહ્યા હતા કે શિવતી રસોડામાંથી પાણી લઈને આવી.. શંકરેશ અને શિવતીની નજર મળી કે શિવતી શરમાઈને નીચું જોઈ ગઈ.. તેને શંકરેશના ચહેરાના હાવભાવ તો ના વંચાયા પણ પોતે ધારેલું રૂપ જોઇને તે શંકરેશ પર મોહી પડી..! “હાંજી.. આપ કહી રહ્યા હતા શ્રાવણ મહિનો? જી એ તો મમીજી અને બહેન જ કરે છે.. મારે તો ફોરેન ટુર્સ હોય ત્યાં બધું ફરાળી ફૂડ અવેલેબલ હોય ના હોય.. પપ્પા પણ એ જ કારણથી નથી કરતાં.. અમારે ક્યારે ક્યાં જવું પડે કંઈ નક્કી ના હોય.. બ્રાહ્મણ હોવા સાથે અમે તો બિઝનેસમેન પણ ખરા ને!” “ના ના.. ખરી વાત છે તમારી..” કટાક્ષમાં કે ભોળપણમાં કહેવાયેલી એ વાતનો ભાવાર્થ તો ગોરાણી ના સમજી શક્યા છતાંય શંકરેશની હા માં હા પુરાવતા તેઓએ જવાબ આપ્યો..

“મારી દીકરી ગૌરી મુંબઈમાં ભણે છે.. એના ભાઈએ મોક્લી છે ત્યાં ભણવા.. અત્યારે એને કોલેજમાં પરીક્ષાઓ ચાલે છે.. એટલે એ નથી આવી.. શંકરેશને આમ ભણવાનું બહુ.. એમ કે પરિવારનું નામ રોશન થવું જોઈએ.. અમારે શંકરેશને કંઈ ઊંચ-નીચ ના ચાલે હોં.. બધું સોળ આની જોઈએ.”

અજુગતા મૌનને તોડવા માટે શંકરેશનાં મમી ગાયત્રીબહેન બોલ્યાં.. પછી તો ઘણી વાતો થઇ.. ને આખરે શંકરેશ અને શિવતી એકાંતમાં મળ્યા.. બંનેને વાતચીત પરથી એકબીજા અનુકુળ આવી જતા ઘડિયા લગ્ન લખાઈ ગયા..! જો કે શિવતી તો વાત ઓછી કરતી હતી.. બસ શંકરેશને નિહાળવામાં જ તેને મજા અવી રહી હતી. બે મહિના પછીની સગાઈની અને આઠ મહિના પછીની લગ્નની તારીખ આવી હતી.!!

ધૂમધામથી ગોરમહારાજ અને ગોરાણીમાં તૈયારીઓ કરી રહ્યા હતા.. એકની એક દીકરીના લગ્નમાં તેઓ કોઈ જ કચાશ નહોતા રાખવા માંગતા.. એમાય સદ્ધર કુટુંબ સાથે સંબંધ બાંધ્યો હતો એટલે તેઓ હતું તે કરતા અનેકગણું વધુ કરી રહ્યા હતા.. આ દસ મહિના દરમિયાન શંકરેશ મોટે ભાગે બહારગામ જ હોય તેથી તેને અને શિવતીને મળવાનું બહુ ઓછું થતું.. પરંતુ જેટલી મુલાકાતો થઇ એ પરથી શિવતીને લાગતું કે શંકરેશ બહુ સમજુ છે.. કોઈ વખત તેનું વર્તન અજીબ રહેતું જ્યારે તે શિવતીને વ્યવસ્થિત તૈયાર થઈને આવવાનું કહેતો અને તે નાં આવતી.. પરંતુ એ બાબતે શિવતી વધારે ના વિચારતી..ને આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો.. શિવતી રંગેચંગે પરણીને પોતાના સાસરે, પોતાના વ્રત-અપવાસના ફળ સમાં પોતાના પતિદેવ સાથે તેના ઘરે વિદાય થઇ..

શંકરેશની પત્ની બની ગઈ શિવતી.. શરૂઆતનાં સાત-આઠ મહિના તો ખુબ જ સુંદર રહ્યાં.. શિવતીને લાગતું જાણે તે સ્વર્ગમાં મહાલી રહી છે.. તેને જે જોઈએ-તે માંગે તે બધું જ મળતું.. અઠવાડિયામાં બે દિવસ તો સગા-સંબંધી કે શંકરેશના કોઈ વ્યવસાયિક મિત્રોના પ્રસંગોમાં જવાનું થતું.. દરેક વખતે જુદાં-જુદાં કપડા પહેરીને નવીનવેલી દુલ્હનની જેમ તૈયાર થઈને શિવતી જતી.. બાકીના પાંચ દિવસમાંથી બે દિવસ તો તેના જ ઘરે એટલા મહેમાનો રહેતાં.. ઘરમાં પણ અમુક વખતે તો તેને અજાણ્યા જેવી લાગણી થતી.. પણ આ બધું તેને ગમતું હતું.. નવા નવા લગ્ન થયેલા એટલે તેના માટે મેચિંગ સાડી ને તેના મેચિંગ ઘરેણા સાથે મેચિંગ પર્સ ને વળી દરેક વખતે જુદાં જુદાં ચપ્પલ પહેરીને મહાલવાની મજા અલભ્ય હતી.

પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો.. મહિનાઓ વીતતા ગયા શિવતીને લાગવા માંડ્યું કે જાણે આ બધું જ તેની જિંદગી છે.. તેણે હંમેશા સજીધજીને જ રહેવાનું છે.. રાતના ત્રણ વાગ્યે પણ તેના મોં પર મુસ્કાન અને આંખોમાં આવકાર સાથે શરીર પર મોંઘા કપડા ને ગળામાં ઘરેણા હોવા જોઈએ.. તેને લાગવા માંડ્યું હતું કે તે જાણે એક કઠપૂતળી બનીને રહી ગઈ છે.. “પૈસા વાળા ઘરની વહુ..!” ફક્ત દેખાવનું સાધન… ના માણસ, ના સજીવ..!!

એ દિવસે રવિવાર હતો.. સવારમાં જ શંકરેશ જીમમાં ચાલ્યો ગયેલો.. શિવતી રોજ વહેલી જાગીને તૈયાર થઇ જતી.. ઘરમાં બીજું કંઈ કામ તો કરવાનું હોય નહીં ! રસોઈ મહારાજ બનાવે ને કામવાળા આવીને કામ કરી જાય એટલે શિવતીનાં ભાગે ફક્ત સોફા પર બેસવાનું આવે.. સોફા પર બેસીને ટીવી જોવાનું અથવા તો કિટી પાર્ટીઝમાં જવાનું.. કિટી પાર્ટીઝ તેને ગમતી નહીં એટલે તે ટીવી ચાલુ કરીને બેસી જતી. રસોઈ શો જોયા કરતી.. તેના સાસુ તો મોટેભાગે પ્રભુભજનમાં જ વ્યસ્ત રહેતાં..

તે દિવસે પણ તે સોફા પર બેઠા બેઠા ટીવી જોઈ રહી હતી.. જો કે ટીવીમાં શું ચાલે છે તેમાં તેનું મગજ નહોતું.. ત્યાં જ અચાનક તેને ઉબકા આવા લાગ્યા.. જેવી ઉભી થઇ અને બાથરૂમમાં ગઈ કે ઉપરાઉપરી ઉલ્ટીઓ ચાલુ થઇ ગઈ.. તેની આંખમાં પાણી આવી ગયા.. સતત છાતીમાં પણ દુખાવો થવા લાગ્યો.. ને ચક્કર પણ આવ્યા. પૂજા રૂમમાં બેઠેલા સાસુમાને તે બોલાવવા જતી હતી ત્યાં જ શંકરેશ આવ્યો.. તેની સામે જોયા વગર જ તે બોલવા લાગ્યો,

“શિવતી, ડાર્લિંગ જલ્દી તૈયાર થઇ જા.. આપણે બહાર જવાનું છે.. મારા ઓસ્ટ્રેલિયા વાળા ક્લાઈન્ટ આવ્યા છે તેમની સાથે ફેમીલી લંચમાં જઈશું.. તેમના વાઈફ પણ છે એટલે તારે આવવાનું છે..” શિવતી હજુ તો કંઈ બોલવા જાય એ પહેલા જ પૂજારૂમમાંથી પૂજા કરીને તેના સાસુ ગાયત્રીબહેન બહાર નીકળ્યા.. “અરે અરે શિવતી બેટા.. કેમ તારા ચહેરા પર આટલો બધો થાક દેખાય છે? આંખમાંથી પણ સતત પાણી નીકળે છે.. શું થયું દીકરા?” શિવતીને જોઇને તરત જ તેમણે પૂછ્યું.. આ સાથે જ શંકરેશની નજર પણ શિવતી પર પડી..

“મમી ખબર નહીં.. અચાનક ઉલ્ટીઓ થવા લાગી.. તમને બોલાવવા જ આવતી હતી ત્યાં શંકર આવી ગયા.. શંકરેશ એની પાસે આવ્યો અને બોલ્યો, “શીટ યાર.. આ તારી તબિયત આજે જ બગડવાની હતી.. શિવતી તારે કંઈ કામ તો હોતું નથી તારી જાતનું થોડું પણ ધ્યાન ના રાખી શકે તું? હવે મારા ક્લાઈન્ટને શું જવાબ આપવો મારે બોલ જોઈએ..” કે અચાનક જ શિવતી અને ગાયત્રીબહેનનું મોં જોઈ તેને રીયલાઈઝ થયું કે શિવતી બીમાર છે અને પોતે તેના પર ગુસ્સે થાય છે એટલે અવાજ ધીમો કરી તેની પાસે જઈને બોલ્યો, “જો ને ડાર્લિંગ, તારા માટે હું સ્પેશિયલી શોપિંગ કરવા ગયેલો.. આ ઝારાનું કેટલું સરસ વન પીસ લાવ્યો છું કે અત્યારે તું પહેરી શકે.. આમ જો ને.. બેબી” તેનો હાથ પકડીને આગળ બોલ્યો,

“દવા લઇ લેજે ને.. આવવાની ટ્રાઈ કર ને.. આપણે એકાદ કલાકમાં પાછા આવી જઈશું બસ.. ફેમીલી સાથે આવવાનું ના કહ્યું હોત તો હું તને કહેત પણ ડાર્લિંગ… પણ આ છે ને આપણા બહુ મોટા ક્લાઈન્ટ છે.. ચલ ને ટ્રાઈ તો કર..” ને તેના હાથમાં ઝારાની શોપિંગ બેગ પકડાવીને જેવો શંકરેશ ઉપર જવા આગળ વધ્યો કે ગાયત્રીબહેને તેને એક લાફો મારી દીધો.. “સટાક’ “સાલા.. શરમ આવે છે તને મારો દીકરો કહેતા મને.. તારી પત્નીને ઉલટીઓ થાય છે.. તેની આંખમાંથી સતત પાણી વહે છે.. ઉભા રહેવાની પણ હાલત નથી છતાંય તું એની તબિયતની ખબર પૂછવાને કે એને ડોક્ટર પાસે લઇ જવાને બદલે તારી સાથે આવવાનું કહે છે? આખી જિંદગી હું તારા બાપ માટે શો માટેનું સાધન અને તિજોરીનું ઘરેણું બનીને રહી.. ને હવે તું પણ એ જ કરે છે.. તારા બાપ જેવું જ..

તમારા માટે અમે સ્ત્રીઓ તમારી પત્ની નહીં બસ દેખાવનું એક રમકડું છીએ ને?? આ જ સમજે છે તું અમને? તારા બાપને હું આજ સુધી કંઈ ના કહી શકી.. તને પણ ના રોકી શકી ને તું એના જેવો થઇ ગયો પણ હવે નહીં.. બસ થઇ ગયું..”

ને તરત જ ગાયત્રીબહેન શિવતીને લઈને તેના ઓરડામાં ગયા.. ડોક્ટરને ફોન લગાવ્યો ને તેનો હાથ પકડીને તેની બાજુમાં બેસી રહ્યા.. અંદરથી બંધ દરવાજાને બહારથી શંકરેશ સતત ટકોરા મારતો રહ્યો પરંતુ તેમણે દરવાજો ના ખોલ્યો તે ના જ ખોલ્યો.. જેવા ડોક્ટર આવ્યા કે તેઓ દરવાજો ખોલવા ઉભા થયા.. શંકરેશ બહાર જ ઉભો હતો.. તેનું મોં સાવ વિલાઈ ગયેલું હતું.. પરંતુ તેની દયા ખાવાને બદલે તેઓ તરત દરવાજો બંધ કરીને અંદર આવી ગયા.. “વાહ.. ખુશીના સમાચાર છે ગાયત્રીબહેન.. તમારી વહુ તો મા બનવાની છે… ચાલો પેંડા ખવડાવો..”

શિવતીનું નિદાન કરીને આવેલા ડોક્ટર બોલ્યા કે ગાયત્રીબહેનની આંખમાં હર્ષના આંસુ આવી ગયા… શિવતી પણ આ સાંભળતા જ ખુશ થઇ ગઈ. શંકરેશને આ સમાચાર આપવા ગાયત્રીબહેને ઓરડાનો દરવાજો ખોલ્યો ને જોયું તો બહાર કોઈ નહોતું.. “સાહેબ તો હમણાં જ ગયા.. એમને ફોન આવ્યો એટલે..” ને વળી ગાયત્રીબહેનનો પીતો છટક્યો..!! રાત્રે જ્યારે શંકરેશ અને ગૌરાંગભાઈ ઘરમાં આવ્યા તો બધી લાઈટ્સ બંધ હતી.. “રમા???? ગાયત્રી અને વહુ ક્યાં છે? કેમ બધા ઓરડાની લાઈટ બંધ છે…??”

ગૌરાંગભાઈએ ઘરમાં દાખલ થતા જ કામવાળીને સાદ દઈને પૂછ્યું.. કંઈ જ જવાબ ના મળતા તેઓએ લાઈટ ચાલુ કરી ને જોયું તો હોલનું દ્રશ્ય જોઇને ચોંકી ગયા.. શંકરેશનું મોં પણ અધખુલ્લું રહી ગયું..“આ શું તાયફો માંડ્યો છે?” ગૌરાંગભાઈ બોલ્યા પણ તેમને જવાબ આપવા વાળું કોઈ નહોતું ત્યાં.. ફક્ત પુતળા જ હતા.. શિવતી અને ગાયત્રીબહેનના પુતળા.. પૂઠામાંથી બનાવેલા અદ્લ તેમના જેવા જ લાગતા, તેમના જેવી જ સાડીમાં અને ઘરેણામાં સજ્જ બે પુતળા હતા..

ગૌરાંગભાઈએ તરત જ ગાયત્રીબહેનને ફોન કર્યો.. “બોલો બોલો શેઠ..” “આ શું છે ગાયત્રી? ક્યાં છો તમે બંને? આ શું માંડ્યું છે?” “કંઈ નહીં.. તમને ક્યાં અમારી દરકાર છે!! તમને તો બસ બે દેખાવની પુતળી જોઈતી હતી.. સમાજને બતાવવા. તમારા ઘરમાં પણ સુંદર પત્ની છે તે જ તમારે લોકોને બતાવવું હતું ને તો એ જ છે.. અમારા જેવા સજીવ માણસની તમને કિંમત નહોતી.. આશા રાખું છું કે આ નિર્જીવ પૂતળાની કિંમત કરશો.. હું ને વહુ હવે ત્યાં પાછા નહીં આવીએ.. શિવતી મા બનવાની છે.. તેને તેના રૂપ, ગુણ, બાળક અને તેના “અસ્તિત્વ” સાથે અપનાવે તેવા કોઈ કાબિલ છોકરા સાથે પરણાવીને હું મારા ભોળા શંકરની સેવામાં રત થઇ જઈશ.. ત્યાં પાછી નહીં આવું..

શેઠ.. બહુ સહન કર્યું આખી જિંદગી મેં તો.. પણ મારી વહુને, મારી દીકરીને સહન નહીં કરવા દઉં.. ને હા પત્ની અને વહુ સાથે જ દીકરીને પણ ભૂલી જજો.. એને કેમ્પસ પ્લેસમેન્ટ મળી ગયું છે. બેંગ્લોર જતી રહેશે એ.. તમારા બંનેના ઓછાયાથી દુર.. તમે પૈસાના જ થઈને રહ્યા શેઠ.. પરિવારના ના થઇ શક્યાં..” ને આટલું કહીને ગાયત્રીબહેને ફોન મૂકી દીધો.. તેમની વાત સાંભળી રહેલી શિવતી રડતી હતી.. કદાચ ખુશીના આંસુ હતા તે..!!

ગાયત્રીબહેને પોતે કહેલું કરી બતાવ્યું.. ત્રણ જ મહિનામાં શિવતીના એક સમજુ અને સંસ્કારી છોકરા સાથે લગ્ન કરાવ્યા.. તેના લગ્નમાં આવેલી રાધાવતીને જોઇને શિવતીએ તેને પાસે બોલાવી અને કહ્યું, “મને તો તારાથીય વધુ મારા ભોળનાથ ને વ્રત-ઉપવાસ ફળ્યા છે અલી.. આમ તો જો આવા સાસુમા નસીબદારને જ મળે..” તેની વાતમાં હોંકારો ભણીને રાધાવતીએ બહેનપણીને કાળું ટપકું કરી દીધું..!!!

ગાયત્રીબહેન મુક બનીને મુસ્કાન સાથે પોતાની વહુને-દીકરીને જોઈ રહ્યા.. તેની ખુશીને પોતાનામાં સમાવીને તેનું અસ્તિત્વ પાછુ આપીને તેઓ શિવતીના એ બીજા લગ્નમાં સૌથી વધુ મહાલ્યા…!!!!!!! ખરેખર શ્રાવણ મહિનો ને સોળ સોમવાર શિવતીને ફળ્યા હતા.. આવા સાસુ જો મળ્યા હતા..!!!

લેખક : આયુષી સેલાણી